આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; મસ્તક
April 6, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ; મસ્તક
મસ્તકનાં મજબૂત હાડકાંઓની અંદર અત્યંત કોમળ ભૂરા રંગનો ચીકણો પદાર્થ ભરેલો હોય છે, જેને મસ્તિષ્ક કહે છે. મસ્તિષ્કમાં અસંખ્ય માનસિક શક્તિઓનો નિવાસ છે. આ શક્તિઓનાં અલગ અલગ સ્થાન છે, જેનું વિસ્તારપૂર્વક વર્ણન અમે અમારા “બુદ્ધિ વધારવાના ઉપાય” પુસ્તકમાં કરી ચૂક્યા છીએ. અહીંયાં સંક્ષિપ્તસાર રૂપે એટલું બતાવી દેવું પૂરતું હશે કે માથાના આગળના ભાગ તરફ આશા, ધર્મ, દૃઢતા, ઇજ્જત, બુદ્ધિ તથા વિવેક વગેરે આત્મિક શક્તિઓનું સ્થાન છે. માથાના પાછળના ભાગમાં લાલચ, લડાઈ, મોહ, કામવાસના વગેરે સાંસારિક ભાવનાઓ રહે છે. માથાના બંને બાજુવાળા ભાગમાં ગાવું, વગાડવું, નૃત્ય, ચિત્રકારી, કવિત્વ, રચના, વિજ્ઞાન તથા કળા વગેરે કોમળ વૃત્તિઓનો નિવાસ છે. માથાના આ ત્રણમાંથી જે ભાગ મજબૂત, પુષ્ટ, સ્વસ્થ તથા ઉન્નતિવાળો દેખાતો હોય તો સમજવું કે એ સ્થાનમાં રહેનારી શક્તિઓ પણ વધારે પ્રમાણમાં હશે. ઊંચા અને પહોળા માથાને જોઈને વિચારશીલતા તથા બુદ્ધિમત્તાનું અનુમાન કરી શકાય છે. નાનું, દબાયેલું તથા ઓછી પહોળાઈવાળું માથું અલ્પબુદ્ધિ અને વિવેકહીનતાનું લક્ષણ છે. વિકસિત અને ચમકદાર માથાવાળાઓની સ્મરણશક્તિ તેજ હોય છે તથા વિદ્યાભ્યાસનો તેમને ખૂબ શોખ હોય છે.
થોડીક ઊંચાઈવાળું, પરંતુ લાંબું માથું હોય તો હાજરજવાબીપણું, ચતુરાઈ તથા ઊંડાણ સુધી પહોંચવાની કુશાગ્ર બુદ્ધિનું સૂચક હોય છે. ઊંચા અને પહોળા મસ્તકવાળી વ્યક્તિઓને જો અવસર મળે તો તેઓ મહાપુરુષ, નેતા અને આદર્શ વ્યક્તિ બની શકે છે. તેમનામાં પરિશ્રમ, ચતુરતા, બુદ્ધિમત્તા અને સચ્ચાઈની ઘણી માત્રા હોય છે.
મૂળમાં અર્થાત્ ભ્રમરો પાસે માથું આગળની તરફ વધેલું હોય અને ઉપર વાળ પાસે પાછળ તરફ ખસેલું હોય તો સમજવું જોઈએ કે સદ્ભાવના અને સચ્ચરિત્રતાની ઊણપ છે. નીચે ઉપર તરફ ધસેલું અને વચમાં વિકસેલું માથું સહાનુભૂતિ, ગંભીરતા અને ઉદારતાનું લક્ષણ છે. ઉપરનો ભાગ આગળ નીકળેલો તથા નીચેનો ભાગ અંદર ગયેલો હોય તો એ વ્યક્તિ શોખીન સ્વભાવની, યાત્રા કરનારી તથા દ૨૨ોજ નવી યોજના બનાવનાર હોય છે.
ગોળાઈવાળું માથું દયા, આદર, અનુરાગ તથા ધાર્મિકતા પ્રગટ કરે છે. કમાન આકાર અર્થાત્ વચમાં અણીદાર અને બંને તરફ ગોળ માથું દાર્શનિક, વિચારક, વિદ્વાન અને નવી વાતો શોધનારનું હોય છે. સીધા સપાટ માથાવાળા લોકો બેફિકર, મસ્તરામ, હરહાલતમાં ખુશ અને શાંતિથી રહેનારા હોય છે.
ભ્રમરોની બરાબર ઉપર માથાનાં હાડકાં જો થોડાં આગળ વધેલાં હોય તો એને ઉત્સાહ, જોશ અને લગનનું ચિહ્ન સમજવું જોઈએ. દેશ અને જાતિની મહત્ત્વપૂર્ણ સેવા કરનારાઓના માથામાં લગભગ ખાડા જોવા મળે છે. જો બંને ભ્રમરોની વચ્ચે ખાડો હોય તો વાક્પટુતા, પ્રસન્નતા, ચતુરાઈ તથા દયાળુતા બતાવે છે. ફૂલેલું, ભારે, અધિક વજનદાર મસ્તક અક્કડ બુદ્ધિ અને અડિયલ સ્વભાવવાળાઓનું હોય છે. મસ્તક લંબાઈમાં ઘણું ઓછું, પરંતુ ઊંચું બહુ હોય તો કપટીપણું, ઢોંગ અને નકામા ભાષણની ભરમાર સમજવી જોઈએ. ચોરસ માથું પ્રતિભા, સ્થિરતા, સચ્ચાઈ અને દઢતા પ્રગટ કરે છે. વ્યાપારી અને ધનવાન લોકોના માથામાં એક પ્રકારની ચમક રહે છે. ઊંચુંનીચું બેડોળ મસ્તક અસ્થિરતા અને આળસનો ભેદ ખોલે છે.
માથાનો પાછળનો ભાગ જો વિકસેલો હોય તો પ્રેમી હોવાનું અને ચપટો હોય તો સ્વાર્થી હોવાનું લક્ષણ છે. આ ભાગ જો ખાડાવાળો, સૂકો અને પોલો હોય તો ચીડિયાપણું તથા સ્વાર્થીપણાની અધિકતા બતાવે છે. માથું મજબૂત, પહોળું, સીધું હોય તો ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર હોય છે. પાતળું અને વિકસેલી નસોવાળું હોય તો તેને દુનિયાદારીના ધંધામાં બહુ વ્યસ્ત સમજવો જોઈએ. સાધુ અને ત્યાગી વૃત્તિના લોકોના માથાના પાછળના ભાગને તપાસતાં એક નાનો ખાડો જોવા મળે છે.
નાનાં લમણાંવાળા નીરસ સ્વભાવના હોય છે. મોટાં, પહોળાં તથા ફેલાયેલાં લમણાં રસીલી પ્રકૃતિના સંગીત, સાહિત્ય તથા કળા- કૌશલમાં રુચિ લેનારાઓનાં હોય છે. લમણાંની નીચે નાકની તરફ જતું જડબાનું હાડકું જો ઉપસેલું હોય તો એનાથી શારીરિક અસ્વસ્થતા પ્રગટ થાય છે. કાનની પાછળ જો હાડકાંના બે નાના ગોળા જેવું ઉપસેલું હોય તો એ વ્યક્તિને કૂટનીતિજ્ઞ, રહસ્યમય તથા ભેદી સ્વભાવનો સમજવો જોઈએ.
હવે એક દૃષ્ટિમાં માથાના ત્રણેયભાગોને ભેગા કરીને જુઓ. જો “બે માથાંવાળું” માથું હોય તો એવું માલૂમ પડે છે કે બે માથાં જોડી દીધાં છે. એવા મનુષ્યોને દુર્ગુણી તથા દરિદ્રતાથી કષ્ટ પામનારા સમજવા જોઈએ. જેના માથામાં ખૂંધ ઊભી થયેલી હોય એવા મનુષ્યો પોતાની ઓછી અક્કલથી સદા દુઃખ ભોગવતા હોય છે. ચપટા માથાવાળા વ્યભિચારી તથા આદરણીય પુરુષોની અવજ્ઞા કરનારા હોય છે. બહુ નાના માથાવાળા ચંચળ અને ચાલાક તો બહુ હોય છે, પરંતુ વિદ્વત્તા તથા ગંભીરતાની ન્યૂનતા રહે છે. મધ્યમ આકારનું તથા સુડોળ માથું ધનવાન, વિદ્યાવાન, સુખી અને સદાચારી લોકોનું હોય છે. જેના માથા પર રામાનંદી તિલક જેવું ચિહ્ન હોય તે ખૂબ ધનવાન, પુરુષાર્થી તથા યશસ્વી હોય છે.
પ્રતિભાવો