સફળતાના ત્રણ ઉપાય; સહનશીલતા

સફળતાના ત્રણ ઉપાય;સહનશીલતા

સફળતાનો માર્ગ સરળ નથી. તેમાં ડગલે અને પગલે કાંટા વેરાયેલા છે. મધમાખીઓના ઝેરી ડખની આડમાં જ મધ હોય છે, જેઓ આ ડંખોનો સામનો કરી શકે છે, તેઓ જ મધ મેળવી શકે છે. સુંદર વ્યાઘ્રચર્મ મેળવવાની ઇચ્છા રાખનારાએ સાક્ષાત કાળ સમા વિકરાળ વાધ સાથે યુદ્ધ કરવું પડે છે. ગુલાબનાં સુંદર ફૂલો તીક્ષ્ણ કાંટાથી રક્ષિત હોય છે. આ કાંટાનો સામનો કરીને જ કોઇ પણ વ્યક્તિ ગુલાબ મેળવી શકે છે. મોતી શોધી લાવનારે મગરમોથી ભરેલા સમુદ્રના તળિયા સુધી જવું પડે છે. ભગવાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા સાધકે પહેલાં કઠોર સાધનાનું દુ:ખ સહેવું પડે છે. પ્રગતિની પ્રત્યેક દિશામાં દુ:ખ, મુશ્કેલીઓ અને અડચણો છે જ. એવી એક પણ સફળતા નથી કે જે મુશ્કેલીઓનો સામનો કર્યા વિના મળી હોય. જીવનના મહત્ત્વપૂર્ણ માર્ગો અડચણો, મુશ્કેલીઓથી સદાય ભરેલા હોય છે. જો પરમાત્માએ સફળતાને મુશ્કેલીઓ સાથે વણી ન લીધી હોત અને બધાંને માટે સરળ બનાવી દીધી હોત, તો તે માનવીનું સૌથી મોટું દુર્ભાગ્ય જ ગણાત. સરળતાથી મળેલી સફળતા સાવ નીરસ અને અવગણી શકાય તેવી બની જાત. જે વસ્તુ જેટલી મહેનતે, જેટલાં દુ:ખો વેઠી, જેટલો ખર્ચ કર્યા બાદ મળે છે, તે તેટલી જ આનંદદાયક હોય છે. કોઈ શાક કે ફળફળાદિ તેની ઋતુમાં સસ્તાં અને ભરપૂર માત્રામાં મળે છે ત્યારે તેની કોઈ કિંમત હોતી નથી, પણ જ્યારે તે દુર્લભ બની જાય છે ત્યારે અમીસે તેને શોધીને મોંઘાદાટ ખરીદે છે. મીઠાઇનો આનંદ કંદોઈ ન જાણે, જેને માત્ર કોઇક જ વાર મીઠાઇ મળે છે તે જ આનંદ મેળવી શકે. અમીરો માટે એક રૂપિયો કાંકરા બરાબર છે, પણ ગરીબોને તો તે ચંદ્રમા જેવો મોટો લાગે છે. જે માંદગીમાં સપડાયો છે તે જ શરીર સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજી શકે છે. સોનુ ઘણી ઓછી માત્રામાં મળે છે એટલે જ એની કિંમત છે. બાકી કોલસાની ખાણોની જેમ સોનાની  ખાણો મળવા લાગે તો લોકો તેને પણ લોખંડ કે બીજી સસ્તી ધાતુની જેમ બેદરકારીથી જ જોતા હોતા જ્યારે બે લાકડીઓ ઘસી, અગ્નિ પેટાવવામાં આવતો હતો, ત્યારે અગ્નિનું ઘણું મહત્વ હતું, દેવની જેમ તેની પૂજા થતી હતી, પરંતુ આજે જ્યારે દીવાસળીઓની પેટીઓ દુકાનોમાં સાવ સરળતાથી મળે છે ત્યારે અગ્નિને કોણ આટલું મહત્ત્વ આપે? જેમને ઘેર એક પણ બાળક નથી તેમના માટે એકાદ બાળકનો જન્મ ભગવાનના અવતાર જેવો લાગે, પણ જ્યાં દર બે વર્ષે બાળજન્મ થતો હોય, તેઓને માટે તો બાળકનો જન્મ ચિંતાજનક, નિરાશાપૂર્ણ, દુર્ભાગી અને દુઃખદાયક હોય છે

વસ્તુની અછત અને મેળવવાની મહેનત સાથે આનંદને સીધો સંબંધ છે. જ્યારે પ્રેમી-પ્રેમિકા દૂર હોય છે, ત્યારે એક બીજાને ચંદ્ર-ચકોરની જેમ યાદ કરે છે પણ લગ્ન બાદ એક જ જગ્યાએ હંમેશાં સાથે રહેવાનું થાય છે, ત્યારે દાળમાં મીઠું ઓછુંવત્તું પડવા બાબતે કે કંકુની શીશી લાવવા જેવી નાની નાની બાબતો પર ઝઘડા થાય છે. જે વસ્તુ દુર્લભ છે, સામાન્ય રીતે સરળતાથી મળતી નથી તેની પ્રાપ્તિ જ સફળતા ગણાય છે. જે કાર્યોની સફળતા સામાન્ય માનવ માટે દુર્લભ છે તેવાં જ કાર્યો જો બધા માનવો હંમેશાં કરતા રહે તો તે લોકોએ કોઇ ચોપડી વાંચવાની જરૂર પડે નહીં કે કોઇ લેખકે આવી ચોપડી લખોની જરૂર રહેત નહીં. જો મહત્ત્વપૂર્ણ સફળ તાઓમાં અડચણો ન રહેતી હોત તો તે સફળતાઓ મહત્ત્વની રહેત નહીં અને તેમાં કોઇ આનંદ પણ આવત નહીં. કોઇ રસ, કોઇ વિશેષતા ન રહેતાં આ સંસાર સાવ નીરસ કદરૂપો બની જાત, લોકોને જીવન જીવવું ભારરૂપ લાગ્યું હોત.

મુશ્કેલીઓ, અડચણો ન હોવાથી એક બીજું નુકસાન એ થાય છે કે માનવીની ક્રિયાશીલતા, કૌશલ્ય અને ચેતના નાશ પામે છે. ઠોકરો ખાઇ ખાઇને અનુભવનું ભાથું બાંધી શકાય છે. ઘસવાથી અને દળવાથી યોગ્યતા વધે છે. દુ:ખનો આધાત સહન કરીને માનવી દૃઢ, બળવાન અને સાહસિક બને છે. મુસીબતોની આગમાં તપવાથી ઘણી નબળાઇઓ બળી જાય છે અને માનવી સો ટચના સોના જેવો ચમકી ઊઠે છે. પથ્થર પર ઘસવાથી  હથિયારની ધાર તેજ બને છે. મશીન પર ઘસવાથી હીરો ચમકે છે. આઘાત પ્રત્યાઘાતની ઠોકરો ખાઇ રબ્બરના દડાની જેમ આપણી આંતરચેતના ઊછળે છે અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા ગતિવિધિઓ આરંભી દે છે. ચોટ ખાધા વિના દડો ઊછળી શકતો નથી, થપકી માર્યા વિના ઢોલ વાગતું નથી, એડી માર્યા વિના ઘોડાની ચાલ ઝડપી બનતી નથી. માનવી પણ લગભગ આવાં તત્ત્વોનો બનેલો છે અને જ્યાં સુધી કોઇ ઠોકર ન ખાય, મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ન આવે ત્યાં સુધી એની સુષુપ્ત શક્તિઓ જાગૃત થતી નથી. સાવ મામૂલી જિંદગી વિતાવવી પડે છે.

સફળતાનો આનંદ શાશ્ર્વત રાખવા અને શક્તિઓમાં ચેતના લાવી વિકાસના માર્ગ પર પ્રવૃત્ત રાખવા જીવનમા અડચણો અને દુ:ખ હોવાં ખાસ જરૂરી છે. ઇતિહાસમાં જેટલા મહાપુરુષોનાં વર્ણન આવે છે તે બધાએ પોતાના જીવનમાં કષ્ટસાધ્ય દુ:ખ, ભયાનક આફતો સહન કરેલી છે. જો ઇસુ ખ્રિસ્તના જીવનમાંથી તેઓનું તપ અને વધ સ્થળ પર ચડવું એ બે ઘટનાઓ કાઢી લઇએ તો તેઓ માત્ર એક સામાન્ય ધર્મોપદેશક જ રહી જાય. રાણા પ્રતાપ, શિવાજી, શિબિ, દધીચિ, હરિશ્ચંદ્ર, પ્રહ્લાદ, લેનિન, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ વગેરે મહાપુરુષ બનાવવાનો યશ તેઓની સહનશીલતાને જ આપવો પડે. જો તેઓએ ડગલે અને પગલે દુ:ખો સહન કરવાનું કે મુસીબતોનો . સામનો કરવાનું સ્વીકાર્યું જ ન હોત તો તેઓ સામાન્ય કક્ષાની સજજન વ્યક્તિઓ જ રહી ગઈ હોત, મહાપુરુષ બન્યા જ ન હોત

આકાંક્ષા, સભાનતા અને પરિશ્રમથી ગમે તેવાં કષ્ટસાધ્ય કામ પાર પડી શકે છે, છતાં એમ કહી ન શકાય કે આવાં કાર્યો તાત્કાલિક અથવા કોઇ જોખમ ઉઠાવ્યા વિના સફળ થઈ જાય. પરમાત્મા વારંવાર પરીક્ષા લઇ માનવીની યોગ્યતા અયોગ્યતા ચકાસતા હોય છે. શાળાઓમાં ત્રૈમાસિક, છમાસિક તથા નવમાસિક પરીક્ષાઓ લેવાય છે. તેના પછી મોટી વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. જે આ વાર્ષિક પરીક્ષામાં પાસ થાય તેને જ આગળના વર્ષમાં જવા દેવાય છે. આવી આશરે પંદર મોટી પરીક્ષાઓ, પંદર ધોરણો પાસ કરીએ ત્યારે સ્નાતકની પદવી મળે છે, સફળતાની પદવી  મળે છે. સફળતાના સ્નાતક બનવા પણ માનવીએ કેટલાં જોખમ, દુ:ખો, કષ્ટ, મુશ્કેલીઓ, પ્રતિકૂળ સંજોગો જેવી પરીક્ષાઓ આપવી પડે છે. જેઓ આમાં પાસ થાય છે તેઓ આગળ વધે છે, મનવાંછિત સફળતાનો રસાસ્વાદ માણે છે. જેઓ આવી પરીક્ષાઓથી ગભરાઇ જાય છે, પરીક્ષા પાસ કરવા પ્રયત્ન નથી કરતા, તેઓ ઉન્નતિના શિખરે પહોંચી શકતા નથી, ઇચ્છિત સિદ્ધિ મેળવી શકતા નથી.

સફળતાનો માર્ગ ધીમે ધીમે તબક્કાઓમાં પાર કરવો પડે છે, અડચણો સાથે લડતો, અથડાતો, કુટાતો, ઠોકરો ખાતો કોઇક માનવી પોતાના મનોરથ પૂરા કરી શકે છે. સાઇકલ ચલાવતાં શીખનાર જાણે છે કે શીખતાં શીખતાં કેટલીયે વાર નીચે પડવું પડશે. તરવૈયા જાણે છે કે પાણીમાં પગ મૂક્યાં જ તરવૈયા બની જવાતું નથી. કોઇ વાર બીજા મુશ્કેલીઓ ઊભી કરે છે, કોઇ વાર અનાયાસે દૈવી પ્રકોપ દ્વારા મુશ્કેલીમાં મૂકાવું પડે છે. કોઇક વાર માનવી પોતાની જ ભૂલનો ભોગ બને છે. પોતાની બેદરકારી કે બીજાની ભૂલના કારણે પણ નિષ્ફળ જવાય છે. પોતાની ભૂલો સુધારવા પ્રયત્ન તો થાય છે, પણ જૂના અભ્યાસના કારણે ફરી વાર તે દોષ, ભૂલો ઊભરાઈ જાય છે અને તે કર્યું કારવ્યું ધૂળમાં મેળવી દે છે. કેટલીયે વાર પ્રયત્ન કરતા રહેવા છતાં, જ્યારે આપણા સ્વભાવ કે અનુભવને સુધારવામા નિષ્ફળ જઈએ છીએ ત્યારે ઘણી નિરાશા વ્યાપી જાય છે અને સાવ નિરાશ થઈને પ્રયત્નો છોડી દઇએ છીએ.

આપણો સ્વભાવ સુધારવા, બદલવા પૂરી શક્તિથી પ્રયત્ન તો કરવો જોઇએ, પણ એવી આશા ન રાખવી જોઇએ કે બે-ચાર દિવસમાં જ ન સંપૂર્ણ સુધરી જઇશું. સ્વભાવનું બદલાવું ધીમે ધીમે અને લાંબા ગાળે થાય છે. કોઈ ખરાબ સ્વભાવ દૂર કરવા અને એકાદ સારો ગુણ ગ્રહણ કરવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કરવો પડે છે. આ પ્રયત્ન ધીરજ અને દઢતા સાથે, ઉત્સાહ અને આશા સાથે કરવો જોઇએ અને વચ્ચે જ્યારે જ્યારે ભૂલ પડે કે કોઈ ઓટ આવે ત્યારે વધુ સાવધાન, વધુ જાગૃત થઈ આગળ ચેતીને ચાલવાનો નિશ્ચય કરવો જોઇએ. દોરડું વારંવાર પથ્થર પર ઘસાય છે અને પથ્થર જેવા કઠણ પદાર્થ પર પણ  કાપા પાડી દે છે તો પછી આપણા દોષ-દુર્ગુણો આપણે બદલી ન શકીએ એ કેમ બને ?

મારાથી રોજ ભૂલો થાય છે અને શિક્ષક રોજ મને શિક્ષા કરે છે એવું માની કોઇ વિદ્યાર્થી ભણવાનું છોડી દેતો નથી. ભૂલો કરતાં કરતાં પણ વિદ્યાર્થી ભણવાનું સતત ચાલુ જ રાખે છે, ભૂલો સુધારે છે અને સફળતા મેળવે છે. પરીક્ષામાં કોઇ વિદ્યાર્થીને જ્યારે ૮૦% ગુણ મળે છે ત્યારે તે અનહદ આનંદ મેળવે છે, પ્રથમ નંબર મળે છે અને બધા તેની ભરપૂર પ્રશંસા કરે છે. આ વિદ્યાર્થીએ ૨૦% પ્રશ્નોના જવાબ સાવ ખોટા આવ્યા છે. જેટલાના જવાબ ખોટા આપ્યા છે તે બધા પ્રશ્નો બાબતે તો તે મૂર્ખ, બેદરકાર, નાલાયક, દોષી અને નિષ્ફળ છે. આટલા દોષ, ભૂલો હોવા છતાં ન તો તે વિદ્યાર્થી નિરાશ થાય છે, ન તો કોઇ તેની ટીકા કે નિંદા કરે છે, કારણ કે તેણે ભૂલની સરખામણીમાં ચોકસાઇ અને સચોટતાનો વધારે પરિચય આપ્યો છે અને સફળતા-નિષ્ફળતામાં, સફળતાનું પણું ઘણું વધારે નમાવ્યું છે. આટલી સફળતા હંમેશાં પ્રશંસનીય છે. એટલા માટે ૩૫% ગુણ મેળવનારને કે ક્યાંક પ૦% ગુણ કે ક્યાક ૬% ગુણ મેળવનારને પાસ સમજવામાં આવે છે. તેને શાબાશી મળે છે અને તેની પ્રશંસા થાય છે. આપણે આ વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ મેળવવું જોઇએ. નાનાં બાળકો નિષ્ફળતાથી ડરતા નથી, નાહિંમત થતાં નથી; નિરાશ, અસ્થિર અધીરા થતાં નથી કે હાર પણ કબૂલતાં નથી. આને બદલે નાની નાની નિષ્ફળતાઓની અવગણના કરી, તેમાંથી બોધપાઠ લઈ કાર્યક્રમ ચાલુ રાખે છે અને છેવટે સફળતા મેળવે છે.

સ્વભાવ ન તો એક દિવસમાં ઘડાઈ શકે છે, ન તો એક દિવસમાં જ બદલાઈ શકે છે. ઘણા દિવસો સુધી જે વિચારધારા, જે કાર્યપ્રણાલી માનવી અપનાવ્યે રાખે છે તે થોડા સમયમાં જ ટેવના રૂપમાં બદલાઇ જાય છે. ટેવનાં મૂળ ઘણાં ઊંડાં છે. તે ગુપ્ત મનની અંદર પ્રવેશ કરી લે છે. જ્યાં સુધી માનવી જાગૃત હોય છે, ત્યાં સુધી તો તે ટેવ દબાયેલી રહે છે પણ સહેજ ગાફેલ બનતાં, સહેજ છૂટછાટ મૂકાતાં જ જૂની ટેવ પોતાનો પ્રભાવ બતાવે છે અને આત્મસુધારના માર્ગનો પથિક ન કરવા  ઇચ્છે તે ભૂલ કરી નાખે છે. સ્વભાવ બદલાતો ન જોતાં કેટલીક વ્યક્તિઓ આત્મસુધારને અશક્ય માને છે અને પ્રયત્ન સુદ્ધાં છોડી દે છે. વાચકોએ આ ભૂલ ન કરવી જોઇએ. પ્રત્યેક ભૂલ પછી વધુ ઉત્સાહ અને વધુ સાહસ બતાવી પ્રયત્ન કરવો જોઇએ. સ્વભાવ બદલાય છે, ટેવો બદલાય છે પણ આ કામમાં સમય લાગે છે એટલા માત્રથી ગભરાવાની કોઇ જરૂર નથી.

જે વસ્તુ જેટલી ટકાઉ અને મજબૂત હોય છે તે તૈયાર કરવામાં એટલો વધારે સમય લાગે છે. જાદુગર હથેળીમાં ઘઉં, બાજરી ઉગાડી ખેલ બતાવે છે પણ એ ઘઉં-બાજરીમાંથી રોટલી–રોટલા કોઇએ બનાવડાવ્યા નથી. હથેળી પર ઊગેલ ઘઉં કે બાજરી થોડા સમયમાં જ નાશ પામે છે. જે છોડ એક-બે માસમાં ઊગી મોટા થઇ જાય છે તે થોડાક માસમાં જ મરી જાય છે. માખી જન્મના ૬૦ કલાક બાદ યુવાન થઈ જાય છે અને ઈંડાં મૂકવા માંડે છે. પરંતુ ર૧ દિવસમાં જ તે વૃદ્ધ થઈને મરી જાય છે. આનાથી ઊલટું પીપળો, વડ જેવાં ઝાડ ખૂબ ધીમેથી વધે છે અને વર્ષો સુધી જીવે છે. ઘાસ, ડાળખાં, પાંદડાંની ઝૂંપડી તાત્કાલિક બનાવી શકાય છે તો બેચાર વર્ષમાં જ નાશ પણ પામે છે. સિમેન્ટ કોર્કિટનાં બનેલાં મકાનો ઘણા લાંબા સમયની મજૂરી પછી, ઘણા ખર્ચે તૈયાર થાય છે, પણ વરસો સુધી ટકી રહે છે. ધીરજ, દેઢતા અને મજબૂતી સાથે જે કામ સાચવી સાચવીને કરવામાં આવે તે કામ પૂરાં થવામાં વાર તો લાગે છે, પણ તેનાં ફળ ઘણા લાબા ગાળા સુધી લાભ આપે છે. એટલા માટે કોઇ કામ ઝડપથી પૂરું ન થતું હોય, ધીમે ધીમે આગળ ધપતું હોય તો અધીરાઈ બતાવ્યા વિના પ્રયત્નશીલ રહેવાથી એક દિવસે ચોક્કસ સફળતા મળે છે.

કેટલીયે વાર આકસ્મિક પરિસ્થિતિઓ વિઘ્નરૂપ બને છે અને બનેલું કામ બગડી જાય છે. સફળતા મળવાની નજીક જ હોય અને કોઇ એવો વજ્રઘાત થાય કે, આપણાં તમામ સ્વપ્નો ચકનાચૂર થઇ જાય. પૂરો પ્રયત્ન કરવા છતાં, પૂરી સાવચેતી રાખ્યા છતાં આવાં સંકટો પ્રત્યક્ષ, અણધાર્યાં, વખ઼કમાાં આવે છે. મોત, ચોરી, આગ, રોગ, યુદ્ધ, આંધી, તોાન, વરસાદ  દુશ્મનોનો હુમલો, ષડ્યુંત્ર, કારાવાસ, ખોટ, વસ્તુઓની તૂટટ્યૂટ, વિશ્વાસઘાત, અપમાન, દગો, દુર્ઘટના, ભૂલ વગેરે કારણોસર આવી ભયંકર પરિસ્થિતિઓ, જેની કલ્પના ન હતી તે સામે આવી જાય છે. આવી વિષમ સ્થિતિમાંથી પસાર થવાનો જેને અનુભવ નથી, અભ્યાસ નથી, જોઇતું સાહસ નથી તેવા લોકો અચાનક ગભરાઇ જાય છે. શું કરવું ને શું ન કરવું ? તેની સૂઝ પડતી નથી. આવા વખતે કોઇ વ્યક્તિ ગાંડી થઇ જાય છે, કોઈ આપઘાત કરી લે છે, કોઇ ઘોર નિરાશાવાદી બની કપડાં રંગી સાધુબાવા બની જાય છે અથવા કોઇ રીતે પોતાના ભવિષ્યને અંધકારમય જોઇ કલ્પનાઓ વડે વિક્ષુબ્ધ બની દિવસો પસાર કરે છે.

આવી સ્થિતિ માનવી જેવા વિવેકશીલ પ્રાણીના ગૌરવને નીચું પાડે છે, આ તેને શોભતું નથી. પ્રતિકૂળ પરિસ્થિતિઓ આપણા મનસૂબા ધૂળમાં મેળવી દે છે એ વાત સાચી, પણ સાથોસાથ એ પણ સાચું છે કે આવી ઘટનાઓ અવારનવાર બનતી નથી. લીલા ઘાસને ગ્રીષ્મ તુનો પ્રખર તાપ બાળી દે છે ત્યારે એવું લાગે છે કે તાપે ઘાસનું નામોનિશાન મિટાવી દીધું, પરંતુ આ સ્થિતિ કાયમ રહી શકતી નથી, કારણ કે વિનાશક તત્ત્વોની સત્તા સાવ ક્ષણિક અને અલ્પજીવી હોય છે. ગ્રીષ્મ પૂરી થતાં જ વરસાદ આવે છે અને બળી ગયેલું, શેકાઈ ગયેલું ધાસ ફરી વાર જીવંત થઇ ઊગી નીકળે છે. ગ્રીષ્મ તુએ વિદાય લીધી, ઘાસને એકવાર બાળી શકી, પરંતુ આટલાથી એમ ન માનવું જોઈએ કે ગીષ્મના પ્રખર તાપમાં ઘાસના સુરમ્ય જીવનનો નાશ કરવાની શક્તિ છે. ઇશ્વરે ધાસને જીવન આપ્યું છે, ઇશ્વરે જેને આનંદમય બનાવ્યું છે તેના જીવન અને આનંદને કોઈ છીનવી શકતું નથી કે તેનો નાશ કરી શકતું નથી.

કુદરતનાં રહસ્યોમાં એક રહસ્ય બિલકુલ વિચિત્ર, અદ્ભુત છે. પ્રત્યેક વિપત્તિ, આફત પછી તેની વિરોધી સ્થિતિ એટલે કે સગવડ પ્રાપ્ત થાય છે. જ્યારે માનવી બીમારીમાંથી ઊઠે છે, સાજો થાય છે ત્યારે તેને ખૂબ ભૂખ લાગે છે, સ્વાસ્થ્ય-સંરક્ષણ શક્તિ એકદમ તીવ્રતાથી જાગૃત થાય છે અને જેટલો થાક, નબળાઇ બીમારી દરમ્યાન આવ્યાં હતાં તે  દિવસોમાં જ દૂર થાય છે. ગ્રીષ્મના પ્રખર તાપને પડકાર આપતી મંગલમય વર્ષા ઊતરી આવી. ધરતીને ઠંડક, શાંતિ આપતી હરિયાળીથી ઢાંકી દે છે. હાથપગ, હાડકાં થીજવી દેતી ઠંડી જ્યારે ઉગ્રરૂપથી પોતાનો પરચો બતાવી દે છે તો એક એવી ઋતુ આવે છે જ્યારે ઠંડી સદંતર બંધ થઇ ગઇ હોય છે. રાત્રિ પછી દિવસનું આગમન સનાતન સત્ય છે. અંધકાર પછી પ્રકાશનાં દર્શન અવશ્ય થાય છે. મૃત્યુ પછી જન્મ પણ થાય છે. રોગ, ખોટ, શોક વગેરેનાં દુ:ખો શાશ્ર્વત રહેતાં નથી, તે આંધીની જેમ આવે છે અને તોફાનની જેમ ચાલ્યાં જાય છે. તેના ગયા બાદ એક દૈવી પ્રતિક્રિયા થાય છે જેના દ્વારા પડેલી ખોટ પૂરી કરવા કોઇ એવો વિચિત્ર રસ્તો જડી આવે છે, તેનાથી ખૂબ ઝડપી ગતિથી આપત્તિથી પડેલી ખોટ ભરપાઇ થઇ જાય છે.

એક વાર નાશ પામેલી વસ્તુ ફરી વાર જે તે હાલતમાં પાછી આવી શકતી નથી એ સત્ય છે પણ માનવીને સંપન્ન, સુખી બનાવનારાં બીજાં ઘણાં સાધનો છે અને એ નવાં સાધનોમાંથી એકાદ પેલી ખોટ સહનારી વ્યક્તિને મળે છે. જો ઘાસને આપણે વારંવાર લીલું થતું જોઇએ છીએ, અંધારાને વારંવાર નાશ પામતું જોઇએ છીએ, રોગીઓને પુન: સાજા થતા જોઇએ છીએ, તો આફતો બાદ શાંતિ ન આવવાનું કોઇ કારણ નથી. જેઓ ઉજજવળ ભવિષ્યની આશા રાખતા નથી, ફરી વાર મારું ભલું થશે એવો જેને વિશ્વાસ નથી તે નાસ્તિક છે. જેને પરમાત્માના યાળુ સ્વભાવ પર વિશ્વાસ નથી તે જ આવું વિચારે છે કે, મારું ભવિષ્ય હંમેશ માટે અંધકારમય રહેશે. જે પર્વતને રાઇ રાઇ કરી શકે છે, તે રાઈનો પર્વત પણ બનાવી શકે છે; તેની શક્તિ પર ભરોસો રાખવો જોઇએ. જે આજે રડી રહ્યો છે, તેણે એમ ન વિચારવું જોઇએ કે પોતાને હંમેશ રડવું જ પડશે. આવી નિરાશા પરમાત્માના પરમ પ્રિયપુત્રને કોઇ રીતે શોભા આપતી નથી.

જ્યારે કોઇનો એક પગ તૂટી જાય તો તે સમયે તેને એવું લાગશે કે એક પગ તૂટવાથી ચાલવાનું તો ઠીક પણ ઊભા રહેવું પણ મુશ્કેલ છે, હવે તેનાથી કોઇ રીતે ચાલી-ફરી શકાશે નહીં, પણ અધીરાઇ છોડી  વિવેકથી કામ લેવામાં આવે છે ત્યારે કામચલાઉ યોજના મળી આવે છે. લાકડાનો પગ લગાવી તે લંગડો માનવી પોતાનું કામ કરવા લાગે છે. આવી જ રીતે બીજાં કોઇ અંગ-અવયવ તૂટી ગયાં હોય, નકામાં થઇ ગયાં હોય તો પણ તેની ક્ષતિપૂર્તિ કોઇ અન્ય પ્રકારે થઇ જાય છે અને થોડા દિવસોના અભ્યાસ બાદ તે ખોટ ખટકતી બંધ થાય છે.

“હું પહેલાં સારી દશામાં હતો, હવે કેવી ખરાબ દશામાં આવી ગયો છું” આવું વિચારી વિચારી રડતા રહેવું અને પોતાના ચિત્તને કલેશવાળું રાખવું એ કોઇ રીતે લાભદાયક નથી. આથી હાનિ જ થશે. દુર્ભાગ્ય પર રડવું, પોતાના ભાગ્યન ગાળો દેવી વગેરેથી પોતાના મનમાં જ આત્મહીનતાનો ભાવ ઉત્પન્ન થાય છે. મારા ઉપર ભગવાન રૂઠ્યા છે, દેવ કોપ્યા છે, નસીબ ફૂટી ગયું છે; આ પ્રકારના ભાવ મનમાં આવવાથી મગના જ્ઞાનતંતુઓ મંદ પડી જાય છે, શરીરની નાડીઓ ઢીલી પડી જાય છે, લોહીની ગરમી અને ફરવાની ઝડપ ઓછી થઇ જાય છે, આશા અને ઉત્સાહની ઊણપના લીધે આંખોની ચમક ઓછી થઇ જાય છે. નિરાશ વ્યક્તિ, પછી ભલે તે કોઇ પણ ઉંમરની હોય, પોતાનામાં વૃદ્ધત્વની નિશાનીઓ જુએ છે. વદન કરમાઇ જાય છે, ચહેરો લુખ્ખો, ફિક્કો પડી જાય છે; ઉદાસીનતા, નિરા, હતાશા, નીરસતાની એક એક ઝલક તેના ચહેરા પર આવી જાય છે. આનાથી માનવી પોતાનું શારીરિક અને માનસિક બંને પ્રકારનું સ્વાસ્થ્ય ગુમાવી દે છે. મંદાગ્નિ, કબજિયાત, દાંતનાં દર્દ, મોંમાં છાલાં પડવાં, ઊંઘ દરમિયાન મોંમાંથી લાળ બહાર આવવી, માથાનો દુ:ખાવો, શરદી, વાળ સફેદ થઇ જવા, ઊંધ ઓછી આવવી, ભયાનક સ્વપ્નો આવવાં, પેશાબમાં પીળચ્છુ અથવા પરુ આવવું, મોં અને બગલમાંથી વધારે દુર્ગંધ આવવી, હાથ-પગ ઢીલા પડી જવા, આંખે ઝાંખપ આવવી, કાનમાં અવાજ આવ્યા કરવો વગેરે રોગોના ઉપદ્રવ આજકાલ વધારે જોવા મળે છે. નિરાશાને લીધે શરીરનો અગ્નિ મંદ થવાથી ઉપરોક્ત પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. ધીમે ધીમે શરીર ધોવાય છે અને કાચી ઉંમરમાં જ માનવી મોતના મુખમાં ચાલ્યો જાય છે. જે વ્યક્તિ પોતાને અભાગિયો માને છે તેનામાં માનસિક  નબળાઈ આવી જાય છે. મગજનું કાર્યકારી દ્રવ્ય ગ્રે મેટર કરમાઇ જાય છે, તેની ચીકાશ ઓછી થઇ જાય છે, વિચાર શક્તિઓનું સંચાલન કરનાર જ્ઞાનતંતુઓ કઠોર અને સૂફા બની જાય છે, તેમાં જે વિદ્યુતપ્રવાહ વહેતો હોય છે તે નામશેષ જ બની રહે છે. પ્રેરણા, ધ્રુજારી, સંકોચાવું, પ્રસારણ વગેરે માનસિક શક્તિને સ્થિરતા આપી વધારો કરનારી તમામ પ્રક્રિયાઓ ધીમી પડી જાય છે. ફળસ્વરૂપે તંદુરસ્ત મગજ થોડાક જ દિવસોમાં પોતાનું કામ છોડી દે છે, ક્રિયાશક્તિ નાશ પામે છે. આવો માનવી ખૂબ ભૂલકણો બની જાય છે, યાદદાસ્ત નાશ પામે છે, પાછલી વાતો યાદ રહેતી નથી, સગાંસંબંધીઓનાં નામ ઠામ ભૂલી જાય છે, વસ્તુઓ આડીઅવળી મૂકી દે છે અને શોધવા માટે ફાંફા મારે છે, જરૂરી વાતો અને કાર્યક્રમો યાદ ન રાખવાની ગરબડ હંમેશની બની જાય છે. કોઈ વાતનો ખ્યાલ આવે છે ત્યારે તેને થાય જો આમ કર્યું હોત તો સારું થાત! નિર્ણયશક્તિ, કલ્પનાશક્તિ, અવલોકનશક્તિ વગેરે ઘણી મહત્ત્વપૂર્ણ શક્તિઓ નબળી પડી જાય છે. ચીડિયાપણું, હંમેશ કંઇક ને કંઇક બડબડતા રહેવું, બધાં પર અવિશ્વાસ રાખવો, શુષ્ક અને બેફામ જવાબો આપવા જેવી ખરાબ ટેવો સ્વભાવમાં ભળી જાય છે. આમ માનસિક સ્વાસ્થ્ય પણ સાવ બગડી જાય છે

કહેવાય છે કે દુ:ખ એકલું નથી આવતું તેની સાથે બીજાં ઘણાં દુ:ખો આવે છે. એક પછી એક મુશ્કેલીઓ માથે આવી પડે છે. આ વાત ખોટી નથી. બેશક એક દુ:ખ પછી બીજાં દુ:ખો પણ માનવીએ ભોગવવાં પડે છે. આનું માત્ર કારણ એ છે કે આફતને લીધે માનવી નિરાશ, દુ:ખી અને ઠંડો પડી જાય છે. ભૂતકાળની સતાવતી યાદોનું રટણ કરી, રડતાં કકળતાં અંધકારમય ભવિષ્યનું કલ્પનાચિત્ર તૈયાર કરવામાં જ તેનું મગજ રોકાયેલું હોય છે. સમય અને શક્તિનો મોટો ભાગ આ કાર્યમાં નાશ પામે છે. આને લીધે આફતોને હલ કરવા, વિચારવા, સાહસ કરવા તથા દૃઢતા મેળવવા શક્તિ ખૂબ ઓછી પડે છે. આ બાજુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે. બીજી બાજુએ સ્વભાવ બગડી જતાં વિરોધીઓ વધી જાય છે અને સાચા મિત્રો ઓછા થઇ જાય છે. બધી બાજુએ ભૂલ ઉપર ભૂલ અને બેદરકારી વધવા માંડે છે. દુષ્ટતાની સત્તા આવા સંજોગોમાં પોતાનો દાવ અજમાવે છે અને તક મળતાં જ તેનો હુમલો થાય છે. નિર્બળ અને અવ્યવસ્થિત મન:સ્થિતિ વિપત્તિઓને આમંત્રણ આપે છે. મરેલા કે ગંભીર રીતે ધવાયેલા પશુને જોઇ દૂર, આકાશમાં ઊડતાં ગીધ, સમડી, કાગડા તેના પર તૂટી પડે છે તો આજુબાજુમાંથી કૂતરાં, શિયાળ પણ તૂટી પડે છે. આવી નિરાશાથી આવેલી ઢીલાશ અને ચારે બાજાની અસ્તવ્યસ્તતાને લીધે અડધા મરેલા માનવી પર આપત્તિ અને દુ:ખોરૂપી ગીધ, સમડી, કૂતરાં તૂટી પડે છે અને વિપત્તિ એકલી નથી આવી” એ કહેવતને સાર્થક કરે છે.

અચાનક માથે આવી પડતી આપત્તિઓ માનવી માટે સાચે જ ઘણી દુ:ખદાયી હોય છે. તેનાથી તેને ઘણું મોટું નુકસાન થાય છે, પણ આ આફતોથી થતા નુકસાન કરતાં ઘણું વધારે નુકસાન આપત્તિઓથી થતો ગભરાટક કરે છે. જેને આફત કહી શકાય તેવી ઘટના ભલે ગમે તેટલી ભયંકર, હોય, તે કોઇનુંય પુષ્કળ નુકસાન કરતી નથી. તે વધુ સમય રોકાતી પણ નથી; પરંતુ એક લપડાક મારી જતી રહે છે. પણ, આ આફત, આ દુર્ઘટનાનો ગભરાટ એક દુષ્ટ ચુડેલ જેવો હોય છે, તે જેની પાછળ પડે છે તેને પાછળ લોહીને તરસી જળોની જેમ ચોંટી જાય છે અને જ્યાં સુધી માનવીને સંપૂર્ણ ખોખરો ન કરી દે ત્યાં સુધી છોડતી નથી. આતો પછી કેટલીય અસ્તવ્યસ્તતા આ ગભરામણને લીધે થાય છે. શારીરિક, માનસિક અને સામાજિક પરિસ્થિતિઓનો સત્યાનાશ વાળી તે માનવીની જીવની શક્તિને ચૂસી લે છે.

અચાનક આવતી આફતોથી માનવી બચી શકતો નથી. ભગવાન રામચંદ્રજી, શ્રીકૃષ્ણ, હરિશ્ચંદ્ર, રાજા નળ, પાંડવો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ જેવા આત્માઓને જો આફતોએ ન છોડ્યા હોય તો બીજો કોઈ, આફતોની લપડાકથી બચી જશે એમ ન માનવું જોઇએ. આ સંસારની વ્યવસ્થા કંઇક એવી છે કે સંપત્તિ અને વિપત્તિ, લાભ અને નુકસાનનું ચક્ર પ્રત્યેક જીવ પર ચાલે જ છે. પ્રારબ્ધ કર્મોના ભોગ ભોગવાવવા, ઠોકર ખવડાવી ચેતાવવા, ક્રિયાશક્તિ, સાહસ, દૈઢતા અને અનુભવશીલતા  વધારવા કે બીજા કોઇ હેતુસર વિપત્તિઓ આવે છે. આ વિપત્તિઓનું સાચું કારણ તો પરમાત્મા જ જાણે છે પણ એટલું ચોક્કસ છે કે આ વિપત્તિઓનો પ્રકોપ જુદી જુદી રીતે સમય સમય પર દરેક માનવીએ વેઠવો પડે છે. અપ્રિય અરુચિકર અને અસંતોષ કરાવનારી પરિસ્થિતિઓ ઓછીવત્તી માત્રામાં પ્રત્યેક સામે આવે જ છે.આનાથી કોઇ પણ સંપૂર્ણ સુરક્ષિત રહી શકે નહીં, પૂરી રીતે બચી શકે નહીં.

છતાંય જો આપણે ઇચ્છીએ તો આ વિપત્તિઓ પછી થતી અસ્તવ્યસ્તતામાંથી સરળતાથી બચી શકીએ એમ છીએ; ઉપરંત આફતોથી થયેલું નુકસાન થોડા સમયમાં જ ભરપાઇ કરી શકીએ એમ છીએ. મુશ્કેલીઓ સામે લડી તેનો સામનો કરી શકીએ એમ છીએ, મુશ્કેલીઓ સામે લડી તેનો સામનો કરી, હરાવી, પુરુષાર્થનો પરચો બતાવવાની મનોવૃત્તિ જ સાચા વીર પુરુષોને શોભા આપે છે. યોદ્ધાઓ એક ઝાટકાથી ધડ-માથું જૂદું કરનાર તલવારને પડકાર આપે છે. બહાદુરોને કોઇનો ડર હોતો નથી. તેઓને હંમેશાં પોતાનું ભવિષ્ય સોનેરી જ દેખાય છે. “હતો વા પ્રાપ્ત્યસિ સ્વર્ગે જિત્વા વા મોક્ષ્યસે મહીમ્” ની ભાવના તેના મનમાં સદાય ઉત્સાહ અને આશાની જ્યોત પ્રગટેલી રાખે છે. ખરાબ સમયમાં આપણા ત્રણ જ સાચા સાથીઓ હોય છે ધૈર્ય, સાહસ અને પ્રયત્ન. જે આ ત્રણેયનો સાથ લે છે તેનું કોઈ કશું જ બગાડી શકતું નથી. જેણે મુશ્કેલીના સમયમાં પોતાનું માનસિક સમતોલન જાળવી રાખવાનું મહત્ત્વ જાણ્યું છે, જે ખરાબ સમયમાં પણ દૃઢ રહી શકે છે, અંધકારમાં રહેવા છતાં પ્રકાશથી ભરેલા પ્રભાતની આશા રાખે છે, તે વીર પુરુષ થોડા પ્રયત્ન જ કપરાં ચઢાણ ચઢી શકે છે. માનસિક સમતોલન રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે અને માનસિક સ્વસ્થતા રહેવાથી તેના મિત્રો નારાજ થતા નથી. આમ પોતે ઉપજાવેલી દુર્ધટનાઓથી તે બચી જાય છે. હવે માત્ર અકસ્માત આફતથી થયેલા નુકસાનને ભરપાઇ કરવાને પ્રશ્ન રહી જાય છે. વધારે પડતી ઉગ્ર આકાંક્ષાઓ અને ભૂતકાળના અનુભવોના આધારે તે પોતાની વિવેકબુદ્ધિથી પહેલાંના જેવી સુખદાયક સ્થિતિ મેળવવા જરૂરી સાધનો અને એવી યોજનાઓ શોધી કાઢે છે, જે વિપરીત સમયમાં પોતાનું સાહસ  અને ધીરજ ટકાવી શકે છે. આવો ભાગ્યશાળી વીર યોદ્ધો પોતાની સમગ્ર જિંદગીમાં ક્યારેય દુર્ભાગ્યની ફરિયાદ કરતો નથી. દુ:ખની ઘડી તેને પરમાત્માનો કોપ નહીં પણ ધૈર્ય, સાહસ અને પુરુષાર્થની પરીક્ષા કરનાર પડકારો જેવી લાગે છે. તે આ પડકારો ઉઠાવી લઇ ગૌરવ મેળવવા સદા તૈયાર રહે છે

દાર્શનિક ચુનિંગ–તોષાંગ કહેતા હતા, “મુશ્કેલીઓ એક વિશાળકાય, વિકરાળ છતાં કાગળના બનેલા સિંહ જેવી હોય છે; જેને દૂરથી જોવાથી ઘણો ડર લાગે છે પણ એક વાર સાહસ ખેડી તેની પાસે પહોંચનારને એ ખાતરી થાય છે કે તે તો માત્ર કાગળનું રમકડું છે. ઘણા લોકો ઉંદરને લડતા જોઈ ડરી જાય છે પણ એવા લાખો યોદ્ધાઓ છે જેઓ દિવસરાત આગ ઓકતી તોપોની છાયામાં સૂવે છે. એક વ્યક્તિને એક ઘટના વજ્રઘાત સમાન અસહ્ય લાગે છે પણ બીજા આવી સ્થિતિમાં બેદરકારીથી કહે છે, “શું ચિંતા છે, જે થશે તે જોયું જશે.’ આવા લોકો માટે તે દુર્ઘટના *સ્વાદ બદલવા’” જેવી એક સામાન્ય વાત હોય છે. વિપત્તિ તેનું કામ કરે છે અને તેઓ પોતાનું કામ કરે છે. વાદળોની છાયાની જેમ ખરાબ સમય આવે છે અને સમયાનુસાર ચાલ્યો જાય છે. બહાદુર માનવી પ્રત્યેક નવી પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. શરૂઆતના જીવનમાં જે તે એશ-આરામનાં સાધનો ભોગવતો હોય તો તે ગરીબ દશામાં, અભાવગ્રસ્ત દશામાં રહેવા તૈયાર છે. આ રીતે સાહસ બતાવનાર વીર પુરુષો જ આ સંસારમાં સુખી જીવનનો ઉપભોગ કરવાના અધિકારી છે. જેઓ કલ્પિત ભવિષ્યના અંધારાની બીકે અત્યારે જ માથું ફોડી રહ્યા હોય; તેઓ એક પ્રકારના નાસ્તિક છે. આવા લોકો માટે આ સંસાર દુ:ખમય, નર્કરૂપ બની જશે અને ભવિષ્ય પણ તેવું જ બનશે.

કોઈ નિશ્ચિત કાર્યક્રમ અને યોજના અનુસાર કામ થવા છતાં ઘણી વાર યોજના ઊંધી વાળી દેતી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. કોઇ મુખ્ય સંબંધીનું મૃત્યુ, રોગ, લડાઇ, ઝઘડા, આર્થિક નુકસાન, વિશ્વાસઘાત, દુર્ઘટના, બનેલું કામ બગડી જવું જેવી ઘણી પરિસ્થિતિઓ અનિવાર્ય રીતે આપણને તે કાર્યક્રમ બદલવા, ભવિષ્યમાં વધુ મહેનત કરવા અને અભાવગ્રસ્ત દશામા  રહેવા લાચાર કરે છે. વિરહ અને કારમા શોકના વિયોગની પીડામાં બળવું પડે છે. આવી પરિસ્થિતિઓમાં પણ ગભરાયા વિના પોતાની જાતને તે અનુસાર ઢાળી દેવી જોઇએ. પહેલાં અમુક સ્થિતિ હતી, ત્યારે અમુક પ્રકારનાં કાર્ય થતાં હતાં. હવે પલટાયેલી સ્થિતિ છે તો બીજી રીતે કામ કરવાં જોઇએ.

પહેલાં આર્થિક સુખભોગ ભોગવી ચૂકેલાને જ્યારે આર્થિક તંગીમાં સપડાવું પડે છે ત્યારે તે વિચારે છે કે લોકો મારી મશ્કરી કરશે. આ મશ્કરી, ટીકા, ઉપહાસની શરમથી તે વધુ દુ:ખી થાય છે. હકીકતે તે તેની માનસિક નબળાઇ માત્ર છે. દુનિયાના બધા લોકો પોતાના કામમાં મગ્ન હોય છે, કોઈને અન્યની ગંભીરતાથી ટીકા કરવાની નવરાશ નથી. વાંકી, ત્રાંસી ટોપી પહેરી બજારમાં નીકળનાર માનવી વિચારે છે કે રસ્તે જતા આવતા બધા મારી ત્રાંસી ટોપી જોઇ ટીકા કરશે, પરંતુ તે માત્ર તેની માનસિક બાળબુદ્ધિ જ છે. રસ્તે જતા આવતા લોકો પોતાનાં કામ કાજ માટે આવજા કરે છે, નહીં કે ત્રાંસી ટોપીની ટીકા કરવા. સેંકડો લોકો ઊંચી, નીચી, ત્રાંસી, વાંકી, કાળુ-પીળી ટોપીઓ પહેરી નીકળે છે. કોઈ તેમના તરફ ધ્યાન આપતું નથી. કોઈ ધ્યાન આપે તો પણ એક હળવી વ્યંગભરી નજર ઓછા ક્ષણ માટે કરી બીજી જ ક્ષણે તે ભૂલી જાય છે. લોકોની આટલી નાનીશી ટીકા કે આલોચનાના ભયથી જાણે પોતે કોઇ ગુનો કર્યો હોય તે રીતે પોતાને શરમમાં ડૂબાડી રાખવા એ માનવીની મોટી ભૂલ છે.

ચોરી કરવામાં, ખોટું કામ કરવામાં, દુષ્ટતા, નીચ કાર્ય, પાપ કે અધર્મ આચરતાં શરમાવું જોઇએ. ગઇ કાલે દસ રૂપિયા હતા અને આજે બે જ રહ્યા છે. ગઇ કાલે સંપન્ન હતા, આજે નિર્ધન થઈ ગયા છીએ એ સ્થિતિ શરમાવા યોગ્ય નથી. પાંડવો એક દિવસે રાજગાદી શોભાવતા હતા, તેમને એક દિવસ મહેનત-મજૂરી કરી અજ્ઞાતવાસમાં રહી પેટ ભરવાનો, દિવસો કાપવાનો વારો આવ્યો. રાણા પ્રતાપ અને મહારાજ નળનાં જીવનચરિત્ર જેઓ જાણે છે તેમને ખબર છે કે આવા પ્રતાપી મહાપુરુષો પણ કાળના કુચક્રમાં ફસાઈ દીન-હીન દશામાં રહી ચૂક્યા છે પણ આટલા  માટે કોઇ વિવેકી પુરુષ તેઓની ટીકા નથી કરતો. મૂર્ખ અને બુદ્ધિ વગરનાની ટીકાની કોઈ કિંમત નથી અને તેઓ તો તમારી પ્રત્યેક હાલતમાં ટીકા કરશે જ. એટલે ટીકા થવાના ખોટા ભયની કલ્પનામાંથી બહાર નીકળી આવવું જોઇએ અને જ્યારે અભાવની સ્થિતિમાં રહેવા વારો આવે ત્યારે હસતાં હસતાં કોઇ જાતના ભય, સંકોચ, ખચકાટ અને દુ:ખ વિના તેનો સ્વીકાર કરી લેવો જોઇએ.

કોઇ પણ યોજના નક્કી કરતાં કરતાં તેમાં વિઘ્ન પડી શકે છે, રૂકાવટ કે મુશ્કેલીઓ આવી શકે છે તેનો ખ્યાલ રાખવો જોઇએ. સફળતાનો માર્ગ જોખમી છે, જેને જોખમો ઉઠાવી સાહસ અને સંઘર્ષ કરવાનું પસંદ છે તેણે જ આ સિદ્ધિના માર્ગ પર ડગ માંડવાં જોઇએ.જેઓ જોખમોથી ડરે છે, દુઃખ સહેતાં ભય લાગે છે, કઠોર પરિશ્રમ કરવાનું જેને આવડતું નથી. તેઓએ પોતાનું જીવન ઉન્નતિશીલ બનાવવાની કલ્પના ન કરવી જોઇએ. અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, અવિચળ ધીરજ સાથે નિરંતર પરિશ્રમ અને જેખમો સામે લડનારો પુરુષાર્થી જ કોઇનું જીવન સફળ બનાવી શકે છે. આ તત્ત્વોની મદદથી જ લોકો ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચે છે અને મહાપુરુષ બને છે. જેવી રીતે વિદેશયાત્રા માટે જરૂરી સામાનની એક પેટી સાથે લઇ જવી આવશ્યક છે તેવી રીતે સફળતાના શિખર સર કરનારાએ ઉપરોક્ત ગુણોસભર માનસિક દૃઢતા સાથે રાખવી જરૂરી છે.

સફળતાના ઇચ્છુકો ! આપના મનમાં વીરને છાજે તેવી દેઢતા અને પુરુષને છાજે તેવો પુરુષાર્થ ઉત્પન્ન કરો ! મુશ્કેલીઓથી ડરશો નહીં, પણ તેમની સામે લડી હરાવવાની હિંમત રાખો ! સોનાને અગ્નિમાં તપાવતાં તેની ચમક બમણી થઇ જાય છે, દુ:ખમાં પડવાથી આપની વીરતા અને પ્રયત્નશીલતા બમણા વેગથી પ્રગટ થવી જોઇએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: