આધ્યાત્મિક પવિત્રતાનો રસ્તો । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
આધ્યાત્મિક પવિત્રતાનો રસ્તો । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
શારીરિક અને માનસિક પવિત્રતાની સાથે આધ્યાત્મિક પવિત્રતા પણ જરૂરી છે, કારણ કે તેના વિના આત્મોન્નતિ શક્ય નથી અને આત્મોન્નતિ તો માનવમાત્રનું પરમલક્ષ્ય છે. આધ્યાત્મિક પવિત્રતા દ્વારા જ માનવીમાં સાચો પ્રેમ, ભક્તિ, દયા, ઉદારતા, પરોપકાર વગેરે જન્મે છે અને દેવત્વનો વિકાસ થઈ શકે છે.
આ સૃષ્ટિ ત્રિગુણમયી છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ- આ ત્રણેથી સંસારના તમામ જડચેતન પદાર્થો ઓતપ્રોત રહે છે. તમોગુણમાં આળસ (અશાંતિ), રજોગુણમાં ક્રિયાશીલતા (ચંચળતા) અને સતોગુણમાં શાંતિ (પવિત્રતા અને અનાસક્ત વ્યવહાર) થાય છે.
સામાન્ય રીતે લોકોમાં તમોગુણ અને રજોગુણ જ વધારે પડતા જોવા મળે છે. આજકાલ સતોગુણ ખૂબ ઓછો દેખાય છે કારણ કે ઉચ્ચ આધ્યાત્મિક સાધનાના ફળ સ્વરૂપે જ સતોગુણનો વિકાસ થાય છે. પવિત્રતા અને કલ્યાણનો ઉદ્દેશ્ય સત્ત્વગુણનો વિકાસ જ છે. સાત્ત્વિકતા જેટલી વધશે એટલો જ માનવી પ૨મલક્ષ્યની નજીક જશે. આનાથી વિરુદ્ધ રજોગુણ વધતાં માનવી લોભ અને ભોગના વિષચક્રમાં ફસાય છે જ્યારે તમોગુણી મનુષ્ય તો તીવ્ર ગતિએ અધઃપતનની ખીણમાં ધસી જાય છે.
તમોગુણપ્રધાન માનવી આળસુ, નવરો અને પરતંત્ર હોય છે. તે દરેક વખતે બીજાની મદદ શોધતો હોય છે. પોતાની શક્તિઓ પર તેને વિશ્વાસ હોતો નથી. આવાને બીજા મદદ શા માટે કરે ? જ્યારે તેને જોઈતી મદદ મળતી નથી ત્યારે તે ખિન્ન થઈ જાય છે અને ક્રોધમાં આવી જાય છે. બીજા પર દોષારોપણ કરી લડ્યાઝઘડ્યા કરે છે. લકવાગ્રસ્ત માનવીની જેમ તેની શક્તિઓ પાંગળી બની જાય છે અને તે સૂનમૂન બેસી રહેવા પ્રેરાય છે. શરીરમાં સ્થૂળ બળ ભલે ઓછુંવત્તું રહે, પણ ચેતના, પ્રાણશક્તિ, આત્મબળ, શૌર્ય, તેજ, ઓજસ વગેરેનો સદંતર અભાવ રહે છે. આવી વ્યક્તિ મોટા ભાગે કાયર, ક્રૂર, આળસુ, તથા અભિમાની હોય છે. તેનાં આચરણ, વિચાર, આહાર, કાર્ય, ઉદ્દેશ્ય વગેરે મલિન હોય છે.
તમોગુણ પશુતાની નિશાની છે. ચોર્યાસી લાખ યોનિઓમાં તમોગુણ જ મુખ્યત્વે હોય છે. તે સંસ્કાર જે માનવીમાં પ્રબળ હોય છે તેને નરપશુ કહેવામાં આવે છે. આ પશુતાથી જ્યારે જીવનની કંઈક પ્રગતિ થાય છે ત્યારે તેનો રજોગુણ વધે છે. ‘તમ’ની સરખામણીએ તેના વિચાર અને કાર્યોમાં રજસની માત્રા વધુ રહે છે.
રજોગુણીમાં ઉત્સાહ વધારે હોય છે. સ્ફૂર્તિ, હોશિયારી, ચાલાકી, સ્વાર્થીપણું, બીજાને ઉલ્લુ બનાવી કામ કઢાવવું વગેરે તેની ખૂબીઓ છે. આવા લોકો વાતોડિયા, પ્રભાવશાળી, સક્રિય, મહેનતુ, ઉદ્યોગ સાહસિક, આશાવાદી અને વિલાસી હોય છે. તેમની ઈન્દ્રિયો ઘણી પ્રબળ હોય છે. સ્વાદિષ્ટ ભોજન, ઠાઠ,ભભકા, વિષયવાસના વગેરેની ઈચ્છા સતત મનમાં રહ્યા કરે છે અને કેટલીકવાર ભોગ અને પરિશ્રમમાં એટલા ગળાડૂબ રહે છે કે પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવી બેસે છે.
ભાઈબંધોનાં ટોળાં, ગપ્પાંબાજી, ખેલતમાશા, નાટક, સિનેમા, ભોગવિલાસ, ઠાઠમાઠ, રોફ, એશઆરામ, વાહવાહ, મોટાઈ, ભૌતિક સંપત્તિ, ધનદોલત વગેરેમાં રોગુણીનું મન ખાસ ચોંટેલું રહે છે. સત્ય અને શિવ તરફ તેમનું ધ્યાન જતું નથી પણ સુંદરમ્ને જોઈને લટ્ટુ થઈ જાય છે. આવા લોકો બહિર્મુખી હોય છે. બહારની વાતો વધારે વિચારે છે, પણ પોતાની આંતરિક દુર્બળતા પર વિચાર કરતા નથી. પોતાની અમૂલ્ય યોગ્યતાઓ, પરિસ્થિતિઓ અને શક્તિઓને બિનજરૂરી, હલકી, છીછરી અને નકામી વાતોમાં વેડફયા કરે છે.
સત્ત્વગુણની વૃદ્ધિ જ્યારે કોઈ માનવીમાં થાય ત્યારે અંતરાત્મામાં ધર્મ, કર્તવ્ય અને પવિત્રતાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ન્યાય અન્યાય, સત્ અસત્, કર્તવ્ય-અકર્તવ્ય, ગાલ-ત્યાજ્યનો ભેદ, સારા-નરસાનો ભેદ સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. તત્ત્વજ્ઞાન, ધર્મ, વિવેક, દૂરદર્શિતા, સરળતા, નમ્રતા અને સજ્જનતાથી તેની દૃષ્ટિ ભરાઈ જાય છે. બીજા સાથે કરુણા, દયા, મૈત્રી, ઉદારતા, સ્નેહ, આત્મીયતા અને સદ્ભાવનાનો સંબંધ રાખે છે. ધનલાલસાને તુચ્છ સમજી તે તપ, સાધના, સ્વાધ્યાય, સત્સંગ, સેવા, દાન અને પ્રભુની શરણાગતિ તરફ આગળ વધે છે.
સાત્ત્વિકતા વધતાં આત્મામાં ખૂબ શાંતિ, સંતોષ, પ્રસન્નતા, પ્રફુલ્લતા અને આનંદ છવાયેલો રહે છે. તેનો પ્રત્યેક વિચાર અને કાર્ય પુણ્ય ભરેલાં હોય છે, જેનાથી નજીકના બધા લોકોને જાણ્યે અજાણ્યે શાંતિ અને પ્રેરણા મળે છે.
તમોગુણ સૌથી હલકટ અવસ્થા છે. રજોગુણ તેનાથી ઊંચી અવસ્થા તો છે, પણ માનવતાથી નીચી છે. સત્ત્વગુણ એ માનવીનો સાચો ધર્મ છે. માનવતાનો નિવાસ સાત્ત્વિકતામાં હોય છે. આત્માને સાત્ત્વિકતા વિના શાંતિ મળતી નથી. જે માણસ જેટલો સત્ત્વગુણી હોય છે એટલો તે પરમાત્માની નજીક છે. આ દૈવીતત્ત્વ મેળવવાથી જીવન ધન્ય બની જાય છે કારણ કે સત્ત્વગુણ જ જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન છે. પવિત્ર જીવનના દરેક પ્રેમીએ પોતાનામાં સાત્ત્વિકતા વધારવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
હકીકતમાં સત્ત્વગુણી જીવન દરેક પ્રકારની પવિત્રતાનું મૂળ છે. એનાથી માનવીમાં શ્રેષ્ઠ ગુણો આવે છે અને તે દરેક પ્રકારનાં હલકટ આચરણોથી દૂર રહી શુદ્ધ અને પવિત્ર બની શકે છે. સાત્ત્વિક માનવી દિનચર્યા, રહેણીકરણી, ખાનપાન, આહારવિહાર બધી વાતોમાં શુદ્ધિનો આગ્રહ રાખે છે, જેના પરિણામે તેના મન, વિચાર અને કર્મમાં અશુદ્ધ ભાવનાઓ, નીચ ભાવનાઓ પ્રવેશી શકતી નથી. તે બધાંના હિતનો વિચાર કરે છે, બીજાને ગમે તેવી વાતો કરે છે અને લોકમાંગલ્ય માટે કામ કરે છે. આવી વ્યક્તિ માનસિક અને આત્મિક પવિત્રતાનો વિચાર જ નથી કરતી, પણ પોતાની ચારે બાજુએ પવિત્રતા તથા શુદ્ધતાના જ વિચાર કરે છે. તે કોઈ ખરાબ કાર્ય કરતો નથી. જેમ હું બીજે લખી ચૂક્યો છું તે પ્રમાણે મન શરીરનો રાજા છે અને મન પર આત્માનું શાસન લાદી શકાય છે. એટલે પવિત્ર જીવનનું વાસ્તવિક ઉદ્ભવસ્થાન આત્મા જ છે. જો આપણે આત્માની શુદ્ધતા અને પવિત્રતાનો ખ્યાલ રાખીશું, તો આપણું બાકીનું જીવન પવિત્રતા તરફ દોરવાશે અને માત્ર સાત્ત્વિક પ્રવૃત્તિમાં જ આત્મા જાગૃત તથા ઉચ્ચ ભાવસંપન્ન રહે છે ગીતામાં કહ્યું છે,
સર્વદ્વારેષુ દેહેડસ્મિન્ પ્રકાશ ઉપજાયતે । જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધ સત્ત્વમિત્યુત II ગીતા ૧૪/૧૧
જ્યારે આ દેહમાં સર્વ (ઈન્દ્રિયોરૂપ) દ્વારોમાં પ્રકાશ અને જ્ઞાન ઊપજે છે ત્યારે સત્ત્વગુણ વધ્યો છે એમ જાણવું.
સત્ત્વાëજાયતે જ્ઞાનં ૨જસો લોભ એવ ચ । પ્રમાદમોહૌ તમસો ભવતોડજ્ઞાનમેવ ચ || ગીતા ૧૪/૧૭
સત્ત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઊપજે છે.
પ્રતિભાવો