આવેશોથી બચવું આવશ્યક છે। GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 19, 2022 Leave a comment
આવેશોથી બચવું આવશ્યક છે। GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
ઈન્દ્રિયનિગ્રહનો મૂળ મંત્ર પોતાને આવેશોથી બચાવવામાં છે. જે વ્યકિતની અંદર જાતજાતના મનોવેગોનું તોફાન આવ્યા કરે છે તેનું માનસિક સમતોલન સ્થિર નથી રહી શકતું અને એનાથી એ ઈન્દ્રિયોને વશમાં રાખવામાં અસમર્થ થઈ જાય છે. એટલે જે લોકો ઈન્દ્રિયોને સંયમમાં રાખવા ઇચ્છે તેમણે પોતાના મનોવેગો પર પણ હંમેશાં નજર રાખવી જરૂરી છે.
ભૂતકાળની વીતેલી દુ:ખદ ઘટનાઓનું સ્મરણ કરીને કેટલાક મનુષ્યો પોતાને બેચેન બનાવી રાખે છે. કોઈ પ્રિયજનનું મૃત્યુ, પૈસાનું નુકસાન, અપમાન, વિરહ વગેરેની કડવી સ્મૃતિઓને તે ભૂલી શકતા નથી અને સદા માનસિક પીડા ભોગવતા તેમ જ બળતા રહે છે. આ જ રીતે કેટલાય મનુષ્યો ભવિષ્યની મુશ્કેલીઓ હલ કરવાની ચિંતામાં બળ્યા કરે છે. દીકરીના લગ્ન માટે જરૂરી ધન કયાંથી આવશે ? ઘડપણમાં શું ખાઈશું ? છોકરા કુપાત્ર નીકળ્યા, તો પ્રતિષ્ઠા કેવી રીતે જળવાઈ રહેશે ? ગરીબી આવશે તો શું વીતશે ? આટલું ધન એકઠું ન થઈ શકયું તો કેવી દુર્દશા થશે ? અમુક કાર્ય કેવી રીતે પૂરું થશે ? અમુકે સહારો ન આપ્યો કે અમુક આપત્તિ આવી ગઈ, તો ભવિષ્ય અંધકારમય થઇ જશે વગેરે અનેક પ્રકારનાં ભાવિ સંકટોની ચિંતામાં રકત-માંસ સૂકવતા રહે છે. ભૂતકાળનો શોક અને ભવિષ્યનો ભય એટલો ત્રાસદાયક હોય છે કે મસ્તકનો મોટો ભાગ એમાં જ ગૂંચવાયેલો રહે છે. વર્તમાન સમયના પ્રશ્નોને ઉકેલવા અને સામે પડેલા કાર્યને પૂરું કરવા માટે શકિતઓનો બહુ થોડો ભાગ બચે છે. એ વધ્યાધટયા આંશિક મનોબળથી જે થોડુંક કામ થઈ શકે છે એટલા માત્રથી વ્યવસ્થાક્રમ યોગ્ય રીતે નથી ચાલતો. અંતે ગતિઅવરોધ ઉત્પન્ન થવાથી જીવનની અવનતિ થાય છે. આ મૂંઝવણભરી દશામાં આકુળવ્યાકુળ થઈને કેટલાય મનુષ્યો આત્મહત્યા કરી લે છે, પાગલ થઇ જાય છે, ઘરબાર છોડીને ભાગી જાય છે કે દુ: ખદાયી કામ કરી બેસે છે. કેટલાય ઘોર નિરાશાવાદી કે ઘેલા થઈ જાય છે. કેટલાક આ અશાંતિના ભારથી થોડી- વાર છૂટવા માટે સત્યાનાશી પ્રયત્નો કરે છે.
આવેશોથી માનસિક તંતુઓને સદા ઉત્તેજિત રાખવા તે પોતાની જાતને સળગતી મશાલથી સળગાવતા રહેવા જેવું છે. આવેશ જીવનની અસ્વાભાવિક દશા છે. એનાથી શકિતઓનો ભયંકર રીતે નાશ થાય છે. ડૉકટરોએ શોધ્યું છે કે જો મનુષ્ય સાડા ચાર કલાક લગાતાર ક્રોધથી ભરેલો રહે તો લગભગ આઠ ઔંસ લોહી બળી જાય છે અને એક તોલો ઝેરકચોળાથી જેટલું વિષ ઉત્પન્ન થાય છે એટલું વિષ ઉત્પન્ન થઈ જશે. ચિંતામાં વધારો થવાથી હાડકાંઓની અંદર રહેલી મજ્જા સુકાઈ જાય છે. આથી ન્યૂમોનિયા, ઇન્ફલુએન્ઝા જેવા રોગોના આક્રમણનો ભય વધી જાય છે. આવા લોકોનાં હાડકાં વાંકાં વળી જાય છે અને નિયત સ્થાનથી ખસી જાય છે. કાનની પાછળના ભાગનાં, ગળાનાં તથા ખભાનાં હાડકાં જો બહાર ઉપસી આવ્યાં હોય તો કહી શકાય કે એ વ્યકિત ચિંતામાં ધોવાઈ રહી છે. લોભી અને કંજૂસોને કબજિયાતની ફરિયાદ રહ્યા કરે છે અને કાયમ શરદી રહે છે. ભય અને શંકાથી જેમનું કાળજું કાંપે છે એમના શરીરમાં લોહ અને ક્ષારની માત્રા ઘટી જાય છે. વાળ ખરવા અને સફેદ થવા લાગે છે. શોકને કારણે આંખોની જયોતિની ઝાંખપ, સાંધાનું દર્દ, સ્મરણશકિતમાં ઘટાડો, સ્નાયુઓની દુર્બળતા, બહુમૂત્રતા, પથરી જેવા રોગ થઈ જાય છે. ઈર્ષ્યા, દ્વેષ તેમ જ વેરની બળતરાને કારણે ક્ષય, દમ, કુષ્ઠ જેવા રોગ ઉત્પન્ન થતા જોવા મળે છે. એનું કારણ સ્પષ્ટ છે – આ માનસિક આવેશોને કારણે એક પ્રકારનો અંતર્દાહ ઉત્પન્ન થાય છે. અગ્નિ જયાં રહે છે ત્યાં બાળે છે. અંતર્દાહના અગ્નિમાં જીવનનાં ઉપયોગી તત્ત્વો બળતણની જેમ સળગ્યા કરે છે, જેનાથી દેહ અંદરથી ખવાઈ જય છે. જ્યાં અગ્નિ બળે છે ત્યાં પ્રાણવાયુ વપરાય છે અને અંગારવાયુ ઉત્પન્ન થાય છે. અંતર્વાહની પ્રક્રિયાથી પણ ઘણાં ઝેર ઉત્પન્ન થઈ જાય છે, જેના કારણે શરીર જાતજાતના રોગોનું ઘર બની જાય છે અને થોડા સમયમાં જ એટલું સડી-ગળી જાય છે કે જીવાત્માને કસમયે જ એને છોડીને ભાગવા માટે વિવશ થવું પડે છે.
આવેશોનું તોફાન ન શારીરિક સ્વાસ્થ્યને કાયમ રહેવા દે છે કે ન તો માનસિક સ્વાસ્થ્યને. વૈદ્યને નાડી તપાસવાથી કોઈ રોગ ભલે ન જણાય, પરંતુ વસ્તુતઃ આવેશની અવસ્થામાં જીવનની એટલી જ ક્ષતિ થતી રહે છે, જેટલી મોટા મોટા ભયંકર રોગો વખતે થાય છે. એ તો સૌ જાણે છે કે રોગી મનુષ્ય શારીરિક દૃષ્ટિએ એક પ્રકારે અપંગ બની જાય છે. એ ઈચ્છે છે કે કંઈક કામ કરું પણ કંઈ થઈ શકતું નથી. થોડીવાર કામ કરવાથી થાકીને લોથ થઈ જાય છે, કામમાં મન લાગતું નથી. કામ છોડીને સૂઈ જવાની કે કયાંક ચાલ્યા જવાની ઇચ્છા થાય છે. કરે છે કંઈક ને થઈ જાય છે બીજું. થોડીવારના કામમાં ઘણો સમય ખર્ચાઇ જાય છે અને એ પણ સારી રીતે થતું નથી. જયારે નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે ભૂલો પર ભૂલો નીકળે છે. આવેશથી ભરેલો મનુષ્ય અર્ધો પાગલ બની જાય છે. એ કયારેક સાપની જેમ ફૂંકાડા મારે છે, કયારેક વાધની જેમ મોં ફાડીને ખાવા દોડે છે, કયારેક એવો ગરીબ અને કાયર બની જાય છે કે વિલાપ કરવા, રોવા, વિરકત બનવા કે આત્મહત્યા કરવા સિવાય એને કંઈ સૂઝતું નથી. મારા આ આચરણનું ભવિષ્યમાં શું પરિણામ આવશે એ વિચારવામાં એની બુદ્ધિ એકદમ અસમર્થ થઈ જાય છે.
જીવનને ઉત્કર્ષની દિશામાં લઈ જવા માટે એ જરૂરી છે કે વિવેકબુદ્ધિ યોગ્ય રીતે કામ કરે. વિવેકબુદ્ધિની સ્થિરતા માટે માનસિક સ્થિરતાની આવશ્યકતા છે. દર્પણ કે પાણીમાં પ્રતિબિંબ ત્યારે જ સ્થિર દેખાય છે કે જ જયારે તે સ્થિર હોય. જો દર્પણ કે પાણી હાલતું હશે તો એમાં પ્રતિબિંબ પણ સ્થિર નહીં રહે. મસ્તકમાં જયારે ક્રોધનો ઊભરો આવે ત્યારે વિવેક સ્થિર ન રહી શકે. યોગ્ય માર્ગ બતાવનારી બુદ્ધિનો ઉદ્દભવ ત્યારે જ થાય કે જયારે મન શાંત અને સ્થિર હોય. કોઈ કામની ભલાઈ-બૂરાઈ, હાનિ-લાભ, સુવિધા મુશ્કેલી વગેરેની ઠીક ઠીક કલ્પના કરવાની અને અનેક દષ્ટિએ વિચાર કરીને કોઈ અંતિમ નિર્ણય પર પહોંચવાની ક્ષમતા રાખનારો વિવેક ત્યારે જ મસ્તકમાં રહી શકે છે કે જયારે આવેશોની ખિન્નતા ન હોય અને ગુસ્સો કાબૂમાં હોય. જે કાર્ય આગળપાછળનો વિચાર કર્યા વિના શરૂ કરવામાં આવે છે, જોશ અને ઉતાવળમાં વિચાર્યા વિના જે કાર્યોનો આરંભ કરવામાં આવે છે . એમને અધવચ્ચે જ છોડવાં પડે છે.
અધ્યાત્મવિદ્યાના બધા ગ્રંથોમાં ચિત્તવૃત્તિઓને એકાગ્ર કરવા અને મનને વશ કરવાનો ડગલે અને પગલે આદેશ આપ્યો છે. અનેક સાધનાઓ મનને વશ કરવા માટે બતાવવામાં આવી છે. આ મનને વશ કરવું એ બીજું કશું નથી, એ સ્થિરતા જ છે. સુખ-દુ:ખ, લાભ-નુકસાન તથા જય-પરાજયના કારણે ઉત્પન્ન થનારા આવેશોથી બચવું એ જ યોગની સફળતા છે. ગીતા કહે છે :
યં હિ ન વ્યથયન્ત્યતે પુરુષં પુરુષર્ષભ । સમદુ:ખઃ સુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે II (૨-૧૫)
સુખે દુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ । (૨-૩૮)
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહઃ । વીતરાગભયક્રોધ સ્થિતધીર્મુનિરુચ્યતે । (૨-૫૬)
ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ । સ્થિરબુદ્વિરસંમૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ ॥ (૫-૨૦)
અનેક સ્થળોએ સ્થિરતાને યોગની સફળતા દર્શાવી છે. આવેશ સુખપ્રધાન અને દુઃખપ્રધાન બંને પ્રકારના હોય છે. શોક, હાનિ, વિયોગ, રોગ, દંડ, ભય, વિપત્તિ, મૃત્યુ, ક્રોધ, અપમાન, કાયરતા વગેરે હાનિપ્રધાન આવેશ છે. કેટલાક આવેશ લાભપ્રધાન પણ હોય છે, જેમ કે લાભ, સંપત્તિ, મિલન, કુટુંબ, બળ, સત્તા, પદ, ધન, મૈત્રી, વિદ્યા, બુદ્ધિ, કળા વિશેષતા વગેરેને કારણે એક પ્રકારનો નશો ચડે છે. આ પ્રકારની કોઈ સંપત્તિ જયારે મોટી માત્રામાં એકાએક મળી જાય છે ત્યારે તો મનુષ્ય હર્ષોન્મત થઇ જાય છે. એની દશા અર્ધવિહ્વળ જેવી થઈ જાય છે. સુખના લીધે લોકો ફુલ્યા સમાતા નથી. તેઓ કસ્તુરી મૃગની જેમ આમતેમ દોડતા ફરે છે. ચિત્ત બહુ ઊછળવા લાગે છે. જયારે કોઇ સંપત્તિ સ્થાયી રૂપે પ્રાપ્ત થઇ જાય છે ત્યારે એનો અહંકાર ચડે છે. એને એવું લાગે છે કે જાણે પોતે સામાન્ય મનુષ્યો કરતાં સેંકડોગણો મોટો છે. વૈભવના મદમાં એ બડાશો મારતો ફરે છે, બીજાનું અપમાન કરી પોતાની મહત્તાનું પ્રદર્શન કરે છે.
આવા અહંકારના નશામાં મદથી છકી ગયેલા લોકોને પોતાની સ્ટિજ, પોઝીશન, માન, મોટાઈ, વડપણ, સ્વાગત વગેરેની બહુ ચિંતા રહે છે. એટલા માટે દરેક કામમાં બહુ વધારે વ્યર્થ ખર્ચ કરવું પડે છે. એ વ્યર્થ ખર્ચની સામગ્રી મેળવવા માટે અયોગ્ય સાધનો એકઠાં કરવાં પડે છે. અનેક પ્રકારની બૂરાઈ સહેવી પડે છે. આ રીતે એક તો અહંકારના નશાની બળતરા, બીજું એ નશાને જાળવી રાખનારાં સાધનોની ચિંતા બંને પ્રકારની વ્યાકુળતાઓ મનમાં રોકકળ મચાવે છે. દુઃખપ્રધાન આવેશોથી અંતઃકરણમાં જેવી અશાંતિ રહે છે, એવી જ અશાંતિ સુખપ્રધાન આવેશોમાં પણ ઉત્પન્ન થાય છે. આ બંનેથી બચવું આવશ્યક છે. બંનેથી સ્વાસ્થ્ય તેમ જ વિવેકની ક્ષતિ થાય છે. ગીતા વગેરે શાસ્ત્રોમાં એટલા માટે જ બંને પ્રકારના આવેશોથી-દ્વન્દ્વોથી દૂર રહેવાનું ભારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
જીવનને સમુન્નત જોવાની ઈચ્છા રાખનારાઓ માટે એ આવશ્યક છે કે પોતાના સ્વભાવને ગંભીર બનાવે. છીછરાપણું, નાદાની તથા ક્ષુદ્રતાની જેમને આદત પડી જાય છે તેઓ ઊંડાણપૂર્વક કોઈ વિષયમાં વિચારી શકતા નથી. કોઈ વખત મનને ગલીપચી કરવા બાલક્રીડા કરી શકાય, પરંતુ એવો સ્વભાવ ન બનાવી લેવો જોઈએ. આવેશોથી બચવાની ટેવ પાડવી જોઈએ. જેમ સમુદ્રતટ પર આવેલા પર્વતો રોજ અથડાતી સમુદ્રની લહેરોની પરવા નથી કરતા, તે જ રીતે આપણે ઉદ્વેગોની ઉપેક્ષા કરવી જોઈએ. ખેલાડીઓ રમે છે, ઘણીવાર હારે છે, તો ઘણીવાર જીતે છે અને કેટલીયવાર હારતાં હારતાં જીતે છે. ઘણીવાર જીતતાં-જીતતાં હારી પણ જાય છે. કયારેક કેટલાય વખત સુધી હારજીતના ઝૂલામાં ઝૂલ્યા કરે છે, પરંતુ સમજુ ખેલાડી એની અસર મન પર પડવા દેતો નથી. હારવાથી કોઇ માથું ફૂટી કલ્પાંત નથી કરતું અને જીતવાથી કોઈ પોતાને બાદશાહ નથી માની લેતું. હારનારાના મોં પર ક્ષોભયુકત હાસ્ય હોય છે અને જીતનારાના હોઠ પર જે હાસ્ય હોય છે એમાં સફળતાની પ્રસન્નતા ભળેલી હોય છે. આ થોડાક સ્વાભાવિક ભેદ સિવાય બીજું કોઈ વિશેષ અંતર જીતેલા અને હારેલા ખેલાડીમાં જોવા મળતું નથી. વિશ્વના રંગમંચ ઉપર આપણે સૌ ખેલાડીઓ છીએ. રમવામાં જે રસ છે એ રસ બંને ટુકડીને સમાન રૂપે મળે છે. હારજીત તો એ રસની તુલનામાં નગણ્ય ચીજ છે.
પ્રતિભાવો