આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; આંખો
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; આંખો
અંગ્રેજી ભાષામાં કહેવત છે કે “આંખો અંતઃકરણનો ઝરૂખો છે.’’ તાત્પર્ય એ છે કે આંખોમાં જોઈને મનુષ્યની આંતરિક સ્થિતિનો પરિચય સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. નિઃસંદેહ આ ઉક્તિ બહુ જ તથ્યપૂર્ણ છે. આંખો દ્વારા આંતરિક સ્થિતિનો જેટલો પરિચય મળી શકે છે, એટલો અન્ય કોઈ અંગ દ્વારા નથી મળી શકતો.
પહેલાં અહીંયાં કીકીઓના રંગો પર વિચાર કરીએ. સામાન્ય રીતે કાળી, લાલ, વાદળી, પીળી અને નારંગી રંગની કીકીઓ જોવા મળે છે. આ રંગોના મિશ્રણ તથા હલકા – ગાઢા ભેદથી અનેક રંગ બનેછે. આ બધાં મિશ્રણોની બાબતમાં વર્ણન કરવું મુશ્કેલ છે. મુખ્ય રંગોની બાબતમાં જાણકારી થયા પછી એમના મિશ્રણ અને માત્રાનું વિશ્લેષણ કરીને ઓળખવું તે અભ્યાસુઓની કુશાગ્ર બુદ્ધિ પર આધાર રાખે છે. સંક્ષિપ્તમાં મુખ્ય રંગોની બાબતમાં જ થોડી ચર્ચા કરવાનું અહીં અમારા માટે શક્ય છે.
વાદળી કીકીઓવાળા કોમળ સ્વભાવના હોય છે. કાળી કીકી કઠોરતા, સ્ફૂર્તિ અને તાકાતનું ચિહ્ન છે. વ્યાપાર કુશળતા અને ચતુરાઈ પણ આવા લોકોમાં વધારે જોવા મળે છે. ગાઢો વાદળી રંગ વિશ્વસનીય હોવાનો સૂચક છે, પરંતુ આવા લોકોમાં ચતુરતા લગભગ ઓછી હોય છે. હલકા વાદળી રંગની કીકીથી પ્રગટ થાય છે કે સ્થિરતા, વિચારશીલતા, ધૈર્ય અને મધુરતાની માત્રા અધિક હોવી જોઈએ. સામાન્ય રીતે બધા હલકા રંગ ચતુરતા અને ઈમાનદારી પ્રગટ કરે છે, પરંતુ આ વાત ભૂરા રંગને લાગુ નથી પડતી. હલકા વાદળી રંગની કીકીવાળા લગભગ સારા સ્વભાવવાળા જોવા મળે છે.
પીળી કે નારંગી કીકી બહુ ઓછી જોવા મળે છે, તેમ છતાં આ પ્રકારની આંખોને ચંચળતા, ભાવુકતા, કવિત્વ, સ્વાર્થપરાયણતા તથા અસહિષ્ણુતાની નિશાની કહી શકાય છે. કથ્થાઈ ભૂરી, થોડી લાલિમાવાળી કીકીઓ બહુ જ ઉત્તમ છે. આવી વ્યક્તિ પ્રેમી, વચન પાળનાર, ચતુર તથા ગંભીર હોય છે. પ્રામાણિકતા અને વ્યવહારમાં સચ્ચાઈ એમની વિશેષતા હોય છે, તેમ છતાં એમનામાં બે નબળાઈઓ જોવા મળે છે. એક નાની નાની વાતોમાં નારાજ થઈ જવું અને બીજુ લંપટતા તરફ ઝૂકી પડવું.
હલકો કાળો રંગ છળ, કપટ, બનાવટ, ઢોંગ તથા ધૂર્તતાનું ચિહ્ન છે, પરંતુ ગાઢો કાળો રંગ સ્થિરતા અને સમજદારી પ્રગટ કરે છે. કાળા રંગ સાથે જો થોડી લાલિમા ભળેલી હોય તો સદાચારી તથા સદ્ગુણી હોવાની નિશાની છે. બિલાડી જેવી માંજરી આંખોવાળા લગભગ બિલાડીના સ્વભાવવાળા હોય છે. બહારથી બહુ સીધા દેખાય છે, પરંતુ મોકો મળતાં જ સખત ઘા કરવાનું નથી ચૂકતા.
હવે એ વાતનો વિચાર કરવો જોઈએ કે કયો મનુષ્ય કેવી રીતે દેખે છે. સાફ, અને બેધડક દૃષ્ટિથી જોનારી વ્યક્તિઓનું ચરિત્ર એવું હોય છે કે જેમના પર તમે વિશ્વાસ કરી શકો છો. જે લોકોની દૃષ્ટિ ચંચળ હોય છે, ચારે તરફ ચપળતાપૂર્વક નજર દોડાવે છે તેઓ લગભગ લોભી, ચોર, ભિક્ષુક કે કપટી જોવા મળે છે.
આંખ મળતાં જ ઝંખવાઈ જનારાઓના મનમાં કાંઈક હોય છે અને મોં પર કાંઈક બીજું હોય છે. જેની આંખો ભૂરી રહે છે તે અપરાધી મનોવૃત્તિના, ડરપોક કે કમજોર હોય છે. ધૃષ્ટતાપૂર્વક આંખોથી આંખો લડાવનારાઓમાં બેવકૂફી તથા અકડાઈ વધારે હશે. ત્રાંસી નજરથી જોનારા નિષ્ઠુર, ક્રૂર, બેવકૂફ અને ઝઘડાળુ હોય છે.
આંખોનો ભાગજો થોડો આગળ આવેલો હોય તો એને વિદ્યા, પ્રેમ અને જ્ઞાનસંપદાનું ચિહ્ન સમજવું જોઈએ. આવા લોકોની સ્મરણશક્તિ સારી હોય છે. સાફ અને અર્થસૂચક આંખોવાળા વ્યાપારકુશળ, વ્યવારપટ્ટ, પરિશ્રમી તથા બહુ ધગશવાળા હોય છે.
વધારે મોટી આંખો તેજસ્વિતા, સત્તા, વૈભવ, ઐશ્વર્ય તથા ભોગવિલાસથી પ્રસન્ન વ્યક્તિઓની હોય છે, પરંતુ આવા પ્રકારના બહુ ઓછા લોકો પરસ્ત્રીગમનથી બચી શકે છે. મોટી આંખો વચ્ચેનું અંતર વધારે હોય તો સાદગી, સીધાપણું તથા સ્પષ્ટવાદિતાનું લક્ષણ જાણવું જોઈએ. નાની આંખો રમતિયાળપણું, બેપરવાઈ અને સુસ્તી પ્રગટ કરે છે. ઊંડી ઊતરી ગયેલી આંખોવાળા એવા દુર્ગુણોમાં ફસાયેલા હોય છે, જેના કારણે જીવનમાં કોઈ કહેવાલાયક ઉન્નતિ નથી થઈ શકતી. ઝીણી આંખોવાળા ન તો બીજા ઉપર અહેસાન કરી શકે છે અને ન કોઈના અહેસાન પ્રત્યે કૃતજ્ઞ હોય છે.
પોપચાં અને પાંપણથી પણ વ્યક્તિત્વનો થોડો પરિચય મળી શકે છે. પાંપણના વાળ ઓછા હોય તો એનાથી ડરપોકપણું પ્રગટ થાય છે, ગીચ પાંપણવાળા ધનવાન, ઘેરા રંગની કડક પાંપણવાળા શૂરવીર, કોમળ તથા ફિક્કા રંગની પાંપણવાળા આકર્ષક સ્વભાવના હોય છે. જાડાં પોપચાંવાળા વિદ્વાન, વિચારવંત તથા પાતળાં પોપચાંવાળાં સ્વસ્થ તથા તેજસ્વી જોવા મળે છે. તેજસ્વી અને સાધુવૃત્તિના લોકોને મોટાં મોટાં પોપચાં હોય છે. બહુ નાનાં પોપચાંથી સવાદિયાપણું, લાલચ, અતૃપ્તિ તથા બેચેની જાણવામાં આવે છે.
જેની એક આંખ એક પ્રકારની અને બીજી બીજા પ્રકારની હોય અને એવું લાગે કે એક આંખ બીજા કોઈની કાઢીને લગાડવામાં આવીછે, એવા માણસો લગભગ અડધા પાગલ, અણસમજુ તથા ઊંધી ખોપરીવાળા હોય છે. દિષ્ટની કમજોરી તથા તીક્ષ્ણતાનો આધાર એ વાત પર છે કે નેત્રોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેમ છતાં એટલી વાત તો છે કે વાદળી આંખો સૌથી નિર્બળ અને જરા લાલ રંગ મેળવેલી કાળી આંખો સૌથી બળવાન હોય છે. આંખોમાં કાળા કાળા તલ જેવું નિશાન હોવું એ આત્મબળની દઢતાનું ચિહ્ન છે. આ તલ બે ચાર અને નાના હોય તો જ સારા ગણાય, પરંતુ જો મોટા મોટા બહુ તલ હોય તો તે એવી નબળાઈઓના સૂચક છે, જેને કારણે મનુષ્યને દરિદ્રતાનું દુઃખ ભોગવવું પડે છે. જેની કીકીઓ ફરકે છે તેવા મનુષ્યો જિદ્દી, બેવકૂફ, પરંતુ બહાદુર હોય છે.
જેમની આંખ વધારે ભિનિ રહે છે તેઓ કાયર, બેચેન તથા ડરપોક જોવા મળે છે. જલદી જલદી પલકારા મારનારા લોકો શેખીખોર, જૂઠા અને હવાઈ કિલ્લા બાંધનારા હોય છે. એક આંખને મિચકારીને વાત કરનારા બીજા પર અવિશ્વાસ અને સંદેહ કર્યા કરે છે.
વાદળી ઝાંય જેની આંખોના સફેદ ભાગમાં દેખાતી હોય તો એ ભોળપણ, ગંભીરતા અને સદાચારનું ચિહ્ન છે. જેની આંખોમાં પીળાશ છવાયેલી રહેતી હોય તેઓ ગમાર, ક્રોધી અને ઝઘડાખોર હોય છે. પીળાશમાં જો લાલિમા ભળેલી હોય તો એ ચિત્તની અશાંતિની સૂચક છે. લાલ રેખાઓ જેની આંખોમાં વધારે હોય એને ઉષ્ણ પ્રકૃતિનો સમજવો જોઈએ. આવા લોકોને ગડગૂમડ અથવા પિત્તના રોગો લગભગ થતા રહે છે.
બિલકુલ ગોળ નાની નાની આંખો બુદ્ધિની ન્યૂનતા પ્રગટ કરે છે. બહુ નાની આંખોવાળા આળસુ અને બેપરવા હોય છે. સૂતી વખતે જેમની આંખો અડધી ખુલ્લી રહે છે તેઓ ચિંતાતુર અને લાલચુ જોવા મળે છે. જે લોકો બહુવારે પલક મારતા હોય છે તેઓ સુસ્ત પરંતુ વિચારવાન હોય છે. જેઓ વાત કરતી વખતે આંખ વધારે ફાડે છે તેમને દૃષ્ટિમાંઘ અથવા અન્ય નેત્રરોગોના શિકાર થવું પડે છે.
ભૂખરી આંખોથી પ્રામાણિકતા અને સદાચાર પ્રગટ થાય છે. સામેની બાજુ થોડી નીચી દિષ્ટ કરીને ચાલનારાનાં મન પવિત્ર હોય છે. પુણ્યાત્મા અને ધર્મવાન લોકો થોડી ઊંચી દષ્ટિ કરીને ચાલે છે. ક્રોધી મનુષ્યો ત્રાંસું જોતા હોય છે. નજર બચાવીને ચાલનારા ચોર, અપરાધી અથવા પતિત સ્વભાવના હોય છે. આંધળા માણસોની માનસિક શક્તિઓ ખૂબ વિકસિત હોય છે.
પ્રતિભાવો