સફળતાના ત્રણ ઉપાય; ભૂમિકા
April 6, 2023 Leave a comment
સફળતાના ત્રણ ઉપાય; ભૂમિકા
માનવીને સફળતા આપનારાં ત્રણ પરિબળ છે પરિસ્થિતિ, પ્રયત્ન અને ભાગ્ય. ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે સાવ ઓછી યોગ્યતાવાળા, સાવ નજીવા પ્રયત્ને ધણા મોટા લાભ મેળવે છે. ઘણી ય વાર પોતાનાં બાવડાંના બળે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતો માનવી આગળ વધી તુચ્છમાંથી મહાન બની જાય છે. કેટલીય વાર એવું પણ જોઇએ છીએ કે પરિસ્થિતિઓ સાવ સામાન્ય હોય, કોઇ યોજના ન હોય, કોઇ યોગ્યતા ન હોય, કોઇ પ્રયત્ન ન કર્યો હોય, પણ અનાયાસે કોઇ એવી તક આવી જતાં શુંનું શુંય બની જાય છે.
ઉપરનાં ત્રણમાંથી બે પરિબળ આપણા વશમાં નથી
(૧) જન્મજાત કારણોસર અથવા કોઇ ખાસ સમયે જે વિશેષ પરિસ્થિતિ સર્જાય છે તે અને (૨) ભાગ્ય અથવા નસીબને કારણે અનાયાસે મળતી સફળતા બાબત આપણું કંઈ જ ચાલતું નથી.
ત્રીજા પરિબળ પ્રયત્ન છે. એને અપનાવી આપણે આપણા બાહુબળથી સફળતા મેળવી શકીએ છીએ. આ એક જ કારણ આપણા હાથમાં છે. આ કારણને ત્રણ ભાગોમાં વહેંચીએ તો: આકાંક્ષા, સહનશીલતા અને પરિશ્રમશીલતા મુખ્ય છે. આ ત્રણ સાધનો અપનાવી ઘણાએ આશ્ચર્યજનક .સફળતાઓ મેળવી છે. આ રાજમાર્ગ પર વાચકોને આગળ ધપાવવા આ પુસ્તિકામાં પ્રયત્ન કર્યો છે. જેઓ આ ત્રણેય પરિબળોનો આસરો લઇ તેમને અપનાવી લેશે તેઓ પોતાના લક્ષ્ય તરફ રોજબરોજ આગળ વધતા રહેશે, એવો મને ચોક્કસ વિશ્વાસ છે.
પ્રતિભાવો