ઈન્દ્રિયસંયમ અને બ્રહ્મચર્ય વ્રત । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 22, 2022 Leave a comment
ઈન્દ્રિયસંયમ અને બ્રહ્મચર્ય વ્રત । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
બ્રહ્મચર્યવ્રતનો મહિમા સૌ જાણે છે. એની શકિત અમોઘ માનવામાં આવી છે. સંસારમાં જે વ્યકિતઓએ મહાન અને ઉપયોગી કામ કરી બતાવ્યાં છે તેઓ કોઈને કોઈ રૂપમાં બ્રહ્મચર્યના અનુગામી હતા. જેમ અનેક વખત જણાવવામાં આવી ચૂકયું છે કે બ્રહ્મચર્યનો અર્થ એ નથી કે કામવૃત્તિઓનો સર્વથા ત્યાગ કરવામાં આવે. ઉચિત અવસ્થા પ્રાપ્ત થતાં શાસ્ત્રોની મર્યાદા અનુસાર એનો પ્રયોગ કરવો કોઇએ ખરાબ નથી કહ્યો. એટલું જ નહીં,શાસકારોએ તો એ ગૃહસ્થને પણ બ્રહ્મચારી જ બતાવ્યો છે, જે કેવળ પોતાની સ્રી પૂરતો મર્યાદિત રહીને નિયમ પ્રમાણે આચરણ કરે છે.
બ્રહ્મચર્યનું વિશ્લેષણ કરતાં ત્રણ તત્ત્વ મળે છે :
૧. આત્મસંયમ : બ્રહ્મચર્ય ખરેખર શકિતસંયમ જ છે.
૨. સાદાઈ ભોજન, પહેરવેશ તથા જીવનના પ્રત્યેક અંગમાં, દૈનિક જીવનની દરેક વાતમાં યુવકોએ સાદાઈ રાખવાની જરૂર છે. જે લોકો જરૂરિયાતોને વધારવાને જ સભ્યતા માને છે એમની સાથે હું સહમત થતો નથી. સાચી સભ્યતા સાદાઈમાં છે, નહીં કે સંગ્રહમાં.
૩. વિચારશક્તિ બ્રહ્મચર્ય એક આંતરિક શકિત છે. વિચારશકિતનો વિકાસ કઈ રીતે થઈ શકે છે, સાદાઈનું જીવન કેવી રીતે આચરણમાં લાવી શકાય છે તથા આત્મસંયમ કે આત્મશકિત કેવી રીતે વધી શકે છે એ વાતોનું વિવેચન થઈ ગયું છે, તો પણ થોડીક એવી સાધના અને અભ્યાસ છે, જેમનું બ્રહ્મચર્યભાવની વૃદ્ધિ માટે પાલન કરવું આવશ્યક છે.
પ્રાચીન અને આધુનિકમાં જે બહુ મોટો ભેદ છે તે બ્રહ્મચર્ય અને ભોગ સંબંધી છે. વર્તમાન આદર્શોના આંતરિક મહત્ત્વને હું નથી ભૂલતો. આજકાલનાં વૈજ્ઞાનિક વિવેચન, ટીકાત્મક ભાવ તથા રાજનૈતિક સ્વતંત્રતાની ભાવનાઓનો હું અનાદર નથી કરતો, પરંતુ આધુનિક સભ્યતાની આ આંતરિક અને ગૂઢતમ ભાવનાઓ પર આપણી શાળાઓમાં આજકાલ ભાર મૂકવામાં આવતો નથી. ત્યાં તો આધુનિક સભ્યતાનાં બાહ્ય પાસાં, ખોટી ભાવનાઓ અને દુર્ગુણો પર જ નજર રાખવામાં આવે છે. નવયુવકો ભોગ પાછળ દોડે છે. તેઓ ભૂલી જાય છે કે સભ્યતાનો અર્થ જરૂરિયાતોની વૃદ્ધિ કે કામનાઓનો સંગ્રહ નહીં, પરંતુ એની સાદાઈ છે. તેઓ એ નથી સમજતા કે મનુષ્યત્વનો નિયમ આત્મભોગ નહીં, પરંતુ આત્મસંયમ છે. પ્રાચીન ભારતે એ અનુભવ્યું હતું કે મનુષ્ય ભોગવિલાસી જાનવર નથી, પરંતુ એક દિવ્યપુરુષ છે, જે આત્મસંયમ અને આત્મતપસ્યા દ્વારા પોતાની દિવ્યમનુષ્યતાનો અનુભવ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. પ્રાચીન આદર્શ બ્રહ્મચર્ય હતો, વર્તમાન આદર્શ ઘણાની દૃષ્ટિમાં ભોગચ છે. તેઓ આરામપ્રિયતા અને વિલાસિતા ચાહે છે, પરંતુ હિંદુશાસ્રો અનુસાર તપસ્યા જ સભ્યતા અને સૃષ્ટિનો પાયો છે.
પ્રતિભાવો