ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય-ગાયનો મહિમા
April 1, 2023 Leave a comment
પ્રસ્તાવના : ગાયનો મહિમા ગાવામાં આવે છે અને મહત્ત્વ સમજાય છે. એનું કારણ એ નથી કે બીજાં પ્રાણીઓની અવગણના કે ઉપેક્ષા કરવામાં આવી છે. બધાં પ્રાણીઓ પોતાના સ્થાન પર પોતપોતાની યોગ્યતા વડે ઉપયોગી થાય છે. આ બધાં પ્રાણીઓને ઉપયોગિતાની દૃષ્ટિએ જ પાળવામાં આવે છે. જે કોઈ પ્રાણી પોતાની કસોટીમાંથી પાર નથી ઊતરતું તેને જંગલમાં છોડી દેવામાં આવે છે, જેથી તે શાંતિથી જીવી શકે. સૌથી પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ. તેના મહિમાનાં ગુણગાન વેદશાસ્ત્રોમાં પણ ગાવામાં આવ્યાં છે. ગાયના દાનનું મહાત્મ્ય ખૂબ જ ભારપૂર્વક બતાવવામાં આવ્યું છે. તેને અનિંદનીય અને પૂજા કરવા યોગ્ય કહેવામાં આવી છે. ગાયનું દૂધ, તેનાં વાછરડાંઓનો શ્રમ, તેના શરીરનું ચામડું કેટલાય કામમાં આવી શકે છે. મૃત્યુ બાદ પણ તેના શરીરના બધા અવયવો ખાતર વગેરેના કામમાં આવે છે. ગાયનું છાણ અને ગૌમૂત્રનો પણ જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. આવાં અનેક કારણોને ધ્યાનમાં રાખીને ગૌપાલન, ગૌસંવર્ધન, વૃષોત્સર્ગને પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે.
ઉપયોગિતાવાદના આ યુગમાં ગાયની અવગણના કરીને ભેંસને અધિક મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. દૂધનાં પૈસા ઊપજાવવા જ જેમની દૃષ્ટિ સીમિત છે, તેવા લોકો ભેંસ પાળવાનું જ પસંદ કરે છે, કારણ કે તે દૂધ વધારે પ્રમાણમાં આપે છે અને તેના દૂધમાં ચીકાશ પણ વધારે પ્રમાણમાં હોય છે. પરંતુ વિચારણાનો આ દૃષ્ટિકોણ બહુ જ સંકુચિત છે. કદાચ અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો ભેંસ ગાયની બરોબર કરી શકે જ નહીં.
ગૌવધની વાત આવતાં કેટલાક લોકો પોતાનો ખોટો સ્વાર્થ છુપાવવા માટે એવું કહેવા માંડે છે કે જો એનો વધ ન કરવામાં આવે તો થોડાક જ દિવસોમાં એની સંખ્યા એટલી બધી વધી જશે કે એને માટે ઘાસચારાની અને રહેવાની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થઈ જશે.
જનસંખ્યા વધી જવાને કારણે મનુષ્યોનું જ પેટ ભરવું મુશ્કેલ છે, તો પછી આ ફાલતુ ગાય-બળદો માટે ઘાસચારો ક્યાંથી આવશે ? સાચી વાત તો એ છે કે આ રીતે ગૌવધનું બહાનું કાઢનાર અને ગાય પ્રત્યે પ્રેમ દર્શાવનાર બંને જણા ભ્રમમાં છે
ગાય અને બીજાઓને પણ ભ્રમમાં રાખવાનો પ્રયત્ન કરે છે.
કેટલીયે વાર છાપાંઓમાં વાંચવા મળે છે કે -બળદોથી ભરેલી ટ્રકો પકડવામાં આવી કહેવાય છે કે આ બધાં પશુઓને કતલખાનામાં મોકલવામાં આવતાં હતાં. કતલખાનામાં માલિકો આમ તો લગભગ મુસલમાનભાઈઓ જ હોય છે. આને આધારે જ ગૌવધને સાંપ્રદાયિક રૂપરંગ પણ આપવામાં આવે છે. આ સંબંધમાં એક મુસલમાન સજ્જનનાં આ ઉદ્ગાર વાક્યો વિચાર કરવા યોગ્ય છે “ગૌવધ માટે મુસલમાનો, કસાઈઓ અને ચામડાંના કારખાના- વાળાઓને દોષ દઈએ, એના પહેલાં આપણે આપણી જવાબદારીનો વિચાર કેમ ન કરીએ ? જો ગાય માટે આપણી સાચી શ્રદ્ધા હોત તો શું માંસ, ચામડું કે કોઈ પણ વસ્તુ માટે પણ ગાય ક્તલખાને ન જાત
વાસ્તવિકતા તો એ છે કે ના તો હિન્દુભાઈઓના મનમાં ગાયમાતાને માટે પહેલાં જેવી શ્રદ્ધા છે અને ના તો આપણા આખા ભારતીય હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી સમાજને ગાયની ઉપયોગિતાની પૂરેપૂરી જાણકારી છે. યુરોપ અને અમેરિકાવાસીઓ ગાયને જેટલું માન-સન્માન આપે છે, એ જોતાં તો આપણા દેશવાસીઓની અજ્ઞાનતા અને મૂર્ખતા પર બહુ જ દુઃખ અને પીડા થાય છે.
ગામની જાતિ માટે નિરંતર વધતી જતી અવગણનાનો ભાવ આજે એક ચિંતાનું કારણ બની ગયું છે. આપણા પૂર્વજોએ ગાયને માતાનો દરજ્જો ગમે તેમ આપ્યો ન હતો. ગાય એક અતિશય સંવેદનશીલ અને ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. તેની આ બંને જાતની વિશેષતાઓને આપણા પૂર્વજોએ સમજીને તેને માટે પોતાની લાગણી દર્શાવી હતી. એના બદલામાં ગાયની જાતિએ આ દેશમાં દૂધ દર્દીની નદીઓ વહેવડાવી અને આખી પૃથ્વીને હરિયાળીથી ભરી દીધી.
આપણે આજે આપણા પૂર્વજોથી ઉપયોગિતાવાદી દીર્ઘદૃષ્ટિને ભૂલી ગયા છીએ અને પોતાના દેખીતા સ્વાર્થના ઘેરાવામાં કેદ થઈને પોતાના હાથે જ પોતાના પગ પર કુઘડી મારવા તૈયાર થઈ ગયા છીએ. જો આ જ પરિસ્થિતિ કાયમ માટે રહી તી આગલી પેઢીઓ માટે દુઃખદાયક પરિસ્થિતિનો પાયો નંખાઈ જશે.
આપણે તેથી જરૂરી છે કે ગાયનું મહત્ત્વ અને ઉપયોગિતાને વગ૨ વિલંબે સમજીએ અને સમજાવીએ. આ કાર્યમાં પંથ, સંપ્રદાય, ધર્મને રસ્તાનો પથ્થર ન બનવા દઈએ. આપણા પૂર્વજોની દીર્ઘદૃષ્ટિને સમજીએ અને તે સાથે જ યુરોપ અને અમેરિકાવાસીઓ પાસેથી પણ પ્રેરણા મેળવીએ.
ગાયની જાતિની ઉપયોગિતા, મહત્ત્વ, જરૂરિયાત વગેરેને ધ્યાનમાં રાખીને આ સંકલનમાં થોડા લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એનો જેટલો વધારે પ્રચાર અને પ્રસાર થશે એટલું જ આપણે માટે હિતકર હશે.
પ્રતિભાવો