સહિષ્ણુતા અને સમાધાનની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
September 12, 2022 Leave a comment
સહિષ્ણુતા અને સમાધાનની ભાવના । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
સંસારમાં નિર્દોષ વ્યક્તિઓની સંખ્યા બહુ ઓછી છે. જો કોઈ માણસમાં દસ ગુણોની સરખામણીમાં બે ચાર દોષ હોય તો ચલાવી લેવું જોઈએ. નહિ તો આજકાલનું સામાજિક, આર્થિક, રાજનૈતિક વાતાવરણ જ એવું અસ્વાભાવિક બની ગયું છે કે એના પરિણામે લોકોમાં જાતજાતના દુર્ગુણો અને દોષો સહજ રીતે જ ઉત્પન્ન થઈ જાયછે. એ પરિસ્થિતિમાં સુધારા અને સહયોગની અપેક્ષા રાખનાર સમાધાનની ભાવનાથી કામ લેવાનું જાણતા હોય તે ક્યારેય સફળ થઈ શકતા નથી. જે આપણે વ્યક્તિગત ક્ષેત્રમાં કે સમાજમાં સહયોગની ભાવનાની વૃદ્ધિ કરવી હોય તો લોકોની નિર્બળતાઓ અને ત્રુટિઓને માફ કરવી જ પડશે અને બધાની સાથે સહૃદયતાથી વર્તવું પડશે, જેથી તેઓ આપણા મિત્રો બની રહે અને ધીમે ધીમે આપણી વાતો પર ધ્યાન દઈને પોતાની સુધારણા કરવા માટેસમર્થ બની શકે.
બધાની બુદ્ધિ એકસરખી હોતી નથી. આત્મનિરીક્ષણની કે આત્મપરીક્ષણની ક્ષમતા બધામાં હોતી નથી. સ્વ. ડૉન ટૉમસ કહેતા “આ દુનિયામાં નેવું ટકા અડધા પાગલ છે. અડધા ગાંડા ન પણ હોય તોય એટલું તો નક્કી જ છે કે આત્મ પરીક્ષણની અને વસ્તુસ્થિતિ સમજવાની યોગ્યતા બહુ ઓછા લોકોમાં હોય છે. તેઓ ભાવાવેશ, તરંગો અને સ્વતંત્ર ધારણા અનુસાર પોતપોતાના મત નિર્ધારિત કરે છે. એમાં વિચારશીલતાનું નહિ પણ અંધવિશ્વાસનું બાહુલ્ય જોવા મળે છે. જ્યાં વિચારશીલતાની પ્રધાનતા છે ત્યાં ભૂલ સમજીને એનો સ્વીકાર કરવાની ક્ષમતા હશે. પરંતુ એવા ભાગ્યશાળી લોકો આ ધરતી પર માત્ર આંગળીના વેઢે ગણાય એટલા જછે. મોટા ભાગના તો અસંસ્કૃત માનસના જભર્યા પડ્યા છે. આપણે કામ એવા લોકો પાસેથી જ લેવાનું છે. એવી નીતિ અને કુશળતા ન દાખવીએ તો સારાં પરિણામોની આશા રાખી શકાય નહિ.
જ્યારે તમારે કોઈને એની ભૂલ બતાવવી હોય તો પહેલાં એની સામે સહાનુભૂતિ પ્રગટ કરો. આંટીઘૂંટીવાળી પરિસ્થિતિનાં કારણે એમ કરવા મજબૂર બનવું પડ્યું હશે એમ કહી સાંત્વન આપો. જો એણે જાણીજોઈને પણ ભૂલ કરી હોય તો પણ બધાની વચ્ચે અપમાનિત કરવું બરાબર નથી. કારણ કે પોતે અપરાધી સાબિત ન થાય એટલા માટે એ દુરાગ્રહ કરશે અને ભૂલને ભૂલ સાબિત થવા જ નહિ દે, ઊલટું દુરાગ્રહપૂર્વક એનું સમર્થન કરશે. લડી ઝઘડીને બહુબહુ તો તમે કોઈને ચૂપ કરી શકો પરંતુ તેનાથી એ તમારી વાત માનવા મજબૂર થશે નહિ, ઊલટું એ પોતાના અપમાનનો બદલો લેવા માટે તૈયાર થશે.
“એ સમયની પરિસ્થિતિથી મજબૂર થઈને દબાણવશ કે અન્ય કારણસર એમ કરવું પડ્યું હશે’ એમ કહીને ભૂલનો સ્વીકાર કરાવવો સરળ થઈ પડે છે. આપણે એની ભૂલ બતાવીને પોતાને બુદ્ધિશાળી સાબિત કરીએ છીએ એવી શંકા પણ એના મનમાં ઉદ્દભવવા ન દેશો. જે પ્રકારની ભૂલ એ માણસે કરી છે એવી ભૂલ બીજા પણ કરે છે કે કરી ચૂક્યા છે એવાં ઉદાહરણ આપવાથી એ ભૂલ સ્વીકારવામાં વધુ આનાકાની નહિ કરે. જો તમારા પોતાનાથી કોઈ એવી ભૂલ થઈ હોય તો એ ઉદાહરણ પણ આપી શકાય અને એને નિશ્ચિંત કરી શકાય કે એને નીચા દેખાડવા માટે વાત કહેવામાં આવતી નથી. આવી ચર્ચા બધા લોકોની વચ્ચે કરવા કરતાં એકાંતમાં જ કરવી કારણ કે ત્યાં એને પ્રતિષ્ઠા ઘટવાની બીક નથી હોતી અને સત્ય સુધી પહોંચવાનો આપણો માર્ગ પણ સરળ બની જાય છે.
જેણે ભૂલ કરી હોય એને જાહેરમાં અપરાધી કે પાપી કહેવો હાનિકર્તા છે, કારણ કે એનાથી એની તામસી પ્રકૃતિને પ્રોત્સાહન મળશે. જ્યારે કોઈને અપરાધી પાપી, દુષ્ટ, મૂર્ખ, દુરાત્મા, નાલાયક સાબિત કરવામાં આવે તો શક્ય છે કે એને પોતાના સદ્ગુણો અને સાત્ત્વિક પ્રકૃતિ પરથી વિશ્વાસ ઊઠી જાય અને નિર્લજ્જ બનીને દુર્ગુણી લોકોની પંક્તિમાં જઈને ઊભો રહે અને નીચતાભર્યા કાર્યો કરવા લાગે. તેથી કોઈનો ગુનો થયો હોય તો એને ભૂલના નામે ઓળખવો જ હિતાવહ છે. માટે પાપી કે અપરાધી જેવો કર્ણકટુ શબ્દપ્રયોગ ટાળો. ભૂલને સુધારવાનું સરળ બનાવો. દોષરહિત જીવનની મહત્તા બતાવો. જેણે ભૂલ કરી છે તે પોતે અપવિત્ર અને સુધરવા માટે અસમર્થ છે એમ માની લે છે. તેને હૈયાધારણ આપી ભૂલને નાની બતાવી પ્રોત્સાહન આપી આગળ આવવા પ્રેરવા જોઈએ. કડવા વેણથી કોઈનું દિલ તોડવું સહલું છે, એ કામ મૂર્ખ પણ કરી શકે છે. આપણું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. પ્રેણા આપીને સાચા માર્ગ પર લાવવાનો પ્રયત્ન કઠણ જરૂર છે. તમારી બુદ્ધિને પડકાર ફેંકવામાં આવે છે કે એ કઠણ પ્રયત્ન દ્વારા કામ પાર પાડીને પોતાની મહત્તા સાબિત કરો. તમે આમ કરો, ’
‘તમે તેમ કરો’ હુકમ આપવાની આ રીત સૈન્ય માટે જ યોગ્ય છે. સામાજિક જીવનમાં સૈનિકની જેમ નહિ પણ સહયોગ અને ભાઈચારાના આધારે જ વાત કરવી જોઈએ. એમાં હુકમ આપવાની પદ્ધતિ સફળ થઈ શક્તી નથી. પગાર લેનાર નોકર પણ ઇચ્છે છે કે એને કોઈ મશીન માનવામાં ન આવે, જે કાર્યમાં પોતાની ઇચ્છા ન હોય એ કામ મન વગર કે વેઠ ઉતારતા હોય તેવી રીતે કરવામાં આવે છે. જો એ કામમાં મમત્વ ન ભળ્યું હોય તો પારકું કામ વેઠ ઉતારતા હોય એમ જ કરવામાં આવે છે. હુકમ કરવામાં આપણી લઘુતા દેખાય છે. અને લઘુતા, પરવશતાની વિરુદ્ધ મનમાં વિદ્રોહની ઇચ્છા ઉઠ્યા કરે છે. તમે જોયું હશે કે નાનાં બાળકો પણ હુકમ સાંભળવાનું પસંદ નથી કરતાં. એને અપરાધીની જેમ આજ્ઞાપાલન માટે મજબૂર કરવામાં આવે એ જરા પણ ગમતું નથી હોતું. મોટો થતાં મનુષ્ય લાભ કે ભયના કારણે હુકમ સાંભળે છે પણ તેની આંતરિક ઇચ્છા તેવી નથી હોતી. વિશ્વમાં આજકાલ સ્વતંત્રતાની તીવ્ર માગ છે. સ્વતંત્રતા માટે માનવજાતિ તીવ્ર સંઘર્ષ કરી રહી છે. મોટાંમોટાં બલિદાનો આપી રહી છે. અધ્યાત્મવાદી પણ મુક્તિ ઇચ્છે છે, મુક્તિ કે સ્વતંત્રતા એક જ વસ્તુનાં બે નામ છે. પરાધીનતા કોઈને પણ પસંદ ન હોવાથી બધા એમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હોય છે.
તમે જે પણ કાર્યક્રમ તરફ લોકોને આકર્ષવા માગતા હો એ માટેની તીવ્ર ઇચ્છા એમના મનમાં જાગૃત કરો. નવીન કાર્ય જૂના કાર્યની તુલનામાં વધુ લાભદાયક છે એવો વિશ્વાસ કરાવો. “ઈન્દ્રિય અસંયમ હાનિકારક છે.” એટલું કહેવા માત્રથી કામ નહિ ચાલે. જો કોઈને બ્રહ્મચર્યના પંથે અગ્રેસર કરવા માગતા હો તો એની સામે સ્વસ્થ અને સુંદર બ્રહ્મચર્યનાં ઉદાહરણો પ્રસ્તુત કરો અને એના મનમાં સ્પર્ધા જગાડો કે એ પણ ખીલેલા ગુલાબ જેવું સૌંદર્ય પ્રાપ્ત કરે, શરીરને સુડોળ અને નીરોગી બનાવે. એ લાભો તરફ જેટલા આકર્ષિત કરી શકાશે એટલો જ એ બ્રહ્મચર્ય તરફ દૃઢતાથી આગળ વધશે. કામ કરવું કોઈને પણ નથી ગમતું. બધા ઇચ્છે છે કે મહેનત કર્યા વગર બેઠાંબેઠાં જ જિંદગી પસાર થયા કરે. જ્યારે આકર્ષક ફળ મળવાની આશા બંધાય ત્યારે જ અપ્રિય એવો પરિશ્રમ કરવાની પ્રેરણા મળે છે. જોખમી, ખતરનાક અને દુષ્કર કાર્યો કોઈ વિશેષ લાભ મળવાની અપેક્ષા સાથે જ કરવામાં આવે છે. એટલે આપણે જે કામ માટે બીજાને તૈયાર કરવા માગીએ છીએ, એનાથી ક્યા ક્યા લાભો મળશે એ પણ સમજાવવું જોઈએ. ચોર,વ્યભિચાર, લાંચ વગેરે કામોના લાભ પ્રત્યક્ષ અને મોટા હોય છે, તેથી લોકો એ તરફ સહેલાઈથી ઢળી પડે છે. ઉચ્ચ કોટિના, સાત્ત્વિક, પ્રામાણિકતા,પ્રેમ અને ન્યાયયુક્ત કાર્યોના લાભ એટલા પ્રત્યક્ષ અને તાત્કાલિક મળે એવા નથી હોતા. એમાં શ્રમ પણ વધુ કરવો પડે છે. જો બીજાને આવાં કષ્ટસાધ્ય કાર્યો માટે પ્રવૃત્ત કરવો હોય તો એ કાર્યો દ્વારા પ્રાપ્ત થનારાં સુખો, લાભો અને ઉત્તમ પરિણામોનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. ઉદાહરણ, અનુભવ, તર્ક અને પરિણામ દ્વારા એવી લાભો એ રીતે રજૂ કરો કે સિનેમાના દૃશ્યની જેમ એ બધી વાતો એની આંખો સમક્ષ ખડી થઈ જાય અને હૃદય પર સારી રીતે અંકિત થઈ જાય.
કોઈ કાર્ય કરાવવા માટે તીવ્ર ઈચ્છા જગાડવી અને એ તરફ આકર્ષિત કરવો એ સૌથી પ્રભાવશાળી રીત છે. અમુક કાર્ય સારું છે, અમુક ખોટું છે, અમુક પાપ છે, અમુક પુણ્ય છે, એટલું કહી દેવા માત્રથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. સામાન્ય બુદ્ધિના માણસોમાં ભય અને લોભના કારણે જ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. લાભના લોભથી નિવૃત્તિ થાય છે. જે કાર્ય કરતાં બીજાને તમે રોકવા ઇચ્છતા હો તો એ કાર્ય કરવામાં જે ભય, આપત્તિ, હાનિ, અનિષ્ટ ઉત્પન્ન થવાની આશંકા છે. એને સારી રીતે હૃદયંગમ કરાવો. વેશ્યાગમનની જેને ટેવ છે એ રોકવા માટે એને સીફલીસ જેવા ભયંકર રોગની વાત કરીને, ભયભીત કરીને કુકર્મ કરવાથી રોકી શકાય છે. જાતીય રોગનાં કષ્ટો, બદનામી, ક્રિયાશીલતાનો અંત, ભોગથી વંચિત થઈ જવું, ધન નાશ વગેરે ભય અને આશંકાઓ એ વ્યક્તિના મનમાં ઠસાવી દેવામાં આવે તો એ વ્યક્તિનું કુમાર્ગગમન અટકી જશે એમાં કોઈ શંકા નથી. શિક્ષા કરીને, પ્રતિબંધ લગાડીને કે બળજબરીથી રોકવાને બદલે જો એ માર્ગે જતાં સહેવી પડતી હાનિ અને આશંકાઓનું મૂર્તિમંત ચિત્ર ખડું કરી દેવામાં આવે તો એ પોતે જ એ રસ્તો છોડી દેશે. તમારી સામે જો એક કાર્ય છોડીને બીજું કાર્ય કરાવવાની વાત આવે ત્યારે નવાં કાર્યોથી થતા લાભોનું વિશદ વર્ણન કરીને તે તરફ રસ ઉત્પન્ન કરો તથા જૂનાં કાર્યના નુકસાનનું મૂર્તિમંત ચિત્ર ખડું કરીને ભયભીત કરવાનો પ્રયત્ન કરો. જે લોકો વિવેક અને નિયમથી સમજતા નથી, જેમની ચેતના હજી નિર્બળ છે, એમના ઉપર લોભ અને ભય દ્વારા જ પ્રભાવ પાડવો સંભવ છે. પશુને ઘાસ બતાવીને કે લાઠીનો ભય બતાવીને જ ક્યાંક લઈ જઈ શકાય છે. અલ્પ વિવેકવાળા લોકો સાથે પણ ઉત્તમ કે ઉચિત માર્ગે લઈ જવા માટે આ જ સાધનોનો ઉપયોગ સાર્થક નીવડે છે.
માનવ મનોવૃત્તિનાં એક સુપ્રસિદ્ધ અન્વેષકે ઉત્તમ શિક્ષણ આપ્યું છે, “ જો તમે મધ એકઠું કરવા માગતા હો તો મધપૂડાને ઠોકર ન મારશો.” જે લોકો સાથે સંબંધ જાળવ્યા વગર કામ ન ચાલે, જેમના દ્વારા તમારી આજીવિકા ચાલે છે એવા સંબંધી તથા ગ્રાહકોને અકારણ ગુસ્સો ન કરો. એકાંતમાં અત્યંત શાંતિપૂર્વક નિ-લાભોનો પરિચય કરાવીને ભૂલ કરનારને સહેલાઈથી સમજાવી શકાય છે. તેમાં સુધરવાની સંભાવનાઓ વધી જાય છે.આનાથી ઊલટું બધાની સામે સખત ટીકા કરવાથી દોષોનું નિવારણ થવાનું તો દૂર, વેર, વિરોધ તથા દુરાગ્રહનાં મૂળ મજબૂત થાય છે.
આપ જે કાર્ય બીજા પાસે કરાવવા માગતા હો એ સહેલું છે એવું પ્રતિપાદિત કરો. લોકોને એ વિશ્વાસ કરાવો કે આમાં વધુ સરળતા રહેશે અને મુશ્કેલી ઓછી થઈ જશે. તમે જે કાર્ય માટે કોઈને સંમત કરવા માગતા હો એ કાર્ય સાધારણ મનુષ્ય પણ કરી શકે છે એવી ખાતરી કરાવો. અનેક વ્યક્તિ એ માર્ગે ચાલી ચૂકી છે અને ચાલી રહી છે, એમને એ માર્ગે ચાલવામાં કોઈ મુશ્કેલી પડી નથી એ વાત મનમાં ઠસાવો. યાદ રાખો જ્યાં સરળતા દેખાય છે ત્યાં જ લોકો ઢળે છે. તેથી તમે તમારા કાર્યની સરળતા બતાવો અને સમય સાધનોની પણ ઓછી જરૂર પડશે એવી ખાતરી આપો. જો તમે એ કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું બતાવશો, તેમાં આવનારાં વિઘ્નો અને અવરોધો બતાવશો તો શરીઆતથી જ એની હિંમત તૂટી જશે અને એ કાર્ય માટે તૈયાર થશે નહિ.
તમે પોતે ઓછું બોલો અને બીજાને વધુ બોલવા દો. તમે એક કલાક વાત કરીને એ વ્યક્તિને આકર્ષિત નથી કરી શકતા, જેટલી અડધો કલાક વાત સાંભળીને કરી શકો છો. સારા વક્તા હોવાનું મુખ્ય લક્ષણ છે સારા શ્રોતા બનવું.
બીજામાં તમે જે પણ સદ્ગુણો જુઓ કે સદ્વૃત્તિઓનો વિકાસ થયેલો જુઓ તો એનો વધુ વિકાસ કરવા માટે પ્રોત્સાહન આપો. કરમાઈ ગયેલો અને સૂકો છોડ પણ પાણી મળતાં નવું જીવન પામે છે. એની ગતિવિધિ તરત જ બદલાઈ જાય છે. પ્રશંસાનું જળ પણ આવું જીવનદાયી છે. કરમાઈ ગયેલા અંતઃકરણમાં છોડવા ઊંચા ઊંચા વધવા લાગે છે. વર્ષાઋતુમાં વૃક્ષવેલી વધી જાય છે. મેઘનું આચમન કરીને વનસ્પતિ જગતનું રોમરોમ પ્રફુલ્લિત થઈ ઊઠે છે. વર્ષાઋતુમાં ચારે બાજુ મખમલ જેવી હરિયાળી છવાઈ જાય છે. ઉડ ભૂમિ પણ સુશોભિત થઈ ઊઠે છે. ખડકોનો મેલ ધોવાઈ જવાથી એની સ્વચ્છતા ખીલી ઊઠે છે. તમે પણ જો પ્રશંસા દ્વારા લોકોના કરમાયેલા મનને સીંચવાનું શરૂ કરી દો, કાનના રસ્તે આત્માને અમૃત પાશો તો જે પરોપકારી વરસાદ જેવું જ કામ કરશો.તાવડીની જેમ તપતી ધરતી વર્ષાનું અમૃતપાન કરીને તૃપ્ત થઈ ઊઠેછે. પરોપકાર અને આશીર્વાદના સંમિશ્રણથી અત્યંત શાંતિદાયક હરિયાળી ઉદ્દભવે છે અને વિશ્વની અસાધારણ સૌંદર્યવૃદ્ધિ કરે છે. શું તમને આ કાર્ય પદ્ધતિ પસંદ છે ? જો પસંદ હોય તો તમારી ચારે બાજુ દેખાતાં અસંખ્ય અતૃપ્ત અને અવિકસિત હૃદયોને આપની પ્રોત્સાહનભરી મધુર વાણીથી સીંચવાનું શરૂ કરી દો. તે પ્રફુલ્લ થઈ ઊઠશે. એમના સદ્ગુણો વર્ષાની વનસ્પતિની જેમ તીવ્ર ગતિથી વધવા લાગશે.
આ ખૂબ જ ઉચ્ચકોટિનું પુનિત ધર્મકાર્યછે. એનાથી અંતકરણની ચિર તૃષા તૃપ્ત થાય છે, ઉન્નતિના રુંધાયેલા સ્રોત ખૂલે છે, અવિકસિત સદ્વૃત્તિઓ અંકુરિત થાય છે. પ્રસુપ્ત યોગ્યતાઓ જાગૃત થાય છે અને નિરાશાના અંધકારમાં આશાનો દીપક ફરી ઝગમગી ઊઠે. નિંદા અનેભત્સેનાએ અનેક ઉન્નત મનવાળા લોકોનેનિરાશ, કાયર, ભયભીત અને નકામા બનાવી દીધા છે. આપણે ઘણા એવા લોકો જોયા હશે જેઓ ઉન્નતિશીલ હતા, એમનામાં યોગ્યતાઓ પણ હતી પણ એમનો સંપર્ક દુર્બુદ્ધિપૂર્ણ સંરક્ષકો સાથે હતો. નાનીનાની વાતમાં વઢવું, મૂર્ખ કહેવું, નાલાયકી સાબિત કરવી, અયોગ્યતાનો ફતવો કાઢવો વગેરે એવાં કાર્યો છે, જેના દ્વારા માતાપિતા પોતાનાં બાળકોની, માલિકો નોકરોની શિક્ષકો પોતાના શિષ્યોની આશાકળીને નિર્દયતાથી કચડી નાખે છે. નિરંતર અપમાનિત કરવાથી નથી કોઈ સુધારો થતો નથી ઉન્નતિ થતી. પરિણામ એટલું જ આવે છે કે અપમાનિત વ્યક્તિ પોતાના વિશે નિરાશાજનક ભાવનાઓ ધારણ કરી લે છે, પોતાની જાતને અયોગ્ય માની બેસે છે, એનું મન નિર્બળ બને છે અને ધીમે ધીમે નિર્લજ્જ થઈને અધોગતિ તરફ વળે છે.
જે વ્યક્તિમાં નિરાશ કરવાની, નાના-નાના દોષ કહેવાની, લડી પડવાની, નિંદા કરવાની કે નિરુત્સાહ કરવાની ટેવ છે એ ખરેખર ભયંકર છે. વાઘ જેવાં હિંસક પ્રાણીઓ જેના પર હુમલો કરે છે તેને પલકારામાં ફાડીને ખાઈ જાય છે, પરંતુ નિંદાભ વચનો કહેવાનો જેને અભ્યાસ થઈ ગયો છે, તેની ભયંકરતા વાઘ કરતાં પણ વધારે છે. દુષ્કાળનો દૈત્ય બાળકોનું કાળજું ચૂસીને તેમને હાડપિંજર બનાવી દે છે, તેવી રીતે નિંદાસૂચક વાક્ય પ્રહારોથી અંદર ને અંદર બીજાનું હૃદય ખવાઈ જાય છે. જો આપ પ્રશંસા અને પ્રોત્સાહનની નીતિ અપનાવો છો, તો તેના દ્વારા અનેક વ્યક્તિઓને ઊંચા ઉઠાવવામાં, આગળ વધારવામાં સહાયક બનો છો. બની શકે કે કોઈ ઉદ્યમી વ્યક્તિ તમારા દ્વારા પ્રોત્સાહન પામીને ઉન્નતિના પ્રકાશ પથ પર નીકળી પડે અને એક દિવસ ઊંચી ટોચ પર જઈ પહોંચે. શું તમને એનુ શ્રેય નહિ મળે ? શું એ મહાન કર્મસાધનામાં તમે પુણ્યના ભાગીદાર નહિ બનો ?
પ્રતિભાવો