આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; દાંત
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; દાંત
તમે જોયું હશે કે નાનાં બાળકોને પ્રારંભિક દાંત જેને દૂધિયા દાંત કહે છે . તે લગભગ સાફ, સ્વચ્છ, એકસરખા, પંક્તિબદ્ધ અને એક રેખામાં હોય છે. આ મનુષ્યના સ્વાભાવિક દાંતનું ચિત્ર છે. દુનિયામાં આવીને બાળક જે શારીરિક અને માનસિક સંસ્કારોને ગ્રહણ કરે છે તે ધીરેધીરે જડ જમાવવા લાગે છે અને આઠ દસ વર્ષની અવસ્થા સુધી બહુ પાકા થઈ જાય છે.
માનવશરીરશાસ્ત્રના આચાર્યોનું કહેવું છે કે છ-સાત વર્ષની ઉંમર સુધી જેટલું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એ પછી આખા જીવનમાં એનાથી ઓછી માત્રામાં જ્ઞાન સંચિત થાય છે. બચપણમાં વિભિન્ન માર્ગોથી જે સંસ્કાર બાળકના હૃદયપટલ પર પડે છે, એનાથી શરીર અને મસ્તક એ અદશ્ય ઢાંચામાં ઢળે છે. આ ઢળાઈ દાંતને જોઈને ઓળખી શકાય છે. બચપણની આદતોનો થોડો પરિચય દાંતને જોઈને પ્રાપ્ત કરી શકાય છે.
સાફ, સીધા, એકસરખા દાંત મનુષ્યની સ્વાભાવિક સ્થિતિના નિર્દેશક છે. આવા દાંતવાળા માણસમાં એક ભલા માણસના લગભગ બધા આવશ્યક ગુણ પૂરતી માત્રામાં જોવા મળે છે. ઊંચા- નીચા, વાંકાચૂંકા,અસમાન અને કુરૂપ દાંત ખરાબ સ્વાસ્થ્ય અને ખરાબ સ્વભાવના સૂચક છે. લાંબા દાંત વધારે આયુષ્યવાળાના, નાના દાંત બીમારોના અને અણીદાર દાંત હિંસક પશુઓ જેવો સ્વભાવ હોવાનું બતાવે છે.
આગળની બાજુ નીકળેલા દાંત કંજૂસ, લાલચુ, બહુ ભેગું કરવાની હોંશ હોવાનું પ્રગટ કરે છે. દાંત જેટલા આગળની તરફ નીકળેલા હશે એટલી કંજૂસાઈ અધિક હશે. ખર્ચાળ માણસોના દાંત લગભગ ક્યારેય આ પ્રકારના જોવા મળતા નથી. બહાર નીકળેલા દાંતવાળા જો કોઈ ઉદારતા બતાવશે તો તે યશ મેળવવાની, મોટા બનવાની તથા પ્રાયશ્ચિત્ત કરવાની ભાવનાથી હશે, દયાથી દ્રવિત થઈને યજ્ઞની ભાવનાથી એમની ઉદારતા જોવા નહિ મળે. દાંતનો થોડો વળાંક અંદરની તરફ હોય તો તે ડરપોકપણું અને લજ્જાશીલતાનું ચિહ્ન છે. જો તે થોડા આગળની તરફ નમેલા હોય તો તે પ્રભાવશાળી, તેજસ્વિતા, કઠોર અને શાસકવૃત્તિના હોવાનું બતાવે છે
જેમનાં પેઢાં બહુ મોટાં ભારે અને લટકેલાં હોય, તો સમજવું જોઈએ કે એ વ્યક્તિ જિદ્દી, કટ્ટર, અડિયલ, આક્રમણકારી અને ઝૂંટવી લેનાર હશે. હલકાં અને નાનાં પેઢાંવાળા ઉદાર, પ્રતિજ્ઞાપાલક, સીધા અને સાફ દિલના હોય છે. વાદળી પડતાં પેઢાં સ્વાભિમાની, મોહગ્રસ્ત અને બીમાર શરીરવાળાનાં હોય છે. જે પેઢાંમાં લાલાશ વધારે હોય તેમને ખુશમિજાજ, કોમળતા, બુદ્ધિમાની અને સભ્યતાની અધિકતા વ્યક્ત કરનાર સમજવા જોઈએ. દાંત અને પેઢાંની બનાવટ અનુસાર જ હડપચીની રચના બને છે. જે દાઢીમાં ખાડા પડે છે તે આનંદી તથા મિલનસાર સ્વભાવ બતાવે છે. મજબૂત માણસોની હડપચી મોટી હોય છે. જો મોટી હોય, પહોળી હોય, ઓછા માંસ અને વધારે હાડકાંવાળી હોય તો એને ધીરતા, વીરતા, ગંભીરતા અને સ્થિરતાનાં લક્ષણ સમજવાં જોઈએ. ક્રોધી પરંતુ ધૂની લોકોની દાઢી જોવામાં ચોરસ જેવી માલૂમ પડે છે. નીરસ, ઉદાસીન, શાંત, નિરાશ, સ્વલ્પ સંતોષી લોકો ચપટી દાઢીના જોવા મળે છે. સ્વાર્થી લોકો લગભગ અણીદાર દાઢીવાળા જોવા મળે છે.
આગળની તરફ બહુ અણીદાર હડપચી હોય તો એને ચાલાકી અને ધૂર્તતા બતાવનારી સમજવી જોઈએ. મહેનતુ માણસો દબાયેલી નાની દાઢીવાળા હોય છે. આ પ્રકારના માણસો યશસ્વી અને ધાર્મિક વૃત્તિના પણ જોવા મળે છે. ગોળ દાઢીવાળાને એશઆરામની કોઈ કમી નથી રહેતી. આવા માણસો બહુ મિત્રોવાળા, ધનઉપાર્જન કરનારા, નવી સૂઝવાળા તથા દૂરદર્શી હોય છે. ગોળ કમાનાકાર દાઢીવાળા છીછરા મિજાજના અને ક્ષુદ્ર તબિયતવાળા હોય છે. લાંબી આગળની તરફ નીકળેલી અને આગળથી એકદમ ચપટી દાઢીવાળા લોકો બુદ્ધિજીવી, પંડિત, વકીલ અને સાહિત્યકાર હોય છે. આગળના દાંતની વચમાં થોડી થોડી જગ્યા હોવી એ સદાચારી, ઉદાર, સેવાભાવી તથા નિષ્કપટ હોવાનાં ચિહ્ન છે. દાંત પર દાંત ચઢી રહ્યા હોય તો એ ઘમંડી તથા પોતાની વાતો પર અડગ રહેવાનાં લક્ષણ છે. વચ્ચેના બે દાંતની બાજુના બે દાંત જો વચલા દાંત તરફ વળી ગયા હોય તો એ વ્યક્તિઓને સર્વત્ર આદર પ્રાપ્ત થાય છે.
આવા લોકોમાં સાહસ તથા પુરુષાર્થની માત્રા અધિક રહે છે. લંબાઈ પહોળાઈમાં બરાબર ચોરસ દાંતવાળા મનુષ્યો મોટા તાર્કિક તથા તેજ બુદ્ધિવાળા હોય છે. મોતી જેવા ગોળ દાંત ધનવાન અને ભાગ્યશાળી હોવાનું પ્રગટ કરે છે. પાતળા દાંત સુખી જીવનનું નિર્માણ કરે છે. જે દાંતની પહોળાઈ વધુ પણ લંબાઈ ઓછી હોય તેને દરિદ્રતાની નિશાની સમજવામાં આવે છે.
બિલકુલ સફેદ દાંત હૃદયની કોમળતા પ્રગટ કરે છે. જેમને માનસિક ચિંતાઓ અધિક રહે છે એમના દાંત હલકા પીળાશ પડતા થઈ જાય છે.જે દાંત પર પીળા પીળા ધબ્બા હોય છે તે આળસ, પેટની નબળાઈ તથા ગરમીની અધિકતાના કારણે હોય છે . વાદળી ઝલકવાળા દાંત મધુર સ્વભાવના પ્રતિનિધિ છે. માટીના રંગના દાંત જેમના હોય એમનું જીવન ખૂબ સુખમાં પસાર થાય છે,એમને દુઃખ સહેવું નથી પડતું.
પ્રતિભાવો