કામવાસનાના વિકાર । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
કામવાસનાના વિકાર । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
નર અને માદામાં લોહચુંબક જેવું સ્વાભાવિક આકર્ષણ હોવાને લીધે બંને સાથે રહેવાનું પસંદ કરે છે. પશુપક્ષીઓ જેમ જેમ મોટા થતાં જાય છે તેમ તેમ યૌનઆકર્ષણ અનુભવે છે અને સાથે સાથે રહેવા લાગે છે. સારસ, કબૂતર, તેતર, બતક, રાજહંસ વગેરે પક્ષી તેમ જ સિંહ, હરણ, ઘેટાં વગેરે પ્રાણીઓ અને સાપ, મગર જેવા જીવો પણ જોડીમાં જ રહે છે. જે નિયમિત જોડી બનાવવાનું જાણતાં નથી તે પણ સમય સમય પર યૌનઆકર્ષણ અનુસાર આકર્ષાય છે અને વિપરીત યોનિ સાથે રહેવાનું પસંદ કરે છે. સંતાન ઉત્પત્તિનું મૂળકાર્ય પ્રાણીઓ ભૂલી ન જાય એટલા માટે કુદરતે તેમાં એક વિશેષ આનંદ પણ ભર્યો છે. આ રીતે વિકસિત જીવજંતુ જોડામાં રહે છે અને તે પ્રમાણે માનવી પણ રહે છે. આ આકર્ષણને ‘પ્રેમ’ ગણવામાં આવે છે. આ પ્રેમના બંધનથી નર અને માદા સાથે રહે છે. યુવાન પુરુષ લગ્નની ઈચ્છા કરે તે તેનો શારીરિક ધર્મ છે. એમાં નુકસાન કંઈ નથી, લાભ જ છે.
જોડીમાં રહેવું ખરાબ તો નથી, પણ પ્રેમની સ્વાભાવિક શક્તિ અને સમાગમક્રિયાના તત્કાળ આનંદ એ બંને સાત્ત્વિક બાબતોને જ્યારે આપણે કામવાસનાના વિકૃત રૂપમાં ફેરવી નાખીએ છીએ ત્યારે તે શરીર માટે ઘણી ખતરનાક વસ્તુ બની જાય છે. જેવી રીતે ભૂખ લાગવી એ સ્વાભાવિક છે અને સારું ભોજન કરવું પણ સ્વાભાવિક છે, પણ આ કુદરતી ક્રિયાઓને વિકૃત બનાવી જો માનવી ચટાકાવાળો બની જાય, દિવસભર સતત જુદાં જુદાં ભોજનનું જ ચિંતન કરે, થોડી થોડી વારે ભેળપુરી, પકોડી, મીઠાઈ, ખટાશ વગેરે ખાધા કરે, તો આ ટેવો તેનો સર્વનાશ કરે છે. પેટ ખરાબ થવાથી તે બીમાર પડે છે અને રોગોથી પીડાઈ બહુ જલદી મરી જાય છે. આ રીતે યૌનઆકર્ષણની સ્વાભાવિક ક્રિયાને જ્યારે કામાગ્નિના રૂપમાં ફેરવી દેવામાં આવે, તો તે શરીરને બાળી નાખી તેની ભસ્મ બનાવી દેશે. દિવસભર પંખા ચલાવનારી, આખી રાત્રી પ્રકાશ આપનારી અને આપણને સર્વ પ્રકારે સુખ આપનારી વીજળી પણ જ્યારે અયોગ્ય રીતે અચાનક આપણને સ્પર્શે છે ત્યારે એક ઝટકામાં મારી નાખે છે.
કામશક્તિ જીવનશક્તિનું ચિહ્ન છે, પણ તેનો ચોક્કસ સમયે જ ઉપયોગ કરવો જોઈએ કુદરતનો નિયમ છે કે જ્યારે માદાને ગર્ભધારણ કરવાની તીવ્ર ઈચ્છા હોય છે ત્યારે તે નર પાસે જાય છે. આ સ્થિતિ કામતૃપ્તિની મર્યાદાની છે, પણ આજકાલ તો જીભના ચટકા અને ઈન્દ્રિયોની લોલુપતા સંતોષવી જ જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. અમર્યાદ કામોત્તેજન એક પ્રકારનો પ્રત્યક્ષ અગ્નિ છે.કામુકતાના ભાવ ઊઠતાં જ શરીરમાં ગરમી વધી જાય છે,શ્વાસ ગરમ થવા માંડે છે, ચામડીનું તાપમાન વધી જાય છે, લોહીભ્રમણ તીવ્ર બને છે. ગરમીના આ દાહથી કેટલીય ધાતુઓ ઓગળે છે અને સળગે છે. શરીરનાં કેટલાંક સત્ત્વો ઓગળી જઈ પેશાબ વાટે બહાર ફેંકાઈ જાય છે. સામાન્ય રીતે કામુક વ્યક્તિઓનો પેશાબ પીળો હોય છે કારણ કે તેમાં પિત્ત, ક્ષાર, શર્કરા વગેરે ઉપયોગી દ્રવ્યો ભળેલાં હોય છે. ક્યારેક તેમનો પેશાબ વધારે ચિકાશવાળો, ગાઢો તથા સફેદ હોય છે, જેમાં ચરબી, આલ્યુમીન, હાડકાંનું સારતત્ત્વ વગેરે ભળેલાં હોય છે. જયારે વધારે ગરમ પેશાબ આવે છે ત્યારે તેમાં ફોસ્ફરસ અને લોહતત્ત્વ જેવાં અમૂલ્ય તત્ત્વ ભળેલાં હોય છે. આ રીતે કામાગ્નિથી શરીરના રસ ઓગળી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. શરીર માયકાંગલું બની જાય છે. ચામડી, સ્નાયુ, જ્ઞાનતંતુઓ, માંસપેશીઓ અને હાડકાં આ અગ્નિમાં બળ્યા કરે છે અને માનવી સામાન્ય રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પણ ગુમાવી દે છે.
ગરમીને કારણે ચામડી ખરબચડી, પીળી,નિસ્તેજ અને સૂકી બની જાય છે, માણસ સાવ મુડદાલ બની જાય છે. અતિ મૈથુનથી લકવા, એઈડ્સ, સીફીલીસ જેવા યૌન સંબંધી રોગ થાય છે. કામાગ્નિ મગજ માટે સૌથી વધારે ધાતક છે. યાદશક્તિ અને નિર્ણયશક્તિ મંદ પડવા માંડે છે. આવા ખંડેર જેવા મગજમાં ખરાબ-નીચ વિચારોરૂપી ચામાચીડિયાં ભેગાં થવા માંડે છે. નીચ વિચારો માનવીને ઉદ્વેગમાં નાખી દે છે અને ક્યારેક તો તે ઘેરથી નાસી જઈ ભિખારી બની જાય છે, પાગલ બની જાય છે અથવા તો દારૂડિયો બની જાય છે કે આપધાત પણ કરી બેસે છે. કામુકતાનું ચોક્કસ પરિણામ અશક્તિ છે. નબળાઈ પોતાની સાથે ઘણા રોગ લઈને આવે છે. માથું દુ:ખવું, પડખામાં, પાંસળીમાં દુ:ખવું, પગ જકડાઈ જવા, આંખોની રોશની ચાલી જવી, ભૂખ ન લાગવી, ઉદાસીનતા છવાઈ જવી, નિરાશા આવવી, મોં કડવું થઈ જવું, કબજિયાત થઈ જવી, કફ થવો, દાંત દુઃખવા, અનિદ્રા થવી આ બધા રોગો નબળાઈનાં જ બાળબચ્ચાં છે. કોઈ દવા આને મટાડી શકતી નથી. વિકૃત કામવાસના શારીરિક નબળાઈ સાથે ખરાબ રોગો પેદા કરે છે અને શારીરિક પવિત્રતાનો સંપૂર્ણ નાશ કરે છે.
પ્રતિભાવો