સ્વાર્થનાં બે સ્વરૂપ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
સ્વાર્થનાં બે સ્વરૂપ । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
સાધારણ રીતે ‘સ્વાર્થ’ શબ્દને સારા અર્થમાં સમજવામાં આવતો નથી. “સ્વાર્થી’’ કહેવું તેને એક પ્રકારની ગાળ કે નિંદા સમજવામાં આવે છે, પરંતુ થોડો વિચાર કરવાથી લોકોની આ ધારણા ખોટી જણાય છે. સ્વાર્થની પ્રવૃત્તિ મનુષ્ય સહિત જીવમાત્રમાં સ્વાભાવિક રીતે જણાઈ આવે છે. એને કોઈ પણ રીતે ખરાબ કહી શકાય નહિ. આ પ્રવૃત્તિ સિવાય આત્મરક્ષા સંભવ નથી. મનુષ્ય જો શરૂઆતથી જ “સ્વાર્થ” પર દૃષ્ટિ ન રાખે અને પોતાના શરીરની રક્ષા માટે યોગ્ય પ્રયત્ન ન કરે તો આ સૃષ્ટિનું સ્થિર રહી શકવું જ અસંભવ બની જાય. નાનામાં નાનું બાળક પણ ભૂખ લાગે એટલે રડે છે અને દૂધ પીવા તલપાપડ થાય છે, તે સ્વાર્થની પ્રવૃત્તિનું જ મૂળ રૂપ છે. આ પછી હંમેશ માટે પોતાનાં લાભહાનિનો વિચાર કરવો પડે છે. સાચું તો એ છે કે “સ્વાર્થ”ની એક એવી કીમતી કસોટી પરમાત્માએ આપણને આપી છે કે જેની પર કસીને આપણે કયું કામ ખરું કે ખોટું છે તે જાણી શકીએ છીએ. શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ ? સ્વાર્થ જીવનની એક સર્વોપરી જરૂરિયાત છે. યોગ્યરૂપમાં તેનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ.
વાચકોને અહીં એવો સંદેહ પેદા થઈ શકે છે કે જો સ્વાર્થ આટલી બધી ઉત્તમ વસ્તુ છે તો તેને ખરાબ કેમ કહે છે ? સ્વાર્થી પ્રત્યે ધૃણા કેમ થાય છે ? આપણે એ જાણવું જોઈએ કે વેદમાં જે સ્વાર્થની નિંદા કરી છે તેનો ખરો અર્થ ‘અનર્થ’ હોવો જોઈએ. પહેલાંના આચાર્યોએ વિશુદ્ધ સ્વાર્થને પરમાર્થના નામથી ઓળખાવ્યોછે. આ પરમાર્થજ સાચો સ્વાર્થ છે. અનર્થને સ્વાર્થ ગણવો એ ભૂલ છે, કેમ કે વાસ્તવિક અર્થમાં પરમાર્થથી જ સ્વાર્થની પૂર્તિ થાય છે. અનર્થને અપનાવવો એ તો આત્મઘાતક છે. એને કોઈ પણ રીતે સ્વાર્થ કહી શકાય નહિ.
સ્વાર્થના બે ભેદ પાડી શકાય છે : એક અનર્થ અને બીજો પરમાર્થ. એક ખેડૂત પરિશ્રમપૂર્વક ખેતર ખેડે છે, પૈસા ખર્ચી ઘઉં લાવે છે. આ ઘઉંને વાવી પણ દે છે. ત્યાર પછી કેટલીયવાર ખેતરમાં પાણી પાઈને સિંચાઈ કરે છે, રખેવાળી પણ કરે છે. સામાન્ય રીતે એક વર્ષ સુધી ખેતરમાં કંઈને કંઈ ખર્ચ કરવું પડેછે. ક્યારેક હળ ખરીદવું પડે, ક્યારેક પાવડો તો ક્યારેક બળદ, તો ક્યારેક ખેતીનાં કેટલાંય સાધન લાવવાં પડે છે. મહેનત-મજૂરી કરવી પડે છે. તેને સાચવવા ચિંતા કરવી પડે, તેનું ધ્યાન રાખવું પડે છે તે તો જુદું. આ ખેડૂત પરમાર્થી છે. તે જાણે છે કે આ સમયે હું જે ત્યાગ કરી રહ્યો છું તેનો બદલો કેટલાયગણો થઈને મને મળશે. ખરેખર તેની મહેનત કારણ સિવાય નકામી જતી નથી. ખેતરમાં એક દાણાને બદલે હજાર દાણા પેદા થાય છે. ખેડૂત પ્રસન્ન થાય છે અને પોતાની પરમાર્થ બુદ્ધિની પ્રશંસા કરે છે. એક બીજો ખેડૂત ૫૨માર્થ પસંદ નથી કરતો. તે વિચારે છે કે કાલ કોણે જોઈ છે ? આજનું ફળ આજે ન મળે તો ન પરિશ્રમ શું કામ કરવો ? તે અનાજને ખેતરમાં વાવતાં અનુભવ કરે છે કે આવતી કાલ ઉપર તેને વિશ્વાસ નથી. આજના અનાજની તે આજે જ રોટલી બનાવીને ખાઈ જાય છે. ખેતર ખાલી પડી રહે છે. પાક ઊગતો નથી. કાપણી વખતે પરમાર્થી ખેડૂત અનાજથી કોઠાર ભરે છે, જ્યારે પેલો ખેડૂત માથું પટકે છે, કારણ કે તે તો બિયારણને વાવવાના બદલે ખાઈ ગયો હતો. તેને હવે કંઈ જ મળવાનું નથી. હવે આપને સમજાયું હશે કે પરમાર્થનો અર્થ આવતી કાલની વાત વિચારીને આજનું કામ કરવું અને અનર્થનો અર્થ છે, આવતી કાલની ભલાઈ બૂરાઈનો વિચાર કર્યા વિના આજનું કામ કરવું.
વર્તમાન માટે ભવિષ્યને ભૂલી જવાની નીતિ અનર્થકારક છે. એક ખાવાનો શોખીન માણસ ભોજન સ્વાદિષ્ટ હોઈ જરૂર કરતાં વધુ ખાય છે. થોડા સમય પછી પેટમાં દુઃખે છે, ડૉક્ટરને બોલાવવા પડે છે, જેટલો લોભ કર્યો હતો તેનાથી ખર્ચ વધી જાય છે. એક કામી પુરુષ કોઈ યુવતી પર મુગ્ધ થઈ અમર્યાદિત ભોગ ભોગવે છે. કેટલાક સમય પછી તે વીર્યરોગી થઈ જાય છે. આના બદલે એક માણસ જીભ ઉપર સંયમ રાખે છે, ભવિષ્યનો વિચાર કરી આજના સ્વાદથી દૂર રહે છે,તેનું મર્યાદિત ભોજન સ્વસ્થ રહેવામાં અને દીર્ઘજીવનમાં સહાયક બને છે. આ જ રીતે એક બ્રહ્મચારી ગૃહસ્થ નિયત મર્યાદામાં રતિસંયોગ કરે છે. તે નીરોગી રહે છે, બળવાન સંતાન મેળવે છે અને પુરુષત્વને સંરક્ષિત રાખેછે. પહેલાંવાળી બેઅસંયમી વ્યક્તિઓ દુઃખી થાય છે, કેમ કે તેઓ આજના લોભમાં આવતી કાલની વાત ભૂલી જાય છે. આને બદલે પાછળની બે વ્યક્તિ આનંદમાં રહે છે, કારણ કે તેઓ આવતી કાલને માટે આજે કામ કરે છે.
“અમારે તો અમારા મતબલથી મતલબ” ની નીતિને અપનાવનારને સ્વાર્થી કહી ઘૃણાની દૃષ્ટિથી જોવામાં આવે છે. ખરેખર તેઓ સ્વાર્થી નહિ, અનર્થી છે, કારણ કે તેઓ વાસ્તવિક સ્વાર્થને ભૂલી ગયા છે અને સત્યાનાશી અનર્થને અપનાવી રાખ્યો છે. જે વ્યક્તિ પાડોશમાં કોલેરા થયો હોવા છતાં તેને રોકવા પ્રયત્ન નથી કરતી, જે માણસ સમાજમાં દુષ્ટતા ઉત્પન્ન થાય તો તેને રોક્વા ઊઠશે નહિ, જે માણસ ગામમાં લાગેલી આગ હોલવવા કોશિશ કરતો નથી, જે અસહાયોને સહાયતા કરતો નથી તે કેવળ અનર્થ કરે છે, કેમ કે મહોલ્લામાં થયેલો કોલેરા ઘરમાં આવી છોકરાનો જાન લઈ લેશે, વ્યાપેલી દુષ્ટતા એની ખુદની છાતી પર ચડી એક દિવસ તેનું રક્ત પીવા તૈયા૨ થઈ જશે, ગામમાં લાગેલી આગ થોડાક કલાકમાં પોતાના છાપરા સુધી આવી પહોંચશે. અસહાયોનો રોષ એક દિવસ રાક્ષસ રૂપ ધારણ કરીને પોતાની મુશ્કેલીઓના કારણે આપણને જોખમમાં મૂકશે. આ પ્રમાણે “અમારા મતલબથી મતલબ’’ રાખનારની ‘લાલાશાહી’ નીતિ યથાર્થમાં સ્વાર્થની નહિ, પણ અનર્થની નીતિ છે. આ અનર્થ એક દિવસ એનો વિનાશ કરીને જ રહેશે. લોટની ગોળીને જ જોનારી માછલી પોતાનો જાન ખોઈ બેસે છે.
પાપ, દુષ્કર્મ, લાલચ, લોભ વગરેમાં તરતનો જ કંઈક લાભ દેખાય છે, એટલે લોકો કબૂતરની જેમ દાણા મેળવવા માટે એની પાછળ દોડી જાય છે અને જાળમાં ફસાઈને દુઃખ સહે છે. પછી રડતા-કકળતા રહે છે, પરંતુ ધીરજવાન માણસ શુભકર્મોમાં પ્રવૃત્ત હોય છે અને ખેડૂતની જેમ આજે કષ્ટ સહન કરી કાલ માટે ફસલ તૈયાર કરે છે. હકીકતમાં પૂરો, પાકો સ્વાર્થી માણસ તે છે, જે દરેક કામને ભવિષ્યના પરિણામના આધારે તોલે છે અને ધીરજ તથા ગંભીરતાથી શ્રેષ્ઠ કર્મ કરતો આ લોક અને પરલોકને ઉજ્જવળ બનાવે છે. તેને જ પરમાર્થી કહેવાય છે. અવિવેકી અને મૂર્ખ તે છે, જે ક્ષણિક સુખની મૃગતૃષ્ણામાં ભટકતાં ભટકતાં આ લોકમાં નિંદા અને પરલોકમાં યાતના પ્રાપ્ત કરે છે. એ સ્વાર્થ નહિ, અનર્થ છે. આપણે દરેકે એ વાત સાચી રીતે આત્મસાત્ કરી લેવી જોઈએ કે સાચો સ્વાર્થ પરમાર્થમાં છે. અનર્થનો અર્થ તો આત્મહત્યા જ થઈ શકે. કૂતરો સૂકું હાડકું ચાવે છે. તેને ચાવવાથી એનાં પેઢાંમાંથી જે લોહી નીકળે છે તે પીને એમ સમજે છે કે હાડકામાંથી લોહી મળે છે. અનર્થની નીતિને અપનાવનાર પોતાના મોઢામાંથી રક્ત કાઢીને પીએ છે અને એમાં પ્રસન્નતાનો અનુભવ કરતો રહે છે.
પ્રતિભાવો