ગાયત્રી-જપના લાભ, ગાયત્રી મહાવિજ્ઞાન–૨
October 19, 2022 Leave a comment
ગાયત્રી-જપના લાભ, ગાયત્રી મહાવિજ્ઞાન–૨
ગાયત્રીનો જપ કરવાથી કેટલો બધો લાભ થાય છે એ વાતનો થોડોક ખ્યાલ આપણને નીચેનાં કેટલાંક પ્રમાણો દ્વારા આવી શકશે. બ્રાહ્મણ ને માટે તો આ જપને ખાસ જરૂરી ગણ્યો છે કારણ કે બ્રાહ્મણત્વનો બધો જ આધાર સદ્બુદ્ધિ પર જ છે અને એ સદ્બુદ્ધિ ગાયત્રીના બતાવ્યા મુજબના માર્ગે ચાલવાથી જ મળે છે.
સર્વેષાં વેદાનાં ગુહ્યોપનિષત્સારભૂતાં તતો ગાયત્રી જપેત્ | છાંદોગ્ય પરિશિષ્ટમ્
ગાયત્રી સમસ્ત વેદોનો અને ગુહ્ય ઉપનિષદોનો સાર છે. એથી ગાયત્રી મંત્રનો નિત્ય જપ કરવો જોઈએ.
સર્વ વેદ સારભૂતા ગાયત્ર્યાસ્તુ સમર્ચના | બ્રહ્માદયોડપિ સન્ધ્યાયાં તાં ધ્યાયાન્તિ જપન્તિ ચ ||
દેવી ભાગવત સ્ક. ૧૬ અ. ૧૬/૧૫
ગાયત્રી મંત્રની આરાધના સર્વવેદોનો સાર છે. બ્રહ્મા વગેરે દેવતાઓ પણ સંધ્યાકાળ દરમ્યાન ગાયત્રીનું ધ્યાન અને જપ કરે છે.
ગાયત્રી માત્ર નિષ્ણાતો દ્વિજો મોક્ષમવાપ્નુયાત્ ||
દેવી ભાગવત સ્ક. ૧૨ અ. ૮/૯૦
માત્ર ગાયત્રીની જ ઉપાસના કરનાર બ્રાહ્મણ મોક્ષને પ્રાપ્ત કરે છે.
એહિકામુષ્મિકં સર્વ ગાયત્રી જપતો ભવેત્ | અગ્નિ પુરાણ
ગાયત્રીનો જપ કરનારને લૌકિક તેમજ પારલૌકિક બધાં જ સુખ પ્રાપ્ત થાય છે.
યોડધીમેડહન્યનયેતાં ત્રીણિ વર્ષાણ્યતન્દ્રિતઃ | સ બ્રહ્મ પરમધ્યેતિ વાયુભૂતઃ સ્વમૂર્તિમાન્ | મનુસ્મૃતિ
જે પુરુષ તત્પરતાપૂર્વક ત્રણ વર્ષ સુધી પ્રતિદિન ગાયત્રીનો જપ કરે છે તે અવશ્ય વાયુરૂપ થઈને તથા આકાશરૂપ બનીને બ્રહ્મને પ્રાપ્ત કરે છે.
કુર્યાદન્યન્ન વા કુર્યાત્ ઇતિ પ્રાહ મનુ: સ્વયમ્ | અક્ષયમોક્ષમવાપ્નોતિ ગાયત્રી માત્ર જાપનાત્ | શૌનકઃ
મનુ ભગવાને જાતે જ એમ કહ્યું છે કે બીજું કંઈ કરે કે ન કરે, માત્ર ગાયત્રી જપથી જ બ્રાહ્મણ અક્ષય મોક્ષને પ્રાપ્ત કરે છે.
ત્રિભ્ય એવ તુ વેદેભ્ય પાદં પાદમદૂહત્ | તદિત્યૃચોડસ્:યા સાવિત્ર્યા: પરમેષ્ઠી પ્રજાપતિઃ ||
પરમેષ્ઠી પિતામહ બ્રહ્માજીએ એક-એક વેદથી સાવિત્રીના એક-એક પદની રચના કરીને ત્રણ પદોની રચના કરી છે.
એતયા જ્ઞાતયા સર્વ વાડ્ડયં વિદિતં ભવેત્ | ઉપાસિતં ભવેત્તેન વિશ્વં ભુવનસપ્તકમ્ || યોગી યાજ્ઞવલ્કય
ગાયત્રીને યોગ્ય રીતે જાણી લીધાથી મનુષ્ય સમસ્ત વિદ્યાઓનો જ્ઞાતા બને છે તેણે ફક્ત ગાયત્રીની જ ઉપાસના કરી નથી, પણ સાતે લોકોની ઉપાસના કરી લીધી છે એમ ગણાય.
ઓંકારપૂર્વકાસ્તિસો ગાયત્રીં યશ્ચ વિન્દતિ | ચરિતબ્રહ્મચર્યશ્ચ સ વૈ શ્રોત્રિય ઉચ્યતે | યોગી યાજ્ઞવલ્કય
જે બ્રહ્મચર્યપૂર્વક ૐકાર તેમજ મહાવ્યાહૂતિઓ સહિત ગાયત્રી મંત્રનો જપ કરે છે તે શ્રોત્રિય છે.
ઓંકારસહિતાં જપન્ તાં ચ વ્યાહૃતિપૂર્વકમ્ | સન્ધ્યયોર્વેદવિદ્વિપ્રો વેદ-પુણ્યન મુચ્યતે || મનું સ્મૃતિ અ ૨/૭૮
જે બ્રાહ્મણ બંને સંધ્યા સમયે પ્રણવ અને વ્યાહૃતિપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરે છે તેને વેદપાઠનું ફળ પ્રાપ્ત થાય છે.
ગાયત્રીં જપતે યસ્તુ દ્વિકાલં બ્રાહ્મણઃ સદા | અસ્ત્પતિગૃહીતોડપિ સ યાતિ પરમાં ગતિમ્ | અગ્નિપુરાણ
જે બ્રાહ્મણ હંમેશા સંધ્યાકાળે અને પ્રાત:કાળમાં ગાયત્રીનો જપ કરે છે તે બ્રાહ્મણ અયોગ્ય દાન લેવા છતાં પણ પરમ ગતિને પામે છે.
સકૃદપિ જપેદ્વિદ્વાન્ ગાયત્રીં પરમાક્ષરીમ્ | તત્ક્ષણા ત્ સંભવેત્સિદ્ધિબ્રહ્મ સાયુજ્યમાપ્નયાત્ || ગાયત્રી પુરશ્ચરણ ૨૮
શ્રેષ્ઠ અક્ષરોવાળી ગાયત્રીનો એકવાર પણ વિદ્વાન જપ કરે તો તે જ ક્ષણે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને બ્રહ્મનું સાયુજ્ય મેળવે છે.
જપ્યેનૈવ તુ સંસિદ્ ધ્યેત્ બ્રાહ્મણો નાત્ર સંશય: | કુર્યાદન્યન્ન વા કુર્યામૈત્રો બ્રાહ્મણ ઉચ્યતે || મનું. ૯૭
જપથી બ્રાહ્મણ સિદ્ધિને પામે છે, એમાં સંશય નથી. તે બીજું કંઈ કરે ન કરે તો પણ તે મૈત્ર (સૂર્યોપાસક) કહેવાય છે.
કુર્યાદન્યન વા કુર્યાદનુષ્ઠાનાદિકં યથા | ગાયત્રી માત્ર નિષ્ઠસ્તુ કૃતકૃત્યો ભવેત્ દ્વિજઃ || ગાયત્રી તંત્ર ૮
બીજા પ્રકારનાં અનુષ્ઠાનો વગેરે કરે કે ન કરે તો પણ માત્ર ગાયત્રીની ઉપાસના કરવાવાળો દ્વિજ કૃતકૃત્ય (ધન્ય) બની જાય છે.
સંધ્યાસુ ચાદર્યદાન ચ ગાયત્રી જયમેવ ચ | સહસ્રત્રિતયં કુર્વન્ સુરૈ: પૂજ્યો ભવેન્મુને || ગાયત્રી મંત્ર શ્લોક
હે મુનિ ! સંધ્યાકાળ દરમિયાન નિત્ય અર્ધ્યદાન અને ત્રણ હજાર ગાયત્રી જપ માત્રથી પુરુષ દેવોનો પણ પૂજ્ય બની જાય છે.
યદક્ષરૈકસંસિદ્ધઃ સ્પર્ધતે બ્રાહ્મણોત્તમઃ | હરિશંકરકંજોત્થ સૂર્યચન્દ્રહુતાશનૈઃ || ગાયત્રી પુર. ૧૧
ગાયત્રીના માત્ર એક અક્ષરની સિદ્ધિથી હરિ, શંકર, બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે દેવતાઓ પણ, સાધક એવા ઉત્તમ બ્રાહ્મણની સ્પર્ધા કરવા લાગે છે.
દશ સહસ્ત્રમભ્યસ્તા ગાયત્રી શોધની પરા | લઘુ અત્રિસંહિતા
દશ હજાર ગાયત્રીનો જપ પરમ શુદ્ધિ કરવાવાળો ગણાય છે.
સર્વેષાગ્ચૈવ પાપાનાં સંકરે સમુપસ્થિતે | દશસહસ્ત્રકાભ્યાસો ગાયત્યાઃ શોધનં પરમ્ ||
સર્વ પ્રકારનાં પાપ ભેગાં થઈ ગયાં હોય ત્યારે દસ હજાર ગાયત્રીનો જપ પરમ શુદ્ધિકારક ગણાય છે.
ગાયત્રીમેવ યો જ્ઞાત્વા સમ્યગુચ્ચરતે પુનઃ | ઈહામુત્ર ચ પૂજ્યોડસૌ બ્રહ્મલોકમવાપ્નુયાત્ || વ્યાસ
ગાયત્રીને યોગ્ય રીતે જાણીને જે તેનું ઉચ્ચારણ કરે છે તે આ લોક અને પરલોકમાં બ્રહ્મના સાયુજ્યને પ્રાપ્ત કરે છે.
મોક્ષાય ચ મુમુક્ષૂણાં શ્રી કામાનાં શ્રિયે તદા | વિજયાય યુયુત્સૂનાં વ્યાધિતા નામરોગકૃત્ || ગાયત્રી પંચાગ ૧
ગાયત્રીની સાધનાથી મોક્ષાર્થીઓને મોક્ષ, લક્ષ્મીની ઇચ્છાવાળાઓને લક્ષ્મી, યુદ્ધની ઇચ્છાવાળાઓને વિજય તથા વ્યાધિથી પીડિતોને નીરોગતા પ્રાપ્ત થાય છે.
વશ્યાય વશ્ય કામાનાં વિદ્યાયૈ વેદકામિનામ્ | દ્રવિણાય દરિદ્રાણાં પાપિનાં પાપશાન્તયે ||
વશ કરવાની ઇચ્છાવાળાઓને વશીકરણ પ્રાપ્ત થાય છે, વેદના જ્ઞાનની ઇચ્છાવાળાઓને વિદ્યા મળે છે, દરિદ્ર લોકોને દ્રવ્ય મળે છે અને પાપીઓનાં પાપ શાંત થાય છે.
વાદિનાં વાદ-વિજયે કવીનાં કવિતાપ્રદમ | અન્નાય ક્ષુધિતાનાં ચ સ્વર્ગાય નાકમિચ્છતામ્ ||
વાદવિવાદ કરનારને વાદવિવાદમાં વિજય મળે છે, કવિઓને કાવ્યની પ્રાપ્તિ થાય છે, ભૂખ્યાને અન્ન મળે છે અને સ્વર્ગની ઇચ્છાવાળાઓને સ્વર્ગ મળે છે.
પશુભ્યઃ પશુકામાનાં પુત્રેભ્યઃ પુત્રકામિનીનામ્ | કલેશિતાં શોક-શાન્ત્યર્થ નૃણાં શત્રુભયાય ચ |
પશુઓની ઇચ્છાવાળાઓને પશુ, પુત્રની ઈચ્છાવાળાઓને પુત્ર, કલેશ પીડિતોને શોકની શાંતિ અને શત્રુની ભયથી પીડાતા મનુષ્યોને અભય પ્રાપ્ત થાય છે.
અષ્ટાદશસુ વિદ્યાસુ મીમાંસાહસ્તિ ગરીયસી | તતોડપિ તર્કશાસ્ત્રાણિ પુરાણે તેભ્ય એવ ચ ||
અઢાર વિદ્યાઓમાં મીમાંસા શ્રેષ્ઠ છે તેનાથી પણ તર્કશાસ્ત્રો ચઢિયાતા છે અને તેમનાથી પણ પુરાણ ચઢિયાતા છે.
તતોડપિ ધર્મશાસ્ત્રાણિ તેલ્યો ગુર્વી શ્રુતિનૃપ | તતો હ્યુપનિષત્ શ્રેષ્ઠા ગાયત્રી ચ તતોધિકા ||
તેથી પણ (પુરાણોથી પણ) ધર્મશાસ્ત્રો ચઢિયાતા હે રાજન ! તેથી ચઢિયાતી શ્રુતિ (વેદ) છે અને તેનાં કરતાં ઉપનિષદો શ્રેષ્ઠ છે અને ઉપનિષદો કરતાં પણ ગાયત્રી અધિક શ્રેષ્ઠ છે.
તાં દેવીમુપતિષ્ઠન્તે બ્રાહ્મણઃ યે જિતેન્દ્રિયાઃ | તે પ્રયાન્તિ સૂર્ય લોકં ક્રમાન્મુકિતગ્ચ પાર્થિવ || પદ્મ પુરાણ
રાજા ! જે જિતેન્દ્રિય બ્રાહ્મણો ગાયત્રીની ઉપાસના કરે છે, તે જરૂર સૂર્યલોકમાં જાય છે અને ક્રમે ક્રમે મુક્તિ પણ મેળવે છે.
સાવિત્રી સાર માત્રોડપિ વરં વિપ્રઃ સુમન્ત્રિતઃ |
ચારે વેદોની સારરૂપ એવી સાવિત્રી (ગાયત્રી)ને વિધિ સહિત જાણનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.
ગાયત્રી યસ્તુ જયતિ ત્રિકાલ બ્રાહ્મણ: સદાઃ | અર્થી પ્રતિગ્રહી વાપિ સ યચ્છેત્ પરમાં ગતિમ્ | ૩ |
જે બ્રાહ્મણ ત્રણે કાળમાં ગાયત્રીના જપ કરે છે તે ભિક્ષા માગનારો કે દાન લેનારો હોય તો પણ પરમ ગતિ પ્રાપ્ત કરે છે
ગાયત્રી યસ્તુ જપતિ કલ્યમુત્થાય યો દ્વિજઃ | સ લિમ્પતિ ન પાપેન પદ્મ-પત્રમિવાંભસા ||
જે બ્રાહ્મણ ઊઠીને ગાયત્રીનો જપ કરે છે તે જળમાં કમળપત્રની માફક પાપથી લેપાતો નથી.
અર્થોડયં બ્રહ્મ સૂત્રાણાં ભારતાર્થો વિનિર્ણયઃ | ગાયત્રી ભાષ્ય રૂપોડસૌ વેદાર્થ: પરિબૃંહિતઃ | મત્સ્ય પુરાણ
ગાયત્રીનો અર્થ “બ્રહ્મસૂત્ર’ છે. ગાયત્રીનો નિર્ણય મહાભારત છે. ગાયત્રીના અર્થ વેદોમાં કરવામાં આવ્યા છે.
જપન્ હિ પાવનીં દેવીં ગાયત્રીં વેદમાતરમ્ | તપસો ભાવિતો દેવ્યા બ્રાહ્મણઃ પૂતકિલ્વિષઃ || કૂર્મ પુરાણ
વેદજનની પવિત્ર ગાયત્રીને જપતો બ્રાહ્મણ અનેક પાપોથી મુક્ત બની જાય છે.
ગાયત્રી ધ્યાનપૂતસ્ય કલાં નાર્હતિ ષોડશીમ્ | એવં કિલ્વિષયુક્તસ્ય વિનિર્દહતિ પાતકમ્ | – કૂર્મ પુરાણ
ગાયત્રીના ધ્યાનથી પવિત્ર બનેલાની સોળમી કળાને (ફક્ત એક કળાને) પણ કોઈ પહોંચી શકતું નથી. આ રીતે ગાયત્રી પાપીનાં પાપોને જલદી જ બાળી મૂકે છે.
ઉભે સન્ધ્યે હ્યુપાસીતાતસ્તાન્નિત્યં દ્વિજોત્તમ | છદસ્તસ્યાસ્તુ ગાયન્તં ગાયત્રીત્યુચ્યતે તતઃ | મત્સ્ય પુરાણ
હે દ્વિજ શ્રેષ્ઠ ! ગાયત્રીનું તેના છંદ અનુસાર બંને સંધ્યાકાળમાં ધ્યાન કરવું જોઈએ. ગાન કરનારનો તે ઉદ્ધાર કરે છે તેથી તેને ગાયત્રી કહી છે.
ગાયન્તં ત્રાયતે યસ્માતું ગાયત્રી તુ તતઃ સ્મૃતા | મારીચ ! કારણાત્તસ્માત્ ગાયત્રી કીર્તિતા મયા ||
લંકેશ તંત્ર
હે મારીચ ! ગાન કરનારનો તે ઉદ્ધાર કરે છે તેથી જ તે ગાયત્રી કહેવાઈ છે અને તે જ કારણે મેં એ ગાયત્રીનાં ગુણગાન કર્યા છે.
તતઃ બુદ્ધિમત્તાં શ્રેષ્ઠ નિત્ય સર્વેષુ કર્મસુ | સવ્યાહૃતિં સપ્રણવાં ગાયત્રીં શિરસા સહ ||
જપન્તિ યે સદા તેષાં ન ભયં વિદ્યતે ક્વચિત્ || દશકૃત્વઃ પ્રજપ્યા સા રાત્ર્યહનાપિ કૃતં લઘુ ||
હે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ! પોતાનાં નિત્ય નિયમિત બધાં કાર્યો કરતાં કરતાં ત્રણ વ્યાહૃતિઓ તથા પ્રાણવાન ઉચ્ચારણ સહિત જે પુરુષ હંમેશાં ગાયત્રીનો જપ કરે છે તેને ક્યાંય ભય રહેતો નથી. ગાયત્રીનો દસ વાર જપ કરવાથી રાત્રિ અને દિવસનાં લઘુ (નાના) પાપો નષ્ટ થઈ જાય છે.
કામુકો લભેત્ કામાન્ ગતિકામશ્ચ સદ્ગતિમ્ | અકામઃ સમવાપ્નોતિ તદ્વિષ્ણો: પરમં પદમ્ |
કામની ઇચ્છાવાળાને કામની પ્રાપ્તિ થાય છે અને જેઓ મોક્ષની ઇચ્છાવાળા છે તેમને સદ્ગતિ મળે છે. જેઓ નિષ્કામ ભાવનાથી ગાયત્રીની ઉપાસના કરે છે, તેમને વિષ્ણુ પરમ પદ મળે
એતદક્ષરમેકાં ચ જપત્ વ્યાહૃતિપૂર્વકમ્ | સધ્યયોર્વેદવિદ્વિપ્રો વેદ-પુણ્યન યુજ્યતે ||
વ્યાહૃતિપૂર્વક આ ગાયત્રીનો બંને સંધ્યાકાળમાં જપ કરનાર બ્રાહ્મણ વેદપાઠનું પુણ્ય મેળવે છે.
ઇયન્તુ સવ્યાહૃતિકા દ્વારં બ્રહ્મંપદાપ્તયે | તસ્માપ્રતિદિનં વિપ્રરધ્યેતવ્યા ત્યૈવ સા ||
આ ગાયત્રી બ્રહ્મપદની પ્રાપ્તિનું દ્વાર છે. તેથી બ્રાહ્મણે વ્યાહૃતિપૂર્વક આનું નિત્ય અધ્યયન (મનન) કરવું જોઈએ.
યોડધીતેડંહન્યહન્તેતાં ત્રીણિ વર્ષાણ્યતન્દ્રિત: | સ બ્રહ્મ પદમધ્યેતિ વાયુભૂતઃ સ મૂર્તિમાનું ||
જે તંદ્રા રહિત થઈને (આળસ છોડીને) ત્રણ વર્ષ સુધી નિયમિત રૂપે આ ગાયત્રીનો જપ કરે છે તે વાયુરૂપ બનીને તથા આકાશ રૂપ થઈને નિઃસંદેહ બ્રહ્મને પામે છે.
તત્પામં પ્રણુદયાશુ નાત્ર કાર્યા વિચારણા | શતં જપ્ત્વા તુ સા દેવી પાપૌધશમની સ્મૃતા ||
એ વાતમાં જરા પણ સંદેહ રાખવાની જરૂર નથી કે આ ગાયત્રી એકદમ પાપોનો નાશ કરે છે. સો વાર જપ કરવાથી આ ગાયત્રી પાપોના સમૂહનો વિનાશ કરે છે.
વિધિના નિયતં ધ્યાયેત્ પ્રાપ્નોતિ પરમ પદમ્ | યથા કથગ્ચિજજપિતા ગાયત્રી પાપહારિણી || સર્વ કામપ્રદા પ્રોક્તા પૃથકકર્મ્મસુ નિષ્ઠિતા |
વિધિપૂર્વક નિયમિત રીતે ધ્યાન કરવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. (અરે !) ગમે તેવી રીતે જપવાથી પણ ગાયત્રી પાપોનો વિનાશ કરે છે. ભિન્ન ભિન્ન કાર્યોના ઉદ્દેશથી કરવામાં આવતો જપ પણ અપેક્ષિત સિદ્ધિ આપે છે.
પ્રતિભાવો