સંયમ અને સદાચારનો મહિમા । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 23, 2022 Leave a comment
સંયમ અને સદાચારનો મહિમા । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
પોતાના જીવનને શુદ્ધ અને સમૃદ્ધ બનાવવાની સાધના જેમણે કરી છે તેઓ અનુભવથી કહેતા આવ્યા છે કે ‘આહારશુદ્ધો સત્ત્વશુદ્ધિઃ’ આ સૂત્રના બે અર્થ થઈ શકે છે કેમ કે સત્ત્વના બે અર્થ છે – શરીર સંગઠન અને ચારિત્ર્ય. જો આહાર શુદ્ધ હોય એટલે કે સ્વચ્છ, તાજો, પરિપકવ, સુપાચ્ય તથા પ્રમાણયુકત હોય અને એના ઘટક પરંપરાનુકૂળ હોય, તો એના સેવનથી શરીરમાં રકત, મજજા, શુક્ર વગેરે બધા ઘટક શુદ્ધ બને છે. વાત, પિત્ત, કફ વગેરેની સમઅવસ્થા રહે છે અને સપ્તધાતુની પુષ્ટિ થઈને શરીર સુદઢ, કાર્યક્ષમ તથા બધા પ્રકારના આધાત સહન કરવા યોગ્ય બને છે. આવા આરોગ્યની મન પર પણ સારી અસર પડે છે. ‘આહારશુદ્દો સત્ત્વશુદ્ધિ નો બીજો અને વ્યાપક અર્થ એ છે કે આહાર જો પ્રામાણિક હોય, હિંસાશૂન્ય તથા દ્રોહશૂન્ય હોય અને યજ્ઞ, દાન, તપની ફરજો પૂરી કર્યા પછી પ્રાપ્ત કરવામાં આવેલો હોય, તો એનાથી ચારિત્ર્યશુદ્ધિમાં પૂરેપૂરી મદદ મળે છે.
ચારિત્ર્યશુદ્ધિનો આધાર જ આ પ્રકારની આહારશુદ્ધિ પર રહેલો છે. આહારની ચારિત્ર્ય પર આટલી અસર થાય છે, તો વિહારશુદ્ઘિની ચારિત્ર્ય પર કેટલી અસર થઈ શકે છે એનું અનુમાન સહેલાઈથી કરી શકાય છે. જેને આપણે કામવિકાર કહીએ છીએ અથવા લૈંગિક આકર્ષણ કહીએ છીએ એ કેવળ શારીરિક ભાવના નથી. મનુષ્યનો એકેએક ભાગ એમાં ઉત્તેજિત થઈ જાય છે અને પોતપોતાનું કામ કરે છે. એટલે જેમાં શરીર, મન તથા હૃદયની ભાવનાઓ અને આત્મિક નિષ્ઠા એ બધાનો સહયોગ અનિવાર્ય છે, એવી પ્રવૃત્તિનો વિચાર એકાંગી દૃષ્ટિએ ન થવો જોઈએ. જીવનનાં સાર્વભૌમ અને સર્વોત્તમ મૂલ્યોથી જ એનો વિચાર કરવો જોઈએ. આ આચરણમાં શારીરિક પ્રેરણાને વશ થઇને બાકીનાં બધાં તત્ત્વોનું અપમાન કરવામાં આવે છે. એ આચરણથી સમાજદ્રોહ તો થાય જ છે, પરંતુ એનાથી પણ વધુ પોતાના વ્યક્તિત્વનો મહાન દ્રોહ થાય છે.
લોકો જેને વૈવાહિક પ્રેમ કહે છે એનાં ત્રણ પાસાં છે. એક ભોગ સાથે સંબંધ ધરાવે છે, બીજું પ્રજાતંતુ સાથે અને ત્રીજું ભાવનાની ઉત્કટતા સાથે. પ્રથમ પ્રધાનતા શારીરિક છે, બીજી મુખ્યતઃ સામાજિક અને વ્યાપક અર્થમાં આધ્યાત્મિક, જયારે ત્રીજું તત્ત્વ સૌથી વધારે મહત્ત્વનું તથા સાર્વભૌમ છે. એની અસર જ્યારે પહેલાં બે પર પૂરેપૂરી પડે છે ત્યારે એ બંને ઉત્કટ, તૃપ્તિદાયક અને પવિત્ર બને છે.
આ ત્રણ તત્ત્વોમાં પહેલું તત્ત્વ બિલકુલ પાર્થિવ હોવાથી એની સ્વાભાવિક મર્યાદાઓ પણ હોય છે. ભોગથી શરીર ક્ષીણ થાય છે.અતિસેવનથી ભોગશકિત પણ ક્ષીણ થાય છે અને ભોગ પણ નીરસ થઈ જાય છે. ભોગમાં સંયમનું પ્રમાણ જેટલું વધારે હશે એટલી જ વધુ ઉત્કટતા હશે. ભોગમાં સંયમનું તત્ત્વ આવવાથી જ એમાં આધ્યાત્મિકતા આવી શકે છે. સંયમપૂર્ણ ભોગમાં જ નિષ્ઠા અને આધ્યાત્મિકતા ટકી શકે છે. સંયમ અને નિષ્ઠા વિના વૈવાહિક જીવનનું સામાજિક પાસું કૃતાર્થ થઈ શકતું નથી. કેવળ લાભ-હાનિની દૃષ્ટિએ જોવામાં આવે તો વૈવાહિક જીવનનો પરમોત્કર્ષ સંયમ અને અન્યોન્ય નિષ્ઠામાં જ છે. ભોગતત્ત્વ પાર્થિવ છે, એટલે મર્યાદિત છે. ભાવનાતત્ત્વ હાર્દિક અને આત્મિક હોવાથી એના વિકાસની કોઇ મર્યાદા નથી.
આજકાલના લોકો જયારે પણ લૈંગિક નીતિની સ્વચ્છંદતાનો પ્રચાર કરે છે ત્યારે તેઓ ભોગપ્રધાન પાર્થિવ અંશને જ ધ્યાનમાં લે છે. જીવનની એવી ક્ષુદ્ર કલ્પના તેઓ લઈ બેઠા છે કે થોડાક જ દિવસોમાં એમને અનુભવ થઈ જાય છે કે આવી સ્વતંત્રતામાં કોઈ પ્રકારની સિદ્ધિ પણ નથી અને સાચી તૃપ્તિ પણ નથી આવા લોકો જો ઊંચો આદર્શ છોડી દે તો પછી એમનામાં ઉદ્ધારક અસંતોષ પણ નથી બચતો. લગ્ન બાબતમાં કેવળ ભોગસંબંધી વિચાર કરનારા લોકોએ પણ પોતાનો અનુભવ જાહેર કર્યો છે
‘એતત્કામફલ લોકે યત્ દ્વયો: એકચિત્તતા અન્ય ચિત્તકૃતે કામે શવયો ઈવ સંગમઃ ।।’
આ એકચિત્તતા એટલે કે હૃદયની એકતા અથવા સ્નેહગ્રંથિ, અન્યોન્ય નિષ્ઠા અને સંતાન પ્રત્યેની નિષ્ઠા વિના ટકી જ નથી શકતી. વધવાની વાત તો દૂર જરહી.
સંયમ અને નિષ્ઠા જ સામાજિકતાનો સાચો પાયો છે. સંયમથી જે શક્તિ પેદા થાય છે એ જ ચારિત્ર્યનો આધાર છે. જે વ્યક્તિ કહે છે કે હું સંયમ રાખી શકતો નથી, એ ચારિત્ર્યની નાનીમોટી એક પણ પરીક્ષામાં ઉત્તીર્ણ નહીં થઈ શકે. એટલે સંયમ જ ચારિત્ર્યનો મૂળ આધાર છે.
ચારિત્ર્યનો બીજો આધાર છે નિષ્ઠા. વ્યક્તિનું જીવન જીવનની કૃતાર્થ ત્યારે જ થઈ શકે કે જયારે એ સ્વતંત્રતાપૂર્વક સમષ્ટિમાં વિલીન થઈ જાય છે. વ્યકિત સ્વાતંત્ર્ય સંભાળતાં ને સમાજપરાયણતા સિદ્ધ કરવી હોય તો એ અન્યોન્ય નિષ્ઠા વિના થઈ શકતી નથી. અખિલ સમાજ પ્રત્યે એકસરખી અનન્ય નિષ્ઠા ત્યારે જ સિદ્ધ થાય છે કે જયારે મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કરે અથવા વૈવાહિક જીવનનો પરસ્પર દનિષ્ઠાથી પ્રારંભ કરે. અન્યોન્ય નિષ્ઠા જ્યારે આદર્શ સ્થિતિએ પહોંચે છે ત્યારે ત્યાંથી જ સાચી સમાજસેવા શરૂ થાય છે.
અંતે હું એ જ કહેવા માગું છું કે, ‘મન કે જીતે છત હૈ, મન કે હારે હાર.’ જો તમે તમારા મનને વશ કરી લીધું અને એના પર વિવેકનો અંકુશ રાખો, તો તમને સંસારના વ્યવહાર ચલાવવામાં પણ કોઈ મુશ્કેલી નહીં લાગે. વૈરાગ્ય, ત્યાગ, વિરક્તિ, આ મહાતત્ત્વોનો સીધો સંબંધ પોતાના મનોભાવો સાથે છે. તે ભાવનાઓ સંકુચિત હોય, કલુષિત હોય, સ્વાર્થમય હોય તો ચાહે ગમે તેવી ઉત્તમ સાત્ત્વિક સ્થિતિમાં મનુષ્ય કેમ ન રહે,છતાં મનનો વિકાર ત્યાં પણ પાપની-દુરાચારની સૃષ્ટિ રચશે. જયાં ભાવનાઓ ઉદાર અને ઉત્તમ છે ત્યાં અસંબદ્ધ અને અનિષ્ટકારક સ્થિતિમાં પણ મનુષ્ય પુણ્ય તથા પવિત્રતા ઉત્પન્ન કરશે. મહાત્મા ઈમર્સન કહેતા, “મને નર્કમાં મોકલવામાં આવે તો હું ત્યાં પણ મારે માટે સ્વર્ગ બનાવી લઈશ.” વાસ્તવિકતા આ જ છે કે બૂરાઈ-ભલાઇ આપણા મનમાંથી જ ઉત્પન્ન થાય છે. આપણી ઇન્દ્રિયો જ તે ખરાબ માર્ગ પર જાય, તો એની જવાબદારી બીજા કોઈની નથી, બલ્કે પોતાના મનની જ છે. જો આપણું મન સન્માર્ગગામી રહીને ઇન્દ્રિયોને સંયમમાં રાખે, તો સઘળાં સાંસારિક કાર્યો કરતા રહીને પણ આપણે સદ્ગતિના અધિકારી બની શકીએ છીએ.
પ્રતિભાવો