ગાયત્રી – માહાત્મ્ય,  ગાયત્રી મહાવિજ્ઞાન – ૨

ગાયત્રી – માહાત્મ્ય,  ગાયત્રી મહાવિજ્ઞાન – ૨

ગાયત્રીના આટલાં બધા મોટા લાભોના મૂળમાં એવા ક્યાં ક્યાં કારણો હશે જેથી આપણને આટલી બધી નવાઈ લાગે છે ? આ બાબતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો મનુષ્યને માટે ઘણું મુશ્કેલ છે. પરંતુ એ મહાન કારણોમાંનું એક કારણ એ પણ છે કે આ ગાયત્રીની પાછળ અનેક મનસ્વી સાધકોનું ઝગમગતું સાધના બળ કામ કરી રહ્યું છે. સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માથી માંડીને આધુનિક સમય સુધી સર્વ ઋષિ-મુનિઓએ, સાધુ-મહાત્માઓએ તેમજ શ્રેય માર્ગના પથિકોએ ગાયત્રી મંત્રનો આશ્રય લીધો છે. આ બધાઓએ જેટલાં સાધના, જપ, અનુષ્ઠાન વગેરે ગાયત્રી મંત્રનાં કર્યાં છે, તેટલાં અન્ય કોઈ મંત્રાદિનાં કર્યા નથી. તેમણે પોતાની અત્યંત ઉચ્ચ ભાવનાઓને અધિકાધિક એકાગ્રતા અને તન્મયતાપૂર્વક ગાયત્રી મંત્રમાં જ લગાડી છે. અનેક યુગોથી આ ક્રમ ચાલતો આવ્યો છે. આ રીતે આ એક જ મંત્રની પાછળ ઉચ્ચ કોટિની આત્માની વીજળી શક્તિ એટલી બધી ભળી છે કે જેને કારણે બધા સૂક્ષ્મ લોકમાં એનો એક ભવ્ય શક્તિપુંજ એકત્ર થઈને ફેલાઈ ગયો છે.

વિજ્ઞાન કહે છે કે કોઈ શબ્દ અથવા વિચારનો કદી નાશ થતો નથી. જે શબ્દ બોલાય છે કે જે વિચારો રજૂ થાય છે તે મોજાંઓના રૂપમાં આકાશમાં ફેલાઈ જાય છે અને અનંતકાળ સુધી સૃષ્ટિના વાતાવરણમાં કોઈને કોઈ રૂપમાં હયાત રહેશે. વળી, જે મોજાં વિશેષ બળવાન હોય છે તે તો વધારે ઝળહળતાં રહે છે. મહાભારતના યુદ્ધનાં સ્મરણો અને તાનસેનનાં ગીતોનાં મોજાંઓને સૂક્ષ્મ આકાશમાંથી ઝીલીને તેમની રેકોર્ડો ઉતારવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. જો તેઓ સફળ થાય તો પ્રાચીન સમયની અનેક મહત્ત્વની વાતોને તેમના અસલી સ્વરૂપમાં આબેહૂબ રીતે આપણે સાંભળવા ભાગ્યશાળી થઈએ. એમ બને તો તો ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલી ગીતાને આપણે એના મૂળ સ્વરૂપમાં જ સીધી જ સાંભળી શકીએ. એ શબ્દોને અને વિચારોને સૂક્ષ્મ સ્વરૂપમાંથી સ્થળ બનાવવાનું કાર્ય હજી ઘણા સમય સુધી કદાચ મુશ્કેલ રહેશે. તેમ છતાં એટલું તો નિશ્ચિત છે કે એ બધાનું અસ્તિત્વ નષ્ટ થતું નથી. આજ સુધી જે અસંખ્ય મહાન વ્યક્તિઓ દ્વારા ગાયત્રી પ્રત્યેની શ્રદ્ધા અને સાધના કરવામાં આવી છે તેનો નાશ થયો, પરંતુ સૂક્ષ્મ જગતમાં નથી તેનું પ્રબળ અસ્તિત્વ આજ સુધી પણ છે. “એક જ પ્રકારના પદાર્થો એક જ જગ્યાએ એકત્ર થાય છે’ — એ સિદ્ધાંત મુજબ એ બધી જ સાધનાઓની શ્રદ્ધાઓ, ભાવનાઓ. તપશ્ચર્યાઓ અને વિધિઓ વગેરે બધું જ એક સ્થળે એકત્ર થઈને એક બળવાન ચૈતન્ય યુક્ત આધ્યાત્મિક વિધુત ભંડાર એકઠો થયો છે.

જેઓને વિચાર-વિજ્ઞાન (વિચારને લગતું શાસ્ત્ર) નો થોડો પણ ખ્યાલ હશે તેઓને ખબર હશે કે મનુષ્ય જેવો વિચાર કરે છે તેવા જ પ્રકારનું એક આકર્ષણ, એક ચુંબકીય તત્ત્વ તેના મગજમાં ઉત્પન્ન થાય છે. આ ચુંબકત્વ સમગ્ર આકાશમાં ઉડનારા એવા જ પ્રકારના બીજા વિચારને આકર્ષિત કરીને પોતાની નજીક ખેંચી લાવે છે અને બહુ થોડા જ વખતમાં તેની પાસે એ પ્રકારના વિચારોનો મોટો જથ્થો ભેગો થઈ જાય છે. સજ્જનતાના ગણોનો વિચાર કરનાર માણસો દિવસે દિવસે સજ્જનતાના વિચારો, ગુણ, કર્મો અને સ્વભાવોવાળા બનતા જાય છે. એ જ રીતે દુષ્ટતા તેમજ પાપના વિચારો કરનારનું મગજ એ દિશામાં વધારે ને વધારે હોશિયારીવાળું બનતું જાય છે. આ બધું વિચારોના આકર્ષણ અંગેના વિજ્ઞાનના સિદ્ધાંતો મુજબ બને છે. આ જ વિચાર વિજ્ઞાન મુજબ આ જગતના આરંભથી માંડીને આજ સુધીના મહાન પુરુષોએ જે વિચારો અવકાશમાં વહેતા કર્યા છે તે વિચારોની સાથે ગાયત્રીના સાધકોની વિચાર સાંકળો ભેગી થઈને એક બને છે. ઊંચી દીવાલ પર કોઈ વ્યક્તિ સાધનો વગર મહામહેનતે ચઢી શકે પણ દીવાલની સાથે કોઈ અનુકૂળ દાદર ગોઠવી આપે તો તેને આધારે માણસ સરળતાથી ભીંત પર ચઢી શકે. ભૂતકાળમાં થઈ ગયેલા સાધકોના બનાવેલા દાદર પર આપણે ગાયત્રી તત્ત્વ સુધી સરળતાપૂર્વક પહોંચી જઈ શકીએ અને એ સ્થાનમાં પ્રાપ્ત થતી બધી જ સમૃદ્ધિઓને સરળ રીતે ઓછા પ્રયત્ન પ્રાપ્ત કરી શકીએ.

ગાયત્રી સાધનામાં આપણે જેટલો શ્રમ કરવો પડે છે તેના કરતાં અનેક ગણી સહાયતા આપણને અગાઉ થઈ ગયેલા મહાન ઉપાસકોએ ફેલાવેલી મહાન સંપત્તિ દ્વારા મળે છે અને આપણે થોડા પ્રયત્ન દ્વારા જ એ લાભો મેળવી શકીએ છીએ જેના માટે વર્ષો પૂર્વે આવા લાભો મેળવવા અનહદ શ્રમ કરવો પડતો હશે. આજે તો સૂક્ષ્મ જગતની એવી સૂક્ષ્મ વ્યવસ્થા આપણે માટે તૈયાર જ છે. એના આધારે આપણે આ દિશામાં ઝડપથી આગળ વધી શકીએ છીએ. પાણીનું ટીપું સમુદ્રમાં પડીને સમુદ્ર બની જાય છે, એક સિપાઈ સેનામાં દાખલ થઈને સેનાનું એક અંગ જ બની જાય છે. એક નાગરિકના ખંભા ઉપર એની સરકારની સમગ્ર તાકાત હોય છે. એ જ પ્રમાણે એક સાધક જે પેલાં અનાયાસે પ્રાપ્ત થતા ગાયત્રી શક્તિના સમૂહની સાથે પોતાનો સંબંધ બાંધી લે છે, તેને એ શક્તિનો સંપૂર્ણ લાભ મેળવી લેવાની સંપૂર્ણ તક મળી જાય છે. જેટલો પ્રકાશમય શક્તિ સમૂહ ગાયત્રી મંત્રની પાછળ રહેલો છે, એટલો શક્તિ સમૂહ બીજા કોઈ વેદમંત્રની પાછળ નથી. આથી જ ગાયત્રીની સાધના વડે સાધક થોડાક જ શ્રમથી અધિકાધિક લાભ મેળવી શકે છે.

આમ હોવા છતાં આપણે જોઈએ છીએ કે ઘણા માણસો ગાયત્રીના આવા મહિમાને જાણવા છતાં તેનો લાભ લેતા નથી. કોઈની તદ્દન નજીક, તેના ખિસ્સામાં પુષ્કળ ધન હોય અને તે તેનો ઉપયોગ કરીને આનંદ પ્રાપ્ત ન કરે તો એ એનું દુર્ભાગ્ય જ ગણાય ને ? ગાયત્રી એક દેવી વિદ્યા છે. પરમાત્માએ આપણા માટે એને અત્યંત સુલભ બનાવી છે. ઋષિ-મુનિઓએ પદે-પદે આપણને આ ગાયત્રી સાધના દ્વારા લાભ મેળવાનો આદેશ આપ્યો છે. આમ છતાંય જો આપણે તે દ્વારા લાભ ન ઉઠાવીએ ગાયત્રી સાધના ન કરીએ તો એને આપણા દુર્ભાગ્ય સિવાય બીજું શું કહી શકાય

અથર્વવેદ મુજબ ગાયત્રી માહાત્મ્ય : ગાયત્રીના મહિમાનું વર્ણન વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે બધા જ ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિ કરવામાં આવી છે. એમાં ગાયત્રીને આયુષ્ય, પ્રાણ, શક્તિ, પશુ, ધન અને બ્રહ્મતેજને આપનારી કહેવામાં આવી છે.

સ્તુતા મયા વરદા વેદમાતા પ્રચોદયન્તાં પાવમાની દ્વિજાનામ્ | આયુઃ પ્રાણં પ્રજાં પશું કીર્તિ દ્રવિણં બ્રહ્મવર્ચસમ્ . || અથર્વવેદ ૧૯-૧૭-૧

અથર્વવેદમાં સ્વયં વેદ ભગવાન કહે છે, : મારા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી, દ્વિજોને પવિત્ર કરનાર વેદમાતા તેમને આયુષ્ય, પ્રાણશક્તિ, પશુ, કીર્તિ, ધન તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરે છે.

યથા મધુ વ પુષ્પભ્યો ધૃતં દુગ્ધાદ્રસાત્પયઃ | એવં હિ સર્વવેદાનાં ગાયત્રી સાર ઉચ્યતે ||

બૃહદ્ યોગિયાજ્ઞવલ્કયસ્મૃતિ ૪-૧૬

જેમ પુષ્પોનો સાર મધ, દૂધનો સાર ઘી અને રસોનો સાર દૂધ છે તે પ્રમાણે ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર છે.

તદિત્યૃચઃ સમો નાસ્તિ મન્ત્રો વેદચતુષ્ટયે | સર્વે વેદાશ્ચ યજ્ઞાશ્ચ દાનાનિ ચ તપાંસિ ચ | સમાનિ કલયા પ્રાદુર્મુનયો ન તદિત્યૃચઃ ||  વિશ્વામિત્ર

ગાયત્રી મંત્રના સમાન બીજો મંત્ર ચારે વેદોમાં નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, તપ વગેરે ગાયત્રી મંત્રની એક કલા સમાન પણ નથી. એવું મુનિઓએ કહ્યું છે.

ગાયત્રી છન્દમાં માતેતિ |  મહાનારાયણોપનિષદ્ ૧૫-૧

ગાયત્રી વેદોની માતા અર્થાત આદિ કારણ છે.

ત્રિભ્યઃ એવ તુ વેકેભ્યઃ પાદમ્પાદમદૂદુહત્ | તદિત્યૃચોડસ્યાઃ સાવિત્ર્યા: પરમેષ્ઠી પ્રજાપતિ || 

પરમેષ્ઠી પ્રજાપતિ બ્રહ્માએ ત્રણ ઋચાઓવાળી ગાયત્રીનાં ચરણોને ત્રણે વેદોનાં સાર રૂપે કાઢ્યાં છે.

ગાયત્યાસ્તુ પરનાસ્તિ શોધનં પાપકર્મણામ્ | મહાવ્યાહ્રતિસંયુક્તા પ્રણવેન ચ સંજપેત્ ||

-સંવર્ત સ્મૃતિ. શ્લો. ૨૧૮

પાપોનો નાશ કરવામાં સમર્થ એવો ગાયત્રી સમાન અન્ય કોઈ મંત્ર નથી. તેથી પ્રણવ અને મહાવ્યાતિઓ સહિત ગાયત્રીનો જપ કરવો જોઈએ.

નાન્નતોય સમં દાનં ન ચાહિંસા પરં તપઃ | ન ગાયત્રી સમં જાપ્યં ન વ્યાહ્રતિ સમં હુતમ્ || 

સૂત સંહિતા યજ્ઞ વૈભવ ખંડ અ. ૬/૩૦

અન્ન અને જળ સમાન કોઈ પણ દાન નથી, અહિંસા સમાન કોઈ તપ નથી, ગાયત્રી સમાન કોઈ જપ નથી, તેમજ વ્યાહ્રતિના સમાન કોઈ અગ્નિહોત્ર નથી.

હસ્તત્રાણપ્રદા દેવી પતતાં નરકાર્ણવે | તસ્મત્તામભ્યસેન્નિત્યં બ્રાહ્મણો હૃદયે શુચિઃ |

નરકરૂપી સમુદ્રમાં પડનારને હાથ પકડી બચાવનાર ગાયત્રી છે. આથી દ્વિજે નિત્ય પવિત્ર હ્રદયથી ગાયત્રીનો અભ્યાસ કરવો જોઈએ અર્થાત્ જપ કરવો જોઈએ.

ગાયત્રી ચૈવ વેદાશ્ચ તુલયા સમતોલયત્ | વેદા એકત્ર સાંગાસ્તુ ગાયત્રી ચૈકતઃ સ્થિતા ||

યોગી યાજ્ઞવલ્કય

ગાયત્રી તેમજ સમસ્ત વેદોને ત્રાજવામાં તોલવામાં આવ્યા. છ અંગો સહિત વેદો એક બાજુ મુકાયા અને ગાયત્રી બીજુ બાજુ મુકાઈ.

સારભૂતાસ્તુ વેંદાનાં ગુહ્યોપનિષદો મતાઃ | તાભ્યઃ સારસ્ત ગાયત્રી તિસો વ્યાહ્રતયસ્તથા || – યોગી યાજ્ઞવલ્કય

વેદોનો ગુહ્ય સાર ઉપનિષદો છે અને ઉપનિષદોનો સાર ગાયત્રી અને ત્રણ મહાવ્યાહૃતિઓ છે.

ગાયત્રી વેદજનની ગાયત્રી પાપનાશિની | ગાયત્ર્યાસ્તુ પરન્નાસ્તિ દિવિ ચેહ ચ પાવનમ્ ||

ગાયત્રી વેદોની જનની છે. ગાયત્રી પાપોનો નાશ કરનારી છે. ગાયત્રી સિવાય અન્ય કોઈ પવિત્ર કરનાર મંત્ર સ્વર્ગમાં કે પૃથ્વી પર નથી.

યદ્યથાગ્નિર્દેવાનાં, બ્રાહ્મણો મનુષ્યાણામ્ | વસન્ત ઋતુનામિયં ગાયત્રી ચાસ્તિ છન્દસામ્ || – ગોપથ બ્રાહ્મણ

જેમ દેવતાઓમાં અગ્નિ, મનુષ્યોમાં બ્રાહ્મણ, ઋતુઓમાં વસંત શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે સમસ્ત છંદોમાં ગાયત્રી શ્રેષ્ઠ છે.

અષ્ટાદશશુ વિદ્યાસુ મીમાંસાતિ ગરીયસી | તતોડપિ તર્કશાસ્ત્રાણિ પુરાણં તેભ્ય એવ ચ || 

તતોડપિ ધર્મશાસ્ત્રાણિ તેભ્યો ગુર્વી શ્રુતિઃ દ્વિજ ! |  તોડપ્યુપનિષચ્છેઠા ગાયત્રી ચ તતોડધિકા || 

દુર્લભા સર્વતન્ત્રેષુ ગાયત્રી પ્રણવાન્વિતા | વૃ..સં.ભા.

અઢારે વિદ્યાઓમાં મીમાંસા અત્યંત શ્રેષ્ઠ છે. મીમાંસા કરતાં તર્કશાસ્ત્ર શ્રેષ્ઠ છે અને તર્કશાસ્ત્ર કરતાં પુરાણ ગ્રંથો શ્રેષ્ઠ છે.

પુરાણો કરતાં પણ ધર્મશાસ્ત્ર શ્રેષ્ઠ છે. તે દ્વિજ, ધર્મશાસ્ત્રો કરતાં વેદ શ્રેષ્ઠ છે અને વેદો કરતાં ઉપનિષદો શ્રેષ્ઠ છે. ઉપનિષદો કરતાં પણ ગાયત્રી મંત્ર અત્યંત ઉત્તમ છે. પ્રણવયુક્ત આ ગાયત્રી સમસ્ત વેદોમાં દુર્લભ છે.

નાસ્તિ ગંગા સમં તીર્થ ન દેવઃ કેશવાત્પરઃ | ગાયત્ર્યાસ્તુ પરં જાપ્યં ન ભૂતં ન ભવિષ્યતિ || વૃ.યો.યાજ્ઞ. અ. ૧૦૨/૭૯

ગંગા જેવું કોઈ તીર્થ નથી. કેશવ કરતાં ચડિયાતો કોઈ દેવ નથી. ગાયત્રી મંત્રથી ચડિયાતો આજ સુધી કોઈ જપ થયો નથી ને થવાનો નથી.

સર્વેષાં જપ સૂક્તાનામૃચશ્ચ યજુષાં  તથા | સામ્નાં ચૈકક્ષરાદીનાં ગાયત્રી પરમો જપઃ | વૃ. પારાશર સ્મૃતિ અ. ૪/૪

સમસ્ત જપ સૂક્તોમાં, ઋગ્વેદ, યજુ અને સામ વગેરે વેદોમાં તથા એકાક્ષરી મંત્રોમાં ગાયત્રી મંત્રનો જપ સર્વશ્રેષ્ઠ છે.

એકાક્ષરં પરં બ્રહ્મ પ્રાણાયામાઃ પરન્તપાઃ | સાવિત્ર્યાસ્તુ પરન્નાસ્તિ પાવનં  પરમં સ્મૃતમ્ ||  મનુસ્મૃતિ અ. ૨/૮૩

એકાક્ષર અર્થાત્ “ૐ” પરબ્રહ્મ છે. પ્રાણાયામ મોટું તપ છે અને ગાયત્રી મંત્રથી અધિક પવિત્ર કરનાર કોઈ પણ મંત્ર નથી.

ગાયત્ર્યા: પરમં નાસ્તિ દિવિ ચેહ ચ પાવનમ્ | હસ્તત્રાણપ્રદા દેવી પતતાં નરકાર્ણવે || શંખ સ્મૃતિ અ. ૨/૮૩

નરક રૂપી સમુદ્રમાં પડેલાને હાથ પકડીને બચાવી લેનાર ગાયત્રીના જેવી પાવન બીજી કોઈ વસ્તુ (કે મંત્ર) આ પૃથ્વી પર કે સ્વર્ગમાં ક્યાંય નથી.

ગાયત્રી ચૈવ વેદાશ્ચ બ્રાહ્મણા તોલિતા પુરા | વેદેભ્યશ્ચ ચરુભ્યોંડપિ ગાયત્ર્યતિગરીયસી || વૃ. પારાશર સ્મૃતિ અ. ૫/૧૬

પ્રાચીનકાળમાં બ્રહ્માએ ગાયત્રી અને વેદોને તોલી જોયા. પરંતુ ચારેય વેદોવાળા પલ્લા કરતાં ગાયત્રીવાળું પલ્લું ભારે (નીચે) જ રહ્યું

સોમાદિત્યાન્વયાઃ સર્વે રાઘવાઃ કુરવસ્તથા | પઠન્તિ શુચયો નિત્યં સાવિત્રીં પરમાં ગતિમ્ ||  મહાભારત અનુ. પર્વ અ. ૧૫/૭૮

હે યુધિષ્ઠિર ! સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને પરમગતિને આપનાર આ ગાયત્રી મંત્રનો જપ કરે છે.

બહુના કિમિહોક્તેન યથાવત્ સાધુ સાધિતા | દ્વિજન્માનામિયં વિદ્યા સિદ્ધિ કામદુધા સ્મૃતા ||

અધિક કહેવાની શી જરૂર સારી રીતે સિદ્ધ કરવામાં આવેલી આ ગાયત્રી વિદ્યા દ્વિજાતિઓ માટે કામધેનું કહેવાઈ છે.

સર્વ વેદોદ્ધાઃ સારો મન્ત્રોડયં સમુદાહૃતઃ | બ્રહ્માદેવાદિ ગાયત્રી પરમાત્મા સમીરિત: || 

આ ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર ગણાય છે. ગાયત્રી જ બ્રહ્મ વગેરે દેવતાઓ છે. ગાયત્રી જ પરમાત્મા કહેવાઈ છે.

યા નિત્યા બ્રહ્મગાયત્રી સૈવ ગંગા ન સંશય:  સર્વ તીર્થમયી ગંગા તેન ગંગા પ્રકીર્તિતા || ગાયત્રી તંત્ર

ગંગા સર્વ તીર્થમય છે, તેથી જ તે ગંગા કહેવાઈ છે. તે ગંગા બ્રહ્મ ગાયત્રીનું જ રૂપ છે.

સર્વશાસ્ત્રમયી ગીતા ગાયત્રી સૈવા નિશ્ચિતા | ગયાતીર્થ ચ ગોલોકં ગાયત્રી રુપમદ્દભુતમ્ || ગાયત્રી મંત્ર

ગીતામાં બધાં શાસ્ત્રો સમાયેલાં છે. તે ગીતા ચોક્કસ ગાયત્રી રૂપ જ છે. ગાય, તીર્થ અને ગોલોક પણ ગાયત્રીનાં જ રૂપો છે.

અશુચિ શુચિર્વાપિ ગચ્છન્તિષ્ઠન્ યથા તથા |  ગાયત્રી પ્રજપેદ્ધીમાન્ જપાતું પાપાન્નિવર્તતે ||

ગાયત્રી મંત્ર અપવિત્ર હોય કે પવિત્ર હોય, ચાલતો હોય કે બેઠેલો હોય, અથવા ગમે તે સ્થિતિમાં હોય, બુદ્ધિમાન મનુષ્ય ગાયત્રીનો જપ કરતા રહેવું જોઈએ. આ જપથી પાપોમાંથી મુક્તિ મળે છે.

મનનાત્ પાપતસ્ત્રાતિ મનનાત્ સ્વર્ગમશ્રુતે | મનનાત્ મોક્ષમાપ્નોતિ ચતુવર્ગમયો ભવેત્ ||

ગાયત્રી તંત્ર ગાયત્રીનું મનન કરવાથી પાપો દૂર થઈ જાય છે સ્વર્ગ મળે છે અને મુક્તિ મળે છે. ચર્તુવર્ગ પણ (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) એનાથી સિદ્ધ થાય છે.

ગાયત્રીં તુ પરિત્યજ્ય અન્યમન્ત્રાનુપાસતે | ‘ ત્યકત્વા સિદ્ધાન્નમન્યત્ર ભિક્ષામટતિ દુર્મતિઃ || 

જે ગાયત્રીને છોડીને અન્ય મંત્રીની ઉપાસના કરે છે તે દુર્બુદ્ધિ મનુષ્ય (તૈયાર) અન્ન છોડીને ભિક્ષા માટે રખડનાર મનુષ્યના જેવો જ ગણાય.

નિત્ય નૈમિત્તિકે કામ્યે તૃતીયે તપો વર્ધને | ગાયત્ર્યાસ્તુ પરં નાસ્તિ ઈહ લોકે પરત્ર ચ || 

નિત્ય જપ માટે, નૈમિત્તિક જપ માટે, કાર્યની સફળતા માટેના જપની દષ્ટિએ કે તપની વૃદ્ધિ માટેના જપની દૃષ્ટિએ, આ લોકમાં કે પરલોકમાં ગાયત્રીથી ચઢિયાતો બીજો કોઈ મંત્ર નથી.

સાવિત્રી જાપતો નિત્યં સ્વર્ગમાપ્નોતિ માનવઃ | તસ્માત્ સર્વપ્રયત્નેન સ્નાતઃ પ્રયતમાનસઃ ||  ગાયત્રીં તુ  જપેતુ ભકત્યા સર્વપાપપ્રણાશિનીમ્ ||  – શંખ સ્મૃતિ

નિત્ય ગાયત્રીનો જપ કરનાર મનુષ્ય સ્વર્ગ મેળવે છે. આથી જ સ્નાન કરીને સર્વ રીતે સ્થિર ચિત્તવાળા બની સર્વ પાપોનો નાશ કરનાર ગાયત્રીનો જપ કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: