ક્રોધનાં ભયંકર પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
ક્રોધનાં ભયંકર પરિણામ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
ડો. અરોલી અને ડો. કેનને અનેક અખતરાઓ બાદ એ જાહેર કર્યું કે ક્રોધને લીધે લોહીમાં એક ઝેરીલી શર્કરા ઉત્પન્ન થાય છે. આ શર્કરા પાચનશક્તિ બગાડવામાં ભયંકર ભાગ ભજવે છે. ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના સ્વાસ્થ્ય નિરીક્ષક ડો. હેમન ગર્ગે પોતાના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે, “ આ વર્ષે પરીક્ષામાં નપાસ થનારા વિદ્યાર્થીઓમાં મોટા ભાગના ચીઢિયા સ્વભાવના હતા.’ પાગલખાનાંના અહેવાલ બતાવે છે કે “ ક્રોધથી ઉત્પન્ન થતા માનસિક રોગોએ અનેક તંદુરસ્ત લોકોને પાગલ બનાવી દીધા.’ ડો. જે. એસ્ટરનું કહેવું છે, “ પંદર મિનિટ ક્રોધ કરવામાં જેટલી શક્તિ ખર્ચાય છે તેટલી શક્તિ વડે સાડા નવ કલાક મહેનત કરી શકાય છે.” બાઈબલનું કથન છે,‘‘ ક્રોધ સાથે સૂવું એ પડખામાં ઝેરી સાપ લઈને સૂવા બરાબર છે.’’ સાચે જ ક્રોધની ભયાનકતા દરેક રીતે વધારે છે.
આ ભયાનક રાક્ષસ શરીર અને મન પર જે ખરાબ અસર પાડે છે તે જીવનને સંપૂર્ણ અસફળ બનાવી દે છે. અશાંતિ, આશંકા અને આવેશ તેને ઘેરી લે છે. આજુબાજુના પડોશીઓની નજરમાં વ્યક્તિ ધૃણાપાત્ર બને છે. ઘરમાં કજિયાકંકાસ થતા રહે છે. પ્રસિદ્ધ દાર્શનિક સીનાનું કહેવું છે, ક્રોધ દારૂની જેમ માનવીને વિચારશૂન્ય, દુર્બળ અને પક્ષાઘાતની જેમ શક્તિહીન બનાવી દે છે.” ખરાબ દશાની જેમ તે જેની પાછળ પડે છે તેનો સર્વનાશ કરે છે. ડો. પુરણચંદ ખત્રીનું કહેવું છે કે ક્રોધરૂપી માનસિક રોગ શરીરના કોઈપણ રોગ કરતાં ઓછો ભયાનક નથી. દમ,યકૃતવૃદ્ધિ વગેરે રોગ જે રીતે માનવીને નીચોવી નીચોવીને મારી નાખે તે રીતે ક્રોધ અસર કરે છે. થોડાક દિવસોમાં જ ક્રોધથી શરીરમાં કેટલાક પ્રકારનાં ઝેર ઉત્પન્ન થાય છે, જેનાથી શરીરની અંદરના અવયવોની કાર્યક્ષમતા ક્ષીણ થતી જાય છે.
ન્યૂયોર્કના વૈજ્ઞાનિકોએ પરીક્ષણ માટે ગુસ્સામાં આવેલા માનવીના શરીરમાંથી થોડું લોહી લઈ સસલાના શરીરમાં દાખલ કર્યું. પરિણામ સ્વરૂપે બાવીસ મિનિટ પછી સસલું માણસોને કરડવા દોડ્યું. પિસ્તાલીસમી મિનિટે તે પોતાને બચકાં ભરવા લાગ્યું અને એક ક્લાકમાં પગ પછાડી પછાડીને મરી ગયું. ક્રોધથી ઉત્પન્ન થતી ઝેરીલી શર્કરા લોહીને સાવ ઝેરી બનાવી દે છે. આ અશુદ્ધિને લીધે ચહેરા સહિત આખું શરીર પીળું પડી જાય છે. પાચનશક્તિ બગડી જાય છે, નસો ખેંચાય છે તેમજ ગરમી વધી જાય છે. માથું ભમી જવું, કમરમાં દર્દ, પેશાબ પીળો પડી જવો, આંખે અંધારાં આવવાં વગેરે ક્રોધનાં જ પરિણામો છે. આ સિવાય બીજાં કેટલાય દરદો થયા કરે છે અને દિવસે દિવસે શરીર ક્ષીણ થતું જાય છે અને અલ્પકાળમાં જ માનવી સાવ કમજોર થઈ જાય છે.
ક્રોધ એક ભયંકર ઝેરીલો સાપ છે. જેણે આ સાપ પાળ્યોપોષ્યો છે તેને માત્ર ભગવાન જ બચાવી શકે છે. એક પ્રાચીન નીતિશાસ્ત્રનું કથન છે, ‘‘ જેણે ક્રોધનો અગ્નિ પોતાના હૃદયમાં સળગતો રાખ્યો છે તેને ચિતાની શી જરૂર ? ’’ તેનો અર્થ એ છે કે આવી વ્યક્તિ ચિતા વિના જ બળી જશે.જેને ક્રોધની બીમારી નથી તેણે ક્રોધ ઘૂસી ન જાય તે માટે સાવધ રહેવું જોઈએ અને જેઓ ક્રોધની ચુંગાલમાં ફસાયેલા છે તેમણે તેનો પીછો છોડાવવા પ્રયત્ન કરવો જોઈએ.
સામાન્ય રીતે આપણું વ્યર્થ અભિમાન કે અજ્ઞાન એ ક્રોધનું કારણ હોય છે. ‘‘ દરેક જણે મારો હુકમ કે મારી વાત માનવી જોઈએ.’’ એવી ખરાબ ભાવનાને લીધે ક્રોધ ભભૂકેલો રહે છે. એટલા માટે હંમેશાં આપણે વાસ્તવિક સ્થિતિ પર વિચાર કરી મનને શાંત કરવાનો અભ્યાસ કરવો જોઈએ. ‘‘ મારા દુશ્મન એવા ક્રોધને મારી પાસે ફરકવા પણ નહીં દઉં’” એવી પ્રતિજ્ઞા કરો. બની શકે તો આ શબ્દો મોટા અક્ષરે લખી જ્યાં આખો દિવસ તમારી નજર રહેતી હોય તેવી જગ્યાએ લગાવી દો. જ્યારે ક્રોધ આવે ત્યારે પ્રતિજ્ઞા યાદ કરવી જોઈએ અને સજાના રૂપમાં પોતાના ગાલ ૫૨ બેત્રણ જોરદાર તમાચા મારી દેવા જોઈએ અથવા તીક્ષ્ણ ચૂંટી ખણી લેવી જોઈએ અને થોડો સમય શાંત બેસી રહેવું જોઈએ.ક્રોધના સમયે ઠંડા પાણીનો એક પ્યાલો પીવો એ આયુર્વેદિક ચિકિત્સા છે. તેનાથી મગજ અને શરીરની વધેલી ગરમી શાંત થઈ જાય છે. એક વિદ્વાનનો મત એવો છે કે જે સ્થળે ક્રોધ આવે તે સ્થળ તત્કાળ છોડી દઈ કોઈ કામમાં પરોવાઈ જવું જોઈએ. મનની દશા બદલાતાં ઠંડક વળશે. એક યોગના અભ્યાસીનું કહેવું છે, ‘‘ ક્રોધ આવતાં જ ગાયત્રી મંત્રનું રટણ કરવું એ અનુભવસિદ્ધ સાચો પ્રયોગ છે.’ આ ઉપાયોથી આપ ક્રોધને ભગાડી આપના મનને પવિત્ર કરી શકશો.
પ્રતિભાવો