ધાર્મિક ઉપવાસ અને આત્માની પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
ધાર્મિક ઉપવાસ અને આત્માની પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
ઉપવાસ દ્વારા માનવીની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તેની બુદ્ધિ અને વિવેક જાગૃત થાય છે. એ જોઈ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ ઉપવાસને ધર્મમાં ખાસ સ્થાન આપ્યું છે. તેનાથી માનવીના માનસિક અને વાસનાજન્ય વિકારો શાંત થઈ જાય છે અને વિવેક તીવ્ર બની જાય છે.
હિન્દુ ધર્મમાં પંદર દિવસે વ્રતનું વિધાન રાખવામા આવ્યું છે. અગિયારસ ઉપરાંત રવિવાર, જુદી જુદી તિથિઓ અને પર્વો પર વ્રત રખાય છે. હિંદુ ધર્મમાં આંતરિક શુદ્ધિ માટે વ્રતને અગત્યનું માનવામાં આવે છે. એટલા માટે તેમાં સંસારના બધા ધર્મો કરતાં વધારે વ્રત રાખવામાં આવ્યાં છે. આપણાં શાસ્ત્રોમાં નિર્જળા અને ચાંદ્રાયણ વગેરે અનેક પ્રકારના બીજા ઉપવાસ પણ છે, કોઈના મૃત્યુ પર ઉપવાસ કરવો એ શોક પ્રદર્શનનું ચિહ્ન છે. સુખમાં કે દુઃખમાં ઉપવાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જૈન ધર્મમાં લાંબા ગાળાના ઉપવાસ પર શ્રદ્ધા છે. જૈન ધર્મ – ગ્રંથોમાં માત્ર જુદા જુદા ટૂંકા ઉપવાસ જ નહીં, પણ લાંબા ગાળાના ઉપવાસોનાં વિધાન પણ છે.જૈનોના ઉપવાસ અઠવાડિયાં કે મહિનાઓ સુધી ચાલે છે. મિસરમાં પ્રાચીનકાળમાં કેટલાંય ધાર્મિક પર્વો પર ઉપવાસ કરવામાં આવતા હતા, પણ તે સામાન્ય લોકો માટે અનિવાર્ય ન હતા.
યહુદીઓ તેમના સાતમા માસના દસમા દિવસે ઉપવાસ કરે છે. તેમના ધર્મમાં તે દિવસે જે લોકો ઉપવાસ કરતા નથી તેઓ સજાને પાત્ર બને છે. તેમણે તે દિવસે સવારથી સાંજ સુધી નિરાહાર રહેવું પડે છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુખ્રિસ્તની પાંચમી સદી પહેલાં મહાત્મા સોક્રેટિસે તે દિવસોમાં યુનાનમાં પ્રચલિત કેટલાય ઉપવાસોનો ઉલ્લેખ કર્યો છે. રોમન જાતિના લોકો ઈસ્ટરનાં ત્રણ અઠવાડિયાં અગાઉ શનિવાર, રવિવાર ઉપરાંત અન્ય દિવસોએ ઉપવાસ કરતા હતા. મહાત્મા ઈસુ ખ્રિસ્તે પોતે એકવાર ૪૦ દિવસ અને ૪૦ રાત્રિ ઉપવાસ કર્યા હતા. યુરોપીય દેશોમાં જ્યારે પાપોનો પ્રભાવ વધ્યો ત્યારે ઉપવાસોને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. મુસલમાનો ૨મજાન માસમાં પોતાના ધર્મગ્રંથો અનુસાર ત્રીસ દિવસ રોજા રાખે છે. સવારમાં બ્રાહ્મમુહૂર્તમાં ભોજન કર્યા પછી સૂર્યાસ્ત બાદ જ રોજા તૂટે છે. કેટલાય બિરાદરો આ ગાળા દરમિયાન પાણી પણ પીતા નથી અને પોતાનું થૂંક પણ ગળતા નથી. ટૂંકમાં બધા મુખ્ય ધર્મોમાં ઉપવાસને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. બધાએ એકી અવાજે તેની ઉપયોગિતા સ્વીકારી છે. ઉપવાસથી શરીર, મન અને આત્મા પર પડતા લાભદાયક પ્રભાવને જોઈને બધાય ધર્મોમાં તેને સ્થાન આપ્યું છે.
આપણા પ્રાચીન ઋષિઓએ ઉપવાસને પોતાની તપશ્ચર્યાનું મુખ્ય અંગ બનાવ્યું હતું. મોટા મોટા ધર્માચાર્યો જાતે ઘણા લાંબા ઉપવાસ કરી પોતાના શિષ્યોને અને ભક્તજનોને તેના લાભ બતાવતા હતા. પોતે ઉપવાસનો આદર્શ બનતા હતા, પણ હાલના સમયમાં જે લોકો ધાર્મિક દૃષ્ટિએ ઉપવાસ કરે છે તેમને અંધશ્રદ્ધાળુ ગણવામાં આવે છે અને તેમની ઠેકડી ઉડાવવામાં આવે છે. લોકો કુદરતી નિયમોથી સાવ અજ્ઞાન બની ગયા છે તે જ આનું કારણ છે. જે લોકો અન્નને જ પ્રાણ સમજે છે તેમની આંખો ખોલવા ઉપવાસના સિદ્ધાંતોનો ફરીથી પ્રચાર થઈ રહ્યો છે.
સંક્ષિપ્તમાં કહીએ તો ઉપવાસના બે મુખ્ય ઉદ્દેશ્ય છે : (૧) શારીરિક સ્વચ્છતા, આંતરિક વિકારો, વિજાતીય દ્રવ્યો, સંચિત વિષાક્ત પદાર્થોના નિરાકરણ માટે અને (૨) આધ્યાત્મિક ઉપયોગ, નૈતિક બુદ્ધિની જાગૃતિ, આત્મિક અને માનસિક શુદ્ધિ. ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે, એટલું જ નહીં, પણ આત્માને પણ પોષણ આપે છે.
પ્રતિભાવો