આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; કાન
April 5, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; કાન
આકૃતિ વિદ્યાના આચાર્યોનો મત છે કે મધ્યમ આકારના નાના કાણાંવાળા, સુંદર તથા સુડોળ આકારના કાન બહુ શુભ છે. આવી વ્યક્તિમાં એવા ગુણ હોય છે, જેના કા૨ણે તેમનું જીવન બહુ સુખપૂર્વક વ્યતીત થાય છે. લાંબા મોટામોટા કાનવાળા લોકો વિનમ્ર સ્વભાવવાળા, સદાચારી તથા ડરપોક હોય છે. તમે જોયું હશે કે સસલાં જેવી ડરપોક પ્રકૃતિના લોકોના કાન મોટામોટા હોય છે, પરંતુ તેમનાં મૂળ જાડાં હોય તો મોટા કાન હોવા એ મહાપુરુષ, નેતા તથા ધર્માત્મા હોવાનું ચિહ્ન છે. ગૌતમ બુદ્ધ તથા મહાત્મા ગાંધીનાં ચિત્રોમાં આપણે એમના જાડાં મૂળવાળા મોટા મોટા કાન જોઈ શકીએ છીએ.
એવી રીતે ઉંદરના જેવા બહુ નાના કાનવાળાને બાદ કરતાં સાધારણ નાના કાન પ્રેમ, સ્નેહ તથા સહાનુભૂતિનાં લક્ષણ ધરાવે છે. હા, જો બહુ જ નાના કાન હોય તો તેમને નાના મનવાળા, નાના મગજવાળા તથા ઓછા ઉત્સાહની નિશાની માનવામાં આવે છે.
પાછળની બાજુ માથાની નજીક ચોંટેલા કાન લજ્જાશીલતા, શંકાશીલતા તથા ડરપોકપણાના સૂચક છે.વાંકા વળી ગયેલા કાન કુટિલતા તથા વાંકી ચાલ વ્યક્ત કરે છે. હાથી જેવા સીધા ઊભા કાન મજબૂતાઈ તથા મર્દાનગી બતાવે છે. જેમનાં મૂળ બહુ જ કમજોર હોય અને કાન શિંગડાની માફક શરીરથી જુદાપણું પ્રગટ કરતા હોય તો લાલચ અને ક્રૂરતાની માત્રા ખૂબ પ્રમાણમાં હશે.
જાડા, સીધા અને ઊંચા કાનવાળા બહુ વિચિત્ર સ્વભાવના હોય છે. સામાન્ય રીતે તેઓ સીધીસાદી રીતે રહે છે, પરંતુ જો તેમને ઉત્તેજિત કરવામાં આવે, છેડવામાં આવે કે સતાવવામાં આવે તો એટલા ભયંકર બની જાય છે કે તેમને સંભાળવા અઘરું બની જાય છે. આ આવેશમાં તેઓ એવાં કૃત્યો કરી શકે છે કે જેની તેમના સીધાપણાની સ્થિતિમાં ક્યારેય આશા ન રાખી હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના કાન આવા જ હતા. મહેલોમાં રહેનારી એ મહિલાએ અંતમાં કેવું ભયંકર રૂપ ધારણ કર્યું હતું ! આ વાતને ઇતિહાસવેત્તાઓ સારી રીતે જાણે છે. કાનનાં મૂળ જો આંખોના સીધાણથી ઊંચાં હોય તો એનાથી સ્વભાવની ગરમી પ્રગટ થાય છે. ક્રોધી, ખૂંખાર, બદલો લેવાની ભાવનાવાળા, ઝઘડાખોર લોકોના કાનનાં મૂળ આંખોના સીધાણથી ઊંચાં હોય છે. સામાન્ય રીતે કાનનાં મૂળ આંખના સીધાણમાં રહેવાં જોઈએ. મધ્યમ શ્રેણીના સદ્ગૃહસ્થો આ પ્રકારના હોય છે, પરંતુ જો કાનના મૂળનો ઉપરનો ભાગ આંખના ઉપરના ભાગ કરતાં નીચો હોય તો તે ઉત્તમ સ્વભાવ, સ્વસ્થ શરીર અને સારા મગજવાળા હોવાનું પ્રમાણ છે.
શંખ જેવા કાનવાળા સમાજમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત આગેવાન હોય છે. જેના કાન પર મોટા મોટા વાળ હોય તે લાંબી ઉંમરવાળા હોય છે. નાના, માંસરહિત, પાતળા કાનવાળા મનુષ્યો નીચાં કામ કરનારા હોય છે અને દુઃખ-દારિદ્રયની જિંદગી વિતાવે છે.
બહુ નસો જેના કાનોમાં ચમકી રહી હોય તે દુષ્ટ સ્વભાવ અને ક્રૂર કર્મ કરનારો હોય છે. શિંગોડાની માફક જેના કાન સંકોચાઈને કોકડું બની ગયા હોય તે વ્યક્તિ લગભગ અવિશ્વાસુ અને ગરીબ હોય છે. પહેલવાનોને આ વાત લાગુ નથી પડતી કારણ કે તેઓ કુસ્તી લડવાની પદ્ધતિથી પોતાની જાતે મરોડીને કાન આવા પ્રકારના બનાવી લે છે.
આંખોથી દૂરના અંતરે જેના કાન હોય છે તેમની યોગ્યતા તથા વિચારશક્તિ ખૂબ હોય છે. જેમના કાન લમણાની નજીક હોય તે ઉદાસીન અને વૈરાગી સ્વભાવના હોય છે. કામમાં તેમનું મન ઓછું લાગે છે અને એકાંતસેવનની ઇચ્છા કર્યા કરે છે.
કાનની પરીક્ષા કરતી વખતે અભ્યાસુઓએ એ વાતો યાદ રાખવી જોઈએ કે નાના, પાતળા તથા હલકા કાન જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, કોમળતા તથા નમ્રતાના પરિચાયક છે. મધ્યમ શ્રેણીના કાન સ્વસ્થતા તથા આનંદપ્રિયતાનું ચિહ્ન છે અને મોટા કાન
કોઈ વિશેષ અપવાદને બાદ કરતાં જાડા, સ્થૂળ અને હલકા પ્રકારના સ્વભાવનું લક્ષણ છે.
કાનનાં કાણાં સાંકડાં હોવાં બહુ શુભ છે. આવા મનુષ્યો જ્યાં રહે છે ત્યાં સદા આનંદમંગલ બની રહે છે. અધિક પહોળાઈના કાણાંવાળા કાન એવા લોકોના હોય છે, જેઓ પોતાને માટે તથા બીજાના માટે કોઈ ને કોઈ ઝઘડો ઊભો કર્યા કરે છે. બહારથી જોવાથી જે કાણું બહુ દૂર સુધી દેખાય છે અર્થાત્ જેનાં કાણાં સીધાં હોય છે તે બહુ પરિશ્રમી તથા શારીરિક દૃષ્ટિથી મજબૂત હોય છે. જેમનાં કાણાં થોડેક દૂરથી વળેલાં હોય છે, બહારથી જોતાં કાણું નાનું માલૂમ પડે છે એવા લોકોની મિત્રતા ઘણાની સાથે હોય છે. એમનો સ્વભાવ મિલનસાર હોય છે.
પ્રતિભાવો