લોભથી જીવન નાશ પામે છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
લોભથી જીવન નાશ પામે છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
સતત કંજૂસાઈ, સંકુચિતતા અને ધન ભેગું કરતા રહેવાના વિચાર મગજમાં આવે છે તો થોડા સમય બાદ તે ટેવનું રૂપ ધારણ કરી લે છે. બહુ સંપત્તિ એકઠી કરવી અને ખર્ચ વખતે બિનજરૂરી કંજૂસાઈ બતાવવી તેને લોભ કહે છે. લોભની વિચારધારા જ્યારે સુષુપ્ત મન પર અસર કરે છે ત્યારે સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. રૂપિયા, પૈસા હકીકતે એક ભોગવવાની ચીજ છે. જ્ઞાની પુરુષો તેને હાથનો મેલ ગણાવે છે. ધનનો સદુપયોગ એ ધનસંચયનો સાચો આશય છે. જેવી રીતે પાણી પીવાની વસ્તુ છે. પીવાનો ઉપયોગ કરવામાં જ આનંદ છે. જે બિનજરૂરી પાણી એકઠું કરે છે તે સારું કામ કરતો નથી. ભેગું કરેલું પાણી થોડા દિવસોમાં ગંધાશે અને ચારે બાજુએ ગંદકી પેદા કરશે. શરીર અને મનનો સ્વાભાવિક ધર્મ એ છે કે તે જે લે છે તેનો ત્યાગ પણ કરે છે. મનમાં એક પ્રકારના વિચારો આવે છે તો બીજા પ્રકારના વિચારો જાય છે.
મનમાં જુદા જુદા વિચારો પ્રત્યેક ઘડીએ આવતા રહેવાની યોજના પરમાત્માએ બહુ સમજી વિચારીને બનાવી છે. આમ થવાથી વહેતી નદીના પાણીની જેમ મન નિર્મળ રહે છે. જો એક જ પ્રકારના વિચારો કરવામાં આવે અને તે વિચારો હલકટ હોય તો માનવી ભયંકર આપત્તિમાં આવી શકે છે. આકર્ષણના વિશ્વવ્યાપી નિયમ પ્રમાણે એટલા બધા એક સરખા વિચારો માનવીના મનમાં એકઠા થતાં તે ડરી જાય છે, માંદો પડી જાય છે અથવા મરી જાય છે. લોભી માનવી હરહંમેશ ધનનું ચિંતન કર્યા કરે છે. વધુને વધુ પૈસા એકઠા કરવાની ચિંતા જ થયા કરે છે અને તે “હાથના મેલ ’” થી છુટકારો મેળવવાને બદલે તેનો સંચય કરવાનું કુદરત વિરુદ્ધનું કાર્ય કરવા પ્રેરાય છે.
આની અસર ગુપ્ત મન પર થાય છે. વાચકો એ તો જાણે જ છે કે શરીરની શ્વાસોચ્છવાસ, રુધિરાભિસરણ, પાચનતંત્ર,મળવિસર્જન વગેરે દૈનિક ક્રિયાઓ સુષુપ્ત મનથી થાય છે. આપણું ચેતન મગજ આ ક્રિયાઓમાં દખલ કરતું નથી, પણ સુષુપ્ત મનની સ્થિતિ અનુસાર ક્ષણભરમાં મહત્ત્વના ફેરફાર થઈ શકે છે. મનોવૈજ્ઞાનિકોએ શરીરની ક્રિયાઓ પર સુષુપ્ત મનનો સંપૂર્ણ કાબૂ જાણ્યા પછી તે મન પર પ્રભાવ પાડી બધી બીમારીઓને દૂર કરવામાં સફળતા મેળવે છે. આપણા સ્વભાવના દોષ અને ખરાબ આદતો પણ માનસિક ઈલાજથી સુધારી શકે છે.
પ્રતિભાવો