ગાય આપણી માતા છે
April 4, 2023 Leave a comment
ગાય આપણી માતા છે:
“ગૌવધ માટે મુસલમાનો, કસાઈઓ અને ચામડાનાં કારખાનાં- વાળાનો દોષ કાઢીએ એ પહેલાં આપણે આપણી જવાબદારી પર વિચાર કેમ ન કરીએ ? જો ગાયો માટે આપણી સાચી શ્રદ્ધા હોત તો શું માંસ કે ચામડા કશાને માટે પણ ગાયોને તલખાને ન પહોંચાડત.”
આ શબ્દ છે ફિરોઝપુર ઝિરકાના મહેસૂલ અધિકારી મુન્શી અબ્દુર્રહેમાનના. ગુડગાંવના લોકો એમની ગૌશ્રદ્ધાથી સારી રીતે માહિતગાર છે. એટલા માટે નહીં કે તેમણે ગૌહત્યા માટે ક્યાંક સત્યાગ્રહ કર્યો હોય અથવા નારા લગાવ્યા હોય, પરંતુ ગાયની સેવા કરીને, ગાયની રક્ષા કરીને તેમણે ગૌનિષ્ઠાનું શ્રેય હાંસલ કર્યું છે.
એક દિવસ મહેસૂલ અધિકારીના દરવાજે બે કસાઈ ગયા. તેમને ઘરે એક ઘરડી ગાય હતી. કસાઈઓ એ વાત જાણવા ગયા હતા. તેમણે મહેસૂલ અધિકારીને મળીને ઘણા વખત સુધી એમના વખાણ કર્યાં. “જુઓ સાહેબ ! હિન્દુ લોકો ગાય માટે પ્રેમ તો બહુ જ બતાવે છે પરંતુ કેટલાક હિન્દુ છે જે પોતાનાં ઘરોમાં ગાય પાળે છે અને તેમનું પેટ ભરે છે. એમાંથી ઘણા તો લગભગ વધારે દૂધ અને ઘી ની લાલચમાં ભેંસ પાળે છે. તો પછી એમનો ગાય માટેનો પ્રેમ ક્યાં રહ્યો ?
અધિકારી ચૂપચાપ સાંભળતા રહ્યા. કસાઈઓ બોલતા ગયા, “સાહેબ તમારે ઘરે એક ઘરડી ગાય છે પરંતુ તમે તો અમને કોઈ દિવસ કહ્યું જ નહીં. હિન્દુઓ જ્યાં સુધી ગાય દૂધ આપે છે ત્યાં સુધી ઘાસચારો આપે છે અને બાંધી રાખે છે, પણ જેવી ગાય ઘરડી થઈ એટલે ઘાસચારો પણ બંધ. ગાય પોતે જાતે કંઈ ચરે તો ચરે, નહીં તો ભૂખી જ પડી રહે. તેના જ બળદ અને વાછરડાને ખેતીમાં જોડે છે, એનું આપેલું જ ખાય છે અને તો પણ તેને પેટ ભરીને ઘાસચારો આપતા નથી. ખરીદવા માટે અમે સામેથી નથી જતા, એ લોકો બોલાવે તો જ અમે ગાયો લઈ આવીએ છીએ.”
“આખરે તમારો મતલબ શું છે ?” અબ્દુર્રહેમાન સાહેબે વચમાં જ ટોક્યા. “વાત કંઈ નથી સાહેબ. અમે તો તમારી મુશ્કેલી દૂર કરવા આવ્યા હતા. તમારી ઘરડી ગાય છે. સાંભળ્યું છે કે હવે એ દૂધ નથી આપતી, ચરવા પણ નથી જતી. પડી પડી ખાયા કરે છે. એમાં તમારા બે રૂપિયાથી ઓછું ઘાસ નહીં જતું હોય. તમે ગાય વેચી દો એટલે અમે આવ્યા છીએ.” કસાઈઓએ નમ્રતાપૂર્વક કહ્યું.
અને ત્યારે જો મહેસૂલ અધિકારીની આંખો કોઈએ જોઈ હોત તો ખબર પડત કે આ આંખો છે કે લાલ હિંગળોક. ક્રોધને અંદર દબાવીને બોલ્યા, “બહુ જ મહેરબાની, બહાર નીકળી જાઓ.” કસાઈઓ સમજ્યા કે “હમણાં સાહેબ કામમાં છે, એટલે પૂછ્યું- “તો પછી ક્યારે આવીએ સાહેબ ! તમે જો કહો તો રૂપિયા હમણાં જ આપી જઈએ.”
મહેસૂલ અધિકારીનો ગુસ્સો હવે હદ બહાર ગયો. પટાવાળાને બોલાવીને કહ્યું, “આ લોકોને અહીંથી બહાર કાઢીને કહી દો કે બીજીવાર અહીં આવવાની હિંમત કરી તો જેલ ભેગા કરી દઈશ. જાણતા નથી ગાય આપણી માતા છે. માને વેચવાનું પાપ મારી પાસે કરાવવું છે.”
પટાવાળાએ એ લોકોને બહાર કાઢતાં કહ્યું, “મૂર્ખાઓ ! ભલું ઇચ્છતા હોય તો હવે પછી કયારેય અહીં આવશો નહીં. મહેસૂલ અધિકારી સાહેબ મુસલમાન છે તો શું થયું છે તો માણસ ! એ કોઈનો ઉપકાર નથી ભૂલતા. નાનપણથી જ એમના ઘરમાં ગાયનું દૂધ પીવાય છે. ઉપયોગિતાના અભાવે બળદોને ફક્ત ખેડૂતોને વેચવામાં આવે છે, વાછરડીઓ તો કયારેય બહાર ગઈ નથી. જન્મથી મૃત્યુ સુધી ગાય તો એક જ ખૂંટી ૫૨ બંધાઈ રહી છે. વૃદ્ધાવસ્થામાં ધ૨ડી માતાની જેમ એક જ સ્થાન પર બેઠ બેઠા ખાતી રહી છે. કસાઈને ત્યાં તો એની મરેલી ચામડી પણ નથી ગઈ.”
કસાઈ શરમાઈને ઘરે જતા રહ્યા. પરંતુ હિંદુઓ પણ કેટલાક છે જે ગાય નકામી હોય તો પણ એને ઘરમાં રાખીને એના પ્રત્યેના પ્રેમનો પરિચય આપે છે. એની શોધખોળ કરીએ તો મુશ્કેલીથી કેટલાંક કુટુંબો આખા દેશમાં મળશે. ધર્મ અને પંચગવ્યની દૃષ્ટિએ તો હવે એનું મહત્ત્વ જ ક્યાં રહ્યું છે ?
પ્રતિભાવો