ઉપવાસથી માનસિક પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
October 1, 2022 Leave a comment
ઉપવાસથી માનસિક પવિત્રતા । GP-13. ‘પવિત્ર જીવન’ | ગાયત્રી વિદ્યા
સ્વાસ્થ્ય, આરોગ્ય, લાંબું જીવન ઉપરાંત આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપવાસનું મહત્ત્વ ઘણું વધારે છે. શરીર શુદ્ધ થતાં તેનો મન પર પ્રભાવ પડે છે. શરીર અને મન બંનેનો અરસપરસ ગાઢ સંબંધ છે. જ્યારે પેટ ભરેલું હોય છે ત્યારે દૃષ્ટિ પણ મલિન થઈ જાય છે, મનમાં ખરાબ વિચારો આવે છે. વાસના ભડકી ઊઠે છે, માનસિક વિકારો પણ વધી જાય છે. રાજસી ભોજન(મિષ્ટાન્ન, અથાણાં,ચટણી વગેરેથી ભરપૂર)થી શૃંગારરસ ઉત્પન્ન થાય છે અને કામ, ક્રોધ, રોગ જેવા દુશ્મનો પ્રબળ થઈ જાય છે. વધુ આહાર, ખાસ કરીને રાજસી, કામોત્તેજક આહાર બધાં પાપનું મૂળ છે. આથી વિવેક, શાંતિ, ધર્મબુદ્ધિ વગેરેનો નાશ થઈ જાય છે અને પાપકર્મોમાં પ્રવૃત્ત થવાય છે. આ તત્ત્વને ધ્યાનમાં રાખીને આપણા પ્રાચીન વડવાઓએ ઉપવાસને માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઘણું મહત્ત્વ આપ્યું છે. આ પ્રકારના ઉપવાસોમાં ઈસુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર, મહાવીર વગેરેના લાંબા ગાળાના ઉપવાસ સૌ જાણે છે. મહાત્મા ગાંધીજીના ઉપવાસ પણ આ કક્ષામાં આવી જાય છે. મહાત્માજીએ જે કંઈ લાંબા ઉપવાસ કર્યા તે નૈતિક હેતુસર જ કર્યા હતા.
જ્યારે આપણને ભોજન તથા ખાનપાનમાંથી મુક્તિ મળે છે અને એ ઝંઝટ દૂર થઈ જાય છે ત્યારે મનને સારી રીતે ઉચ્ચ વિષયો પર એકાગ્ર કરી શકાય છે. આપણી આંતરિક વૃત્તિઓ પવિત્ર અને નિર્દોષ બને છે. બ્રહ્મમાં મન લગાવવા માટે ઉપવાસ સર્વોતમ ઉપાય છે. જે વ્યક્તિઓએ બ્રહ્માનંદનું વર્ણન કર્યું છે તેઓ અનિવાર્યપણે ઉપવાસ કરતા હોવા જોઈએ એમ લાગે છે. ઉપવાસકાળ દરમિયાન લાધેલું જ્ઞાન કાયમી અને સ્પષ્ટ હોય છે. સામાન્ય રીતે ભોજનના બોજથી જ્ઞાન દબાઈ જાય છે, પણ ઉપવાસમાં તે સ્પષ્ટ, નિર્વિકાર અને સ્થાયી રહે છે.
ગીતામાં કહ્યું છે : વિષયા વિનિવર્તન્તે, નિરાહારસ્ય દેહિનઃ । ૨સ વર્જ રસોડપ્યસ્ય, પરંદેષ્ટવા નિવર્તતે ॥
ઉપવાસથી ઘણી નીચ વૃત્તિઓ નાશ પામે છે, અંતર્દિષ્ટ પિવત્ર બને છે, ઈન્દ્રિયો વશમાં રહે છે, ધર્મબુદ્ધિ પ્રબળ બને છે, કામ, ક્રોધ, લોભ વગેરે ષડરિપુઓ નરમ બની જાય છે, પ્રાણશક્તિનો સબળ પ્રવાહ આપણા હૃદયમાં વહેવા લાગે છે અને શાંત રસ ઉત્પન્ન થાય છે. મગજનું આમતેમ ભટકવું દૂર થાય છે. ઈશ્વરભક્તિ, સાધના તેમ જ યોગના ચમત્કારો માટે ઉપવાસ અમોઘ ઔષધ છે.
મહાત્મા ગાંધીજીએ ઉપવાસના આધ્યાત્મિક પાસાને ઘણું મહત્ત્વ આપ્યું છે. તેઓ કહે છે, ‘‘ હું તો સદાય ઉપવાસનો પક્ષપાતી રહ્યો છું કારણકે બ્રહ્મપરાયણ લોકો માટે તે હંમેશાં મદદકર્તા છે. ઈશ્વર અને ઉપવાસનું જોડાણ છે. ઠાંસીને ખાનાર અને ઈશ્વરને અરસપરસ વેર છે.’ સત્યાગ્રહી માટે ઉપવાસ આખરી શસ્ત્ર છે. મહાત્મા ગાંધીજી તેને આગ્નેય શસ્ત્ર કહે છે. તેમનો દાવો હતો કે તેમણે ઉપવાસને વૈજ્ઞાનિક રૂપ આપ્યું છે. ઉપવાસથી મનુષ્યની દૈવીસંપદા વધે છે,મનમાં દૈવીશક્તિ આવે છે, એટલે આ આધ્યાત્મિક સાધનના પ્રયોગથી (ઉપવાસથી) મોટા મોટા ચમત્કારો થાય છે.
ઉપવાસનો પ્રયોગ આત્મવિકાસ માટે પણ થાય છે. જો આપણાથી જાણી જોઈને કોઈ ભૂલ થાય અને બાદમાં પસ્તાવો થાય તો આપણે આપણી જાતને સજા કરવી જોઈએ. આપણા પ્રત્યેક દોષદુર્ગુણની સજા માટે ઉપવાસનો પ્રયોગ કરી શકાય. આપણા દોષો શોધી કાઢી તે દૂર કરી આત્મોદ્ધાર કરવાનો અચૂક ઉપાય ઉપવાસ જ છે. મહાપુરુષોનું વચન છે, “ જેવી રીતે લોકો બીજાના દોષ શોધી કાઢવામાં હોશિયાર છે તેવી જ રીતે પોતાના દોષો શોધે તો પ્રત્યેક મનુષ્ય દોષમુક્ત થઈ શકે.” આથી પ્રત્યેક દોષ માટે ઉપવાસ કરો.
‘‘ જ્યારે તમારી સમક્ષ કોઈ ગૂંચવણ આવીને ઊભી રહે છે ત્યારે તમે ઉપવાસ પર શા માટે ઊતરી જાઓ છો ? ” આવો પ્રશ્ન કોઈકે મહાત્મા ગાંધીજીને પૂછયો. ગાંધીજીએ ઉપવાસના આધ્યાત્મિક પાસા પર પ્રકાશ ફેંકતાં કહ્યું : ‘‘ આ પ્રકારનો પ્રશ્ન અગાઉ પણ મને ઘણીવાર પુછાયો છે. બનવાજોગ છે કે શબ્દો કદાચ જુદા હોય. આનો જવાબ સીધો અને સ્પષ્ટ છે કે અહિંસાના પૂજારી પાસે ઉપવાસ જ અંતિમ હથિયાર છે. જ્યારે માનવબુદ્ધિ પોતાનું કામ ન કરી શકે, નિરુપાય બની જાય ત્યારે અહિંસાનો પથિક ઉપવાસ પર ઊતરી જાય છે. ઉપવાસ દ્વારા શુદ્ધ થયેલા શરીરથી મનુષ્યની મનોવૃત્તિ પ્રાર્થના તરફ વધારે સૂક્ષ્મતા અને સત્યતા પૂર્વક વળે છે. એટલે ઉપવાસ એક આધ્યાત્મિક વસ્તુ છે અને તેની મૂળ પ્રવૃત્તિ ઈશ્વર તરફની હોય છે. માનવીને જ્યારે ખબર પડે કે પોતે સાચો છે તો તેણે તે કામ કરતાં ડરવું ન જોઈએ. આ રીતે આધ્યાત્મિક ઉપવાસ અંતરાત્માના અવાજના જવાબરૂપે કરવામાં આવે છે, એટલે તેમાં ઉતાવળની બીક ઓછી થઈ જાય છે.”
પ્રતિભાવો