મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
September 13, 2022 Leave a comment
મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહો । GP-11. સહયોગ અને સહિષ્ણુતા | ગાયત્રી વિદ્યા
સહયોગ અને મૈત્રીભાવ – આ બંને શબ્દો લગભગ એક જ અર્થના સૂચક છે. આપણા મિત્રો જ આપણા સૌથી મોટા સહયોગી હોઈ શકે છે. અન્ય લોકોનો સહયોગ તો જરૂર પડે ત્યારે થોડોક સમય જ મળે છે પણ મિત્રો સાથે નિકટ સંબંધ હોવાથી હંમેશાં સહયોગ મળતો રહે છે. આ વાત આપણે એ રીતે પણ કહી શકીએ કે જેમની સાથે પરસ્પરનો સહયોગ જેટલો ધનિષ્ઠ રહે છે, તેમની સાથે મિત્રતા પણ એટલી જ ઘનિષ્ઠ હોય છે. તેથી સહયોગની અપેક્ષા રાખનારે હંમેશાં પોતાનું મિત્રવર્તુળ વધારતા રહેવું જોઈએ અને મિત્રો સાથે મિત્રતાની વૃદ્ધિ થાય એવો અને મતભેદ ન થાય એવો વ્યવહાર કરવો જોઈએ.
ગુણગ્રાહી મિત્ર ગુણોનો આદર કરે છે. મિત્રના ગુણોનો આદર કરવો અને એ ગુણોની વૃદ્ધિમાં ઉમેરો કરવો એ મિત્રનું કામ છે. પોતાના મિત્રના ગુણોની કદર ન કરનારની મિત્રતા માત્ર નદી નાવ સંયોગ છે. એવી મિત્રતા નભી શકતી નથી. સુખ-દુઃખમાં, સંપત્તિ-વિપત્તિમાં, અધ્યયન અને મનોરંજનમાં સાથે રહેનારા મિત્રોની મિત્રતા ગાઢ બનતી જાય છે. કેટલાય મિત્રો જો કોઈ કામ ન પડે તો મળવાનું સુધ્ધાં છોડી દે છે. એ મોટી ભૂલ છે. મિત્રોએ એકબીજા સાથે સતત મળતા રહેવું જોઈએ. ન મળવાથી મિત્રતા શિથિલ થઈ જાય છે. મિત્રને આર્થિક સામાજિક જેવી બાબતોમાં મદદ કરવામાં જરા પણ હિચકિચાટ ન અનુભવો. મિત્રને મદદ કરી શકો એ અહોભાગ્ય છે. મિત્રને સહાય કરવી એ જેમ મિત્રધર્મમિત્રને કષ્ટ ન આપવું એ પણ મિત્ર ધર્મ છે. સરળ અને સહૃદય જોઈને કોઈને વારંવાર કષ્ટ આપવું ઉચિત નથી, એટલું જ નહિ, પરંતુ મિત્રનો એ ધર્મ છે કે બની શકે ત્યાં સુધી મિત્રને કષ્ટ થાય તેવા પ્રસંગો આવવા ન દે.
કોઈ વખત જો મિત્ર સહાયતા ન કરી શકે તો એનાથી રિસાઈ જવું પણ યોગ્ય નથી. મિત્ર પાસે અયોગ્ય આશા રાખવી એ મૈત્રીનો કેવળ દુરુપયોગ જ છે. આપણે હંમેશાં પોતાની જાતને મિત્રની સ્થિતિમાં મૂકીને જોવી જોઈએ. એ પરિસ્થિતિમાં આપણે મિત્ર માટે શું કરી શકીએ એ વિચારવું જોઈએ. જે કામ આપણે ન કરી શકીએ એની અપેક્ષા મિત્ર પાસે ન રાખવી જોઈએ.
મિત્રતા નિભાવવાની બાબતમાં નીચેનું સુભાષિત પ્રસિદ્ધ છે.
ઇચ્છેચ્ચેદ્વિપલાં મૈત્રી ત્રીણિ તત્ર ન કારયેત્ । વાગ્વાદમર્થ સમ્બન્ધં પરોક્ષે દારભાષણમ્ ॥
અર્થ – “જે ગાઢ મૈત્રી ઇચ્છતો હોય એણે આ ત્રણ બાબતોથી અવશ્ય દૂર રહેવું – વાગ્વાદ (વાદવિવાદ), અર્થ- સંબંધ (પૈસાની બાબત) અને મિત્રની ગેરહાજરીમાં મિત્ર પત્ની સાથે વાતચીત.”
“વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’ આ સુભાષિત સાચું છે, પરંતુ જ્યાં તત્ત્વબોધ માટે વાદવિવાદ થાય છે, ત્યાં જ એ યોગ્ય છે, નહિ તો પોતપોતાની માન્યતાના પ્રતિપાદન માટે જે વાદવિવાદ કરવામાં આવે છે, તે કેવળ નિરર્થક જ નહિ અનેક વાર હાનિકારક પણ હોય છે. કેટલીય વાર શાસ્ત્રાર્થ થતાંથતાં શસ્ત્રાર્થ(લડાઈ) શરૂ થઈ જાય છે. વાદ-વિવાદના જોશમાં કેટલાયને હોશ નથી રહેતા અને એકબીજા પર વાગ્બાણ વરસવા લાગે છે, પરિણામે ઘણીવાર મિત્રોનાં મન ઊંચાં થઈ જતાં હોય છે. કોઈ વાતમાં મિત્રો વચ્ચે મતભેદ હોય તો એ માટે વાદવિવાદ ન કરતાં એકબીજાના મતનો આદર કરવો જોઈએ. જ્યાં મિત્રોને પોતપોતાના મતનો આગ્રહ હોય, એવી ચર્ચા ન થાય એ જહિતાવહ હોય છે.
લેવડદેવડ જેટલી ઓછી, એટલો જ મિત્રપ્રેમ ગાઢ હોય છે. એટલે મિત્રોએ પરસ્પર લેવડ-દેવડ ન કરવી જોઈએ. પૈસા સંબંધમાં મિત્ર જેટલો દૂર હશે, એટલી મિત્રતા વધારે ટકશે.
કેટલાય દેશોમાં મિત્રની ગેરહાજરીમાં મિત્રપત્ની સાથે વાત કરવામાં અશિષ્ટતા ગણાતી નથી. આ બાબતમાં એ દેશોનો અનુભવ ભિન્ન હોઈ શકે છે, પણ આપણા દેશમાં મિત્રની ગેરહાજરીમાં એની પત્ની સાથે વાત ન કરવી એ જ શિષ્ટાચાર છે. મિત્રતા ટકાવવા ઈચ્છતા લોકોએ એકાંતમાં મિત્રપત્ની સાથે વાતચીત ન કરવી જોઈએ. મિત્રની ગેરહાજરીમાં મિત્રપત્ની સાથે, લક્ષ્મણે સીતાજી સાથે કર્યો હતો તેવો જ વ્યવહાર કરવો જોઈએ. લક્ષ્મણે સીતાજીનાં ચરણ સિવાય કોઈ અંગનું દર્શન કર્યું ન હતું. કોઈ પણ પરસ્ત્રી સાથે વાતચીત કરતી વખતે પોતાની દૃષ્ટિતેના પગ પર જ રાખવી જોઈએ.
અનેક મિત્રો એમ માનતા હોય છે કે મિત્રથી કોઈ વાત છુપાવવી નજોઈએ. પણ આ કોઈ નિયમ નથી અને એ આવશ્યક પણ નથી. જે વાત જેને યોગ્ય હોય એ જ વાત જે તે વ્યક્તિને કહેવી જોઈએ, એ જ સામાન્ય નિયમ છે. વાતને પેટમાં ન રાખી શકનાર મિત્રને જો આપણી ગુપ્ત વાત કહી દઈએ તો એ પોતે જ પોતાને છેતરવા બરાબર છે. મિત્રો સાથે વ્યર્થ વાતચીત કરીને પોતાનો અને એમનો સમય નષ્ટ ન કરો. એમ કરવાથી ન કહેવા જેવી વાત કોઈ દિવસ નહિ કહેવાય. નકામી વાતો કર્યા કરનાર લોકો અનેકવાર એવી વાતો કહી નાખતા હોય છે, જેનાથી એમનો ભેદ ખુલી જાય છે અને એમને પસ્તાવું પડે છે. મિત્ર સાથે છળકપટન કરવાં જોઈએ, એનો અર્થ એ નથી કે એમનાથી કોઈ વાત છુપાવવી ન જોઈએ.
મિત્રોએ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ. તે એ છે કે અનેક મિત્રોમાં પરસ્પર કલહ કરાવનાર નિંદાખોર નામના જીવ પેદા થઈ જાય છે. ક્યારેક સાચી, ક્યારેક જૂઠી અને ક્યારેક ‘રાઈનો પર્વત’ બનાવી એકની વાતો બીજાને સંભળાવે છે. આવા લોકોથી મિત્રોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ. એમની વાતો સાંભળીને પોતાની મિત્રતામાં ઝેર ભેળવવાનો અવસર જન આપવો જોઈએ.
સારા મિત્રથી સમૃદ્ધિ પણ સૌભાગ્યવતી બની જાય છે અને આપત્તિકાળે એનાથી ઉપકાર થાય છે. માટે સારા મિત્રોનું અભિવાદન કરો, એમને મદદ કરો, એના માટે પરિશ્રમ કરો અને સંકટ સમયે ઢાલ બનીને ઊભા રહે. એમના સુખે સુખી અને એમના દુ:ખે દુ:ખી રહો. એમની હતાશાની પળોમાં ધીરજ આપ્યા કરો. જો તમે આમ કરી શકશો તો તમે તમારી ફરજ બજાવી ગણાશે.
પ્રતિભાવો