ગાયત્રીનો બારમો અક્ષર ‘વ’ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
ગાયત્રીનો બારમો અક્ષર ‘વ’ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
ગાયત્રી મહામંત્રનો બારમો અક્ષર ‘વ’ પવિત્ર જીવન ગાયત્રી મહામંત્રનો બારમો અક્ષર ‘વ’ માનવીને પવિત્ર જીવન જીવવાની શિખામણ આપે છે.
વસ નિત્યં પવિત્ર: સન્ બાહ્યાભ્યન્તરતસ્તથા । યત: પવિત્રતામાં હિ રાજતેઽતિપ્રસન્નતા ॥
એટલે કે માનવીએ બહારથી અને અંદરથી પવિત્ર રહેવું જોઈએ કારણ કે પવિત્રતામાં જ પ્રસન્નતા સમાયેલી છે.
પવિત્રતામાં જ મનની તાજગી, ઠંડક, શાંતિ, નિશ્ચિતતા, પ્રતિષ્ઠા અને સચ્ચાઈ છુપાયેલાં છે. કચરો, મેલ, વિકાર, પાપ, ગંદકી, દુર્ગંધ, સડો, અવ્યવસ્થા વગેરેથી માનવીનું આંતરિક હલકટપણું છતું થાય છે.
આળસ અને ગરીબી, પાપ અને પતન જ્યાં રહે છે ત્યાં મલિનતા કે ગંદકી હોય છે. જે આવા સ્વભાવના હોય છે તેમનાં કપડાં, ઘર, સામાન, શરીર, મન, વ્યવહાર, ભાષા, લેવડદેવડ બધામાં ગંદકી અને અવ્યવસ્થા ભરેલી હોય છે. આનાથી ઊલટું, જયાં ચૈતન્ય, જાગરૂકતા, સુરુચિ, સાત્ત્વિકતા વગેરે હશે ત્યાં સૌ પ્રથમ સ્વચ્છતાને અગત્યતા આપવામાં આવતી હશે. સફાઈ, સાદગી અને સુવ્યવસ્થામાં જ સૌંદર્ય છે. તેને જ પવિત્રતા કહે છે.
ગંદા ખાતરથી ગુલાબનું સુંદર ફૂલ તૈયાર થાય છે. જેને ગંદકી સાફ કરવામાં સૂગ નથી તેને જ સૌંદર્યનો સાચો પૂજારી કહી શકાય. ગંદકીથી ચીડ ચડવી જોઈએ, પણ તે દૂર કરવા તત્પર રહેવું જોઈએ. આળસ અથવા ગંદકીની ટેવવાળા લોકો સામાન્ય રીતે પોતાને “નવરાશ નથી મળતી’’ એ બહાના હેઠળ પોતાની કુટેવ છુપાવે છે.
પવિત્રતા એક આધ્યાત્મિક ગુણ છે. આત્મા સ્વભાવથી પવિત્ર અને સુંદર છે. એટલે આત્મપરાયણ વ્યક્તિના વિચાર, વ્યવહાર અને ચીજવસ્તુઓ સદાય સ્વચ્છ, સુધડ અને સુંદર રહે છે. કોઈ પણ રૂપે તેને ગંદકી ગમતી નથી. ગંદા વાતાવરણમાં તેનો દમ ઘુંટાય છે. એટલે તે સફાઈ માટે બીજાની મદદની રાહ જોયા વિના, પોતાની બધી વસ્તુઓને સ્વચ્છ બનાવવા પહેલેથી સમય ફાળવી લે છે.
પવિત્રતાના ઘણા ભેદ છે. સૌ પ્રથમ શરીરની સ્વચ્છતાનો ક્રમ આવે છે, જેમાં વસ્ત્રો અને રહેઠાણની ચોખ્ખાઈ પણ જરૂરી છે. બીજી સ્વચ્છતા માનસિક વિચારો અને ભાવનાઓની આવે છે. આજીવિકા, લેવડદેવડ વગેરેના શુદ્ધ વ્યવહારને શ્રેષ્ઠ ગુણ માનવામાં આવે છે. ત્રીજી પવિત્રતા વાતચીતના વિષયની, વ્યાવહારિક વિષયની આવે છે. છેલ્લો ક્રમ આધ્યાત્મિક વિષયોની પવિત્રતાનો છે, જે સિવાય આપણાં કર્મ-ધર્મ નિરર્થક બની જાય છે. આ બધાંમાં શારીરિક અને માનસિક પવિત્રતા સાથે લોકોને વધારે નિસ્બત છે કારણ કે તે હોવાથી બીજા વિષયોમાં આપોઆપ પવિત્ર ભાવો આવી જાય છે.
પ્રતિભાવો