પરમાર્થ દ્વારા આત્મોન્નતિ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
પરમાર્થ દ્વારા આત્મોન્નતિ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
બુદ્ધિમાન પુરુષોએ ખરેખર જે સ્વાર્થની નિંદા કરી છે તે એવી જ નીચ કોટિનો સ્વાર્થ હોય છે. ઉચ્ચ કોટિનો સ્વાર્થ એ હોય છે, જેનાથી આપણું શરીર, મન અને આત્મા એ ત્રણેની ઉન્નતિ થાય છે. આવા જ સ્વાર્થને પરમાર્થ પણ કહી શકાય છે.
આત્માને સમુન્નત અને સુવિકસિત બનાવવો તે માનવજીવનનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે, કારણ એ છે કે નિરંતર સતાવતા વિવિધ પ્રકારના અભાવ, દુઃખ, શોક, પાપ,તાપ વગેરેને આત્માની ઉન્નતિ વિના દૂર કરી શકાતાં નથી. સાંસારિક અને માનસિક ક્ષેત્રે જો સુખશાંતિ મેળવવી હોય તો એક માત્ર ઉપાય એ છે કે આત્મજ્ઞાન અને આત્મબળની અભિવૃદ્ધિ કરવામાં આવે. મહાન બનવા માટે તેમ જ આનંદની ચરમ સીમાએ પહોંચવા માટે બીજો કોઈ માર્ગ નથી.
આત્મોન્નતિ એકાંગી નથી હોતી. કેવળ એક ઉપાયથી જ તે પૂરી થઈ શકતી નથી, પરંતુ તે સંબંધી બધાં જ સાધનો ભેગાં કરવાં પડે છે. પહેલવાન બનવા માગતો માણસ ફક્ત વ્યાયામ જ કર્યા કરે અને પૌષ્ટિક ભોજન, તેલમાલિશ, બ્રહ્મચર્ય, વિશ્રામ વગેરે પ્રત્યે ઉપેક્ષા સેવે તો તેનું સફળ થવું મુશ્કેલ છે. જો કોઈ માત્ર દીવાલ પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય ચણતો જાય, પરંતુ કમાડ, છત, ફર્શ વગેરે બનાવવા પર ધ્યાન ના આપે, તો મકાન બની શકે નહિ. સફળ ડૉક્ટર બનવા ઈચ્છતો માણસ જો દિવસરાત દવા બનાવતો રહે અને નિદાન, પરિચર્યા, વાઢકાપ,પાટાપિંડી વગેરેને વ્યર્થ સમજી તેમનાથી દૂર રહે તો સફળ ડૉક્ટર થવું અશક્ય છે. આત્મોન્નતિનાં સુવ્યવસ્થિત સાધનોના સંબંધમાં અધ્યાત્મવિદ્યાના તત્ત્વદર્શી આચાર્યો હંમેશાં સાવધાન રહેછે. એમણે પોતાના શિષ્યોની સર્વાંગી ઉન્નતિનું હંમેશાં પૂરેપૂરું ધ્યાન રાખ્યુંછે. આ અંગેના નિયમો, પ્રતિબંધો અને ઉત્તરદાયિત્વનું શાસ્ત્રોમાં અનેક પ્રકારે વર્ણન કર્યું છે. વ્યાવહારિક જીવનમાં ઉદારતા, કૃતજ્ઞતા, પરોપકાર, લોકસેવા અને સ્વાર્થત્યાગ વગેરે આચરણોના વધારેમાં વધારે પ્રસંગો આવતાં તે પ્રસંગોએ પોતાનું ઉત્તરદાયિત્વ સફળતાપૂર્વક પૂરું કરવું તે દરેક સાધક માટે અત્યંત જરૂરી છે. આવા પ્રકારના આચરણને “ભૂમિ નિર્માણ” કહે છે. સારી ફળદ્રુપ, નરમ, બરાબર ખેડેલી જમીનમાં જ બીજ વાવવાથી સારી પેદાશ થાય છે. આવા પ્રકારના આચરણના વધારેમાં વધારે પ્રસંગો ઊભા કરવા અને એ સંબંધી પોતાની જવાબદારી દક્ષતા અને તત્પરતાથી પૂરી કરવી એ જ આત્મિક ભૂમિકાનું નિર્માણ છે. આવી ભૂમિમાં જ સાધનાનું બીજ ઊગે છે અને જીવનમુક્તિ અને પરમાનંદની કલ્યાણકારી ઉપજ ઉપજે છે.
સામાન્યતઃ મનુષ્યમાં દૈવી તત્ત્વોને બદલે પાશવિક તત્ત્વોની જ અધિકતા હોય છે. એટલા માટે જ પોતે બીજા પાસેથી વધારે લાભ મેળવવા અને બીજા માટે કશું જ ન કરવાની ઈચ્છા રાખે છે. આવા દૃષ્ટિકોણથી જ ઘણાં કાર્ય થાય છે. પોતાની મુશ્કેલીઓ દૂર કરવા અને સમૃદ્ધિ વધારવામાં તે દૈવી તત્ત્વોની સહાયતા માગે છે, પરંતુ તે તત્ત્વોના પોષણ માટે કંઈ જ કરવું પડતું નથી. આ પશુવૃત્તિની ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કડક શબ્દોમાં આલોચના કરી છે. ‘પ્રથમ આપો, પછી મળશે’ ના સિદ્ધાંતનું સમર્થન કરતાં ગીતામાં કહ્યું છે કે –
સહયજ્ઞા: પ્રજાઃ સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિઃ । અનેન પ્રસવિષ્યધ્વમેષ વોડસ્ત્વિષ્ટ કામધુક્॥
દેવાન્ભાવયતાતેન તે દેવા ભાવયન્તુ વઃ | પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ ૫૨મ વાપ્સ્યથ ॥ ઈષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ । તૈર્દત્તાન પ્રદાયૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ ॥ – ગીતા ૩/ ૧૦/૧૧/૧૨
અર્થાત્ ભગવાને મનુષ્યની સાથે સાથે દૈવી તત્ત્વોને પણ ઉત્પન્ન કર્યાં અને ઘોષણા પણ કરી કે આનાથી તમે લોકો ઉન્નતિ કરશો અને પોતાની બધી મનોકામનાઓને પૂર્ણ કરશો, પરંતુ યાદ રાખો કે આ દૈવી તત્ત્વની ઉન્નતિ તમારે પણ કરવાની છે, ત્યારે જ તે તમારી સહાયતા કરશે. પરોપકારના આધારે જ કલ્યાણ થઈ શકે છે. જ્યારે મનુષ્ય દેવત્વનું પોષણ કરશે ત્યારે જ તેના બદલામાં તે ઈષ્ટભોગ પ્રદાન કરશે. જે પરોપકારથી દૂર ભાગે છે અને દૈવી વરદાનની યાચના કરે છે તે પાકો ચોર છે.
ભગવાને આ સંબંધી આનાથી આગળના શ્લોકોમાં ઘણું જ સ્પષ્ટીકરણ કરેલું છે. તેઓ કહે છે કે જેમ યજ્ઞથી વર્ષા અને વર્ષોથી અન્ન ઉત્પન્ન થાય છે, અન્નથી પ્રાણીઓનું જીવન સ્થિર થાય છે, તેવી જ રીતે દૈવી તત્ત્વ(યજ્ઞ) ના ફળસ્વરૂપે જ આત્મકલ્યાણ થઈ શકેછે. પોતાની શક્તિઓ દેવત્વના પોષણ માટે વાપરો. બદલામાં જે મળે એમાં સંતોષ માનો તો જ તમે બધાં પાપોથી મુક્ત થશો. જેઓ એકલપેટા બને છે તેઓ તો પાપ જ ખાય છે. ભગવાનનાં ઉપરોક્ત શ્રેષ્ઠ વચનોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રારંભ કઈ બાજુથી કરવો જોઈએ. ન તો મફતમાં લેવાની વ્યવસ્થા છે અને ન તો અમુક લાભ મળે તેનો બદલો ચૂકવવાની શરત છે. સિદ્ધ બાબાને ચરણસ્પર્શ માત્રથી પ્રસન્ન કરીને અષ્ટસિદ્ધિ તથા નવનિધિ મેળવવાની મફતિયા ઈચ્છા રાખતા અને “દીકરો થશે તો નારિયેળ ચઢાવીશ’ જેવી શરત મૂકનારા નફાખોરોને ગીતામાં કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. આવા લોકોને આધ્યાત્મિક ભાષામાં “અધિકારી’’ કહે છે. અનધિકારીનું તાત્પર્ય એ છે કે સ્વાર્થી, અનુદાર, અવિશ્વાસુ તથા અશ્રદ્ધાળુ. કદાચ દૈવીશક્તિ આવા લોકોના હાથમાં ચાલી જાય તો તેઓ તેના દ્વારા સંસારમાં કેવળ અનર્થ જ પેદા કરે. આથી અધિકારી લોકોના હાથમાં બ્રહ્મશક્તિ ચાલી ના જાય તે માટે સૃષ્ટિના આરંભથી જ સાવધાની રાખવામાં આવી છે.
આત્મોન્નતિનું શિક્ષણ આપવાની સાથેસાથે ઋષિઓએ એ બરાબર ધ્યાન રાખ્યું છે કે જેઓ અધિકારી બનતા જાય તેમની પાત્રતામાં અભિવૃદ્ધિ થતી જાય. પાત્રતા અને સાધનાનાં બે પૈડાંને બરાબર સાથે સાથે રાખવામાં ધૈર્ય અને સાવધાનીથી કામ લેતા રહ્યા છે. જેટલી પાત્રતા વધે એટલું જ સાધનાનું સ્તર ઊંચે ચડે છે. કુપાત્રોને અતિ ઊંચા સ્તરની સાધના બતાવીને આધ્યાત્મિક અસમતોલન ઉત્પન્ન કરવાનું પરિણામ કોઈને માટે સારું ન હોઈ શકે.
પ્રાચીન ઇતિહાસ ઉપર દૃષ્ટિપાત કરતાં એવું જણાય છે કે આત્મજ્ઞાનના શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને પરમ ઉપયોગી અમૃતમય શિક્ષણ આપવાની સાથે સાથે એમના સદ્ગુણોનો વિકાસ કરનાર કષ્ટસાધ્ય અવસરો ઊભા કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી, કારણ કે દેવત્વનું પોષણ કરીને જ દિવ્ય લાભ મેળવવાની સનાતન નીતિનો આધાર લીધા વિના ક્યારેય તે સફળ થઈ શકતા નથી. એટલે તે કષ્ટો તેમને માટે જરૂરી હતાં. ઉદ્દાલક, ધૌમ્ય, આરુણિ, ઉપમન્યુ, કચ,શ્લીમુખ, જરત્કારુ, નચિકેતા, શૈણ, વિસેચન, જાબાલિ, સુમનસ, અમ્બરિષ વગેરે અનેક શિષ્યોની કથાઓ સર્વવિદિત છે. તેમણે તેમના ગુરુઓએ આપેલા આદેશો પ્રમાણે ભારે કષ્ટ સહન કરીને તેમણે બતાવેલાં કાર્યો પૂરાં કર્યાં હતાં. દશરથે પોતાનાં પ્રાણપ્રિય સંતાનો આપ્યાં, હરિશ્ચંદ્રે અત્યંત દુઃખ ભોગવ્યું, મોરધ્વજે અનોખો આદર્શ ઉપસ્થિત કરવો, તે ગુરુઓએ આપેલા આદેશો મુજબ બન્યું હતું. સ્થૂળ દૃષ્ટિથી જોતાં આ કાર્યો એમના ગુરુઓની હૃદયહીનતા જેવાં લાગે, પરંતુ સાચી વાત એ છે કે એ કષ્ટસાધ્ય પરીક્ષાએ જ તુચ્છ માનવોને આટલા મહાન બનાવ્યા હતા. આવાં કષ્ટોથી તેઓ માત્ર અવજ્ઞા કરીને સહેલાઈથી બચી શકતા હતા, પરંતુ તો તે એશઆરામમાં દિવસો ગુજારીને મરી જાત. અસંખ્ય કીટપતંગોની જેમ વિસ્મૃતિના અંધકારમાં લુપ્ત થઈ જાત અને ચોર્યાસીના ચક્કરમાં ઘૂમતા રહેત. આવા ગુરુઓની હૃદયહીનતામાં કેટલી અપાર દયા ભરેલી હતી તેનું અનુમાન કરવું મુશ્કેલ છે.
દિલીપ રાજાને સંતાન ન હતાં. ગુરુના આશ્રમમાં જઈને કહ્યું કે પ્રભુ, મારો વંશ ડૂબતો બચી જવો જોઈએ. વશિષ્ઠજીએ આજ્ઞા કરી કે દૈવી સહાયતા મેળવવા માટે દેવત્વના પોષણની જરૂરિયાત છે. મહારાણી સાથે અહીં આવીને રહો અને અમારી ગાયો ચરાવવા માટે ગોવાળનું કામ કરો. દિલીપ રાજા જાણતા હતા કે સ્વાર્થ – પરાયણતાની બનેલી સૂક્ષ્મ માનસિક ગ્રંથિઓ જ જીવનમાં અભાવ અને દુઃખ ઉત્પન્ન કરે છે. આ ગ્રંથિઓનું શમન ત્યાગ, ઉદારતા અને પરમાર્થનું આચરણ કરવાથી જ થઈ શકે છે. તેઓ ઋષિની આજ્ઞામાં પોતાનું કલ્યાણ સમજીને રાજપાટ છોડી ગાયો ચરાવવા લાગ્યા. એક દિવસ તો ગાયોને સિંહથી બચાવવા માટે પોતાનો પ્રાણ પણ આપવાનું સાહસ કરવું પડ્યું. આવાં જ સાહસોથી મનોગ્રંથિઓ તથા સંસ્કારપિંડ ફૂટે છે, જે સંતાન ન હોવા જેવા અભાવોનું મૂળ કારણ હોય છે.
રાજા દિલીપને ત્યાં યોગ્ય સમયે સંતાન જન્મ્યું. આજકાલનો કોઈ આધ્યાત્મિક સાધક હોત તો વશિષ્ઠજીની ખુશામત કરવામાં પોતાની બધી ચાલાકી વાપરી નાખત, પરંતુ ત્યાગના નામે એક કલાકનો સમય અથવા તો નવા પૈસાનું નુકસાન ઉઠાવવા પણ તૈયાર ન થાત. તે સીધી રીતે સ્વાર્થ ન સધાત તો ડરાવી, ધમકાવી યજમાન ન રહેવાનું જણાવત, નિંદા કરત અથવા ફરી એવી શરત મૂકત કે તેને પુત્ર થશે તો તેના વિવાહ સમયે આપને કંઈ ને કંઈ દક્ષિણા જરૂર આપીશ. આવા પ્રકારની વ્યક્તિ દૈવી સહાયતા દ્વારા કેટલી લાભાન્વિત થાય તે અંગે કંઈ કહી શકાય નહિ.
મનુષ્યમાં પશુતા, સ્વાર્થપરાયણતા વધુ હોવાના કારણે સદ્ગુરુ એ વાત માટે પ્રયત્નશીલ રહે છે કે શિષ્યને પરમાર્થ માટે પ્રેરિત કરવામાં પોતાના વ્યક્તિત્વના પ્રભાવનો ઉપયોગ કરવો. જેત્યાગ અને ઉદારતાનો નાનો સરખો ભાર પણ ઉઠાવવા ઈચ્છતો નથી તેને ધીરે ધીરે કંઈ ને કંઈ કરવા અવશ્ય તત્પર કરવામાં આવે. સૌ જાણે છે કે અપરિગ્રહી, બ્રહ્મપરાયણ અને પોતાની આત્મશક્તિથી સંસાર પર શાસન કરનાર ઋષિકલ્પ બ્રહ્મવેત્તાનું ભોજન એમની કુટિરમાં પહોંચી શકે છે, પરંતુ તેમને તે ગમતું નથી. તેઓ લોકોના ઘેર જઈ ભિક્ષા માગતા હતા, કેમ કે લોકોને પોતાની દાનવૃત્તિ સફળ કરવાનો અવસર મળે. ગુરુદક્ષિણાના નામે પણ લોકો વધારેમાં વધારે ત્યાગ કરતા હતા. નિર્લોભ ઋષિઓ માટે સોનું અને માટી બરાબર છે. તેઓ મળેલા ધનનો ઉપયોગ ચિકિત્સા, યજ્ઞ, વિદ્યાધ્યયન વગેરે લોકહિતનાં કાર્યોમાં જ કરતા હતા. એમની વ્યક્તિગત જરૂરિયાતો એટલી ઓછી હતી કે એમને કોઈના ધન કે દાનની જરૂર પડતી ન હતી. દાનનું ધન તો અમાનત છે, જેને સત્પુરુષ એક હાથે લઈ બીજા હાથે ખર્ચ કરી દે છે. આજે ભિક્ષાની પુણ્યપરંપરા અત્યંત દૂષિત થઈ ગઈ છે. કુપાત્ર અને હરામખોર લોકોએ એને પોતાનો ધંધો બનાવી દીધો છે. આવા લોકોને દાન આપતા પહેલાં ઘણો જ વિચાર કરવાની જરૂર છે, પરંતુ ભિક્ષાનો મૂળ ઉદ્દેશ્ય અત્યંત પવિત્ર હતો. જે સ્વેચ્છાથી આપવા ઈચ્છતો નથી, તેને કોઈ પ્રસંગ ઊભો કરી આપવા માટે તત્પર કરવો એ પણ આત્મોન્નતિની એક સાધના કરાવવાનો જ પ્રયત્ન છે.
રામ-લક્ષ્મણની જેમ જ દાન-પુણ્યની જોડી છે. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કર્મ, ધાર્મિક કૃત્ય એવું નથી કે જેની સાથે સાથે પરમાર્થનું પ્રત્યક્ષ ઉદાહરણ ઊભું કરવું પડતું ન હોય. બ્રાહ્મણભોજન, ગાય, અન્ન, વસ્ત્ર, પુસ્તક વગેરેનું દાન, પ્રસાદ વિતરણ વગેરેમાં કોઈને કોઈ અંશે ત્યાગ કરવો અનિવાર્ય માનવામાં આવ્યો છે. કહેવાય છે કે દક્ષિણા વિનાનો યજ્ઞ નિષ્ફળ જાય છે, કારણ એ છે કે સાધનાઓનો આધ્યાત્મિક વ્યાયામ કરવાની સાથે સાથે પોતાની મનોભૂમિને ઉપજાઉ બનાવવા માટે, દેવત્વના પોષણ માટે, ઉદારતા અને પરમાર્થનો અભ્યાસ કરવા માટે કોઈ ક્રિયાત્મક કાર્ય પણ કરતા રહે. આવી કાર્યપ્રણાલીને અપનાવવાથી સાધનામાં બમણા વેગથી પ્રગતિ થાય છે. પાત્રતા ઝડપથી વધે છે. આપણી સાધના ઉભયપક્ષી ચાલવી જોઈએ. જપ, તપ, વ્રત, ઉપવાસ, ધ્યાન, પૂજા, અર્ચના, વંદના નિયમિત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરીએ. સાથે જ આપણી ઉદારતા, કૃતજ્ઞતા, પરોપકાર, ત્યાગ, પરમાર્થ અને દેવત્વના પોષણની ભાવનાને સમુન્નત કરવા માટે કંઈને કંઈ અવશ્ય કરતા રહીએ.
પ્રતિભાવો