શરીરની સફાઈનાં બે પાસાં । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
શરીરની સફાઈનાં બે પાસાં । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
દ૨રોજ માલિશ અને કસરત બાદ સ્નાન કરવાથી અને રૂંછાંવાળા રૂમાલથી શરી૨ સાફ કરવાથી બાહ્ય અને આંતરિક સફાઈ થતી રહે છે. લોકો વારંવાર નહાવાની ટેવ પાડે છે, પાણીમાં પડી રહે છે. ડૂબકીઓ લગાવે છે, પાણીની ડોલો શરીર પર રેડ્યા કરે છે, પણ સાચા અર્થમાં આને સ્નાન ન કહેવાય. જ્યાં સુધી શરીર પરનાં પરસેવાનાં છિદ્રો સ્વચ્છ ન થાય, ચામડી પર જામેલો મેલ દૂર ન થાય ત્યાં સુધી શરીરની સ્વચ્છતા થઈ શકે નહીં. રૂંછાવાળા રૂમાલને ભીનો કરી શરીર પર ઘસવાથી ચામડી સાફ થાય છે. અવારનવાર નખ કાપવા, નસકોરાં ચોખ્ખાં રાખવાં, જીભ સ્વચ્છ રાખવી વગેરે બાબતોની મોટા ભાગના લોકો અવગણના કરે છે. આ બધા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
આંતરિક સ્વચ્છતાનું સાધન ઉપવાસ છે. ઓછામાં ઓછો પંદર દિવસે એક ઉપવાસ કરવાથી સંઘરાયેલો ખોરાક પચી જાય છે, પેટ ચોખ્ખું થાય છે અને તેથી ગરબડો શમી જાય છે. આપણા દેશમાં ઉપવાસને ધર્મ સાથે વણી લેવાયો છે, જેથી બધાં તેનો ફાયદો ઉઠાવી શકે. સહન કરી શકાય તેવા ઠંડા પાણીથી સ્નાન કરો, પેશાબ, સંડાસ કર્યા પછી જે તે ઈન્દ્રિયોને ઠંડા પાણીથી સાફ કરો.
આપણું ધર એ સ્થળ છે, જેના વાતાવરણમાં આપ ઊછરો છો, શ્વાસ લો છો અને તેના સંપર્ક તથા સહવાસથી પ્રભાવિત થાઓ છો. દરરોજ આપણો ૧૪-૧૫ કલાકનો સમય ઘરમાં જ પસાર થાય છે. ધરની દીવાલો, ઓરડા, રાચરચીલું, કપડાં અને અલગ અલગ સ્થળોએ જ્યાં રહીએ છીએ, તેનાથી આપણી ટેવો અને સ્વાસ્થ્યનું નિર્માણ થાય છે. ઘર જેટલું ચોખ્ખું અને સુઘડ હશે એટલો સ્વચ્છ વાયુ અને આનંદ આપને મળશે. આપ જે દુકાને કે ઓફિસમાં આઠ કલાક વિતાવો છો તે દુકાન કે ઓફિસના વાતાવરણનો પ્રભાવ ગુપ્ત રીતે તમારા પર પડશે. માની લો કે તમે તમાકુ, દારૂ, ગાંજો, ભાંગ, ચરસ અથવા પગરખાંની દુકાન કરો છો, તો એ વસ્તુઓની દુર્ગંધ સતત તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડતી રહે છે. એટલા માટે આપણે આપણું ઘર, દુકાન કે ઓફિસોને રમકડાંની જેમ સાફસૂફ રાખવાં જોઈએ.
સ્વચ્છ ઘરમાં રહેનારાંનો આત્મા પ્રસન્ન રહે છે. આપ ધોયેલાં, સ્વચ્છ કપડાં પહેરીને જુઓ કે મન કેટલું ખીલેલું રહે છે. એ રીતે સ્વચ્છ, રંગરોગાનવાળો ઓરડો, સ્વચ્છ રાચરચીલું, સ્વચ્છ કપડાં તથા સ્નાનથી સ્વચ્છ થયેલું શરીર આત્માને પ્રસન્ન તથા ખુશમિજાજ રાખે છે.
સ્વચ્છતા રાખીને આપણે ઘરના સૌંદર્યને વધારીએ છીએ અને ચીજવસ્તુઓનું ટકાઉપણું વધારીએ છીએ. આપણને આંતરિક શાંતિ મળે છે. સફાઈ આપણા ગુણમાં આવી જતાં બધે સૌંદર્યની દુનિયા બનાવી દે છે.
ઓફિસ, ઘર કે દુકાનમાં નાની મોટી અસંખ્ય ચીજવસ્તુઓ હોય છે. આમાંથી કેટલીય એવી છે, જેનો રોજે રોજ વપરાશ થતો રહે છે. કેટલીક અવારનવાર કામ આવે છે. કુશળ વ્યક્તિ પોતાની ચીજવસ્તુઓની વ્યવસ્થા એવી રીતે કરે છે કે જરૂર પડતાં જ જરૂરી વસ્તુ મળી આવે. ગ્રાહક આવી કોઈ વસ્તુ માગે તો હોશિયાર દુકાનદાર એક ક્ષણમાં તે માગેલી વસ્તુ બતાવી શકે છે. ઘરમાં દવાથી માંડીને સોય, દોરો સ્ટવની પીન વગેરે એક ક્ષણમાં મળી આવવાં જોઈએ. ઓફિસમાં કોઈ ફાઈલનો કાગળ ક્ષણવારમાં અધિકારી સમક્ષ મુકાઈ જવો જોઈએ. પુસ્તકાલયમાં જે પુસ્તક માગવામાં આવે તે વાંચનારને તરત મળવું જોઈએ.
કોઈ મૂર્ખ વ્યક્તિ અડદ, મગ, મઠ, ઘઉં, ચોખા, બાજરી બધાં અનાજને એક સાથે ભેળવી દઈ ડબ્બો ભરી રાખે અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી એક એક દાણો વીણતાં વીણતાં સમય અને શક્તિની બરબાદી કરે એમ અવ્યવસ્થિત દુકાનદાર, અધિકારી કે કુટુંબનો વડો પણ આવો મૂર્ખ જ ગણાય ને ? પેલી મૂર્ખ વ્યક્તિ ન તો થઉં છૂટા પાડી શકે, ન અડદ કે ન મગ. જરૂર પડી હોય ત્યારે આવું ડહાપણ કેટલું યોગ્ય ગણાય ? જો શરૂઆતથી જ બધાં અનાજ તથા કઠોળને અલગ અલગ ડબ્બામાં કે કોથળીઓમાં વ્યવસ્થિત રાખ્યાં હોય તો આવી મહેનત કરવી પડત ? આટલો સમય બરબાદ થાત ?
સામાન્ય અધિકારીઓ ફરિયાદ કરે છે અને કારકુનો ફાઈલો, કાગળો, સંબંધિત પત્રો શોધતાં થાકી જાય છે. દુકાનદારો વસ્તુઓને આડીઅવળી મૂકી દે છે. ઘરમાં દીવાસળી, ચપ્પુ, સાબુ, ટુવાલ, નેપકીન, થેલી, પેન્સિલ, પેન વગેરે આડાં અવળાં મૂકેલાં હોય તો જરૂર પડે ત્યારે ઘરમાં ધમાલ મચી જાય છે. દાક્તરો દવાઓ આડીઅવળી રાખે અને પછી ભૂલો કરે. બધે જ વ્યવસ્થાની જરૂર છે.
આપ ભલે ગમે તે સ્તરના, વર્ગના કે સ્થિતિના હો, ક્રમવ્યવસ્થાની આપને જરૂર છે. વ્યવસ્થાથી તમારું કાર્ય સરળ બનશે, સમયની કરકસર થશે અને જલદીથી, સંતોષપૂર્વક કામ કરી શકશો. મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ નહીં રહે અને કામ કરવા મન તૈયાર થશે.
જેને પોતાની વસ્તુઓ નક્કી જગ્યાએ વ્યવસ્થિત રાખવાની ટેવ છે તે આમ કરતાં કરતાં સૌંદર્યની દુનિયા ઊભી કરી શકે છે. પંડિત જવાહરલાલ નહેરૂ જ્યારે જેલમાં હતા ત્યારે તેમની પાસે નજીવો સામાન હતો. હજામત કરવાનો સામાન, કાંસકો, પેન, શાહી, કાગળ વગેરે. તેઓ પોતાની આત્મકથામાં નોંધે છે કે એ બધાંને વ્યવસ્થિત ગોઠવી સૌંદર્યની દુનિયા ઊભી કરી તેઓ આત્માનો આનંદ મેળવતા હતા. આપની પાસે જે કંઈ વસ્તુઓ હોય તેમને વ્યવસ્થિત રાખી સૌંદર્ય અને વસ્તુઓની અગત્યતા વધારી શકેા છો.
આપના ધરના જુદા જુદા ઓરડાઓ માટે નક્કી કરો કે યો ઓરડો કયા કામ માટે રાખવો છે ? બેઠક રૂમ, સ્ટોર રૂમ, શયનકક્ષ, ભોજનકક્ષ, એમ અલગ અલગ ઓરડાને જરૂર પ્રમાણે સજાવો.
માની લો કે બહારના એક ઓરડાને તમે બેઠકકક્ષ બનાવવા માગો છો, તો એમાં એક ખુરશી, ટેબલ, સોફાસેટ કે શેતરંજી, તકિયા વગેરે રાખો. પગ લૂછવા માટે પગ લૂછણિયું, દીવાલો પર એક બે કેલેન્ડર, એક બે સારાં ચિત્રો, ખૂંટી અને પગરખાં મૂકવાની વ્યવસ્થા બનાવો. આ ઓરડામાં નકામી વસ્તુઓ, ખૂંટીઓ પર કપડાં અથવા બીજી વસ્તુઓ ન રાખો. ફૂલદાની સજાવટ કરીને રાખો અને એકાદ બે ચિત્રો રાખો. વધુ પડતી સજાવટ પણ ટીકાપાત્ર બનશે.
આપના સ્ટોરમાં અનાજ, દાળ, કઠોળ, મસાલા, ઘી, તેલ, ગોળ, મોરસ એક બાજુએ અને કપડાંની પેટીઓ તેમ જ અન્ય સામાન જુદો બીજી બાજુ વ્યવસ્થિત મૂકવો જોઈએ. જો ઘર નાનું હોય તો લાકડાનાં પાટિયાંની અભરાઈ બનાવી સામાન રાખી શકાય. સૂવાના ઓરડામાં ફાલતુ વસ્તુઓ ઓછી રાખવી જોઈએ, કારણ કે ફાલતુ વસ્તુઓને લીધે મચ્છરોને ભરાઈ રહેવાની જગ્યા મળશે, રસોડામાં અલગ અલગ વાસણો ક્રમબદ્ધ ગોઠવવાં જોઈએ. કાંતવા, સીવવા તથા વણવાનો સામાન એક બાજુએ રાખવો જોઈએ. સંચો કે એવી કોઈ મશીનરી હોય તો નિયમિત ઊજણ થતું રહેવું જોઈએ. નાનું પુસ્તકાલય વસાવ્યું હોય તો બધાં પુસ્તકો વિષયવાર સજાવવાં જોઈએ, જેથી જરૂર પડે તે જલદી શોધી શકાય. ટૂંકમાં, આપની પાસે જેટલી જગ્યા હોય, જેટલી વસ્તુઓ હોય તે તમામ બિલકુલ સ્વચ્છ સુઘડ અને આકર્ષક રીતે સજાવેલી હોય તો આપને અને ઘેર આવતા અતિથિઓને પ્રસન્નતા થશે.
આપણાં ઘરોમાં કપડાંની જે ખરાબ દશા થાય છે તે જોઈ દુઃખ થાય છે. સામાન્ય રીતે મહિલાઓ મોંઘામાં મોંઘી સાડીઓ ખરીદતી હોય છે, પણ તેમની સાથે અવર્ણનીય અત્યાચાર થાય છે. કપડાં જ્યાં ત્યાં ખૂણેખાંચરે ફેંકી દેવામાં આવે છે. ધોબી વીસ વીસ દિવસ સુધીમાં પણ કપડાં ધોઈને પાછાં લાવતો નથી. જો આપણે તેની યોગ્ય જાળવણી કરીએ, મેલાં થતાં જાતે જ ધોઈ લઈએ તો અડધાં કપડાંથી પણ મજાથી કામ નીકળી જાય. પૈસા બચે અને સાફસૂફ રહી શકીએ. મોંઘાં કપડાં લાવવાં તો સરળ છે, પણ તેમની દેખરેખ રાખવી અને વધુમાં વધુ લાભ ઉઠાવવો એ કુશળતા અને હોશિયારીનું કામ છે.
કપડાંની પેટી કે અભરાઈમાં વસ્ત્રોને ગડીબંધ મૂકવાં જોઈએ. આ રીતે રાખવાથી કરચલીઓ નહી પડે. રેશમી સાડીઓને કાગળમાં લપેટી જુદી રાખવી જોઈએ. ડામરની ગોળીઓ રાખવાથી કપડાંમાં જીવાત પડતી નથી. કપડાંની દેખરેખ તથા વ્યવસ્થા વધારે જરૂરી છે. કાળજીથી વપરાતાં મશીન લાંબા સમય સુધી સારું કામ આપે છે, જ્યારે નજીવી બેદરકારીથી કીંમતી ચીજો પણ જલદીથી નાશ પામે છે. પ્રત્યેક ચીજવસ્તુની યોગ્ય જાળવણી રાખવાથી તે ઘણું વધારે કામ આપે છે. શું આપ જાણો છો કે આપની પેન ધસાઈ જવાથી નહીં, પણ ખોવાઈ જવાથી નાશ પામે છે ? પેન્સિલો ક્યારેય પૂરી વપરાતી નથી, કોઈ લઈ લે છે કે ખોવાઈ જાય છે. ચપ્પુ, રૂમાલ વગેરે સામાન્ય રીતે ખોવાઈ જાય છે. કીમતી વસ્ત્રો પહેરવાથી નહીં, પણ પેટીપટારામાં પડ્યાં પડ્યાં જીવડાંથી ખવાઈને નાશ પામે છે. જે સાડી પાછળ જેટલા વધારે પૈસા ખર્ચ્યા હશે તે એટલી જ ઓછી પહેરાય છે. ઘરેણાં માટે મહિલાઓ જીવ ખાઈ જાય છે, પણ તે કાં તો ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે.
જો આપની થોડી વસ્તુઓ પણ વ્યવસ્થિત સજાવીને રાખો તો તે દ્વારા તમે ઘરની શોભા વધારી શકશો. સૌંદર્ય માટે વધારે વસ્તુઓની જરૂર નથી. જે કંઈ વસ્તુઓ છે તે દ્વારા જ તમે સૌંદર્ય ઉત્પન્ન કરી શકો છો. આપની દૃષ્ટિમાં કળાની ખામી છે. કલાત્મક દૃષ્ટિથી દરેક વસ્તુ કોઈ ને કોઈ જગ્યાએ સુંદર રહી શકે છે. આપ તે સ્થળને શોધો તેમાં જ ઘરની શોભા છે. દરેક વસ્તુ માટે સ્થળ નક્કી કરો. આપના ઓરડામાં માત્ર એકાદ ચિત્ર કે કેલેન્ડર હશે, પણ જો તે સ્વચ્છ, સુઘડ હશે તો આકર્ષક લાગશે.
સૌંદર્ય વ્યવસ્થા પર આધારિત છે. પગરખાં સાવ નગણ્ય છે, પણ જો તમે એમને પૉલીસ કરી ક્રમબદ્ધ ગોઠવો તો આકર્ષક લાગશે. પેટી પટારા સ્વચ્છ રાખી તે પર સ્વચ્છ ચાદર પાથરો, પલંગની ચાદરો ગંદી ન થવા દો. ખુરશી, ટેબલ તથા પુસ્તકોની ધૂળ ઉડાડતા રહો તો ઘરની ચીજોમાં સૌંદર્ય ઉત્પન્ન થશે અને આપને આપના નાના શા ઘરમાં આનંદ મળશે એ નક્કી છે. આપનો આત્મા પ્રસન્ન થશે અને સંતોષ થશે કે તમે સારી રીતે રહો છો.
જીવનમાં વધારે વસ્તુઓની નહીં, પણ તેમની વ્યવસ્થિત ગોઠવણીની જરૂર છે. જેની પાસે વધારે વસ્તુઓ છે તેમાંથી અડધી કામ લાગે છે. બાકીની બિનજરૂરી, કાટ લાગેલી, નકામી તથા અડચણરૂપ બનીને પડી રહે છે. તમે વધારે વસ્તુઓ ભેગી કરવાના મોહમાં ન પડશો. જે કંઈ છે એમને સાચવીને વાપરો.
સાર્વજનિક સ્થળોની સફાઈ, વ્યવસ્થા અને સૌંદર્યની જવાબદારી આપની છે. આપ એક શ્રેષ્ઠ નાગરિક છો, સમાજની ઉન્નતિમાં આપનું અનેરું સ્થાન છે. આપની ટેવોથી, સ્વભાવથી સમાજ બને છે કે બગડે છે, પ્રગતિ કરે છે કે અધોગતિ કરે છે. એટલે આપ સાર્વજનિક સ્થળોની સફાઈ તથા સુવ્યવસ્થા માટે જાગૃત રહો.
જો આપ ધર્મશાળામાં ઊતર્યા હો તો ઓરડો અને આજુબાજુની સ્વચ્છતાનું ધ્યાન રાખો. ઓરડો છોડતી વખતે આપને જેવો સ્વચ્છ મળ્યો હોય તેવો છોડો. જાહેર સંડાસનો યોગ્ય ઉપયોગ કરો. પેશાબઘરોમાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખો. જાહેર પાર્ક, મંદિર, જાહેર મકાનોને બગડવા ન દો. રેલવેના ડબ્બા આપણા બધાંના કામમાં આવે છે, પણ આપણે મુસાફરી દરમિયાન ફળફળાદિનાં છોતરાં, બીડી સિગારેટનાં ઠૂંઠાં, સીંગચણાનાં છોડાં, ગંદકી વગેરે નાખતા રહીએ છીએ. આ આપણી ગંદી ટેવોનું પરિણામ છે. પ્રત્યેક જાહેર સ્થળ બધાંના વપરાશ માટે બનાવવામાં આવ્યું છે. જો આપણે બધા એને સ્વચ્છ તથા સુઘડ રાખીએ તો તે સ્થળની રોનક વધશે, લાંબા સમય સુધી ટકશે અને બધાંને ગમશે. જાહેર સ્થળો, આપણાં છે, જેવી રીતે આપણે પોતાની વસ્તુઓની સાફસૂફી અને રખેવાળી કરીએ છીએ તેવી રીતે જાહેર સ્થળો માટે પણ વર્તવું જોઈએ.
જેઓ સમર્થ છે, પોતાનો શ્રમ કે પૈસા દાનમાં આપી શકે છે તેમણે સાર્વજનિક સ્થળો, બાગ, સરોવરો, ધર્મશાળાઓ, શાળા, પર્યટન સ્થળો, મંદિરો, સ્નાનગૃહો, રેલવે સ્ટેશન, ડબ્બાજાજરૂ વગેરેની સ્વચ્છતા અને વ્યવસ્થા માટે ધ્યાન આપવું જોઈએ. આવાં સ્થળોની કાળજી, સમારકામ, નવાં બનાવવાં તથા રંગરોગાન કરાવવા પાછળ નાણાં વાપરવાં ઉચિત છે.
પ્રતિભાવો