સ્વાર્થ ત્યાગમાં અનંત આનંદ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
સ્વાર્થ ત્યાગમાં અનંત આનંદ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
સંસારમાં આનંદને મોટામાં મોટી વસ્તુ માનવામાં આવે છે. દુનિયામાં બધી જગાએ દેખાતી ભાગદોડ અને કરવામાં આવતા પ્રયત્નોનો અંતિમ ઉદ્દેશ્ય આનંદની પ્રાપ્તિ જ હોય છે, પરંતુ મોટા ભાગના લોકો એ સમજતા નથી કે આનંદ ભૌતિક પદાર્થોમાંથી કદીય મળી શકતો નથી. તે તો આત્માનો ગુણ છે અને એટલે જ એની પ્રાપ્તિ આધ્યાત્મિક પ્રયત્નોથી જ થઈ શકે છે.
જો મનુષ્ય વાસ્તવમાં આત્મિક સુખ ખરીદવા ઈચ્છે તો એના બદલામાં તેણે સમકક્ષ ચીજ આપવી જોઈએ. આપણે જો ખરેખર સંયમ, સહિષ્ણુતા, ધૈર્ય, સહાનુભૂતિ અને પ્રેમને આપણા હૃદયમાં ઉત્પન્ન કરવા ઈચ્છીએ, તો આપણે તેના બદલામાં આપણી મનોવૃત્તિની નિરંકુશતા, સ્વાર્થ, લંપટતા અને માનસિક ચંચળતાને વિદાય આપવી પડશે. લોભી મનુષ્યને દ્રવ્ય પ્રત્યે ગમે તેટલો પ્રેમ કેમ ન હોય, છતાં તે જો શારીરિક આરામ ઈચ્છતો હોય તો એણે પોતાનું દ્રવ્ય ખર્ચવું જ પડશે. આ રીતે સ્વાર્થત્યાગ કરવામાં આપણને કેટલુંય કષ્ટ કેમ ન થાય, છતાં તે છોડ્યા વિના આપણે આત્મિક ઉન્નતિ કરી શકીશું નહિ. ધનનો સાચો ઉપયોગ એ જ છે કે એનાથી મનુષ્યજાતિને સુખશાંતિ મેળવવામાં સરળતા રહે. એક કંજૂસ પોતાની પાસે લાખો સિક્કા હોવા છતાં પણ દ્રવ્યપ્રેમને કારણે જરૂરી સામગ્રી મેળવી શકતો નથી. ખરેખર તે દયાને પાત્ર છે. આ જ રીતે ચૈતન્ય જગતમાં જે વ્યક્તિ પોતાની માનસિક વૃત્તિઓના બદલામાં સાચું સુખ અને શાંતિ મેળવતાં ખચકાય છે તે મૂઢ બુદ્ધિવાળી છે. પ્રકૃતિએ મનુષ્યને હૃદયમાં ક્રોધની માત્રા એટલા માટે આપી છે કે તે એની પર વિજય મેળવી ક્ષમા કરે. સ્વાર્થને વશ થઈ મનુષ્ય બીજાની સુખસામગ્રીને ઝૂંટવી લઈ પોતાના સુખ માટે ભેગી કરે છે. બીજાની એને જરા પણ ચિંતા હોતી નથી. એટલે જ તે કંજૂસ મનુષ્યની માફક પોતાનું ધન પોતાની પાસે જ રાખવા ઈચ્છે છે, પરંતુ ધર્મનો સિદ્ધાંત આનાથી વિપરીત છે. ધર્મ ઈચ્છે છે કે મનુષ્ય પોતાના સુખનો ઉપભોગ પોતે તો કરે અને બીજાને સુખી કરવા પણ તત્પર રહે.
તે આત્મિક શક્તિઓ કઈ કઈ છે, જેમની વૃદ્ધિ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ ? દયાભાવ, મૈત્રીભાવ, સંવેદના, સંયમ, ધૈર્ય, સત્ય, શાંતિ અને વિશ્વવ્યાપી પ્રેમ. આ બધા ભાવ જે સમયે મનુષ્યના હૃદયમાં પૂર્ણરૂપે વિકસિત થઈ જાય છે એ સમયે એનો આત્મા વિસ્તૃત થતાં થતાં આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. આ ભાવોની જો પ્રાપ્તિ ઈચ્છતા હો, તો અધીરાઈ, ક્રોધ, ધૃણા,નિર્દયતા અને સ્વાર્થ તથા પોતાની વૃત્તિઓનું દમન કરવાનું વ્રત લો. એની માત્રા જેમ જેમ હૃદયમાં ઘટતી જશે તેમ તેમ સુખ અને શાંતિની માત્રા વધતી જશે.
પ્રતિભાવો