સ્વચ્છતા દૈવી ગુણ છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
સ્વચ્છતા દૈવી ગુણ છે । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
સ્વચ્છતા કે સફાઈ હકીકતમાં દૈવી ગુણ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, જેનો અર્થ એ થાય છે કે સ્વચ્છતાથી રહેવું એ દેવત્વની નજીક રહેવા સમાન છે. જે સાફસૂફ રહે છે તે પોતાની રહેણીકરણી દ્વારા દેવત્વ પ્રગટ કરે છે. સફાઈથી સૌંદર્ય વધે છે અને સાવ સામાન્ય વસ્તુ પણ આકર્ષક દેખાય છે. સફાઈથી વસ્તુનું જીવન લંબાય છે, મશીનોની સાફસૂફીથી, અવારનવાર ઊંજણથી તેમની કાર્યશક્તિ લાંબો સમય ટકે છે.
જ્યારે કોઈ મશીનને સંપૂર્ણ ખોલી નાખી ઊંજણ કરવામાં આવે છે ત્યારે એકલી સફાઈ થતી નથી, પણ નાના નાના સ્પેરપાર્ટ્સને સાફ કરી, જરૂરી ઊંજણ મૂકી ગોઠવવામાં આવે છે અને મશીન ઘણું સારું ચાલે છે. જે દાગીના કર્કશ અવાજ કરતા હતા તે તેલના નજીવા ટીપાથી સરસ ચાલે છે, તેમની કાર્યક્ષમતા વધી જાય છે.
માનવ શરીરૂપી મશીનની હાલત પણ આવી જ છે. આપણા શરીરમાં નાનામોટા અસંખ્ય અવયવો તથા ગ્રંથિઓ છે. આપણું શરીર મગજ, હૃદય, ફેફસાં, પેટ વગેરેથી બનેલું છે. આ અવયવો સતત ખોરાક પચાવી લોહી બનાવતા રહેતા હોવાથી તેમાં પણ કચરો જામી જાય છે. જીવનમાં પૈસા માટે આપણે શરીરને ઘણો બોજ આપીએ છીએ. આંખોની જ્યોતિ ધીમેધીમે ક્ષીણ થતી જાય છે, ગાલ કરચલીઓવાળા બની જાય છે, દાંત પડી જાય છે, પાચનતંત્રની ગરબડ ઊભી થાય છે. આ બધા રોગો શરીરના વધુ પડતા ઘસારાના પરિણામે થાય છે. જો આપણે શરીરની આંતરિક અને બાહ્ય બંને પ્રકારની સફાઈનું ધ્યાન રાખીએ તો શરીર, મન તથા પ્રાણમાં નવી સ્ફૂર્તિ, નવી શક્તિ અને નવી પ્રેરણાનો સંચાર થતો જોવા મળશે.
આપણા દેશમાં જે તત્ત્વની મોટી ખામી છે તે છે ‘સફાઈ’. સુવ્યવસ્થા અને સૌંદર્ય એનાં જ સંતાનો છે. લોકો પાસે માન, પ્રતિષ્ઠા તથા ઉત્સાહ છે, પણ સ્વચ્છતા અને સુવ્યવસ્થાનો સદંતર અભાવ છે. દુકાનો, શેરીઓ, જાહેરસ્થળો, ભોજન, મીઠાઈનાં બજારોમાં એંઠવાડ, ગંદકી, માંખો, કાદવ, કચરો, વિષ્ટા વગેરે પડેલું જોઈ આપણી ખરાબ આદતો પર શરમ આવે છે. લોકો મોટી મોટી ધર્મશાળાઓ બનાવે છે, પણ તેમાં સફાઈનું ધ્યાન રાખતા નથી. સંડાસ અને ગટરો પાછળ પૈસા ખર્ચતા નથી. જાહેર સંડાસમાં સભ્ય વ્યક્તિઓને જતાં શરમ આવે તેવું હોય છે. સફાઈ કામદારો ફરજપાલન કરતા નથી. અધિકારીઓ નિરીક્ષણ બાબતે બેદરકાર છે. સંડાસનું સાવ ખરાબ સ્વરૂપ તો રેલવે સ્ટેશનો પર અને રેલગાડીઓના ડબ્બાઓમાં જોવા મળે છે. જેટલું મોટું શહેર હોય તેની શેરીઓમાં એટલું જ અંધારું, દુર્ગંધ અને ગંદકી જોવા મળે છે.
સફાઈ એક સાર્વજનિક ટેવ છે. આપણે ભારતીઓને આપણી સાર્વજનિક ગંદકી ૫૨ શરમ આવવી જોઈએ. બીજા દેશોમાં સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સરકાર પૂરતાં નાણાં ખર્ચે છે, નગરપાલિકા તથા પંચાયતો ખાસ ધ્યાન આપે છે, પ્રત્યેક નાગરિક સાર્વજનિક સ્વચ્છતા માટે તત્પર હોય છે, જ્યારે આપણે ત્યાં આ બાબતે ભયંકર અવગણના કરવામાં આવે છે. નાગરિકો, ખાસ કરીને ગામડાંના લોકો અને મહિલાઓ એટલા બધાં પછાત છે કે તે જ્યાં જ્યાં જાય છે ત્યાં સાર્વજનિક સ્થળો ગંદાં કરી મૂકે છે. કચરો રસ્તા પર ફેંકવામાં આવે છે, કેળાં નારંગી, શાકભાજીનાં છોતરાં રસ્તા પર જ નાખવામાં આવે છે અને કેટલાય લોકોને લપસી પડવાથી ઈજા થાય છે. સિનેમાગૃહોમાં મગફળીનાં છોતરાં, બીડી-સિગારેટનાં ઠૂંઠાં, પાનની પિચકારીઓ જ્યાં ત્યાં જોવા મળે છે. રેલવે સ્ટેશનોને અવારનવાર સફાઈ કામદારો દ્વારા સાફસૂફ રખાય છે, છતાં ગંદકી જામેલી રહે છે. આ બધી બાબતો આપણી ગંદકી સૂચવે છે. આપણે આ ટેવો માટે શરમાવું જોઈએ.
પ્રતિભાવો