પરમાર્થ બધા સાથે પ્રેમભાવ રાખે છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
પરમાર્થ બધા સાથે પ્રેમભાવ રાખે છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
જેમ પરમાર્થનો અર્થ એ નથી કે આપણે સાંસારિક પદાર્થોનો સર્વ પ્રકારે ત્યાગ કરી સાવ નગ્ન ફર્યા કરીએ, એવી રીતે પરમાર્થ એ પણ નથી કહેતો કે આપણે અન્ય વ્યક્તિઓને પ્રેમ કરવો છોડી ઉદાસીન વૃત્તિથી જીવન વ્યતીત કરીએ. આનાથી ઊલટું પરમાર્થી વ્યક્તિના પ્રેમનું વર્તુળ એટલું મોટું થઈ જાય છે કે એમાં કેવળ પોતાનાં બાળકો, સ્ત્રી, ભાઈભાંડુ, મિત્ર તથા પરિવાર જ નહિ, પરંતુ સાવ અજાણી અને દૂરની વ્યક્તિઓ પણ આવી જાય છે.
જે વસ્તુને ‘પ્રેમ’ કહેવાય છે એનાં અનેકાનેક સ્વરૂપ સંસારમાં જોવા મળે છે. સ્ત્રીપ્રેમ, પુત્રપ્રેમ,ધનપ્રેમ, કીર્તિપ્રેમ તથા વ્યસનપ્રેમમાં વ્યસ્ત વ્યક્તિ પોતાને પ્રેમી સિદ્ધ કરે છે. પ્રેમનું આ ભૌતિક સ્વરૂપ છે. ભૌતિક પ્રેમમાં તત્કાલીન આકર્ષણ ઘણું હોય છે અને એની પ્રતિક્રિયામાં આનંદદાયક અનુભૂતિઓ પણ જણાઈ આવે છે. ઉપરોક્ત સ્ત્રી, ધન,કીર્તિ આદિના પ્રેમમાં મનુષ્યને એટલો બધો આનંદ આવે છે કે એને ભવબંધનકારક અને અંતે દુઃખદાયક સમજવા છતાં છોડતો નથી અને આખી જિંદગી એની પાછળ વ્યતીત કરી દે છે.
ભૌતિક પ્રેમ આધ્યાત્મિક પ્રેમની એક છાયા છે. એની નાની સ૨ખી છબી અથવા મૂર્તિ આ વિષયભોગમાં જોઈ શકાય છે. ભૌતિક પ્રેમનું અસ્તિત્વ એટલા માટે છે કે આપણે આ છબીના આધારે મૂળ વસ્તુને મેળવવામાં અને ઓળખવામાં સફળ થઈ શકીએ. પ્રકૃતિની દુનિયામાં આ નમૂનાની પડીકી વેચાઈ રહી છે અને બતાવવામાં આવે છે કે જુઓ એક નાના સરખા ટુકડામાં જેટલી મજા છે એવી જ મજાનો અક્ષયભંડાર તમને પસંદ હોય, તો એ અસલી વસ્તુને – આધ્યાત્મિક પ્રેમને મેળવો.આપણા પથદર્શક સોનાના ટુકડા દેખાડતાં બતાવે છે કે એવા જ સોનાની જો તમારે જરૂર હોય તો સામેની ખાણમાં જાઓ અને એમાંથી મન માને તેટલા પ્રમાણમાં ખોદી લાવો, પરંતુ હાય ! આપણે કેવા મંદ બુદ્ધિવાળા છીએ, જે આ નમૂનાની પડીકીઓ ચાટવા માટે એટલી બધી કૂદાકૂદ કરી મૂકીએ છીએ અને ખજાના તરફ નજર નાખીને જોતા પણ નથી.
પ્રેમનો ગુણ આનંદ છે. પ્રેમ કરવાથી આનંદ મળે છે. સ્ત્રી, ધન, કીર્તિ વગેરેને પ્રેમ કરવામાં આનંદ આવે છે અથવા આનંદના કારણે પ્રેમ કરીએ છીએ. આપણે પથ્થર, રાખ, ગંદકી અથવા કાગડા, સમડી, ગીધ વગેરેને પ્રેમ કરતા નથી, કેમ કે એમાં આનંદનો અનુભવ થતો નથી અથવા આનંદ અનુભવતા નથી. એટલા માટે પ્રેમ થતો નથી. પાડોશીના ખજાનામાં લાખો રૂપિયા ભરેલા હોવા છતાં આપણને એની કોઈ મમતા હોતી નથી. જો તે બધા રૂપિયા આજે જ નાશ પામે તો પણ આપણને કોઈ વેદના થતી નથી. એ જ રીતે અન્ય વ્યક્તિનાં સ્ત્રી,પુત્ર કે અન્ય પરિજન મરી જાય કે કોઈની કીર્તિને લાંછન લાગે તો બીજું કોઈ શા માટે ૫૨વા કરે ?
પાડોશીના રૂપિયા પણ એ જ ચાંદીના બન્યા છે, જેમાંથી આપણા બન્યા છે. પાડોશીનાં સ્ત્રી-પુત્રોનાં શરીર પણ તેવાં જ હોય છે, જેવાં કે આપણાં, પરંતુ આપણા રૂપિયા પ્રત્યે પ્રેમ છે, આપણા સ્ત્રી-પુત્રો પ્રત્યે પ્રેમ છે. એ જ વસ્તુઓ પાડોશી પાસે પણ છે, પરંતુ એના પ્રત્યે પ્રેમ નથી. અહીં પ્રેમનું અસલી કારણ સ્પષ્ટ થઈ જાય છે. જે વસ્તુ સાથે આપણે આત્મીયતા સ્થાપિત કરીએ છે, જેની સાથે મમત્વ જોડીએ છીએ તે જ પ્રિય લાગવા માંડે છે અને પ્રેમની સાથે જ આનંદનો ઉદય થાય છે. ખરેખર કોઈ જડ વસ્તુમાં સ્વયં પ્રેમાકર્ષણ નથી. સંસારની જે ભૌતિક વસ્તુઓને આપણે પ્રેમ કરીએ છીએ તે ન તો આપણા પ્રેમને સમજે છે અને ન તો બદલામાં પ્રેમ કરે છે. રૂપિયાને આપણે પ્રેમ કરીએ છીએ, પરંતુ રૂપિયા આપણા પ્રેમ કે દ્વેષથી જરા પણ પ્રભાવિત થતા નથી. પૈસા ખર્ચાઈ ગયા પછી આપણને એ પૈસાની ઘણી યાદ આવે છે, પરંતુ એ પૈસાને રતિભાર પણ પરવા નથી હોતી કે જે વ્યક્તિ આપણને આટલો પ્રેમ કરતી હતી તે જીવે છે કે મરી ગઈ છે. સાચી વાત એ છે કે સંસારના કોઈપણ પદાર્થમાં જરા પણ આકર્ષણ કે આનંદ નથી. જેની પર આત્માનાં કિરણો પડે છે તે જ વસ્તુ ચમકતી જણાય છે. જેની સાથે આત્મીયતા સ્થાપિત કરીએ છીએ તે આનંદદાયક, આકર્ષક તથા પ્રિયપાત્ર બની જાય છે. પ્રેમ અને આનંદ આત્માના પોતાના ગુણ છે, બહારના પદાર્થોમાં તો એની છાયા જ જોઈ શકાય છે.
જીવને આનંદ મેળવવાની તરસ હોય છે. જીવ તેને છિપાવવા અહીં તહીં ભટક્યા કરે છે, પરંતુ તૃપ્તિ થતી નથી. કૂતરો સૂકું હાડકું ચાવે છે અને પેઢાંના છોલાવાથી નીકળતા લોહીને પીને આનંદ મેળવે છે. આપણે ભૌતિક વસ્તુઓના પ્રેમમાં આનંદનો અનુભવ કરીએ છીએ, એનું કારણ અસલી આત્મીય પ્રેમ છે. જો આ આત્મીયતા દૂર કરવામાં આવે તો એ જ કાલની પ્યારી વસ્તુઓ આજે ધૃણાજનક કે અપ્રિય લાગવા માંડશે. સ્ત્રીનો દુરાચાર પ્રગટ થતાં તે પ્રાણપ્રિય નથી રહેતી, પરંતુ શત્રુ જેવી જણાય છે. પિતાપુત્રમાં, ભાઈભાઈમાં જ્યારે કલહ થાય છે અને આત્મીયતા રહેતી નથી ત્યારે કોઈવાર એકબીજાનો જીવ લેતા જોવા મળે છે. મકાન-મિલકત, ગાડી-વાડી જ્યારે આપણા હાથે વેચાઈને બીજા માલિકના હાથમાં ચાલી જાય છે ત્યારે તેની રક્ષા કે વ્યવસ્થાની પરવા રહેતી નથી, કારણ કે એના પ્રત્યેની આત્મીયતા છોડી દીધી છે. સ્વાદિષ્ટ ભોજન, નાચગાન તથા વિષયભોગોનો આનંદ પણ આપણી અંદર જ છે. પેટમાં જો અજીર્ણ હોય તો મધુર ભોજન કડવું લાગે છે. ગુપ્તરોગની પીડા હોય તો સ્ત્રીભોગ પીડાકારક લાગશે. આંખો દુઃખતી હોય તો નાચગાનમાં રુચિ રહેતી નથી. ઈન્દ્રિયભોગ જે આટલા મધુર જણાય છે તે ખરેખર પોતાની અંદર પ્રકાશતી અખંડ જ્યોતિના જ સ્ફુલિંગ છે. બિચારી ઈન્દ્રિયો ક્યાં આનંદદાયક હોઈ શકે છે!
પ્રેમ અને આનંદનું ઉદ્ભવસ્થાન આત્માની અંદર જ છે. એને પરમાત્માની સાથે જોડવાથી જ અસીમ અને સ્થાયી આનંદ પ્રાપ્ત થઈ શકે છે. સાંસારિક નાશવંત વસ્તુઓના ખભા પર જો આત્મીયતાનો ભાર લાદવામાં આવે તો, એ નાશવંત વસ્તુઓમાં પરિવર્તન થતાં અથવા નાશ પામતાં સહારો તૂટી જાય છે અને એના ખભા પર જે લાદ્યું હતું, તે તરત જ નીચે પડી જાય છે. પરિણામસ્વરૂપે ઘણો જ આઘાત લાગે છે અને આપણે ઘણા સમય સુધી તરફડીએ છીએ. ધનના નાશથી, પ્રિયજનના મૃત્યુથી તથા અપયશ મળતાં જ કેટલાક માણસો રોતા-કકળતા અને જીવન નષ્ટ કરતા જોવા મળે છે. રેતીનો મહેલ બનાવી એ અજરઅમર રહેવાનું સ્વપ્ન જોનારની જે દુર્દશા થાય છે તે જ સ્થિતિ હાહાકાર મચાવતા આ પ્રેમીઓની થાય છે. ભૌતિક પદાર્થનાશવંત છે. એટલે એની સાથે પ્રેમ કરવો તે એક અધૂરો અને લૂલો-લંગડો સહારો છે, જે ક્યારે તૂટી પડે તે કહેવાય નહિ અને તેના પડવાથી પ્રેમીના હૃદયને આઘાત પહોંચે છે. પ્રેમનો ગુણ તો આનંદમય છે. જે દુઃખદાયી પરિણામ આપે તે પ્રેમ કેવો? અધ્યાત્મતત્ત્વના આચાર્યોએ એટલે જ ભૌતિક પ્રેમને ‘મોહ’ વગેરે ધૃણાસ્પદ નામોથી સંબોધિત કર્યો છે.
પ્રેમનું આધ્યાત્મિક સ્વરૂપ એ છે કે આત્માનો આધાર પરમાત્માને બનાવવામાં આવે. ચૈતન્ય અને અજરઅમર આત્માનું અવલંબન સચ્ચિદાનંદ પરમાત્મા જ બની શકે છે. એટલા માટે જડ પદાર્થોની, ભૌતિકમાયા સંબંધિત વસ્તુઓમાંથી ચિત્તનેઠાવીને પરમાત્મામાં લગાવવામાં આવે. આત્માના પ્રેમનો પરમાત્મા ઉત્તર આપે છે અને આ બંને પ્રવાહના મિલનથી એક એવા આનંદનો ઉદ્ભવ થાય છે, જેનું વર્ણન થઈ શકતું નથી.
આત્માનું વિશુદ્ધ રૂપ જ પરમાત્મા છે. માણસની ઉચ્ચતમ, પરમ સાત્ત્વિક, પરમ આનંદમયી અવસ્થા જ બ્રાહ્મીસ્થિતિ છે. બ્રહ્મ અને બ્રાહ્મીસ્થિતિ એક જ વાત છે. આ પરમતત્ત્વની, આ કેન્દ્રની ચર્ચા, કીર્તન, જપ, સ્તુતિ, અનુનય, વિનય, પૂજા તથા આરાધના ભક્તિનો વાસ્તવિક ઉદ્દેશ્ય છે. ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ. બ્રહ્માનંદમાં મગ્ન રહેવું જોઈએ. આત્માના વિશુદ્ધ સ્વરૂપ એવા પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. સીધા શબ્દોમાં એનું તાત્પર્ય એ છે કે પરમ સાત્ત્વિક, નિર્દોષ તથા શુદ્ધ અવસ્થામાં પહોંચવા માટે હરહંમેશ વ્યાકુળ રહેવું જોઈએ. એક ક્ષણ માટે પણ તે આકાંક્ષાને ભૂલવી ના જોઈએ. આપણે સાચી ભક્તિની, સાચા પ્રેમની ઉપાસના કરવી જોઈએ. આત્માને, પરમાત્માને પ્રેમ કરવો જોઈએ. આપણે માનવતાની આદર્શ પ્રતિમા બનવા માટે નિરંતર વિચાર અને કાર્ય કરવું જોઈએ. આ જ સ્વાર્થ અને પરમાર્થ છે. પ્રેમનું સાચું આધ્યાત્મિક સ્વરૂપ પણ આ જ છે.
આત્મા પ્રેમનું કેન્દ્ર છે. વિશ્વવ્યાપી આત્મા, પરમાત્મા અર્થાત્ સમસ્ત પ્રાણીસમાજ આપણા પ્રેમનું કેન્દ્ર હોવો જોઈએ. ઘટઘટવાસી પરમાત્માને આપણે પ્રેમ કરીએ. પ્રત્યેક પ્રાણીના આત્માને ઊંચો ઉઠાવવા, વિકસિત કરવા અને સુખી બનાવવા માટે આપણે વધુમાં વધુ ઈમાનદારી, મહેનત અને દિલચસ્પી સાથે કામ કરીએ. પરમાત્મા સાથે પ્રેમ કરવાનો અને મુક્તિ અપાવનારા પરમાર્થનો આ જ સાચો રાહ છે.
પ્રતિભાવો