ગાયત્રીનો અગીયારમો અક્ષર ‘દે’ । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 15, 2022 Leave a comment
ગાયત્રીનો અગીયારમો અક્ષર ‘દે’ । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
ગાયત્રી મહામંત્રનો અગિયારમો અક્ષર ‘દે’ આપણને ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો બોધ આપે છેઃ
“દેયાનિ સ્વવશે પુંસા સ્વેન્દ્રિયાણ્યખિલાનિ વૈ । અસંયતાનિ ખાદન્તીન્દ્રિયાણ્યેતાનિ સ્વામિનમ્ ।”
અર્થ – “ આપણી ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. અસંયમિત ઈન્દ્રિયો સ્વામીનો નાશ કરી નાખે છે.’’
ઈન્દ્રિયો આત્માનું ઓજાર છે, સેવક છે. પરમાત્માએ એ એટલા માટે આપી છે કે એમની સહાયતાથી આત્માની આવશ્યકતાઓ પૂરી થાય અને સુખ મળે. બધી ઈન્દ્રિયો બહુ ઉપયોગી છે. એ સૌનું કામ જીવને ઉત્કર્ષ અને આનંદ પ્રાપ્ત કરાવવાનું છે. જો એમનો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્ય નિરંતર જીવનનો મધુર રસ ચાખીને જન્મને સફળ બનાવી શકે છે.
કોઈ પણ ઇન્દ્રિયનો ઉપયોગ પાપ નથી. સાચું તો એ છે કે અંતઃકરણની વિવિધ ક્ષુધાઓ, તૃષ્ણાઓને તૃપ્ત કરવાનું એક ઉત્તમ માધ્યમ ઈન્દ્રિયો છે. જેમ કે પેટની ભૂખતરસને ન છિપાવવાથી શરીરનું સ્વાસ્થ્ય અને સંતુલન બગડી જાય છે, એવી જ રીતે સૂક્ષ્મ શરીરની જ્ઞાનેન્દ્રિયોની ક્ષુધા ઉચિત રીતે તૃપ્ત ન કરવામાં આવે તો આંતરિક ક્ષેત્રનું સંચાલન બગડે છે અને અનેક પ્રકારની માનસિક ગરબડ પેદા થવા માંડે છે.
ઈન્દ્રિયભોગોની બહુધા નિંદા કરવામાં આવે છે. એનું વાસ્તવિક કારણ એ છે કે અનિયંત્રિત ઇન્દ્રિયો સ્વાભાવિક તેમ જ આવશ્યક મર્યાદાનું ઉલ્લંઘન કરીને એટલી સ્વેચ્છાચારી તેમજ લોલુપ બની જાય છે કે એ સ્વાસ્થ્ય અને ધર્મને માટે સંકટ ઉત્પન્ન કરે છે. આજકાલ મોટા ભાગના મનુષ્યો આ રીતે ઈન્દ્રિયોના ગુલામ છે. તેઓ પોતાની વાસના પર કાબૂ નથી રાખતા. બેકાબૂ બનેલી વાસના પોતાના સ્વામીને ખાઈ જાય છે.
એટલા માટે એ પરમ આવશ્યક છે કે ઇન્દ્રિયો આપણા કાબૂમાં રહે. એ પોતાની મનમાની કરીને આપણને ધારે ત્યારે ગમે ત્યાં ઘસડી જઈ ન શકે, પરંતુ જ્યારે આપણે જ આવશ્યકતા અનુભવીએ, જ્યારે આપણો વિવેક નિર્ણય કરે ત્યારે ઉચિત આંતરિક ભૂખને સંતોષવા એમનો ઉપયોગ કરીએ. આ જ ઈન્દ્રિયનિગ્રહ છે. નિગ્રહિત ઈન્દ્રિયોથી વધારે સારો અને સાચો મનુષ્યનો કોઈ મિત્ર નથી તથા અનિયંત્રિત ઇન્દ્રિયોથી વધારે ખરાબ બીજો કોઇ શત્રુ નથી.
પ્રતિભાવો