પ્રલોભનથી હંમેશાં સાવધાન રહો । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 17, 2022 Leave a comment
પ્રલોભનથી હંમેશાં સાવધાન રહો । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
ઈન્દ્રિયોના દુરુપયોગનું મુખ્ય કારણ જાતજાતનાં પ્રલોભન હોય છે. પ્રલોભન એ એવું આકર્ષક મોહચક્ર છે, જેનું કોઈ ચોકકસ સ્વરૂપ, આકાર, સ્થિતિ, અવસ્થા કે નિયમ નથી, પરંતુ આમ છતાં એ વિવિધ રૂપોમાં માનવમાત્રને ઠગવા, પદચ્યુત કરી પથભ્રષ્ટ કરી નાખવા માટે આવે છે. જીવનમાં આવતાં ઘણાં માયાવી પ્રલોભન એટલાં મનમોહક, લોભામણાં અને માદક હોય છે કે ક્ષણભર માટે વિવેકશૂન્ય તથા અદૂરદર્શી બની આપણે ચલિત થઈ જઈએ છીએ. આપણી ચિંતનશીલ સદ્પ્રવૃત્તિઓ પંગુ થઇ જાય છે તથા આપણે વિષયવાસના, આર્થિક લોભ, સ્વાર્થ તથા સંકુચિતતના કારણે પ્રલોભનનો શિકાર બની જઈએ છીએ. છેવટે એનાથી ઉત્પન્ન થનારી હાનિ, કષ્ટ, ત્રુટિઓ, અપમાન તથા અપ્રતિષ્ઠાથી દાઝતા રહીએ છીએ. પ્રલોભન જીવનની મૃગતૃષ્ણા છે, તો બુદ્ધિનો ભ્રમ મોહનું મધુર રૂપ છે.
લાલચનાં અનેક રૂપ છે. કયારેક આપ વિચારો છો કે ‘હું ધનવાન બનું, ઊંચો રહું, મારા ઉપર લક્ષ્મીની કૃપા રહે.’ આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવાના હેતુથી તમે લાંચ, કાળાબજાર, જૂઠ, દગો, કપટ, હિંસા વગેરે આચરીને રૂપિયા હડપ કરો છો. કોન્ટ્રાકટર, ઓવરસીયર, એન્જિનિયર સુધ્ધાં લાંચમાં ભાગ લે છે. રેલવે, પોલીસ, જકાત વગેરે વિભાગોમાં ભ્રષ્ટાચાર આ સ્વાર્થ અને સંકુચિતતાને કારણે ફેલાયેલો છે. ડૉકટર અને વકીલ બીમાર તેમજ અસીલો પાસેથી વધુમાં વધુ ફી વસૂલ કરવા ઇચ્છે છે. બજારમાં ખરાબ માલ આપીને અથવા હલકી ગુણવત્તા ધરાવતી વસ્તુઓની ભેળસેળ કરીને વેપારી ખૂબ લાભ મેળવવા ઈચ્છે છે. નાણાંએ જાણે માનવતાનું શોષણ કરી લીધું છે. એમ લાગે છે કે પ્રલોભનનાં અનેક રૂપ છે –
‘અમુક વ્યકિતની પત્ની મારી પત્ની કરતાં વધુ સુંદર છે. મારે પણ સુંદર પત્ની હોવી જોઈએ. હું તો અમુક અભિનેત્રી જેવી સ્ત્રી સાથે લગ્ન કરીશ.’ અમુક વ્યકિતનું મકાન સુંદર છે. અમુકની પાસે આલીશાન મકાન, મોટર, નોકરચાકર, સુંદર વસ્ત્રો, રાચરચીલું વગેરે છે. હું ઉચિત-અનુચિત કોઈ પણ ઉપાયે વિવિધ વસ્તુઓ તથા સુવિધાઓ પ્રાપ્ત કરું. અમુક માણસ મારાથી ઊંચા પદે આરૂઢ થઇ ગયો. હું પણ છળ-બળના કૌશલથી કે રૂપિયા આપીને આ જ પદ પ્રાપ્ત કરું.
અમુક વ્યક્તિ બહુ સરસ સ્વાદવાળું ભોજન ખાય છે. મીઠાઇ, પૂરી, પકવાન, મેવા, દૂધ, રબડી વગેરે એકએકથી ચઢિયાતી વસ્તુઓ રોજ ખાય છે. હું પણ સારા કે ખરાબ કોઈપણ ઉપાયે આ વસ્તુઓ પ્રાપ્ત કરું. આવું વિચારવાના કારણે તમને જેવું કોઈ સહેજ પ્રલોભન આપે છે કે તમે સમજયા-વિચાર્યા વિના એને તાબે થઇ જાઓ છો. રૂપિયા, કમિશન, છાબડી ભરીને ફળ, મફ્ત સેવા, વિવિધ ભેટો લેવી–આ બધાં પ્રલોભનનાં જ સ્વરૂપ છે. એનો કોઇ આદિ કે અંત નથી. સમુદ્રની લહેરોની જેમ તે આવ્યા જ કરે છે.
નૈતિક દૃષ્ટિએ નબળા ચારિત્રવાળી વ્યકિત સહેલાઈથી પ્રલોભનનો શિકાર બને છે. જેઓ નશામાં આગળ વધેલા છે તેઓ મોટેભાગે વિલાસી ઈચ્છાઓ, સ્વાદલોલુપતા, અનુચિત માગણીઓ વગેરે પ્રલોભનો સામે ઝૂકતા જોવા મળે છે. જેમને દાન, દહેજ, યાત્રાઓ, ભૌતિકતા તથા ટાપટીપનો શોખ છે તેઓ લાલચમાં ફસાય છે. કયારેક કયારેક સહજ સાત્ત્વિક બુદ્ધિવાળા માણસો પણ દૂષિત વાતાવરણના પ્રભાવથી પ્રલોભનોના ચક્કરમાં આવી જાય છે.
બુદ્ધિના ભ્રમના કારણે વિષયોમાં રમણીયતાનો ભાસ થાય છે. બુદ્ધિના ભ્રમનું મુખ્ય કારણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી અવિદ્યા છે. આ અવિદ્યા, ક્ષણિક ભાવાવેશ તથા અદૂરદર્શિતાના કારણે જ આપણને પ્રલોભનમાં રમણીયતાનો મિથ્યા બોધ થાય છે. પ્રલોભનથી તૃપ્તિ થવી તે એક પ્રકારની મૃગતૃષ્ણા માત્ર છે.
પ્રલોભનમાં બે તત્ત્વ કામ કરે છે – ઉત્સુકતા તથા અંતર. ખ્રિસ્તીઓના મત અનુસાર આદિ પુરુષ એડમ(આદમ)નું પતન જ્ઞાનવૃક્ષનું ફળ ચાખવાની ઉત્સુકતાના કારણે જ થયું હતું. એમને આદેશ મળ્યો હતો કે તેઓ બીજાં બધાં વૃક્ષોનાં ફળ ચાખી શકે છે, કેવળ એ જ વૃક્ષથી દૂર રહે. જે બાબત માટે આપણને રોકવામાં આવે છે . એના તરફ આપણે વધુને વધુ આસકત થઈએ છીએ. તેથી આદમને ના પાડવામાં આવેલ ફળ પ્રત્યે ઉત્સુકતા ઉત્પન્ન થઈ. એનાથી પ્રભાવિત થવાના કારણે એ ફળમાં રમણીયતાનો ભાસ થયો. એમણે ચૂપચાપ પ્રલોભન સામે આત્મસમર્પણ કરી દીધું, પરંતુ ઇશ્વરે એમને આની બહુ કડક સજા આપી હતી.
જે પદાર્થ કે ઈન્દ્રિયો તૃપ્ત કરવાનાં વિવિધ સાધન આપણાથી દૂર હોય છે, જેમનો સ્વાદ આપણે ચાખ્યો નથી, એ જ આપણને ન મળવાના કારણે આકર્ષક જણાય છે. વાસ્તવમાં રમણીયતા બાહ્યજગતની કોઈ વસ્તુમાં નથી. એ તો આપણી કલ્પના તથા ઉત્સુકતાની પ્રતિછાયા માત્ર છે. વસ્તુઓને આકર્ષક બનાવનાર આપણું મન છે. જે ક્ષણેક્ષણે વિવિધ વસ્તુઓ પર મોહિત થઈ જાય છે, નવી વસ્તુ તરફ આપણને પરાણે ખેંચી જાય છે. કયારેક એ જીભને ઉત્તેજિત કરી આપણને સ્વાદિષ્ટ વસ્તુઓ તરફ લલચાવે છે, કયારેક કાનને મધુર સંગીત સાંભળવા ખેંચે છે. કદીક આપણી વાસનાને ભડકાવી માદકવૃત્તિઓને ઉત્તેજિત કરી દે છે. મનની કોઈ પણ ગુપ્ત, અતૃપ્ત રહેલી ઈચ્છા પ્રલોભનનું રૂપ ધારણ કરી લે છે. વિવેકનું નિયંત્રણ ઢીલું પડતાં જ મન આપણને અવારનવાર બહેકાવતું ફરે છે અથવા વિવેક પર આવરણ (તમોવૃત્તિ, ઈન્દ્રિયદોષ, બીમારી તથા પ્રમાદનો પડદો) પડ્યું રહેવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આથી આપણે પતન તરફ જઇએ છીએ, આપણું વાતાવરણ ગંદું થઇ જાય છે, આપણે બીજાને દગો દઈએ છીએ, જૂઠું બોલીએ છીએ, ઠગીએ છીએ. વિવેક પર આવરણ રહેવાથી દુષ્ટ પુરુષ વિદ્યાને વિવાદમાં, ધનને અહંકારમાં અને વિલાસમાં તથા બળને પરપીડામાં વાપરે છે, નિર્બળોને હેરાન કરે છે. તેથી મન પર સતર્કતાથી અંતર્દષ્ટિ રાખવી જોઇએ.
જેમ યુદ્ધ કરતી વખતે જાગૃત પહેરેદારે એ ધ્યાન રાખવું પડે છે કે ન જાણે કયારે શત્રુઓનું આક્રમણ થઈ જાય, કયારે કયા રૂપમાં શત્રુ પ્રગટ થઈ જાય. એ જ રીતે મનરૂપી ચંચળ શત્રુ પર તીવ્ર નજર અને વિવેકને જાગૃત રાખવાનું અતિ આવશ્યક છે. જ્યારે મન તમને કોઈ ઇન્દ્રિય સંબંધી પ્રલોભન તરફ ખેંચે ત્યારે એનાથી વિપરીત કાર્ય કરીને એની દુષ્ટતાને રોકવી જોઇએ.
મન બહુ બળવાન શત્રુ છે. વાસના અને કુવિચારનો જાદુ એના પર બહુ ઝડપથી થાય છે. મોટીમોટી સંયમી વ્યકિતઓ વાસનાના ચક્કરમાં આવીને મનને ન રોકી શકવાના કારણે પથભ્રષ્ટ થઈ જાય છે. મનને શુદ્ધ કરવું અત્યંત દુષ્કર કામ છે. એની સાથે યુદ્ધ કરવામાં એક વિચિત્રતા છે. જો યુદ્ધ કરનાર દઢતાથી યુદ્ધમાં સંલગ્ન રહે, પોતાની ઇચ્છાશકિતને મનના વ્યાપારોમાં લગાવી રાખે, તો યુદ્ધમાં સંલગ્ન સૈનિકની શકિત અધિકાધિક વધે છે અને એક દિવસ એ એના પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી લે છે. જો એની ચંચળતામાં સહેજ પણ તણાઈ ગયા તો એ મનુષ્યનું ચારિત્ર, આદર્શ, સંયમ, નૈતિક દઢતા અને ધર્મને તોડીફોડીને બધું નષ્ટભ્રષ્ટ કરી નાખે છે.
મનને દૃઢ નિશ્ચય પર સ્થિર રાખવાથી અને એના પર એકાગ્રતાથી ધ્યાન રાખવાથી મુમુક્ષુની ઇચ્છાશકિત પ્રબળ બને છે. મનનો સ્વભાવ મનુષ્યની ઈચ્છાને અનુકૂળ બની જવાનો છે. એને જે વિષયો તરફ દઢતાથી એકાગ્ર કરવામાં આવશે એ જ કાર્ય કરવા લાગશે. એ નવરું, નિશ્ચેષ્ટ તથા નિષ્ક્રિય બેસવા નથી માગતું. ભલાઈ કે બૂરાઈ ગમે તેના તરફ આકર્ષિત થશે. જો તમે એને શુભ, રચનાત્મક તથા સારાં કાર્યોમાં નહીં જોડી રાખો તો એ બૂરાઇ તરફ જશે. જો તમે એને પુષ્પપુષ્પ પર વિચરણ કરનાર મધુલોભી પતંગિયું બનાવી દેશો, જે રૂપ, રસ અને ગંધ પાછળ ભમે, તો એ અવશ્ય તમને કોઈ ભયંકર સ્થિતિમાં મૂકી દેશે. જો તમે એને નિરંકુશ રાખશો, તો એ રાતદિવસ અસંખ્ય સ્થળોએ ભમતું રહેશે. જો તમે એને શુભ, ઈષ્ટ પદાર્થોના સુવિચારોમાં સ્થિર રાખશો તો એ તમારો સૌથી મોટો મિત્ર બની જશે.
જયારે જયારે પોતાના અંતઃકરણમાં વિષયવાસનાનો પ્રબળ સંઘર્ષ ઉત્પન્ન થાય ત્યારે ત્યારે નીરક્ષીરનો વિવેક કરનારી નિશ્ચયાત્મક બુદ્ધિને જગાડો. મનથી થોડીવાર અલગ રહીને એના વ્યાપારો પર તીવ્ર નજર રાખો. એ કુવિચાર, ગંદું ચિંતન, વાસનાનું તાંડવ, કુકલ્પનાનું ચક્ર તૂટી જશે અને તમે મન સાથે ચલાયમાન નહીં થાઓ. મનના વ્યાપારો સાથે પોતાના આત્માની સમરસતા ન થવા દો. આ અભ્યાસ દ્વારા મને આજ્ઞા કરનાર ન રહેતાં સીધોસાદો આજ્ઞાકારી અનુચર બની જશે.
મન લોભી, મન લાલચી, મન ચંચલ મન ચોર । મન કે મત ચલિયે નહીં, પલક પલક મન ઔર ।।
પ્રમાદમાં ફસાયેલી ઇન્દ્રિયોના સુખમાં સ્થિરતા નથી. ઈન્દ્રિયો સુખદુઃખ રૂપ છે. એ અસ્થિર અને ક્ષણિક છે. આ માનંદ આવરણમાત્ર છે. ઈન્દ્રિયસુખ માટે મનુષ્યને અનેક કુચક્ર રચવાં પડે છે તથા કુટિલ રીતોનો સહારો લેવો પડે છે. એક સુખની લાલસામાં મનુષ્ય વધુને વધુ ગૂંચવાતો, જાય છે. એક ઈન્દ્રિયને તૃપ્ત કરતાં કરતાં મનુષ્ય સાંસારિકતામાં વધારે ને વધારે ફસાતો જાય છે અને અંતે પાપ- યોનિને પ્રાપ્ત થાય છે. જયાં સુધી મન અને ઈન્દ્રિયો પર પૂરેપૂરું નિયંત્રણ નથી હોતું ત્યાં સુધી સુખની આશા રાખવી વ્યર્થ છે. જાત પર નિરંતર કઠોર દૃષ્ટિ રાખો. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણજીએ ગીતામાં આપણને તીક્ષ્ણ નજર રાખવાનો નિર્દેશ કર્યો છે –
અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ્ય ઇતિ મે મતિઃ । વશ્યાત્મના તુ ચતતા શક્યોડવાપ્તુમુપાયતાઃ II (૬/૩૬)
“મનને સંયમિત ન કરનારા પુરુષો દ્વારા યોગ દુષ્પ્રાપ્ય છે. સ્વાધીન મનવાળા પ્રયત્નશીલ પુરુષ દ્વારા જ યોગ પ્રાપ્ત થાય છે, ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે.’’ અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરવામાં બહુ સહાયતા મળે છે. ગીતામાં મનને ભગવાનમાં એકાગ્ર કરવાનો અમૂલ્ય ઉપદેશ છે –
યતો યતો નિશ્ચરતિ મનશ્ચરતચલમસ્થિરમ્ । તતાસ્તતો નિયમ્યૈદદાત્મન્યેવ વશં નયેત્ ॥ (૬/૨૬)
‘આ અસ્થિર અને ચંચળ મન જે જે કારણે સંસારમાં જાય, ત્યાં ત્યાંથી તેને હઠાવીને વારંવાર આત્મામાં જોડો.’
સુખરૂપ દેખાતા વિષયવાસનાના પ્રલોભનમાં કદાપિ ન ફસાઓ. મનથી વિપરીત ચાલો. પરમાત્માનું જે રૂપ આપને વિશેષ આકર્ષક લાગતું હોય, એમાં મન-બુદ્ધિને એકાગ્ર કરવાનો સતત અભ્યાસ કરતા રહો. વૈરાગ્ય અને શુભચિંતનના અભ્યાસથી જ પ્રલોભનમાંથી મુકિત મળી શકે છે.
પ્રતિભાવો