આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; હોઠ
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; હોઠ
શરીરનાં અન્ય અંગો પર વ્યક્તિના સ્વભાવની છાયા થોડીવાર પછી પડે છે અને લાંબો સમય સુધી રહે છે, પરંતુ હોઠોમાં એવી વિશેષતા છે કે એમના પર બહુ જલદી, એટલે સુધી કે એ જ સમયે સ્વભાવની છાયા દૃષ્ટિગોચર થાય છે. રિસાયેલા, સંતુષ્ટ, આનંદિત, વિપત્તિગ્રસ્ત, મનમોજી વગેરે લોકોની મનોભાવનાઓ હોઠ પર પ્રત્યક્ષરૂપથી જોવા મળે છે. જેવી આ ભાવનાઓ બદલાય છે અને એના સ્થાન પર બીજી પરિસ્થિતિ આવે છે કે તરત જ હોઠોના રંગઢંગ પણ બદલાઈ જાય છે.
મધ્યમ વૃત્તિના હોઠવાળા માણસોને સારા માનવામાં આવે છે. બહુ મોટા, બહુ નાના, બહુ જાડા, બહુ પાતળા આ બધા બૂરાઈ પ્રદર્શિત કરે છે. જે હોઠ સારી રીતે બંધ નથી થતા, થોડા ખુલ્લા રહે છે એનાથી મનુષ્યની અણસમજ, બકવાસપણું, અદૂરદર્શિતા તથા ચારિત્ર્યની કમજોરી પ્રગટ થાય છે. જાડા હોઠ બતાવે છે કે ઇન્દ્રિય- સુખોને ભોગવવાની લાલસા પ્રબળરૂપથી એને સતાવ્યા કરે છે. જાડા હોઠવાળાનો જો નીચલો હોઠ ઉપર કરતાં થોડો આગળ વધેલો હોય તો સ્વાદિષ્ટ તે ભોજનની વિશેષ ઇચ્છા, દયાળુતા, કોમળ હૃદય તથા અનિશ્ચિત સ્વભાવનો દર્શક છે.
જાડા હોઠ બારણાંની માફક બિલકુલ ભીડાઈને બંધ થતા હોય તો હિંમત,તકવાદીપણું અને ચતુરતા જાહેર કરે છે. આવા લોકો હઠીલા મિજાજના હોય છે. એકવાર જે વાત પર વિશ્વાસ કરી લે પછી એને બદલવાનું એમને માટે બહુ મુશ્કેલ હોય છે. કોઈના સમજાવવાથી તેમના પર અધિક પ્રભાવ નથી પડી શકતો. પાતળા હોઠ ખૂબ ભીડાઈને રહેતા હોય તો કંજૂસાઈ, નીરસતા, બેશરમી, સ્વાર્થી તથા શોષકવૃત્તિનું સૂચન કરે છે. આવા લોકો સુખી રહેતા જોવા નહિ મળે. વેપારની બાબતમાં તેઓ દૃઢ હોય છે, તો પણ અન્ય બાબતોમાં એમનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
નીચેના હોઠ કરતા ઉપરનો હોઠ જો મોટો હોય અને થોડો આગળ હોય તો સમજવું જોઈએ કે એ શુદ્ધ ચરિત્રવાળો, ભલો માણસ, પરોપકારી, વિનમ્ર, લજ્જાશીલ તથા શરમાળ હશે. એના બહુ જ થોડા મિત્રો હશે, જે હશે તે પણ અડધા મનના. જો પાતળા હોઠમાં ઉપરનો મોટો હોય તો ચિંતા, ઉદાસીનતા, ગભરાટથી ઘેરાયેલો, સદાય પોતાનાં દુ:ખડાં રોનારો તથા અનિષ્ટોની કલ્પના કરી સદા ડરતો રહેનારો હશે. પાતળા હોઠોમાં નીચેનો હોઠ જો મોટો હોય, તો વિદ્વત્તા, પરખ, મજાકિયાપણું, સાથે અભિમાન તથા બીજાની નિંદા કરવાનો સ્વભાવ જોવા મળે છે. નીચેના હોઠના છેડા જો વળેલા હોય તો એનામાં ફેશનપરસ્તી, પ્રતિભા, ચતુરતા તથા દાર્શનિકતા ઝબકે છે. આવા લોકોનો યશ દૂર દૂર સુધી ફેલાય છે.
મોંની બંને બાજુઓ જો અંદર ગયેલી હોય તો પ્રસન્નતા, મજાક, પસંદગી, પ્રેમ તથા મધુર વાણી બોલે છે, જો ઉપરની તરફ બહાર આવેલી હોય તો ગંભીરતા, આદરભાવ, સંતોષ તથા મિલનસાર સ્વભાવ હોવાનું બતાવે છે. એક હોઠના ખાડામાં બીજા હોઠનો ફૂલેલો ભાગ મળીને બંને હોઠ બરાબર બેસતા હોય તો આવી વ્યક્તિ સાચું બોલનારી, પ્રેમાળ તથા વિશ્વાસપાત્ર હોય છે, પરંતુ આવા લોકોને કોઈ ગુપ્ત વાત ન કહેવી જોઈએ કારણ કે એમના પેટમાં ગુપ્ત ભેદ છુપાવી રાખવાની જગ્યા નથી હોતી.
વાદળી હોઠવાળા ક્રોધ વધારે કરે છે, ફિક્કા હોઠ પરિશ્રમી મનુષ્યોના હોય છે. લાલ હોઠ ચતુર, વિદ્વાન અને ધનવાનોના હોય છે, જેમનું ચિત્ત પ્રસન્ન રહે છે તેમના હોઠ ભીના રહે છે, માંદા અને દુઃખીઓના હોઠ શુષ્ક જોવા મળે છે, ઉચ્ચ અંતઃકરણવાળા મહાપુરુષના હોઠ લગભગ ફાટેલા, ચીંથરા જેવા અને કકરા દેખાય છે.
હોઠની વચ્ચેની ચાંચ જો વધારે ફૂલેલી હોય, તો એ મસ્તિકની કમજોરી વ્યક્ત કરે છે. જો ઉપરના હોઠ પર નાની નાની રેખાઓ હોય તો ટૂંકા જીવનની નિશાની છે. નીચેના હોઠ પરની નાની નાની રેખાઓ બતાવે છે કે તેને ઘરની બહાર વધારે રહેવું પડે છે.
જેનું મોં ઓછું ફાટેલું હોય તે ગુણવાન, કલાકાર તથા મોહક સ્વભાવવાળો હોય છે. મધ્યમ પહોળાઈનું જેનું મોં હોય તે વ્યાપારકુશળ અને પોતાના મતલબમાં ચોક્કસ હોય છે. જેમનું મોં કૂતરાના મોંની માફક ગાલ સુધી ફાટેલું હોય, વાત કરવામાં મગરના મોંની માફક ફાટતું હોય તેવા મનુષ્યો મૂર્ખ તથા નિર્ધન હોય છે અને હંમેશાં બીજા દ્વારા તેમને સતાવવામાં આવતા હોય છે.
પ્રતિભાવો