પવિત્રતામાં જ જીવનની સાર્થકતા છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
પવિત્રતામાં જ જીવનની સાર્થકતા છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
પવિત્રતા માનવજીવનની સાર્થકતા માટે અનિવાર્ય છે. માનવીનો વિકાસ અને ઉન્નતિ માત્ર જ્ઞાન અથવા ભક્તિની વાતોથી ન થાય.તેણે વ્યાવહારિક રીતે પોતાની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સાબિત કરવી પડે અને તે માટેનું મુખ્ય સાધન પવિત્રતા જ છે. જે વ્યક્તિ ગંદા વાતાવરણમાં રહે છે અથવા ગંદા વિચારો દર્શાવે છે તેની પાસે જવું કે રોકાવું કોઈને ગમતું નથી. આવી વ્યક્તિને બધાં તિરસ્કારે છે. સંજોગવશાત્ તેનું કામ પડે, તેની પાસે જવું પડે, છતાં પણ વહેલી તકે તેનાથી છુટકારો મેળવવાની ઈચ્છા થાય છે.
માનવીને માટે શરીર, મન, ચારિત્ર્ય, આચારવિચાર વગેરે બધા પ્રકારની પવિત્રતા જરૂરી છે. જો શારીરિક પવિત્રતાનું ધ્યાન ન રાખીએ તો ક્યારેય સ્વાસ્થ્ય સારું રહી શકે નહીં અને અસ્વસ્થ વ્યક્તિ કોઈ સારું કામ કરવામાં સમર્થ હોતી નથી. આ રીતે માનસિક પવિત્રતા વિના માનવીમાં સજ્જનતા, પ્રેમ તથા સર્વ્યવહાર ઉત્પન્ન થઈ શકે નહિ અને સંસારમાં તે કોઈનું ભલું કરી શકે નહીં. જે વ્યક્તિનું ચારિત્ર્ય અપવિત્ર હોય તે ક્યારેય સંસારમાં માન-પ્રતિષ્ઠા મેળવી શકે નહીં. તેની સામે નહીં, તો પીઠ પાછળ લોકો તેની નિંદા કરશે. આચારવિચારની પવિત્રતાએ હાલના સમયમાં ઢોંગનું સ્વરૂપ ધારણ કર્યું છે અને એટલે જ આધુનિક વિચારોવાળા તેને બિનજરૂરી સમજે છે, પણ હકીકતમાં માનવીની આધ્યાત્મિક ઉન્નતિનો ગાઢ સંબંધ આચારવિચારની પવિત્રતા સાથે છે. ખાનપાનમાં શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન ન રાખવાથી માત્ર સ્વાસ્થ્ય જ ખરાબ થતું નથી, પણ માનસિક સંયમ પણ નાશ પામે છે અને જીભના ચટાકાની ખોટી ટેવ પણ પડી જાય છે. આ રીતે વિચારોમાં શુદ્ધતાનો ખ્યાલ ન રાખવાથી કામ, ક્રોધ, લોભ વગેરે ભાવનાઓ વધવાની શક્યતા છે.
એટલા માટે જો તમે તમારું કલ્યાણ ચાહતા હો તો તમારાં ભોજન, કપડાં, રહેઠાણ, શરીર, મન, આત્મા વગેરેની સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આ બધાંની પવિત્રતાથી જ જીવનમાં તમે સાચા માનવી કહેવાવાને લાયક બની શકો તે માટે જરૂરી નિર્મળતા અને પ્રકાશનો ભાવ ઉત્પન્ન થઈ શકશે. માત્ર વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું પૂરતું નથી, પણ આપની આસપાસ ક્યાંય ગંદકી, અસ્વચ્છતા દેખાવી ન જોઈએ કારણ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે અને અન્યના સહયોગ વિના તેની એક ક્ષણ પણ વીતી શકે નહીં. જ્યારે સમગ્ર સમાજમાં પવિત્ર જીવનની ભાવના જાગૃત થાય તો જ આ શક્ય બને.
પ્રતિભાવો