આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ: ચહેરો આંતરિક સ્થિતિનું દર્પણ છે
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ ચહેરો આંતરિક સ્થિતિનું દર્પણ છે;
મનુષ્ય પોતાના દૈનિક જીવનમાં જેટલા લોકોના સંપર્કમાં આવે છે તેમની આકૃતિ જોઈને તે તેમના વિષે ઘણોખરો અંદાજ લગાવી લે છે કે તેમના પૈકી કોણ કેવા પ્રકારની વ્યક્તિ છે, તેનો સ્વભાવ, ચાલચલગત અને ચરિત્ર કેવાં છે ? આ અંદાજ ઘણે અંશે સાચો પડે છે. જો કે કોઈ કોઈ સમયે આંખને આંજી નાખે તેવી બનાવટથી દગો પણ દેવામાં આવે છે, પરંતુ મોટે ભાગે મુખાકૃતિનું રૂપ જોઈને જાણી શકાય છે કે આ વ્યક્તિ કેવી માટીની બનેલી છે. મનુષ્યોને ઓળખવાની કળામાં જે જેટલો પ્રવીણ હોય છે તે તેના ધંધામાં તેટલા વધુ પ્રમાણમાં ચોકસાઈ ધરાવે છે. જેવો માણસ હોય તેની પાસેથી તેવી અપેક્ષા રાખવાનો રસ્તો મળી જાય, તો છેતરાઈ જવાનો ભય ઓછો રહે છે તેમ જ લાભકારી સગવડો સહેલાઈથી પ્રાપ્ત થઈ જતી હોય છે.
ઘણા પ્રાચીન સમયથી આ વિદ્યામાં સંશોધન થઈ રહ્યું છે. અનેક વૈજ્ઞાનિકોએ આ દિશામાં ઘણી શોધ કરી છે અને ડૂબકી લગાવવાથી જે રત્નો તેમને પ્રાપ્ત થયાં છે તે તેમણે સામાન્ય જનતા સામે પ્રકટ કર્યાં છે. મહાભારત, વેદપુરાણ, કાદમ્બરી વગેરે જૂના ગ્રંથો દ્વારા એ જાણવા મળ્યું છે કે આ વિદ્યાથી ભારતવાસીઓ આદિકાળથી પરિચિત છે.વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડમાં કથા છે કે જ્યારે ત્રિજટા રાક્ષસીએ સીતાજીને રામના મૃત્યુના ખોટા સમાચાર સંભળાવ્યા ત્યારે તેમણે ઉત્તર આપ્યો, “હે ત્રિજટા ! મારા પગમાં પદ્મનું ચિહ્ન છે, જેથી પતિની સાથે રાજ્યાભિષેક થવાનું સ્પષ્ટ થાય છે, મારા વાળ પાતળા એકસરખા અને કાળા છે. ભ્રમરો ખુલ્લી, જાંઘો રુંવાટીરહિત અને ગોળ, દાંત જોડાયેલા દાડમની કળીઓ જેવા, નખ ગોળ અને લીસા, વિકસિત મોટાં સ્તન, રુંવાટી કોમળ અને રંગ ઊજળો છે. આથી પંડિતોએ મને શુભ લક્ષણોવાળી સૌભાગ્યશાળી કહી છે. આથી શ્રીરામજીના નહોવાથી આ બધી નિશાનીઓ મિથ્યા થઈ જશે ?’” આ કથન ઉપરથી જણાય છે કે ત્રેતાયુગમાં આકૃતિ વિજ્ઞાનનું જ્ઞાન સ્ત્રીઓને પણ હતું.
આર્યો પાસેથી આ વિદ્યા ચીન, તિબેટ, ઈરાન, ઈજિપ્ત, પ્રાચીન ગ્રીસ વગેરે દેશોમાં ફેલાઈ, તેમ જ પાછળથી બીજા દેશોમાં પણ તેનો પ્રચાર થયો. ઈસુનાં ૨૫૦ વર્ષ પૂર્વે ટૉલેમીના દરબારમાં મેલામ્પસ નામનો એક વિદ્વાન રહેતો હતો, જેણે આ વિષય પર એક સારો ગ્રંથ લખ્યો હતો. આધુનિક સમયમાં યુરોપ અને અમેરિકાના વૈજ્ઞાનિકો લોહી તથા પરસેવાનાં ટીપાંના રાસાયણિક પૃથક્કરણ પરથી મનુષ્યના સ્વભાવ અને ચરિત્ર સંબંધી ઘણું રહસ્યોદ્ઘાટન કરવામાં સફળ થયા છે. શેરો વગેરે વિદ્વાનોએ તો નવેસરથી આ સંબંધી ઊંડું સંશોધન કરીને પોતાના અનુભવો પ્રકાશિત કર્યા છે. આથી એક પ્રકારની હલચલ મચી ગઈ છે. આકૃતિ જોઈને માણસની ઓળખાણ કરવાની વિદ્યા હવે એટલી બધી સર્વાંગસંપૂર્ણ થતી જાય છે કે લોકોનો આંતરિક પરિચય થોડીક ક્ષણોમાં મેળવી લેવાનું આશ્ચર્યજનક રીતે સરળ અને શક્ય થવા લાગ્યું છે.
કુદરતે આ વિદ્યાનું થોડુંઘણું જ્ઞાન દરેક મનુષ્યને આપેલું છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે બાળકો પણ લોકોનો ચહેરો જોઈને કંઈક ધારણા કરે છે અને તે મુજબ વર્તાવ કરે છે. સામાન્ય રીતે દરેક મનુષ્ય કોઈ બીજી વ્યક્તિ ઉપર નજર કરીને અંદાજ લગાવે છે કે વ્યક્તિ વિશ્વાસ કરવા લાયક છે કે એનાથી દૂર રહેવું જોઈએ. ભલે તમે જાણતા નથી કે આ વિદ્યાનુંતમને જ્ઞાન છે કે નહિ, પરંતુ કુદરતના નિયમો મુજબ મનુષ્યને જે માનસિક શક્તિઓ મળેલી છે તે પૈકી મનુષ્યને ઓળખવાની વિદ્યા પણ એક છે. આ સહજ જ્ઞાન (ઈસ્ટિક્ટ) દરેકના ભાગે આવ્યું છે. જો કે એ વાત જુદી છે કે કોઈને તેનું પ્રમાણ ઓછું મળ્યું હોય તો કોઈકને વધુ. જેવી રીતે વ્યાયામથી બળ તથા અભ્યાસથી જ્ઞાનની વૃદ્ધિ કરી શકાય છે, એવી જ રીતે અભ્યાસથી આ જ્ઞાનમાં પણ વધારો થાય છે અને એના આધારે ઘણી વાસ્તવિક માહિતી મેળવી શકાય છે.
હવે આપણે એ વિષય પર વિચાર કરીશું કે કેવી રીતે આકૃતિ જોઈને બીજાની ઓળખાણ કરી શકાય છે. તમે કોઈ પણ વ્યક્તિના ચહેરાની બનાવટ ઉપર, આંખોમાંથી પ્રકટ થતા ભાવ પર, પહેરવેશ ઉપર, ચાલચલગત પર તથા રીતભાત ઉપર ઘણી ગંભીરતાપૂર્વક એ હેતુથી નજર નાખો કે આ વ્યક્તિ કેવા સ્વભાવની છે. જો મન એકાગ્ર અને સ્થિર હશે તો તમે જોઈ શકશો કે તમારા મનમાં એક પ્રકારની ધારણા બંધાય છે. આ રીતે બીજી વ્યક્તિ પર દૃષ્ટિપાત કરો અને એ ચિત્ર અંગે ધારણા બાંધો. આ બંને ધારણાઓની સરખામણી કરી જુઓ કે કયાં કયાં લક્ષણોથી કયા કયા સંસ્કાર બન્યા છે. તુલનાત્મક રીતથી આમ અનેક વ્યક્તિઓને જુઓ, તેમનાં લક્ષણો પર વિચાર કરો અને મન પર જે છાપ ઉપસતી હોય તેનું પૃથક્કરણ કરો. આ સંશોધન અને અભ્યાસ જો તમે થોડા દિવસ સતત ચાલુ રાખશો, તો આ વિદ્યા સંબંધી ઘણીખરી જાણકારી જાતે જ મેળવી શકશો તથા અનુભવ વધશે.
આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ બે પ્રાણી સરખી આકૃતિનાં હોતાં નથી. બધાંની આકૃતિમાં કંઈક ને કંઈક તફાવત જરૂર જોવા મળે છે. કુદરતે પોતાની કારીગરીનું પ્રદર્શન દરેક પ્રાણીને ભિન્નભિન્ન બનાવીને કર્યું છે. એક જ બીબામાં સૌને ઢાળવાની વેઠ ઉતારી નથી, પરંતુ દરેક મૂર્તિને જુદો જુદો ઘાટ આપી તૈયાર કરવામાં આવી છે. આ ભિન્નતાના કારણે એમ તો ન કહી શકાય કે આવા પ્રકારનાં અંગોવાળા આ પ્રકારના હોય છે, કારણ કે જે મનુષ્યની આકૃતિનું ઉદાહરણ આપવામાં આવશે તેના જેવો જ બીજો મનુષ્ય આ વિશ્વમાં મળવો મુશ્કેલ છે. આમ છતાં કેટલીક સામાન્ય રૂપરેખાઓ બતાવી શકાય છે કે અમુક પ્રકારની આકૃતિ હોય તો તેનું પરિણામ અમુક પ્રકારનું હોય.
ફક્ત અંગઉપાંગોની બનાવટ ઉપરથી જ સાચો અને છેવટનો નિર્ણય લઈ શકાય નહિ. કોઈ વ્યક્તિનું લાક્ષણિક પરીક્ષણ કરવા માટે તેની ચાલચલગત, હાવભાવ, મુખની મુદ્રા, રહેણીકરણી, વાતચીત કરવાની તથા ઊઠવા-બેસવાની રીત વગેરે બાબતો ઉપર પણ વિચાર કરવો પડશે. જે રીતે ગંધ સૂંઘીને તમે થેલીમાં બંધ રાખેલી ચીજો જેવી કે મરચાં, હીંગ, કપૂર, ઈલાયચી વગેરેને જોયા વિના જાણી શકો છો, તે પ્રમાણે શરીરનાં બહારનાં અંગો પર જે લક્ષણો છવાયેલાં છે તેમને જોઈને એ પણ જાણી શકાય છે કે આ મનુષ્યના વિચાર, સ્વભાવ અને કાર્ય કેવાં પ્રકારનાં હશે. આ અંગે કોઈ પણ પ્રકારના ભ્રમમાં પડવાનો કોઈ પ્રશ્ન નથી.
આકૃતિની બનાવટને લીધે સ્વભાવ બનતો નથી, પરંતુ સ્વભાવના કારણે આકૃતિનું નિર્માણ થાય છે. સ્થૂળ શરીરની પણ એક ઝાંખી છાયા સતત સાથેસાથે ફરતી રહે છે, સૂક્ષ્મ શરીરની પણ એક છાયા હોય છે, જે થોડી ઝણવટભરી નજરથી જોવાથી લોકોની આકૃતિ પર ઉપસતી જણાય છે. ઉદરમાં જે કંઈ ભરેલું હોય છે તે બહારનાં લક્ષણો દ્વારા પ્રગટ થયા વિના રહેતું નથી. ડુંગળી પેટની અંદર પહોંચી જાય, તો પણ તેની ગંધ મુખમાંથી આવતી રહે છે. આ પ્રમાણે આંતરિક વિચાર અને વ્યવહારની છાયા ચહેરા પર જણાઈ આવે છે. આ કારણથી જ સામાન્ય રીતે સારાનરસાની ઓળખાણ સહજ રીતે થઈ શકે છે. છેતરાવાનો કે ભ્રમમાં પડવાનો અવસર તો જવલ્લે જ આવે છે.
મનુષ્યનું કાર્ય સામાન્ય રીતે તેના વિચારોના પરિણામસ્વરૂપ હોય છે. આ વિચાર આંતરિક વિશ્વાસના પરિણામે હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આંતરિક ભાવનાઓની પ્રેરણાથી જ વિચાર અને કાર્યોની ઉત્પત્તિ થાય છે. જેનું હૃદય જેવું હશે તેવા જ વિચાર તે કરશે અને તેવાં જ કાર્યોમાં પ્રવૃત્ત રહેશે. સંપૂર્ણ શરીરમાં ચહેરો એવો ભાગ છે કે જેના ઉપર આંતરિક વિચારધારા અને ભાવનાઓનાં ચિત્ર મોટાભાગે ઉપસી આવે છે, કારણ કે બીજાં અંગોની સરખામણીમાં ચહેરો કોમળ તત્ત્વોથી બનેલો છે. ચોખ્ખા પાણીમાં વધારે સાફ પડછાયો દેખાય છે, એવી રીતે બીજાં અંગોની સરખામણીમાં ચહેરા પર આંતરિક ભાવનાઓનું રેખાંકન વધારે સ્પષ્ટતાથી થાય છે. આ વિચાર અને વિશ્વાસ જ્યાં સુધી નિર્બળ અને ડગુમગુ હોય છે ત્યાં સુધી જુદી વાત છે, પરંતુ જયારે મનોગત ભાવનાઓ મજબૂત થઈ જાય છે ત્યારે તેમને પ્રગટ કરનારાં ચિહ્ન ચહેરા ઉપર ઉપસી આવે છે.
તમે જોયું હશે કે કોઈ વ્યક્તિચિંતા, શોક, કલેશ અથવા વેદનાના વિચારોથી ઘેરાયેલી હશે તો તેના ચહેરાની પેશીઓ અમુક સ્થિતિમાં હોય છે, પરંતુ જ્યારે તે આનંદથી પ્રફુલ્લિત હોય છે ત્યારે તેના હોઠ, આંખના પલકારા, ગાલ, કાનપટ્ટી તથા મસ્તકની ચામડીમાં બીજી રીતના ફેરફારોની રેખાઓ અંકિત થઈ જાય છે. હસમુખા મનુષ્યોની આંખોની બાજુમાં પાતળી રેખાઓ પડે છે, તેવી રીતે ક્રોધી વ્યક્તિની ભ્રમરો ઉપર ખેંચાણ આવવાથી માથા ઉપર ખેંચાણની રેખાઓ ઉપસી આવે છે. આ પ્રમાણે અન્ય પ્રકારના વિચારોને લઈને આકૃતિ ઉપર જે અસર પડે છે તેને લીધે કોઈ ખાસ પ્રકારનાં ચિહ્ન, ડાઘ, રેખા વગેરે ઉપસી આવે છે. જેમ જેમ એ સારાનરસા વિચા૨ મજબૂત અને જૂના થતા જાય છે, તેમતેમ એ ચિહ્નો પણ સ્પષ્ટ અને ઊંડાં થતાં જાય છે
દાર્શનિક ઍરિસ્ટોટલના સમયના વિદ્વાનોનો એવો મત હતો કે પશુઓના ચહેરા સાથે મનુષ્યના ચહેરાની સરખામણી કરવાથી તેના સ્વભાવનો પરિચય કરી શકાય છે. જે માણસનું મુખારવિંદ જે જાનવર સાથે મળતું આવે તેનો સ્વભાવ પણ તેના જેવો જ હોય. જેમ કે ઘેટા જેવો ચહેરો મૂર્ખ હોવાનો ભાવ પ્રગટ કરે છે. આ રીતે શિયાળની ચાલાકી, વાઘની બહાદુરી, વરુની ક્રૂરતા, ચિત્તાની ચપળતા, ભૂંડની મલિનતા, કૂતરાની ખુશામત, ભેંસની આળસ, ગધેડાની મૂર્ખતા પ્રગટ થાય છે. હાલમાં પણ ઉપર મુજબની સરખામણી બંધ બેસે છે, પરંતુ હવે તો આ વિદ્યામાં ઘણી પ્રગતિ થઈ છે તથા ઘણીખરી વાતોની ખબર પડી જાય છે.
નિઃસંદેહ ચહેરો મનુષ્યની આંતરિક સ્થિતિને દર્પણની જેમ બતાવી દે છે. આવશ્યકતા એ વાતની છે કે તેને જોવા અને સમજવાની યોગ્ય જયોતિ આંખોમાં હોય. આ પુસ્તિકામાં ચહેરો, ગાલ, ભ્રૂકુટી, મસ્તક, કાન, નાક, દાંત,છાતી, હાથ, હડપચી, મોં તથા આંખો સંબંધી લખવામાં આવ્યું છે. હસ્તરેખા, પગ, કમર વગેરે અંગો પર એક અલાયદું પુસ્તક લખવામાં આવશે.
બજા૨માં બેઠેલી કોઈ રૂપવતી નવયૌવનાની નજીક ઊભા રહી જોતા રહો કે ત્યાંથી પસાર થતા લોકો કઈ દૃષ્ટિથી તેને જોઈ રહ્યા છે ? સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ તથા બાલિકાની નજર તે યુવતી પર પડશે, પરંતુ એકબીજાની સરખામણીમાં તેમાં ઘણું અંતર હશે. કોઈની દૃષ્ટિમાં વાસના, કોઈમાં કામુકતા, કોઈમાં સ્નેહ, કોઈમાં ભૂખ, કોઈમાં લાલચ, કોઈમાં બળાપો, કોઈમાં તિરસ્કાર, કોઈમાં વૈરાગ્ય તથા કોઈમાં ઘૃણા ભરેલ ભાવના આપને જણાઈ આવશે.
આ ભિન્નતાઓ બતાવે છે કે એ જોનારાઓ પૈકી કોણ કેવા સ્વભાવના છે. વીતેલા જીવનમાં જેમને કોઈ યુવતી સાથે જેવો પ્રસંગ પડ્યો હશે તેવી જ અનુભૂતિ તેમનામાં જાગૃત થઈ હશે. જે વૃદ્ધાને પોતાની આટલી ઉંમરની આવી જ પુત્રીનો વિયોગ સહન કરવો પડ્યો હશે તેની આંખોમાં આ અજાણી યુવતી પ્રત્યે પણ વાત્સલ્ય ઉભરાઈ આવશે. વૃદ્ધાની આંખમાં આંસુ જોઈને અમુક હદ સુધી તેના ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણી શકાય છે. ભૂતકાળમાં આ વૃદ્ધાને આવી કોઈ વહાલી પુત્રી હશે, વર્તમાનમાં હવે તેને તેનો વિયોગ સહન કરવો પડે છે. આ તો એક પ્રાસંગિક ઘટના થઈ. આ રીતે કોઈ પ્રસંગનો જોરદાર પ્રભાવ પડે તો તેના સંસ્કાર ઊંડા ઊતરી જાય છે અને તે કોઈ સામાન્ય સમયમાં પણ આંખ વગેરે અંગોમાં રહેલા ભાવ તથા બીજાં લક્ષણો જોઈને જાણી શકાય છે. આકૃતિ વિજ્ઞાનનો આ જ આધાર છે.
વાર્તા અને નવલકથાના લેખક પોતાના પાત્રનું ચરિત્ર લખતી વખતે તેનું બોલવું-ચાલવું, રહેણીકરણી, મકાન, પહેરવેશ તથા ચહેરાના રૂપનું વર્ણન કરીને પોતાની રચનાને હૃદયંગમ બનાવે છે. સિદ્ધહસ્ત લેખક જાણે છે કે અંદરનું ચરિત્ર બહારના રંગઢંગમાં પ્રકટ થઈ જાય છે. આથી તેનું વર્ણન કરવાથી એ સિદ્ધ થાય છે કે લેખકને માનવીય આકૃતિ વિજ્ઞાનનો કેટલી હદ સુધી પરિચય છે.
એક આશ્ચર્યજનક વાત એ છે કે મનુષ્યના સ્વભાવ મુજબ તેનાં બધાં અંગોમાં લક્ષણો પ્રકટ થતાં હોય છે. દુષ્ટ વ્યક્તિઓનાં નેત્રોમાંથી દુષ્ટતા ટપકતી હોય છે. એટલું જ નહિ, તેમના દરેક અંગ પર બારીક નજર નાખવાથી જણાશે કે તે સૌએ એક પ્રકારની વિશેષતા ધારણ કરેલી હશે, જે પ્રત્યક્ષ રૂપથી તેમના દુર્ગુણોની સાક્ષી આપી રહી હશે. આ પ્રમાણે સદાચારી લોકો અને સજ્જનોના ચહેરા સજ્જનતાની વિશેષતાથી છવાયેલા હોય છે.
કાળી, ગોરી, સુંદર, કદરૂપી ગમે તેવી વ્યક્તિ હોય, તેમની કુટેવોને લીધે તેમનાં સુંદર અંગો પણ બેડોળ બની જશે. જેઓ સુસંસ્કારી હશે તેઓ અષ્ટાવક્ર અથવા સુકરાતની જેમ કદરૂપા કેમ ન હોય, છતાં તેમનાં અંગો પોતાની બનાવટમાં જેમનાં તેમ જણાવા છતાં પ્રામાણિકતાની સાક્ષી આપતાં રહે છે. આ રચના ટેવોના કારણથી સુધરે છે કે બગડે છે. એક સારી વ્યક્તિ જ્યારે કુમાર્ગે વળે છે ત્યારે તેનાં સજ્જનતાનાં ચિહ્નો ઘટે છે, તેમ જ જુદાંજુદાં અંગોમાં એવાં ચિહ્નો પેદા થાય છે કે જેમને જોઈને દુર્જનતાને જાણી શકાય છે. હાથની રેખાઓ ઓછીવત્તી થતી હોય છે, જેમાં કેટલીક નવી ફૂટે છે તો કેટલીક લુપ્ત થાય છે. આ પરિવર્તન આચાર અને વિચારમાં અંતર આવવાથી થતું હોય છે. આ રીતે સ્વભાવ અને વ્યવહારના કારણે સૂક્ષ્મ રૂપથી મન અને શરીર પર જે પ્રભાવ પડે છે તેનાથી ઘણી જાતનાં વિચિત્ર ચિહ્નો ઉત્પન્ન થાય છે તથા અંગોના માળખામાં વિચિત્ર પ્રકારનો ફેરફાર થઈ જાય છે.
આધ્યાત્મિક વ્યક્તિ આ લક્ષણોને જોઈને મનુષ્યના અંતઃકરણની માહિતી મેળવી લે છે. સ્થિતિની જાણકારી હોવાથી પરિણામની કલ્પના સહજ રીતે જ કરી શકાય છે, જેમ કે કોઈ વ્યક્તિ વિદ્વાન વક્તા અને સદ્ગુણી હોય તો અનાયાસ જ એવું કહી શકાય કે ‘જનતા તેનો આદરસત્કાર કરશે.’’ આ રીતે શારીરિક ચિહ્નો પરથી આંતરિક યોગ્યતાઓની જાણકારી મળવાથી તેના ભવિષ્યફળની પણ ઘણી હદ સુધી એવી કલ્પના કરી શકાય છે, જે છેવટે સાચી ઠરે. આ રીતે આકૃતિ જોઈને કોઈ પણ મનુષ્યનું ચરિત્ર જાણવાનું તથા તેનું ભવિષ્ય બતાવવાનું શક્ય છે.
એ વાત ધ્યાનમાં રાખવાની છે કે આકૃતિવિજ્ઞાન ભાગ્યવાદનું કોઈ પણ રીતે સમર્થક નથી. ગુણ,કર્મ અને સ્વભાવમાં જે ભિન્નતા જણાય છે તે પ્રમાણે ચહેરાના રંગઢંગ પણ બદલાઈ જાય છે. આકૃતિ વિજ્ઞાનના જાણકાર એક સમયે એક વ્યક્તિનાં જે લક્ષણો બતાવે છે, તે વ્યક્તિનો સ્વભાવ જો બદલાઈ જાય તો તેનાં લક્ષણોમાં પણ ફેરફાર જણાઈ આવશે. એ ખરું છે કે તેનો ઢાંચો બદલાશે નહિ. ઢાંચાનો પૂર્વજન્મના સંચિત સંસ્કારો સાથે સંબંધ હોય છે. સુંદર, સુડોળ અંગો ધરાવતી વ્યક્તિ પૂર્વજન્મમાં શુભ કર્મ કરનાર તથા કદરૂપી અને બેડોળ અંગોવાળી વ્યક્તિ પૂર્વજન્મમાં અશુભ કર્મ કરનારી રહી હશે. તે મુજબ એ સંસ્કારોની પ્રેરણાથી આ જન્મમાં સુંદરતા કે કુરૂપતા પ્રાપ્ત થઈ છે એ માન્યતા બરાબર છે. આ જન્મજાત માળખું તથા રૂપરંગમાં ફેરફાર થઈ શકતો નથી, જેને જોઈને જન્મજન્માંતરોના કોઈક સ્વભાવ અને સંસ્કારોનો પરિચય મળી રહે છે, પરંતુ એવું નથી કે આ જન્મમાં એ સંસ્કારોમાં પરિવર્તન ના કરી શકાય. પરમાત્માએ મનુષ્યને પૂર્ણ સ્વતંત્ર બનાવીને મોકલ્યો છે. તે સ્વેચ્છાપૂર્વક પુરાણા સમગ્ર સ્વભાવને બદલીને નવા બીબામાં ઢાળી શકે છે.
આકૃતિ જ્ઞાનવિદ્યા એક વૈજ્ઞાનિક ક્રિયાપદ્ધતિ છે. તે કદાપિ એવું નથી કહેતી કે “મનુષ્ય ભાગ્યનું પૂતળું છે, વિધાતાએ એને જેવો બનાવ્યો છે એવા રહેવું પડશે.” ભાગ્યવાદને આ વિદ્યા સાથે જોડવી એ એક મોટી ભૂલ કરવા બરાબર છે. ચોમાસાના હવામાનને જોઈને કોઈ હવામાનશાસ્ત્રી ટૂંક સમયમાં ભારે વર્ષાની જાહેરાત કરી દે છે કે મચ્છરોની વૃદ્ધિને જોઈને કોઈ દાક્તર મેલેરિયાની ચેતવણી આપે છે અથવા સાક્ષીનાં નિવેદન સાંભળીને કોઈ કાયદાનિષ્ણાત મુકદ્દમો હારી જવાની વાત બતાવે, તો એવું ન સમજવું જોઈએ કે આ બધી વાતો ભાગ્યમાં લખેલી હતી, જેને એ લોકોએ ગુપ્તજ્ઞાન દ્વારા જાણી લીધી હતી.
વાસ્તવમાં હવામાનશાસ્ત્રી, દાક્તર કે કાયદાનિષ્ણાત મહાનુભાવોએ જે ભવિષ્યવાણીઓ કરી હતી તે જે તે સમયની સ્થિતિને નજર સામે રાખીને તેનાં પરિણામોના જ્ઞાનના આધારે કરી હતી. જો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો પરિણામ પણ બદલાશે. મચ્છરોને જો મારી નાંખવામાં આવે તો ડૉક્ટરની ચેતવણી સાચી ઠરશે નહિ. આ જ બાબત આકૃતિવિજ્ઞાન સંબંધી છે. કોઈ પણ વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન તેના દ્વારા કહી શકાય છે. ભૂગર્ભ વિદ્યાના નિષ્ણાત જમીન તપાસી તેમાંથી નીકળેલા એક પથ્થરના ટુકડાના આધારે અનેક ઐતિહાસિક તથ્યો શોધી કાઢે છે, એ જ રીતે આકૃતિની ઝીણવટનું નિરીક્ષણ કરીને મનુષ્યજીવનની આગળપાછળની ઘણી વાતો પણ કહી શકાય છે, પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ કથન ચકાસણી અને અનુભવની બુદ્ધિગમ્ય વૈજ્ઞાનિક વિધિ મુજબ જ કરવામાં આવે. એમાં એવી કોઈ વાત નથી કે મનુષ્યને બ્રહ્માજીએ માટીનું પૂતળું બનાવીને ધરતી પર મોકલ્યો છે. મનુષ્ય પોતાને મરજી મુજબ ઘડવા માટે સ્વતંત્ર છે. કોઈવાર આકૃતિ વિજ્ઞાનના આધારે કહેવામાં આવેલી અમુક વાતો બંધબેસતી નથી, તેનાં બે કારણો છે – એક તો એ છે કે તે વ્યક્તિએ પોતાનો સ્વભાવ બદલી નાખ્યો હોય, પરંતુ શરીર પરનાં ચિહ્નો બદલાવામાં કંઈક અડચણ ઊભી થઈ હોય અથવા નવાં ચિહ્નો ત્યાં સુધી પ્રકટ થયાં ન હોય. બીજું કારણ એ હોઈ શકે કે ફળાદેશ કહેનારથી લક્ષણોનો અભ્યાસ ક૨વામાં ભૂલ થઈ ગઈ હોય. આથી આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જયારે નાસીપાસ થવાય ત્યારે હતાશ થવાને બદલે તેનું કારણ શોધવું જોઈએ અને એક સંશોધકની જેમ વાસ્તવિકતાની ખાતરી કરીને આ વિજ્ઞાનની પ્રગતિમાં મદદરૂપ થવું જોઈએ.
પ્રતિભાવો