ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ
February 13, 2016 Leave a comment
ઈશ્વરની ઉપાસનાથી મહાન આધ્યાત્મિક લાભ ; ઉપાસના-સમર્પણ-યોગ
પાણીમાં ઊતરતાં જ તેની શીળતા કે ઉષ્ણતાનું તરત જ ભાન થાય છે. અગ્નિની પાસે બેસનારને તેની ગરમી મળે તે સ્વાભાવિક છે. કોઈ પણ વસ્તુની સમીપતા મનુષ્યના જીવનમાં પોતાની એક વિશિષ્ટ પ્રભાવ જરૂર છોડે છે. ખરાબ લોકોના સંગથી બૂરાઈ વધે છે અને ભલા લોકોના સંગથી ભલાઈ વધે છે. લોકો આ જ કારણે સારા માણસો અને સારી વસ્તુઓનો સંગ કરવા ઇચ્છે છે.
ઈશ્વરની ઉપાસનાનો અર્થ છે – ઈશ્વરની પાસે બેસવું. જળ, અગ્નિ કે વાયુની સમીપતાથી જેવી રીતે માણસ તરત જ તેમના ગુણોના પ્રભાવનો અનુભવ કરે છે, બરાબર એ જ રીતે પરમાત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત થતાં જ જીવનો દર્પ વિસ્તાર થવા માંડે છે, તેની શકિતઓ વહેંચાવા લાગે છે. એ પ્રકાશથી મનુષ્ય ફકત પોતે જ માર્ગદર્શન કરે છે, પરંતુ તે બીજાઓને પણ સન્માર્ગની પ્રેરણા આપે છે. એક ઈશ્વરના ઉપાસકની શકિત એટલાં માટે મોટી અને જાજ્વલ્યમાન ગણાય છે કેમ કે તે સર્વશક્તિમાન જ્યોતિમાં સમાઈને પોતે પણ એમના વારસાનો અનુભવ કરવા માંડે છે અને આ બાબતમાં પ્રકાશ પાડતા યજુવેદમાં કહેવામાં આવ્યું છે. -સ પર્થ્યગાચ્છુક્રમકાયમવ્રણમસ્નાવિર ગુમ શુઘ્ધમપાપવિઘ્ધમ્ કવિર્મનીષી પરિભૂ સ્વયમ્ભૂર્યાથાતથ્યતોર્થાન્ વ્યદધાચ્છાશ્વતીભ્ય સમાભ્ય: ॥ – યજુર્વેદ ૪૦/૮
જે પરમાત્મા દેવ તેજસ્વી, નિરાકાર, વ્રણ રહિત, સ્નાયુ રહિત, અલૌકિક, પાપરહિત, કવિ, મનીષી, સર્વવ્યાપી તથા સર્વશક્તિમાન છે, તે બધાને આ શકિતઓથી ઓત પ્રોત કરે.
આ મંત્રમાં પરમાત્માની ઉપાસનાથી પ્રાપ્ત થતા મહાન આધ્યાત્મિક લાભોને ઈશ્વરીય ગુણોના રૂપમાં બતાવવામાં આવ્યા છે. આ ગુણ અગ્નિની ઉષ્ણતા તથા જળની શીતળતાની સમાન છે અને જે માણસ જેટલો એમની નજીક જાય છે, એટલાં જ પ્રમાણમાં તેનામાં આ ગુણોનો આવિર્ભાવ થતો જાય છે અને અંતે એમાં જ લીન થઈને તે જીવ ભાવથી મુક્ત થઈ જાય છે.
પરમાત્માને ‘શક્રમ્’ અર્થાત્ પ્રકાશ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. પ્રકાશ-તેજસ્વિતા, નિર્દોષતા તથા જ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વરની ઉપાસનાથી જીવાત્માની ઉન્નતિ થવા માંડે છે. જયાં સુધી મનુષ્ય પોતાના જીવ ભાવમાં હોય, ત્યાં સુધી તે અજ્ઞાની છે, તેને સંસારની વસ્તુ સ્થિતિનું કંઈ પણ જ્ઞાન હોતું નથી. તે ક્ષણિક સુખોની પૂર્તિ ને જ પોતાના જીવનનું લક્ષ્ય માને છે અને ભોગમાં જ લિપ્ત રહે છે. એનું કારણ એ છે કે તેનું જીવન દોષમુક્ત હોય છે. શારીરિક ભાગો, રોગ, શોક પેદા કરે છે. ઈન્દ્રિયોની દક્ષતા અને શકિત નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ તરફ ઝડપથી આગળ વધે છે. ભોગોથી જયાં શારીરિક રોગો વધે છે, બીજી બાજુ માનસિક ચિંતાઓ પણ વધે છે. આ ચિંતાઓ મનુષ્યને બંધનમાં બાંધે છે અને દુખી કરે છે, પરંતુ જ્યારે પરમાત્માનું શુક્રમ્ અર્થાત્ પ્રકાશતત્વે એના જીવનમાં પ્રવેશે છે ત્યારે તેને સાંસારિક ભોગો સાર વગરના લાગે છે. હવે તેને ક્ષણિક સુખ નિરર્થક લાગે છે અને તે દૈવી પ્રકાશમાં પોતાનું જીવન લક્ષ્ય ચક્કી કરે છે. તે વિચારે છે કે જ્યારે મને માત્ર સુખ અને અસીમ સુખ મેળવવાની જ ઇચ્છા છે, તો પછી હું આ ક્ષુદ્ર વાસનાઓની પાછળ શા માટે ભટકું ? એવા જ પ્રશ્નો એના જીવનમાં આવે છે, જેનાથી સંસારના ઊંડા રહસ્યો તથા પારલૌકિક માનવ જીવન વિશે તે વિચારવા લાગે છે, આ જ્ઞાન જ પરમાત્માનો પ્રકાશ છે, એને જ તેમની કૃપા માની શકાય. પરમાત્માનો આ પ્રકાશ મળ્યા વગર, મનુષ્યના જીવનનો ઉદ્ધાર થવો શક્ય નથી.
પ્રકાશ મનુષ્યના જીવન ના વિકાસની પ્રારંભિક અવસ્થા પણ છે અને અંતિમ પણ છે. પ્રારંભિક એટલાં માટે કે જીવની શકિતઓનો વિકાસ થવાનું અહીંથી શરૂ થાય છે. આ જ્ઞાનનો ઉદય થવાની સાથે જ મનુષ્યના મનમાં આત્મજ્ઞાનની તીવ્ર આકાંક્ષા જાગે છે. અંતે જીવન આ પ્રકાશમાં જ વિલીન થાય છે, તેથી એ પરમ લક્ષ્યની અંતિમ અવસ્થા પણ છે. આથી જ વેદ શાસ્ત્રોમાં જ્ઞાનના મહત્વને સર્વશ્રેષ્ઠ માન્યું છે અને જ્ઞાન વગરના મનુષ્યને પશુ જેવો ગણવામાં આવ્યો છે.
પરમાત્માનો બીજો ગુણ છે – અકાયમ્. તે નિરાકાર છે. તેનો માણસોની જેમ શરીર નથી આથી તે માણસ જેવું કાર્ય કરી શકતો નથી. ઉપાસકના અંતઃકરણમાં આ ગુણ પણ શીઘ્ર ચમકે છે. જ્યારે તે પરમાત્માનું જ્ઞાન તત્વ યા પ્રાણ તત્વ જ્યારે તે ધારણ કર્યું, ત્યારે સૌ પ્રથમ એને એવો અનુભવ થયો કે અત્યાર સુધી તે શરીરને જ સંસારના સુખો અને અહંકારની પૂર્તિનું મુખ્ય સાધન માનતો હતો અથવા એમ કહીએ કે અત્યાર સુધી તે પોતાના શરીરને જ જીવન અને પ્રાણ સમજતો હતો. તેનાથી હવે તેને વિરક્તિ થવા માંડે છે. વિરકિતનો અર્થ એ નથી કે તે શારીરિક ક્રિયાઓ છોડી દે છે, પરંતુ હવે તે શરીરને એક સાધન યા પરમાત્માનું મંદિર માનવા લાગે છે. અત્યાર સુધી જે ઈન્દ્રિયલિપ્સાઓ એને પરેશાન કરતી હતી, તે વિચારે છે કે આ શારીરિક વિકૃતિઓથી તેને પરેશાન ન થવું જોઈએ. આ શરીર પંચ ભૌતિક છે, નાશવંત છે, ગમે ત્યારે તેનો નાશ થઈ શકે છે, તેથી હવે તેના પર આધિપત્ય જમાવીને, તેનો સદુપયોગ કરવો જોઈએ.
આ ભાવનાઓના ઉદયની સાથે જ એણે પ્રાણ તત્વ યા શરીરમાં રહેલી ચેતનાનો અનુભવ થાય છે અને તે વિચારે છે કે હવે મારે અદશ્ય શરીરથી પ્રાણ શરીર પ્રાપ્ત કરવું જોઈએ. આ પ્રાણ શરીર નિરાકાર છે, જે ચિંતન અને વિચાર દ્વારા જ એનો અનુભવ કરી કાય શકાય છે. સૂક્ષ્મ ઈન્દ્દ્રિયો જ એને જાણી શકે છે. તેથી તેની મનોવૃત્તિઓ અંતર્મુખી થવા માંડે છે. તે શારીરિક સુખોથી વિમુખ થઈને પોતાના નિરાકાર સ્વરૂપનું ચિંતન કરે છે અને તેનું રહસ્ય જાણવા ઇચ્છે છે.
પરમાત્મા ‘અવ્રણમ્’ છે અર્થાત્ એને કોઈ પણ પ્રકારના ઘા લાગતા નથી. ઘા તો મનુષ્યના શરીરને લાગી શકે છે. શાસ્ત્રકારે કહ્યું છે – “નૈનં છિન્દન્તિ શસ્ત્રોણિ નૈનં દહતિ પાવક:|” – (ગીતા ર/ર૩) અર્થાત્ શસ્ત્રો આત્માને છેદી શકતો નથી, અગ્નિ એને બાળી શકતો નથી. જયાં સુધી મનુષ્યમાં શરીર ભાવ હોય છે, ત્યાં સુધી સાંસારિક તાપ અને શારીરિક કષ્ટ એને અપ્રિય લાગે છે અને દરેક ક્ષણે એમાંથી છુટકારો મેળવવાનો તે પ્રયત્ન કરે છે,પરંતુ હવે તે વિચારે છે કે શારીરિક લાલસાઓ અત્યારે ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં અવરોધ રૂપ છે, તેથી તેમનો ત્યાગ કરવો જોઈએ. આ તપના અર્થમાં છે. તપની શારીરિક તિતિક્ષા પણ કહેવામાં આવે છે, અર્થાત્ શરીરને જાણી જોઈને કષ્ટ આપવામાં આવે છે, જેથી આત્મ ભાવ સ્પષ્ટ થવા લાગે અને જીવભાવમાંથી મુકિત મળે.
શરીરને કષ્ટ આપવાનો અર્થ એવો નથી કે એને શસ્ત્રોથી કાપવામાં આવે કે આગથી બાળવામાં આવે, પરંતુ એને એવી તિતિક્ષાઓમાં બાળવાનો છે જેનાથી લૌકિક સુખો ભોગવવાની ઈચ્છા મરી જાય. નિયમિત જીવન, સ્વચ્છતા, જપ, પ્રાણાયામ, ઉપવાસ, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે તપ કહેવામાં આવે છે. એમનો ઉદ્દેશ્ય આત્માને તપાવવાનો છે અને એને પરમાત્મામાં ભળી જવા યોગ્ય શુધ્ધ અને તેજસ્વી બનાવવાનો છે.
મનુષ્યની યુગ યુગાંતરોની દમિત વાસનાઓ એકદમ નષ્ટ નથી થતી. શરીર અને મનની આ સફાઈ બરોબર એવી છે જેમ કોઈ ગંદી નીકમાં શુધ્ધ જળ રેડીને કરવામાં આવતી સફાઈ જેવી છે. સફાઈ કરતી વખતે તેમા ઘણા સમયથી જામેલી ગંદકીની દુર્ગંધ એટલી તીવ્રતાથી ફેલવા લાગે છે કે તે બાજુ બાજુ લોકોના મગજ દુર્ગધથી ભરે દે છે, ખરાબ કરી દે છે. આત્મિક ઉન્નતિની સાધનાઓ વખતે પણ આપણા શરીરમાં વાસનાઓ અને લૌકિક કામનાઓની એવી દુર્ગધ પેદા થાય છે, જે મનને હચમચાવી નાખે છે. થોડીક વાર માટે તો મનને કાબૂમાં રાખવાનું પણ મુશ્કેલ બની જાય છે. આ હિલચાલની પ્રક્રિયાને જ અગ્નિ દીક્ષા યા પ્રાણ દીક્ષાના નામથી ઓળખવામાં આવે છે અને એ સ્થિતિને સંભાળવા માટે જ કોઈ અનુભવી માર્ગદર્શકની અતિ જરૂર પડે છે. પરમાત્માનો ‘અસ્નાવિરમ્’ ગુણ એ વાતનો બોધ કરાવે છે કે ઉપાસક પરમાત્માની પ્રાપ્તિ માટે જ્યારે સંધાન કરે, ત્યારે તેણે શરીરની ચંચળતાને બધી બાજુથી રોકવી જોઈએ, એવી કહી શકાય છે કે પરમાત્મા સાથે અચળ ભાવનાથી જોડાયેલો જીવાત્મા શારીરિક ચંચળતા, ઈન્દ્રિયોની ઉત્તજના કે મનોવિકારોથી પ્રભાવિત થતો નથી.
પરમાત્મા નિત્ય શુધ્ધ છે, તે પોતાના ઉપાસકમાં પાપ કઈ રીતે જોઈ શકે છે ? દૂધમાં શુધ્ધ પાણી ભળી શકે છે, પરંતુ ગંદુ અને ડહોળું પાણી તો દૂધને જ ખરાબ કરી નાખે છે. અગ્નિમાં લોખંડ નાખવામાં આવે છે, ત્યારે તે અગ્નિ વર્ણ બની જાય છે. એ જ રીતે પરમાત્મા પોતાના ભક્તના પાપોને બાળી નાખીને એને પોતાના જેવો પરમ પવિત્ર બનાવી દે છે. ઉપાસક પોતે પણ એ માટે પોતાના તરફથી પ્રયત્ન કરે છે. તેને લાગે છે કે જેમ પાપ પૂર્ણ જીવન જીવીને પરમાત્માને મેળવી શકતો નથી, તેવી જ રીતે જૂના પાપોનું ફળ ભોગવ્યા વગર પણ એને સિદ્ધિ મળી શકે નહીં. આ બન્ને સ્થિતિ વચ્ચે સંતુલન જાળવીને તે પોતાના પાપોને ધીરજ પૂર્વક ઘુએ છે અને પરમાત્માને પ્રાપ્ત કરવા જેવી યોગ્યતા મેળવવામાં સંલગ્ન રહે છે.
વિચારો કરતા ભાવનાઓની શક્તિને મોટી માનવામાં આવે છે. પરમાત્મા વિદ્વાન પણ છે અને કવિ પણ છે. કવિતા આત્માની સર્વવ્યાપકતાની અભિવ્યકિત છે. આત્માનો જ્યારે વિકાસ થાય છે, ત્યારે આખા સંસારના સુખ દુઃખમાં તે પોતાના સુખ દુઃખનો અનુભવ કરે છે. ઈશ્વરના ઉપાસકમાં પણ આ ગુણ એ જ રીતે જાગૃત થાય છે. એનામાં પણ દયા, પ્રેમ, ત્યાગ, ઉદારતા, સહાનુભૂતિ અને કષ્ટોને સહન કરવાની શકિત જેવી કવિ ભાવનાઓ જાગે છે. પોતાના સ્વાર્થના પરિત્યાગને બદલે એને પરમાર્થમાં વધારે આનંદ આવે છે. સંસારમાં જેટલા પણ સંતો તથા ભકતો થયા છે એમણે માનવ સેવાને જ પરમ ધર્મ ગણાવ્યો છે. આવું થવાનું કારણ એ છે, પરમાત્માની ઉપાસના ફળ સ્વરૂપે એમની કવિ-ભાવનાઓ જાગૃત થઈ ગઈ. ઇતિહાસ પ્રસિધ્ધ ઘટના છે કે વાલ્મીકિ, અજામિલ તથા સદન કસાઈ જેવો કઠોર અને દુષ્ટ પ્રકૃતિના લોકોએ જ્યારે ઈશ્વરનું શરણ સ્વીકાર્યુ, ત્યારે તેઓ એટલા બધા સહૃદય બની ગયા કે તેમણે માનવ જાતની સેવા માટે સર્વસ્વ અર્પણ કરી દીધું.
વિચાર અને ભાવનાઓની સર્વોચ્ચ સ્થિતિએ પહોંચતા સાધક ઈશ્વરની ‘પરિભૂ’ શક્તિનો રસાસ્વાદન કરે છે. ઈશ્વર સર્વવ્યાપી છે, પરિભૂ છે. સંસારના અણુએ અણુમાં એની સત્તા સમાયેલી છે. પહાડ, નદીઓ, સાગર વૃક્ષો, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે તમામનું સર્જન તેણે જ કર્યું છે. સર્વત્ર એનો જ પ્રકાશ ફેલાયેલો છે. કણ કણમાં, રજ રજમાં તે જ રમી રહ્યો છે. જળ, સ્થળ, નભમાં એવું કોઈ સ્થાન નથી, જયાં પરમાત્મા ન હોય. આ વિરાટ જગત એમનું જ સ્વરૂપ છે. એમનાથી કશું છુપું નથી. એમની નજર માંથી કોઈ બચી શકતું નથી. કોઈ માણસ કોઈક ખરાબ વાત કહે અને તે ન સાંભળે એવું બની જ ન શકે. ઉપાસક પરમાત્માની આ સર્વવ્યાપકતાની અનુભૂતિ પ્રાપ્ત કરીને આનંદ વિભોર થઈ જાય છે. તે પોતાની જાતને પણ એ અવિનાશી તત્વમાં વિલીન થઈ ગયેલી સર્વવ્યાપક સત્તાના રૂપે જુએ છે અને પોતે પણ સર્વવ્યાપક થઈ જાય છે.
પરમાત્મા સર્વશક્તિમાન પણ છે. તેની વ્યવસ્થા ખૂબ વિશાળ અને અનોખી છે. તે સંસારના બધા કર્મોની દેખરેખ રાખે છે અને કર્મનું ફળ પણ એ જ આપે છે. પરંતુ તે આ બધું અલિપ્ત, નિર્વિકાર ભાવથી કરે છે. સંસારના કલ્યાણની દૃષ્ટિથી જ તેણે પોતાની બધી શકિતઓને વિકસિત કરેલ છે. અને એમનો લાભ પણ તે આખા સંસારને આપી રહ્યો છે, એના શરણે જનાર સાધક પણ અંતે આ મહાન વિભૂતિ પ્રાપ્ત કરીને અલિપ્ત, નિર્વિકાર અને જીવન મુક્ત બની જાય છે. માનવ શરીરમાં જ તે પરમાત્માની શકિતઓ અને સિઘ્ધિઓનો સ્વાદ માણીને અંતે એ જ સુખ સ્વરૂપ, તેજસ્વી અને દુઃખ નાશક પરમાત્માના દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ જાય છે.
પ્રતિભાવો