આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; ભ્રમરો
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; ભ્રમરો
માથાના વાળની માફક ભ્રમરોના વાળ પણ માનવસ્વભાવની સાચી વાત કહી દે છે. આકૃતિવિદ્યાના અભ્યાસુઓએ ભ્રમરોની પરીક્ષા કરતી વખતે નીચેની વાતો પર વિચાર કરવો જોઈએ : (૧) ગોળાઈ (૨) લંબાઈ (૩) જાડાઈ (૪) વાળની બનાવટ (૫) ઉગમસ્થાન (૬) અંતઃસ્થાન. આગળ આ બધી વાતો પર ટૂંકમાં પ્રકાશ પાડવામાં આવશે.
ધ્યાનપૂર્વક જુઓ કે ભ્રમરનો આરંભ કેવી રીતે થયો છે. જો બંને ભ્રમરો એકબીજા સાથે મળી ગઈ હોય, બંનેનો આરંભ બિલકુલ અડીને થતો હોય તો આવી વ્યક્તિથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. પહેલાંના જમાનામાં સામુદ્રિકશાસ્ત્રીઓ કહેતા હતા કે આવી વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ,પરંતુ તમારે એટલા ન આગળ જવાની જરૂર નથી. ભેગી થઈ ગયેલી ભ્રમરો જોઈને એટલું સમજવું પૂરતું છે કે આ વ્યક્તિનું દિલ તથા દિમાગ સાફ નથી. ઢીલોપોચો વિશ્વાસ, શંકાશીલ પ્રવૃત્તિ, ચરિત્રની નિર્બળતા તથા અન્ય ત્રુટિઓ આવી વ્યક્તિઓમાં જોવા મળે છે. વચન ફેરવી નાખવું તથા કર્તવ્યની અવહેલના કરવાના દોષથી પણ તેઓ મુક્ત નથી હોતા. આવા લોકોની બાબતમાં એ ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે એમની સાથે સાવધાનીપૂર્વક વ્યવહાર કરવામાં આવે. જે ભ્રમરોનો આરંભ એકબીજાથી દૂર થતો હોય તે ભોળપણ, સરળતા તથા પ્રામાણિકતા પ્રગટ કરે છે.
કવિઓએ ભ્રમરોની સુંદરતાનું વર્ણન કરતાં એની તુલના તલવાર સાથે કરી છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે તલવાર જેવી બનાવટવાળી ભ્રમરો પ્રશંસાને યોગ્ય છે.કમાન કે તલવાર જેવી વળેલી, વાંકી, ત્રાંસી અને પાતળી ભ્રમરો પ્રેમી સ્વભાવ, સરળ પ્રકૃતિ, મધુરતા તથા કલાપ્રિયતાની નિશાની છે, પરંતુ આંખ અને ભ્રમરો વચ્ચે જો અંતર વધારે હશે તો ચરિત્રની શિથિલતા અને માનસિક દુર્બળતાનું કારણ હશે. આવા લોકો અલ્પબુદ્ધિવાળા અને વ્યવહારમાં અકુશળ હોય છે. જો ભ્રમરો લીટી જેવી સીધી અને બહુ નીચી, આંખોની બિલકુલ પાસે હોય તો કઠોરતા, મજબૂતી તથા સ્વાભિમાનનું કારણ હોય છે.
કેટલીક વ્યક્તિઓની ભ્રમરો ગોળાઈ સાથે શરૂ થાય છે, પરંતુ વચમાં વધારે નીચે વળીને એકદમ આંખોની નજીક નીચે સુધી આવી શકે છે. આવી વ્યક્તિ ચોખ્ખી ખૂબ રહે છે, ચમકદમક અને ફેશન એમને પસંદ હોય છે, પરંતુ માનસિક બળની એમનામાં ઊણપ રહે છે. જે ભ્રમરો પ્રારંભમાં તો સીધી લીટીની માફક ચાલે છે, પરંતુ અંતે એકદમ નીચે ઝૂકી જાય છે, એ કલાપ્રિયતા પ્રગટ કરે છે. વિચારવાન, વિવેકી, દૂરદર્શી, જ્ઞાનવાન વ્યક્તિઓની ભ્રમરો જાડી હોય છે. અધૂરી, છીછરી અને અસ્તવ્યસ્ત ભ્રમરોવાળા કંજૂસ, લોભી તથા કૃપણ જોવા મળે છે.
વાંકીચૂંકી, જાડી, ગુચ્છાદાર ભ્રમરોવાળા મનુષ્યો ચીડિયા સ્વભાવના, અસ્વચ્છ તથા બેપરવા પરંતુ ચતુર, બુદ્ધિમાન અને શાસન કરનારા હોય છે. ભરાવદાર અને જાડી ભ્રમરો મજબૂતી, બુદ્ધિમત્તા તથા દઢતાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તે જો પાતળી, કમજોર અને આછા વાળવાળી હોય તો શારીરિક અને માનસિક નિર્બળતાની કથા કહે છે. બહુ નાની ભ્રમરોવાળા ઉતાવળિયા, ચપળ અને બહુ બોલનારા તથા કઠોર સ્વભાવવાળા જોવા મળે છે.
માથાના વાળ કરતાં ભ્રમરોનો રંગ હલકો હોય તો એ દુર્બળતા તથા શક્તિહીનતાની નિશાની છે, પરંતુ જો તેનો રંગ માથાના વાળની તુલનામાં ઘેરો હોય તો સમજવું જોઈએ કે બળમાં વધારો થઈ રહ્યો છે. જેમની ભ્રમરો નાના વાળવાળી હોય છે તેમનામાં બહુ જ જલદીથી ઊંડાણમાં પહોંચીને વાસ્તવિકતાને સમજવાની યોગ્યતા હોય છે, પરંતુ જેના વાળ અપેક્ષાકૃત અધિક લાંબા હોય છે તેમનામાં મોડેથી સમજ આવે છે. આવી વ્યક્તિઓને ઠોકરો ખાઈને જીવનમાં બહુ કડવા અનુભવ ભેગા કરવા પડે છે.
પ્રતિભાવો