“આત્મવાત્મનો બન્ધુરાભૈવ રિપુરાત્મન:”
April 6, 2023 Leave a comment
આત્મા જાતે જ પોતાનો મિત્ર અને જાતે જ દુશ્મન છે.
સુખ અને દુ:ખ, ઉન્નતિ અને અધોગતિ, ઉત્થાન અને પતન આ બધાંનું એક માત્ર કારણ માનવીનું કર્મ છે અને કર્મરૂપી વૃક્ષનો આધાર વિચારરૂપી બીજ છે. ઇચ્છાથી પ્રેરણાનો અને પ્રેરણાથી કર્મનો જન્મ થાય છે, એટલે જ કર્મનું મૂળ “ઇચ્છાયુક્ત વિચાર” છે. પોતાની આકાંક્ષા અનુસાર માનવી વિચારે છે, જેવું વિચારે છે તેવાં જ સાધનો એકત્ર કરે છે. જેવાં સાધન એકત્ર થાય છે કે તરત કર્મ થાય છે. જેવું કર્મ થાય છે, તેવી જ પરિસ્થિતિઓ પ્રત્યક્ષ આવે છે અને તેવું જ ફળ મળે છે. એક સમયનું બીજ કોઇ સમયે વિરાટકાય વૃક્ષ બની સામે આવે છે તે રીતે એક સમયનો વિચાર કોઇ સમયે કર્મ અને તેનાથી ઉત્પન્ન થતાં સારાં-માઠાં ફળના રૂપમાં પ્રત્યક્ષ આવે છે.
પ્રારબ્ધ, તીર, ભાગ્ય, વિધિનું વિધાન, કપાળના અક્ષરો. હથેળીની રેખાઓ આ બધું કોઈ અર્દશ્ય સત્તા દ્વારા અવિવેક કે અન્યાયી રીતે અપાય નહીં.. પોતે કરેલાં કર્મો સમયાનુસાર પાકી પરિણામરૂપે સામે આવે છે, ત્યારે તે ભાગ્ય કે તકદીર કહેવાય છે. લોટ ચૂલા પર શેકાઇને રોટલી બને છે. જો કે લોટ અને રોટલી બંને અલગ વસ્તુ છે, બંનેનાં રૂપ-રંગ પણ અલગ અલગ છે છતાં એ માનવું પડે છે કે રોટલી એ બીજું કંઇ નહીં પણ લોટનું જ રૂપાંતર છે. પાણી અને બરફ એ બે અલગ અલગ પદાર્થ છે. પરંતુ એ ચોક્કસ છે કે બરફનું સ્વતંત્ર અસ્તિત્વ પાણીના બદલાયેલા રૂપ સિવાય કંઇ જ નથી. આ રીતે તકદીર પણ કોઇ સ્વતંત્ર વસ્તુ નથી. વર્તમાન કર્મો જ્યારે પાકે છે, ત્યારે તે ભવિષ્યમાં ભાગ્ય કહેવાશે. માનવીના તકદીરને બીજું કોઈ લખતું નથી. પ્રત્યેક માનવી પોતાના ભાગ્યનો વિધાતા અને લેખક જાતે જ છે. કર્મફળનું પરિણામ રોકવાનું સામર્થ્ય તો માનવીમાં નથી, છતાં ઇચ્છા મુજબ કર્મ કરવા કે ન કરવા માટે તે સ્વતંત્ર છે. જે કર્મે થઇ ગયાં છે, તેનું સુખ કે દુઃખ ક્યારેક આકસ્મિક રીતે સામે આવી પહોંચશે એ સાચું છે, સાથોસાથ આપણા ભવિષ્યને આપણાં કર્મો દ્વારા સારું કે ખરાબ બનાવવામાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ એ પણ એટલું જ સાચું છે. પૂર્વજન્મનાં પ્રારબ્ધ કર્મો બાબતે એક વાત જાણવી જોઇએ કે તે ક્યારેય કોઈ પણ રીતે આપણા જીવનવિકાસમાં અડચણરૂપ બનતાં નથી. હા, તેના કારણે આકસ્મિક દુ:ખ આવી શકે છે. એકાએક કોઇ આફતનો પહાડ તૂટી પડતો હોય તેવી દુર્ઘટનાઓ બને છે, જે માનવીના સામર્થ્ય બહારની વાત છે. જેવી રીતે જન્મથી જ અંધ અથવા લકવો હોવો, કોઇ ખોડખાંપણ હોવી, શ્રેષ્ઠ ચિકિત્સા કરાવવા છતાં કોઈ સ્વજનનું મૃત્યુ થવું, વારસાગત કોઇ અસાધ્ય રોગના ભોગ થવું; ચેપી રોગ, યુદ્ધ, આંધી-તોફાન, ધરતીકંપ, વીજળી પડવી, પૂર આવવું વગેરે દૈવી કોપનો શિકાર બનવું, કોઇ સુંદર ચીજવસ્તુનું અચાનક આશ્ચર્યજનક રીતે તૂટી જઈ નાશ પામવું, કોઇ સિંહ, સાપ વગેરેનો અણધાર્યો હુમલો, પોતાની સાવચેતી છતાં અન્યની બેદરકારીને લીધે કોઈ દુર્ઘટના બનવી -આ પ્રકારના બનાવો જેમાં પોતાની બેદરકારી કે અસાવધાની નહીં, પણ અણધારી વિપત્તિ આવી પડે તેવા બનાવો ભાગ્ય અથવા તકદીરનું પરિણામ ગણાવી શકાય. જે કામ માનવીની શક્તિ, સામર્થ્ય અને સાવધાની બહારનાં છે તેને પ્રારબ્ધ કહેવાય. કોઇ સંપત્તિના વારસદાર બનવું અથવા કોઇ ગુપ્ત ખજાનો કે ચોચિંતી અઢળક સંપત્તિ મળવી એ ભાગ્ય કહી શકાય.
જે કાર્ય માનવીના પ્રયત્ન, યોગ્યતા અને સાવધાની સાથે સંબંધ રાખે છે, તે બધાં અત્યારનાં, આ જન્મનાં કાર્યોનાં ફળ હોય છે. સાધારણ વ્યાવહારિક કાર્યોના ફળ તાત્કાલિક મળી જાય છે. માત્ર ગહન, ઘણાં મહાન, ઊંચાં કર્મોનું ફળ જ આગલા જન્મ માટે યા તો આ જન્મે જ ઘણે મોડેથી પ્રારબ્ધના રૂપમાં પ્રગટ થવા રોકાય છે. શરીર સ્વાસ્થ્ય, વેપારમાં લાભ-હાનિ, કૌટુંબિક રોગ, દ્વેષ, સંપન્નતા–ગરીબી, વિદ્વત્તા– મૂર્ખાઇ, યશ-અપયશ, ધૃણા-પ્રતિષ્ઠા, સંગ–કુસંગ, પ્રેમ-દ્વેષ, પ્રસન્નતા-બેચેની વગેરે દૈનિક જીવનમાં આવતાં જોડકાં માનવીની વર્તમાન કાર્યપ્રણાલી અને વિચારધારા પર આધાર રાખે છે. આ જોડકાંમાંથી કોઈ પણ સારી કે નરસી બાજુને માનવી સ્વતંત્ર રીતે પસંદ કરી શકે છે અને સ્વેચ્છાથી ઘણી સરળતાથી તે મેળવી શકે છે. બીમારી, ખોટ, ઝઘડો, ગરીબી, મૂર્ખાઇ, બેઆબરૂ, ધૃણા, દ્વેષ, ચિંતા, પીડા અને બેચેની વગેરે નરસી બાજુને પસંદ કરી જીવનભર ભોગવવી તે પણ માનવીના હાથની વાત છે. એ જ રીતે સુંદર સ્વાસ્થ્ય, લાભ, ઐક્ય, વિદ્વત્તા, હોશિયારી, યશ, પ્રતિષ્ઠા, પ્રેમ, મૈત્રી, પ્રસન્નતા તેમ જ સુખશાંતિ પણ સંપૂર્ણ રીતે આપણા હાથની જ વાત છે.
બાઇબલનું કથન છે, “જે ખખડાવશે (બારણું) તેના માટે ખોલવામાં આવશે.” મહાત્મા બીર પોતાના શિષ્યોને કહ્યા કરતા હતા
જિન ખોજા દિન પાઇયાં ગહરે પાની પેઠે !
હાં બૌરી ઢૂંઢન ગઇ રહી કિનારે બૈઠ !!
જેણે શોધ્યું તેને મળ્યું. જે કિનારે બેસી રહ્યા તેઓ બાવરા, પાગલ, મૂર્ખ ગણાયા. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેણે બારણું ખખડાવ્યું છે તેના માટે ખોલવામાં આવ્યું જ છે. એ સાચું છે કે કોઇક વાર સંનિષ્ઠ જબરદસ્ત પ્રયત્ન પણ અસફળ રહે છે, પરંતુ આવું સદાય બનતું નથી. કોઇ અપવાદ ક્યારેક બની શકે છે, પણ અપવાદોને સર્વમાન્ય નિયમ કે પ્રમાણ માની શકાય નહીં. કેટલીયે વ્યક્તિઓ પ્રયત્ન તો કરે છે પણ પરીક્ષામાં પાસ થઈ શકતી નથી, છતાં પ્રયત્ન કે આકાંક્ષાની મહાનતા સહેજેય ઘટતી નથી. કેટલાય મહત્ત્વાકાંક્ષીઓની એ હરીફાઇમાં જેની તૈયારી વધારે હોય છે તે સફળ થાય છે. જેના પ્રયત્નો અધૂરા તથા નબળા હોય છે તે નિષ્ફળ રહે છે પણ જેણે વધારે સામર્થ્ય બતાવ્યું તે સફળ થયો, જે હરીફ સફળ થયો તે પોતાના ઉત્કૃષ્ટ પ્રયત્નોની જ ચર્ચા નિષ્ફળ ઉમેદવારો સાથે કરે છે. વિજય સાધનોથી મળે છે પણ સાધનો વધુ હોવાં, ઉત્કૃષ્ટ હોવાં, વ્યવસ્થિત સદુપયોગ થવો આ બધું આકાંક્ષા દ્વારા જ થઈ શકે છે.
અમુક વ્યક્તિ પોતાની આકાંક્ષાને લીધે આ રીતે ઊંચે ઊઠી, સફળ થઇ એવી ઘટનાઓનું વર્ણન કરી આ પુસ્તિકાનાં પાનાં વધારવાની મારી ઇચ્છા નથી. પણ એક ઉન્નતિશીલ માનવી આ વાતનો જીવતો જાગતો સાક્ષી છે કે જેના મનમાં કંઇક મેળવવાની ઝંખના હોય છે તે જ ઉન્નતિ કરી શકે છે. તમે તમારી નજીકની કોઇ એવી વ્યક્તિનું ઉદાહરણ લો, જેણે પોતાના જીવનમાં આશ્ચર્યજનક સફળતા મેળવી હોય. તે વ્યક્તિની મનોભાવનાઓનું ધ્યાનથી અધ્યયન કરો, તો તમને જોવા મળશે કે તેના મનમાં ઇચ્છિત વસ્તુ મેળવવા કેટલી તીવ્ર ઉત્કંઠા છે. તે હંમેશાં એના માટે જ તડપતો રહે છે કે, ક્યારે અને કઇ રીતે જોઇતી વસ્તુ મેળવું ? આ પ્રબળ ઇચ્છાને કારણે તેનામાં સંશોધનશક્તિ ઉત્પન્ન થઇ. તેણે શોધખોળ કરી તાગ મેળવવો શરૂ કર્યો, મુશ્કેલી સામે ઝઝૂમ્યો, અસફળતાથી ડગ્યો નહીં, પ્રત્યેક હાર બાદ નવો પ્રયત્ન નવા જોશથી શરૂ કર્યો, છેવટે તેને યોગ્ય સાધનો મળ્યાં, રસ્તો દેખાયો, મદદ મળી અને અંતે ઉન્નત સ્થિતિમાં આવી ગયો. પ્રત્યેક મહાપુરુષની સફળતાનું આ એક જ રહસ્ય છે, આ એક જ કાર્યક્રમ, એક જ પદ્ધતિ છે. જુદા જુદા લોકોને અલગ અલગ તકો મળે છે, પણ બધાંનો સારાંશ એક સરખો જ છે. દરેક ગ્રહ પોતાની ધરી પર ઘૂમે છે, પોતાની ભ્રમણ–કક્ષામાં પરિક્રમા કરે છે, પોતાની આકર્ષણ શક્તિથી બીજા ગ્રહોને ખેંચે છે, બીજા ગ્રહોની આકર્ષણ શક્તિથી પોતે ખેંચાય છે. આ એક જ પદ્ધતિમાં સમગ્ર ગ્રહોનો જીવનક્રમ ચાલે છે, ચાહે તે ગ્રહોનાં ક્ષેત્ર, સ્થળ, આકાર, રંગ, ગુણ તથા ભ્રમણકક્ષા અલગ અલગ કેમ ન હોય ! આ જ રીતે પ્રત્યેક સંપન્ન અને સમૃદ્ધ વ્યક્તિ આકાંક્ષા, શોધખોળ, મુશ્કેલીઓમાં અડગતા, અડચણો સામે યુદ્ધ, સતત પ્રયત્ન, અતૂટ સાહસ, દઢ નિશ્ચય, ખંત અને મહેનતની ક્રિયાપદ્ધતિ અપનાવી સફળતા પ્રાપ્ત કરે છે, ભલે તેઓનાં ક્ષેત્ર અલગઅલગ કેમ ન હોય ! શારીરિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક, આર્થિક, સામાજિક, કલાત્મક વગેરે અલગઅલગ પ્રકારની સફળતાઓ દેશ, કાળ અને પાત્રની સ્થિતિ અનુસાર અલગઅલગ ઘટનાક્રમો પાર કરતાં કરતાં મળી હોય છે પણ તે સફળતાઓના મૂળમાં એક બાબતની સમાનતા જ છે. આકાંક્ષા રાખ્યા સિવાય, શોધખોળ કર્યા વિના, પ્રયત્ન કર્યા વિના, અડચણો–મુશ્કેલીઓ સામે લડ્યા વિના, આશા કે દૈઢતા અને પરિશ્રમ વિના કોઇએ એક પણ મહત્ત્વની સફળતા મેળવી હોય તેવું એક પણ ઉદાહરણ મળશે નહીં. કયા મહાપુરુષે કઈ રીતે સફળતા મેળવી ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું લખી વાચકોનો બહુમૂલ્ય સમય બગાડવા માગતો નથી. સંસારના બધા ઉન્નતિશીલ માનવીઓએ એક જ રીતે ઉન્નતિ કરી છે અને સંસારના અધોગતિએ પહોંચેલા માનવો માત્ર એક જ રીતે નીચે પડ્યા છે. ઉપરોક્ત સદ્ગુણોનો અભાવ જ માનવીને દુર્દશામાં પડી રહેવા લાચાર કરે છે. ઉન્નતિના શિખરે પહોંચવા આ ગુણો હોવા ખાસ જરૂરી છે. બધાં ક્ષેત્રોમાં ઉન્નતિ-અધોગતિનું સૂત્રસંચાલન આ એક જ નિયમ અનુસાર થાય છે.
જીવનને ઉન્નત બનાવવા માગતા સાધકોએ સૌ પ્રથમ આકાંક્ષાઓ જાગૃત કરવી જોઇએ. ઉદાસીનતા, શૂન્યમનસ્કતા અને કાયરતા છોડી પોતાના મન:ક્ષેત્રને સતેજ કરો. તમે વિચાર કરો કે : ૧. તમારા જીવનમાં કઇ વસ્તુઓની ખોટ છે ? ૨. આ ખોટને લીધે તમારે કયાં કયાં દુ:ખ સહેવાં પડે છે? ૩. તમારે કઇ વસ્તુઓ જોઇએ છે ? ૪. આ વસ્તુઓ મળી જતાં આપ કેટલા સંતોષ, સુખ અને આનંદનો રસાસ્વાદ માણી શકશો ? આ ચાર પ્રશ્નો પર વારંવાર વિચાર કરો અને જે પદાર્થોની જરૂરિયાત અનુભવો તે પ્રાપ્ત કરવા તીવ્ર ઇચ્છા કરો.
તમારી ઇચ્છા, પ્રેરક હોવી જોઇએ. તેની ભૂખ અંદરથી ઊઠવી જોઇએ. એ ઉત્કંઠા પાછળ પ્રાણ અને જીવન લગાવવાં જોઇએ. રસ્તે ગમે તેટલી મુસીબતો આવે છતાં અમુક વસ્તુ હું મેળવીને જ જંપીશ.’ ગમે તેટલી નિરાશાઓ આવે છતાં મારા પ્રયત્નો સતત ચાલુ રાખીશ.” આ પ્રકારનો સંકલ્પ મનમાં બિલકુલ દૃઢ રહેવો જોઇએ.
જે વસ્તુ આપ મેળવવા ચાહો છો તે અંગે પહેલાં ગંભીર વિચાર કરો, તેને કઇ રીતે મેળવી શકાય છે તે વિચારો. આ શક્યતાઓ પર પુષ્કળ તર્ક–દલીલો કર્યા બાદ કલ્પનાની સ્વપ્નશીલ દુનિયામાંથી નીચે ઊતરી વ્યવહારુ બની વિચારો કે આપની ઇચ્છા આકાશનો ચંદ્રમા મેળવવાની તો નથી ને? શરૂઆતમાં નાની નાની સફળતાઓ મેળવવા નાનાં, સરળતાથી પૂરાં કરી શકાય તેવાં કામ હાથ પર લો. ઘણાં મહાન, ઘણા લાંબા ગાળે પૂરાં થતાં કાર્યોને શરૂઆતનું લક્ષ્ય બનાવવું ઇચ્છનીય નથી.અંતિમ લક્ષ્ય ભલે ઘણું મહાન હોય, પરંતુ આરંભિક સફળતાઓ માટે નાનીનાની સફળતાના તબક્કા રાખવા જોઇએ. ઉદાહરણ તરીકે આપ પ્રખર વિદ્વાન બનવા માગતા હો તો પહેલાં કોઈ નાની પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય બનાવો. તેમાં સફળ થયા બાદ આગળની સહેજ વધુ અગત્યની પરીક્ષાનું લક્ષ્ય બનાવો. આ રીતે નાનીનાની પરીક્ષાઓ પાસ કરવાથી તમારું સાહસ, બળ, આત્મવિશ્વાસ અને અનુભવ વધતાં જશે અને એક સમયે તમે પ્રખર વિદ્વાન થઇ શકશો. જે વસ્તુ મેળવવી હોય તે માટે પૂરા ગંભીર બની ખૂબ વિચાર કરો. બધી મુશ્કેલીઓ, અનુકૂળતાઓ, ખોટ, લાભ વગેરે પર વિચાર કરો. આ વિચારણા બાદ જ્યારે નિશ્ચય કરી લો કે અમુક પ્રકારની સફળતા મેળવવી છે ત્યારે બધા જ પ્રકારના સંકલ્પો, વિકલ્પો, ભય, આશંકાઓ છોડી તમારા માર્ગે આગળ ધપો. આ દરમિયાન એ વસ્તુના અભાવથી પડી રહેલાં દુ:ખો, અડચણો અને તેના મળી જવાથી થનારા લાભ અંગે સતત ચિંતન કરવું જોઇએ. આનાથી આકાંક્ષા તેજ બને છે. જ્યારે પણ મન થાકવા–હારવા લાગે ત્યારે તે વસ્તુના અભાવનું અને મળવાથી થનારાના લાભનું વિસ્તૃત ચિત્ર તમારા માનસપટ પર ઉપસ્થિત કરતા રહો. આ ચિત્ર જોઇ મનમાં નવી પ્રેરણા, નવું જોશ આવશે અને ચોક્કસ દિશામાં ઉત્સાહપૂર્વક લાગી જવાશે.
હંમેશાં આશાવાદી રહો, આકાંક્ષાઓ જાગૃત રાખો. આકાંક્ષા જાતે જ એક આનંદ છે. સાચો ભક્ત મુક્તિ નહીં, પણ જન્મોજન્મ ભક્તિના રસનો સ્વાદ લેવા માગે છે. હકીકતે મુક્તિ કરતાં ભક્તિમાં વધારે આનંદ આવે છે. મિલન કરતાં વિરહ વધુ મીઠાશ લાવે છે. આ મીઠાશનો આનંદ માત્ર સાચો સાધક જ જાણે છે. અતિ ધનાઢ્ય બની ગાદીકિયે અઢેલીને બેઠા કરતાં ગરીબીથી છુટકારો મેળવી ધનવાન બનવાના પ્રયત્નોમાં વધુ રસ છે. આ પ્રકારની સફળતા કરતાં આકાંક્ષાનો આનંદ સહેજેય ઊતરતો નથી. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે જે બૌદ્ધિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તે શ્રમ જ અંત:કરણને નિત્ય સંતોષ આપનાર સ્વર્ગીય સોમરસનું પાન કરાવે છે. જે દિવસથી આકાંક્ષા પોતાના પ્રયત્નની શરૂઆત કરી દે છે, તે દિવસથી જ માનવીને એક સંતોષસભર કર્તવ્યપાલનનું સુખ મળવું શરૂ થાય છે.
યાદ રાખો કે જેની આકાંક્ષાઓ જીવંત છે તે માનવી જીવંત છે, જેની આકાંક્ષા મરી ગઇ તે માનવી જીવતું મડદું છે. જીવનનો ઉદ્દેશ્ય વિકાસ કરવાનો છે, અણુમાંથી વિભુ, તુચ્છમાંથી મહાન, આત્મામાંથી પરમાત્મા બનવાનો છે. ઉન્નતિ કરવી, આગળ વધવું, પરિશ્રમી બનવું એ માનવી માટે દૈવી આદેશ છે. આપ તે માર્ગે આગળ વધો. માનવજીવન જેવા અમૂલ્ય ખજાનાને નકામો ન વેડફી દેશો. ગૌરવ મેળવો, મહાન બનો, પોતાને સમૃદ્ધ અને સંપત્તિવાન બનાવો. આપની આકાંક્ષાઓ જાગૃત રાખો. જીવંત રાખો. એ ભૂલો નહીં કે આકાંક્ષા સમૃદ્ધિની માતા છે. આ સંસારમાં જેની આકાંક્ષાઓ બળવાન છે. તે જ વ્યક્તિ ઊંચી ઊઠી છે, આગળ વધી શકી છે.
પ્રતિભાવો