મનોવૃત્તિઓનો સદુપયોગ। GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 20, 2022 Leave a comment
મનોવૃત્તિઓનો સદુપયોગ। GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
આ પ્રકારના હાનિકારક આવેશોથી મુક્ત રહીને જો મનોવૃત્તિઓનો સદુપયોગ કરવામાં આવે તો એ હાનિ પહોંચાડવાને બદલે હિતકારી જ સિદ્ધ થશે. સર્વથા સંસારત્યાગીઓની વાત જવા દો, પરંતુ મોટા ભાગના મનુષ્યો, જે સંસારમાં રહે છે અને જેમને સારીનરસી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તેમણે બધી મનોવૃત્તિઓ પાસેથી કામ લેવાનું આવશ્યક હોય છે. એટલે જ આપણું કર્તવ્ય એ છે કે પોતાની મનોવૃત્તિઓ અને ઈન્દ્રિયોને સાઘેલી અવસ્થામાં રાખીએ.
મનુષ્યને જે મનોવૃત્તિઓ જન્મથી જ આપવામાં આવી છે તે બધી ઉપયોગી તેમ જ મહત્ત્વપૂર્ણ છે. જો એમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો પ્રત્યેક વ્યકિત અત્યંત સુખશાંતિપૂર્ણ જીવન જીવી શકે છે. આપણે જોઈએ છીએ કે દુર્ભાગ્યવશ લોકો એનો સદુપયોગ કરવાનું નથી જાણતા અને એમને ખરાબ માર્ગે ખર્ચીને પોતાને તેમ જ બીજાને માટે દુ:ખ સર્જે છે.
આપણે જોઈએ છીએ કે ઘણી મનોવૃત્તિઓની સંસારમાં બહુ નિંદા થાય છે. કહેવામાં આવે છે કે આ બાબતો પાપ અને દુઃખનું મૂળ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરેને મન મૂકીને મહેણાં મારવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આને કારણે જ સંસારમાં અનર્થો થઈ રહ્યા છે. આ પ્રકારનાં કથન કેટલી હદ સુધી સાચાં છે એ પાઠક સ્વયં વિચારીને નિર્ણય કરી શકે છે.
જો કામ ખરાબ વસ્તુ છે, ત્યાજય છે, પાપનું મૂળ છે, તો એનો ઉપયોગ ન તો સત્પુરુષોને સ્વીકાર્ય બની શકત અને ન તો ખરાબ બાબતનું સારું પરિણામ મળી શકત, પરંતુ ઈતિહાસ બીજી જ વાત સિદ્ધ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વિવાહિત જીવન વ્યતીત કરે છે; વ્યાસ, અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય ભારદ્વાજ, ચ્યવન વગેરે બધા મુખ્ય ઋષિઓ પત્નીઓ સાથે રહેતા હતા અને સંતાનો ઉત્પન્ન કર્યાં હતાં. દુનિયામાં અસંખ્ય પયગંબર, ઋષિ, અવતાર, મહાત્મા, તપસ્વી તથા વિદ્વાન મહાપુરુષો થયા છે. એ બધા કોઈ ને કોઈ માતાપિતાના સંયોગથી જ ઉત્પન્ન થયા હતા. જો કામસેવન ખરાબ વાત હોય, તો એના દ્વારા ઉત્પન્ન થયેલાં સંતાન પણ ખરાબ હોવાં જોઈએ. ખરાબથી સારાની સૃષ્ટિ કેવી રીતે થઈ શકે ? કાળાશમાંથી સફેદી કેવી રીતે નીકળી શકે ? આ વાતો પર વિચાર કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે કામ સ્વયં કોઈ ખરાબ વસ્તુ નથી. પરમાત્માએ પોતાની સર્વશ્રેષ્ઠ કૃતિ તેવા મનુષ્યમાં કોઈ ખરાબ બાબત નથી રાખી. કામ પણ ખરાબ વસ્તુ નથી.ખરાબ તો કામનો દુરુપયોગ છે. દુરુપયોગ કરવાથી તો અમૃત પણ વિષ બની શકે છે. પેટના સામર્થ્ય કરતાં વધારે અમૃત પીનારાને દુઃખ જ ભોગવવું પડશે.
ક્રોધ ઉપર વિચાર કરો. ક્રોધ એક પ્રકારની ઉત્તેજના છે, જે આક્રમણ કરતા પહેલાં, છલાંગ મારતાં પહેલાં આવવી અત્યંત આવશ્યક છે. લાંબી છલાંગ લગાવતા પહેલાં થોડે દૂરથી દોડીને આવવું જ પડે છે, તો જ લાંબું કૂદી શકાય છે. શાંત ઊભેલી વ્યકિત અચાનક છલાંગ મારવા ચાહે તો એને બહુ ઓછી સફળતા મળશે. પોતાની અંદર પ્રવેશેલા દુર્ગુણો સાથે લડવા માટે એક વિશેષ ઉત્સાહની આવશ્યકતા હોય છે, એ ઉત્સાહ ક્રોધ દ્વારા આવે છે. જો ક્રોધનું તત્ત્વ માનવવૃત્તિમાંથી દૂર કરી દેવામાં આવે, તો બૂરાઈઓનો પ્રતિકાર ન થઈ શકે. રાવણ, કંસ, દુર્યોધન, હિરણ્યકશ્યપ, મહિષાસુર જેવા માટે જો ક્રોધની ભાવના ઉત્પન્ન ન થઈ હોત તો એમનો વિનાશ કેવી રીતે થાત ? ભારતમાં જો અંગ્રેજો વિરુદ્ધ વ્યાપક ક્રોધ ન ભભૂકયો હોત, તો ભારતમાતા આજે સ્વાધીન કેવી રીતે થઈ હોત ? અત્યાચાર વિરુદ્ધ ક્રોધ ન આવતો હોત, તો પરશુરામ કેવી રીતે પોતાનો ફરસો ઉપાડત ? મહારાણી લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જેવાં આદર્શ માનવરત્નોની સૃષ્ટિ કેવી રીતે થાત ? અધર્મની વૃદ્ધિ સામે કોપિત થઈને ભગવાન પાપોનો સંહાર કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે ક્રોધ ખરાબ નથી. ક્રોધનો અયોગ્ય સ્થાને દુરુપયોગ થવો તે ખરાબ છે.
હવે લોભ અંગે વિચારીએ. ઉન્નતિની ઈચ્છાનું નામ જ લોભ છે. સ્વાસ્થ્ય, વિદ્યા, ધન, પ્રતિષ્ઠા, પુણ્ય, સ્વર્ગ, મુક્તિ વગેરેનો લોભ જ મનુષ્યને ક્રિયાશીલ બનાવે છે. જો લોભ ન હોય તો કોઈ પ્રકારની ઈચ્છા જ ઉત્પન્ન ન થાય અને ઈચ્છાના અભાવમાં ઉન્નતિ માટે પ્રયાસ કરવાનું શક્ય ન બને. ફળસ્વરૂપે મનુષ્ય પણ જીવજંતુઓની જેમ ભૂખ અને નિદ્રાને પૂર્ણ કરતાં જીવન સમાપ્ત કરી લેત. લોભ ઉન્નતિનું મૂળ છે. પહેલવાન, વિદ્યાર્થી, વ્યાપારી, ખેડૂત, મજૂર, લોકસેવક, પુણ્યાત્મા, બ્રહ્મચારી, તપસ્વી, દાની, સત્સંગી, યોગી બધા પોતપોતાના દષ્ટિકોણ અનુસાર લોભી છે. એને એ વિષયનો લોભી કહી શકાય. અન્ય લોભની જેમ ધનલોભ પણ ખરાબ નથી. જો ખરાબ હોય તો ભામાશાહનો, જમનાલાલ બજાજનો ધનસંચય પણ ખરાબ કહેવાવો જોઈએ, પરંતુ આપણે જોઈએ છીએ કે એમના ધનસંચય દ્વારા સંસાર પર બહુ મોટો ઉપકાર થયો. ખીન્ન પણ ઘણા એવા ઉદાર પુરુષો થયા છે, જેમણે પોતાના ધનને સત્કાર્યમાં વાપરી પોતાની કમાણીને સાર્થક બનાવી. આવા લોભ અને નિર્લોભતામાં કોઈ અંતર નથી. નિંદા તો એ લોભની કરવામાં આવે છે, જેને કારણે અનીતિપૂર્વક અનુચિત ધનસંચય કરીને તેને વાસનાઓની પૂર્તિ માટે વાપરવામાં આવે છે, ભેગું કરી કરીને અયોગ્ય વારસદાર માટે મૂકી જવામાં આવે છે. લોભનો દુરુપયોગ જ ખરાબ છે. વસ્તુતઃ લોભવૃત્તિની મૂળભૂત રૂપમાં નિંદા ન કરી શકાય.
મોહનું પ્રકરણ પણ આવું જ છે. જો પ્રાણી નિર્મોહી બની જાય, તો માતાઓ પોતાનાં બાળકોને કચરાના ઢગલામાં ફેંકી આવે, કેમ કે આ બાળકોથી એમને કોઈ લાભ તો છે નહીં, ઊલટાની મુશ્કેલી થાય છે. પછી મનુષ્ય એમ પણ વિચારે કે મોટા થયા પછી પોતાનાં સંતાનો પોતાને કોઈ લાભ આપશે, પરંતુ બિચારાં પશુપક્ષી તો એ પણ નથી વિચારતાં. એમનાં સંતાન તો મોટાં થયા પછી એમને ઓળખતાં પણ નથી. પછી સેવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. રક્ષણની બધી ક્રિયાઓ મોહને કારણે થાય છે – શરીરનો મોહ, યશનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ, કર્તવ્યનો મોહ, સ્વર્ગનો મોહ, સાધનસામગ્રીનો મોહ. જો મોહ ન હોય તો નિર્માણ અને ઉત્પાદન ન થાય ને રક્ષણની વ્યવસ્થા પણ ન કરી શકાય. મમતાનો ભાવ ન રહે તો પોતાનું કર્તવ્ય પણ નહીં વિચારી શકાય. પોતાની મુકિત, પોતાનું કલ્યાણ પણ કોણ વિચારી શકશે ? પોતાની સંસ્કૃતિ, પોતાની દેશભકિતને પણ લોકો ભૂલી જશે. એકબીજા તરફનું પ્રેમનું બંધન કાયમ નહીં રહી શકે અને સૌ એકબીજા તરફ ઉદાસીન બની જશે. શું એવું નીરસ જીવન જીવવાનું કોઈ મનુષ્ય પસંદ કરે ખરો ? કદાપિ નહીં. મોહ એક પવિત્ર સાંકળ છે, જે વ્યક્તિને સમષ્ટિ સાથે, વ્યકિતને સમાજ સાથે મજબૂતાઈથી બાંધે છે. જો આ કડી તૂટી જાય, તો વિશ્વમાનવની સુરમ્ય માળાનાં બધાં મોતી આમતેમ વેરાઈને નાશ પામશે. મોહનું અજ્ઞાનમાંથી જન્મેલું રૂપ જ ત્યાજય છે. એના દુરુપયોગની જ નિંદા કરવામાં આવે છે.
આ રીતે મદ, મત્સર, અહંકાર આદિ નિંદિત વૃત્તિઓ વિશે સમજવું જોઈએ. પરમાત્માના પ્રેમમાં ઝૂમવું એ સાત્ત્વિક મદ છે. ક્ષમા કરવી, ભૂલી જવું, અનાવશ્યક વાતોની ઉપેક્ષા કરવી તે એક પ્રકારે મત્સર છે. આત્મજ્ઞાનને, આત્માનુભૂતિને કે આત્મગૌરવને અહંકાર કહી શકાય. આ રૂપમાં આ વૃત્તિઓ નિંદિત નથી. એમની નિંદા ત્યારે કરવામાં આવે છે કે જ્યારે એ સંકીર્ણતાપૂર્વક, તુચ્છ સ્વાર્થ માટે, સ્થૂળ રૂપમાં ઉપયોગમાં લેવાય છે.
માનવ પ્રભુની અદ્ભુત કૃતિ છે, એનામાં અનેક વિશેષતાઓ ભરેલી છે, નિંદનીય વસ્તુ એક પણ નથી. ઈન્દ્રિયો અત્યંત મહત્ત્વપૂર્ણ અંગો છે. એમની સહાયતાથી આપણા આનંદમાં વૃદ્ધિ થાય છે તથા ઉન્નતિમાં સહાયતા મળે છે, પુણ્યપરમાર્થનો લાભ મળે છે, પરંતુ જો આ ઈન્દ્રિયોને ઉચિત રીતે કામમાં લેવાને બદલે એમની બધી શકિત અમર્યાદિત ભોગ ભોગવવામાં ખર્ચી નાખવામાં આવે, તો એનાથી નારા જ થશે, વિપત્તિઓમાં વૃદ્ધિ થશે. આ રીતે કામ, ક્રોધ, મોહ વગેરે મનોવૃત્તિઓ પરમાત્માએ આત્મોન્નત્તિ તથા જીવનની સુવ્યવસ્થા માટે બનાવી છે. એમના સદુપયોગથી આપણે વિકાસના માર્ગ પર અગ્રેસર થઇએ છીએ. એમનો ત્યાગ પૂર્ણરૂપે નથી થઈ શકતો. જે એમનો નાશ કરવાનું કે સંપૂર્ણ ત્યાગ કરવાનું વિચારે છે તેઓ એવું જ વિચારે છે કે આંખ, કાન, હાથ, પગ વગેરે કાપી નાંખવાથી પાપ નહીં લાગે કે માથું કાપી નાંખવાથી ખરાબ વાતોના વિચાર નહીં આવે. આવા પ્રયત્નોને બાળકબુદ્ધિનાં હાસ્યાસ્પદ કૃત્યો જ કહી શકાશે. પ્રભુએ જે શારીરિક અને માનસિક સાધનો આપણને આપ્યાં છે એ તેનાં શ્રેષ્ઠ વરદાન છે, જેના દ્વારા આપણું કલ્યાણ જ થાય છે. વિપત્તિનું કારણ તો આ અવયવોનો દુરુપયોગ છે. આપણે તમામ શારીરિક અને માનસિક અંગો પર પૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ, એમની પાસેથી યોગ્ય કામ લેવું જોઇએ, એમનો સદુપયોગ કરવો જોઈએ. એમ કરવાથી જેમને આજે હલકા માનવામાં આવે છે, શત્રુ માનવામાં આવે છે તેઓ કાલે આપણા મિત્ર બની જાય છે. યાદ રાખો, પ્રભુએ આપણને શ્રેષ્ઠ તત્ત્વોથી બનાવ્યા છે. જો એમનો દુરુપયોગ ન કરવામાં આવે, તો જે કંઈ આપણને મળ્યું છે તે આપણા માટે બધી રીતે શ્રેયસ્કર જ છે. રસાયણશાસ્ત્રી શોધનતથા મારણ કરીને ઝેરમાંથી અમૃતોપમ ઔષધિ બનાવી લે છે. એવી જ રીતે વિવેક દ્વારા આ અમૂલ્ય વૃત્તિઓનો, જેમને સામાન્ય રીતે નિંદિત માનવામાં આવે છે તેમનો જો સદુપયોગ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ પરિણામ ઉત્પન્ન કરનારી બની શકે છે.
પ્રતિભાવો