શરીરનાં અંદરનાં અંગોની સફાઈ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
શરીરનાં અંદરનાં અંગોની સફાઈ । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
જે રીતે આપણે સાબુ લગાડી સ્નાન કરી રૂમાલથી ધસી શરીર બહારથી સાફ કરીએ છીએ તેવી જ રીતે શરીરની અંદરનાં અંગોની સફાઈ પણ ખૂબ જરૂરી છે. સાચું પૂછીએ તો ગંદકી આપણા શરીરની અંદર એકઠી થાય છે અને તેનો એક અંશ પરસેવા તથા પેશાબ મારફતે બહાર આવે છે. અંદરની સફાઈ કઈ રીતે કરવી તે બધા જાણતા હોતા નથી. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે પ્રાચીન ઋષિમુનિઓએ નેતી, ધોતી, બસ્તિ વગેરે હઠયોગનાં ષટ્કર્મો શોધ્યાં હતાં, જેમના દ્વારા શરીરની અંદરના એકેએક અંગને બાહ્ય અંગોની જેમ સાફ કરી શકતા હતા, પણ આ ક્રિયાઓ માત્ર યોગીઓ જ કરે છે, સામાન્ય માણસ માટે સરળ નથી. તેથી બનવા જોગ છે કે મોટા ભાગના લોકો આ કર્મોથી લાભ ઉઠાવવાને બદલે તકલીફમાં મુકાય.
સામાન્ય માનવીઓના શરીરની અંદરનાં અંગોની સફાઈ માટે બીજો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે, તે છે ઉપવાસ. હકીકતમાં ભગવાને આપણા શરીરની રચના એવી કરી છે કે જો તેની યોગ્ય જાળવણી કરીએ અને પ્રકૃતિને અનુરૂપ આચરણ કરીએ, તો તે જાતે અંદરનાં અંગોની સફાઈ કરે છે. હાલના સમયમાં માનવીએ કુદરતના નિયમોનો છડેચોક ભંગ કર્યો છે અને કૃત્રિમ રહેણીકરણી અપનાવી છે, તેનો આહારવિહાર બિલકુલ અજુગતો બની ગયો છે. એટલા માટે શરીરમાં ગરબડ થયા કરે છે. આપણી જીવનશક્તિ આ ગરબડને નુકસાનકારક માની બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પણ આપણે દરરોજ ચાર ચાર વખત ખાઈને શરીર પર જુલમ જ ગુજારતા રહીએ છીએ.
એટલે મજબૂરીથી તે જીવનશક્તિ નિષ્ક્રિય બની જાય છે. ઉપવાસ કરવાથી પેટ ખાલી થઈ જાય છે અને ભોજન પચાવવા શક્તિની જરૂર રહેતી નથી. એટલે તે શક્તિ શારીરિક વિકારોને બહાર ફેંકી દઈ અંદરના અવયવોની સફાઈનું કામ કરવા માંડે છે. એટલા માટે શરીરશાસ્ત્રીઓએ કહ્યું છે કે જો આપ સ્વાસ્થ્ય, યુવાની, જીવનનો આનંદ, સ્વતંત્રતા કે શક્તિ ચાહતા હો તો ઉપવાસ કરો. આપને સૌંદર્ય, વિશ્વાસ,હિંમત,ગૌરવ વગેરેનો મૂલ્યવાન ખજાનો જોઈતો હોય તો પણ ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસથી માનવની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. નૈસર્ગિક બુદ્ધિ જાગે છે અને પ્રેમની વિશાળતાનો અનુભવ કરી શકાય છે.
પ્રતિભાવો