૧૭. શક્તિપીઠ પ્રાચીન અને નવીન
July 21, 2022 Leave a comment
શક્તિપીઠ પ્રાચીન અને નવીન
દેવી સતી શિવશક્તિ સ્વરૂપા છે. શક્તિનું સ્વરૂપ બદલાય છે, તે નષ્ટ થતી નથી. સતીનું પણ રૂપાંતર થયું. રૂપ બદલાઈ જાય, પણ તત્ત્વ તેનું તે જ રહે છે. સતીનાં અંગો – શક્તિના અંશોની સ્થાપના શક્તિપીઠોના રૂપમાં કરવામાં આવી. પૂજ્યગુરુદેવ ચાલીસમા પાના પર લખે છેઃ
“મૃત સતીની લાશને ખભા પર લઈ રુદ્ર પાગલની જેમ આકુળવ્યાકુળ થઈ ફરવા લાગ્યા. તેમનું આવું વિકરાળ સ્વરૂપ, રૌદ્ર રૂપ જોઈને દસે દિશાઓ કાંપવા લાગી. સતી અર્થાત્ સત્પ્રવૃત્તિ ન રહેવાની સ્થિતિ શિવ માટે અસહ્ય બની. ગુસ્સામાં તેઓ હુંકાર ભરવા લાગ્યા. ઓગણ પચાસે ઓગણ પચાસ પવન આંધી તોફાન બનીને સ્થિતિને પ્રલયમાં ફેરવવા તત્પર બન્યા.
દેવો કાંપ્પા, સ્થિતિ કટોકટીભરી થઈ ગઈ. વિચાર કરવામાં આવ્યો કે સૃષ્ટિના પાલક વિષ્ણુ આગળ આવે. તેમણે સુદર્શનચક્રથી સતીના મૃત શરીરને અગિગાર ભાગમાં કાપી નાખ્યું. તે ટુકડા દૂર દૂર જઈ પડ્યા. સતી તો અમર છે, તે મરી શકે નહિ. એ અગિયાર ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠની સ્થાપના થઈ. સંસારમાં અગિયાર શક્તિપીઠ પ્રખ્યાત છે. દરેક જગ્યાએ સતી(શક્તિ) નું નવું રૂપ પ્રગટ થયું. શિવજી પોતાની સહધર્મિણીને અગિયાર ગણી વિકસિત જોઈ સંતોષ પામ્યા અને અગિયાર રુદ્રના રૂપમાં ફરીવાર આનંદથી પોતાના કામકાજમાં જોડાઈ ગયા. એકની બાજુમાં એક લખીએ તો અગિયાર બની જાય છે. શિવ અને સતીનો, પરમાત્મા અને સત્પ્રવૃત્તિનો સુયોગ જ્યારે અને જ્યાં પણ ઊભો થશે ત્યાં ત્યાં એક અને એક મળી અગિયારનો સહયોગ પેદા થશે એ ઉક્તિ ચરિતાર્થ બની.’
પૂજ્ય ગુરુદેવે પાન ૪૮ પર લખ્યું છે :
‘‘મહાકાલનો ગુસ્સો તે વખતે એક જ રીતે શાંત થયો હતો અને અત્યારે પણ એક જ રીતે શાંત થશે, જો તેમની પ્રાણપ્રિય સતી(સત્પ્રવૃત્તિ)ને પુનર્જીવિત કરવામાં આવે. સતીનાં અંગોમાંથી અગિયાર સતીઓ પેદા થઈ અને અગિયાર શક્તિપીઠો બની. આપણે આવાં અગણિત એવાં શક્તિકેન્દ્રો સ્થાપિત કરીએ, જે ભગવાન શિવના સંસારને સુરમ્ય, સુવિકસિત અને સુસંસ્કૃત રાખવામાં સમર્થ હોય.’’
પૂ. ગુરુદેવે આ લીટીઓ સન્ ૧૯૬૭-૬૮મા લખી હતી. સમય આવતાં એના આધાર પર જ યુગશક્તિ ગાયત્રીનો વિકાસ તથા વિસ્તાર કરવા ગાયત્રી શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠો, પ્રજ્ઞાસંસ્થાનોની યોજના બનાવી અમલમાં મૂકી.
ભૂલ ન કરો, મતભેદથી બચો :
પૂજ્ય ગુરુદેવે લખ્યું છે : “આજે પણ દક્ષો(શક્તિમાન) એ આવું જ કરી મૂક્યું છે. તે કહેવાતા હોશિયાર લોકો સમાજના મોભી બની બેઠા છે. પોતાના કાવાદાવા અને ભાષા દ્વારા બીજાંને ઉલ્લુ બનાવવાની કળાના સહારે આ બધું કરી રહ્યા છે. બીજાનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી છળકપટથી આગળ વધે છે અને ઊંચે બેસે છે. તપ અને ત્યાગનું નામ નહિ. આવા મોભી લોકોનું પ્રાધાન્ય જ વ્યક્તિ અને સમાજના આત્માઓને કચડી રહ્યું છે. મહાકાલ માટે આ સ્થિતિ અસહ્ય હતી. આ સતી જ એમની સહચરી છે. જે તેને આઘાત પહોંચાડે છે તે માનવતાનો દુશ્મન છે. જેમ દક્ષનો સમગ્ર પરિવાર દુર્ગતિ પામ્યો તે રીતે આજનો માનવી પોતાના ભાષાચાતુર્યથી સુખસગવડનાં સાધનો વધારવાના અભિયાનમાં સાચો રસ્તો ભૂલી ગયો છે તેની પણ એવી જ દુર્ગતિ થશે.” (મહાકાલ અને તેની યુગપ્રત્યાવર્તન પ્રક્રિયા પાન – ૪૬)
દેવતાનું મહોરું પહેરી દક્ષ પશુતા આચરતો હતો. એટલા માટે શિવજીએ તેનું માથું કાપી નાખી તેના સ્થાને મેં મેં કરતા બકરાનું માથું ચોંટાડી દીધું, જેથી સમાજને તેના સાચા રૂપની ખબર પડે અને તેનાથી છેતરાય નહિ. આજે આ ભૂલ ફરીવાર ન થાય તે જ જોવાનું છે. બીજાંથી આવી ભૂલ થાય તો ભલે થાય, પણ મહાકાલ સાથે જોડાયેલા લોકોથી તો ન જ થવી જોઈએ.
ગોસ્વામી તુલસીદાસે ભવાની – શંકરની વંદના કરતાં તેમને શ્રદ્ધા – વિશ્વાસનું રૂપ કહ્યાં છે. જો યુગાવતાર પ્રત્યે શ્રદ્ધા જાગી હોય તો તેને એટલા પ્રમાણ સક્રિય કરવી જોઈએ કે જનવિશ્વાસ લેવા – આપવામાં મુશ્કેલી ન પડે. શ્રદ્ધાના નામે જનવિશ્વાસ તથા ઋષિસત્તાના વિશ્વાસની અવગણના પુરુષાર્થને સફળ થવા દેશે નહિ. શ્રદ્ધા અને વિશ્વાસને એકબીજાનાં પૂરક બનાવી આગળ વધવાથી જ સફળતા મળી શકશે. યુગસાધક આ પૌરાણિક ઉપાખ્યાનમાંથી વર્તમાનની દિશાધારા સમજી આગળ વધે એ એના માટે સૌભાગ્યપ્રદ હશે.
કસોટીમાંથી પાર ઊતરો :
નવસર્જન માટે મહાકાલ શિવ સંકલ્પિત છે, શક્તિ સંકલ્પ પૂરો કરવા તત્પર છે. એમને જરૂર છે શરીરધારી પ્રામાણિક માધ્યમોની અને લીલાસહચરોની. કામ જેટલું ગૌરવંતુ છે તેટલી જ સહચરોની પાત્રતા પણ પ્રામાણિક હોવી જરૂરી છે. પૂ. ગુરુદેવે પાન ૨૧-૨૨ ઉપર લખ્યું છે :
“પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે મહાકાલ તેમનું ત્રિશૂળ ફરીથી ધારણ કરી રહ્યા છે. ત્રિપુરારી મહાકાલે ભૂતકાળમાં પણ આવી વિવિધ માયા – મરીચિકાઓને પોતાના (૧) શિક્ષણ,(૨) સંહાર અને (૩) નિર્માણના ત્રિશૂળથી તોડીફોડી નાખી હતી. હવે ફરીવાર તેઓ એવું જ કરવા તૈયાર થયા છે. ધર્મ જીવવાનો છે, અધર્મ મરવાનો છે. લોભ, મોહ અને અહંકારની ચુંગાલમાંથી માનવતાને ફરીવાર મુક્તિ મળવાની છે. સંહારની આગમાં તપેલો માણસ આવતા દિવસોમાં પશ્ચાત્તાપ, સંયમ અને નમ્રતાના પાઠ ભણીને સજ્જનો જેવી સત્પ્રવૃત્તિઓ અપનાવશે. આ દિવસ જલદીથી લાવનારા ત્રિપુરારી મહાકાલ ! આપનો જય હો ! આપનો વિજય હો !”
જિજ્ઞાસા એ થાય છે કે ત્રિપુરારી મહાકાલના આ વિજયી અભિયાનમાં કોણ ભાગીદાર બનવાનું છે ? સંહારની આગમાંથી બચનારા અને તેના તાપથી તપનારા, તપીને વધારે તેજસ્વી બનનારા ભાગ્યશાળી કોણ હશે ? તેનો જવાબ યુગઋષિના સમીક્ષાત્મક વર્ણનમાં છે. તેમના ત્રિશૂળનાં ત્રણ ફળાં શિક્ષણ, સંહાર અને નિર્માણ છે. તેઓ તેમને ધારવાળાં તથા ચમકતાં કરી રહ્યા છે. વચ્ચે સંહાર છે, જેને મહાકાલ જાતે જ સંભાળશે, આજુબાજુનાં શિક્ષણ અને નિર્માણની જવાબદારી લીલા સહચરોને સોંપશે. જેઓ પોતાના વ્યક્તિત્વમાં શિક્ષણ અને નિર્માણની પ્રવૃત્તિઓને, ક્ષમતાને ધારદાર બનાવવાની સાધનામાં પ્રવૃત્ત રહેશે તેઓ જ યુગદેવતાના નજીકના સહચર બનવાનું સૌભાગ્ય મેળવી શકશે, પણ તે માટે તેમણે પરીક્ષાની કસોટીમાં ખરા સાબિત થવાનું છે. એવું કેમ ? આ બાબતે પૂજ્યવરે પાન ૧૩૪-૩૫ પર લખ્યું છે :
“મોટાં કામ સામાન્ય શક્તિથી થતાં નથી. કામમાં અગત્યનાં સ્થળોએ મુકાયેલાં યંત્રો તથા ઓજારોનું પરીક્ષણ પહેલાં કરી લેવામાં આવે છે. મહત્ત્વનાં પદો માટેની પરીક્ષાઓ વધારે મુશ્કેલ હોય છે. આત્મિક સ્તર પર કરવાનાં મોટાં કામો સબળ આત્માઓ દ્વારા જ થઈ શકે છે. એ માટે જો કડક પરીક્ષા ન રાખવામાં આવે તો કુપાત્રોના હાથમાં જવાથી આખી યોજના જ બરબાદ થઈ જશે. નવનિર્માણનાં અગત્યનાં કાર્યો માટે જે મહાન આત્માઓએ ઉન્નતિ કરીને આગળ આવવાનું છે તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની પ્રામાણિકતાનો પરિચય આપી આગળ વધવું પડશે.”
પરીક્ષાના સંદર્ભે તેઓ લખે છે, “પરીક્ષા તે આપનારના દાવાની વાસ્તવિકતા કે અવાસ્તવિકતાનો, ખરા ખોટાપણાનો નિર્ણય કરી દે છે. આ રીતે આદર્શવાદીના જીવનમાં એવો પરીક્ષાનો સમય આવે છે, જેની કસોટી પર એ સાબિત થઈ જાય છે કે સિદ્ધાંતો તથા આદર્શો માટેની તેમની આસ્થા કેટલી સાચી, કેટલી ખોટી છે રાજા હરિશ્ચંદ્ર, પ્રહ્લાદ, કર્ણ, ભીષ્મ, રામ, કૃષ્ણ, દધીચિ, શિવ વગેરે સામે આવી પરીક્ષાનો સમય આવ્યો હતો. એમાં તેઓ ખરા સાબિત થયા હતા અને સાચા આદર્શવાદીઓની શ્રેણીમાં પહોંચી ગયા.”
પૂજ્ય ગુરુદેવે આ સમયને એવો જ અસાધારણ સૌભાગ્ય પ્રદાન કરનાર પરીક્ષાકાળ ગણાવ્યો છે. તેઓ પાન ૧૩૯ ઉપર લખે છે : “આમ તો સમસ્ત બુદ્ધિશાળી વર્ગ પાસે પોતાની સમજદારીનો પરિચય આપવાની તક છે, પરંતુ યુગનિર્માણ પરિવારના પરિજનોએ પાછલા દિવસોમાં જે શિક્ષણ મેળવ્યું છે તેને સાચી રીતે સમજ્યા છે કે નહિ, યોગ્ય રીતે અપનાવ્યું છે કે નહિ તેની પરખનો આ જ સાચો સમય છે. શિવશક્તિના લીલાસહચર બનવામાંથી આપણામાંથી કોઈએ વંચિત રહેવાનું નથી.’ તેમની શક્તિપીઠ યોજનાને ક્રાંતિકારી સ્તર સુધી વિકસિત કરવાની છે.
જાગૃત તીર્થોનો જીવંત સંદેશ
આ નવી શક્તિપીઠો પર તીર્થયાત્રી પહોંચે અને પ્રેરણા પ્રકાશ મેળવે એ જરૂરી છે, પણ આટલું જ પૂરતું નથી. એમના માધ્યમથી તીર્થચેતનાનો પ્રકાશ, યુગસર્જનનો ઉત્સાહ દૂર દૂર સુધી ફેલાવો જોઈએ. આ સંદર્ભે શું કરવાનું છે તે માટે પૂજયવરનું પુસ્તક “ધર્મચેતનાથી જનજાગરણ” ના પાન પર થી ૫૪નો આ અંશ પૂરતો પ્રકાશ પાડે છે :
ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાને સૌથી વધારે પુણ્ય ફળ આપનાર કૃત્ય માનવામાં આવે છે. તીર્થનિર્માણ માટે અને તેની યાત્રા માટે જે ધન અને શ્રમ ખર્ચાય છે એટલાં આખા ધર્મક્ષેત્રમાં બીજા કોઈ કામમાં નથી ખર્ચાતાં. જેઓ તીર્થયાત્રા કરવામાં અસમર્થ છે તેઓ સ્થાનિક પીપળો, આમળી, તુલસી, પર્વત, સરોવર, મંદિર વગેરેની પરિક્રમા કરીને પોતાના મનને સંતોષ આપે છે. તીર્થયાત્રાનું શાસ્ત્રીય સ્વરૂપ પદયાત્રાનું છે. પ્રાચીનકાળમાં ધાર્મિક લોકો પોતાની મંડળીઓ બનાવી ધર્મપ્રચાર માટે નીકળતા હતા. તેઓ રસ્તામાં ગામેગામ ધર્મનો સંદેશ સંભળાવતા, પડાવનાં સ્થળોએ કથાકીર્તન કરતા, સર્વત્ર ધર્મનિષ્ઠા જગાડતાં આગળ વધતા હતા. આ તીર્થયાત્રાનો ઉદ્દેશ્ય અને સ્વરૂપ સર્વસાધારણને સમજાવવું જોઈએ, જેથી ધર્મગ્રંથોમાં એ માટે ગવાયેલો મહિમા, મહત્ત્વ અને તેના આધારે મળતાં સત્પરિણામોથી લોકો માહિતગાર થાય.
પ્રત્યેક તીર્થયાત્રીને સ્વાસ્થ્યસુધાર, જ્ઞાનવૃદ્ધિ, પરિચય, અનુભવ અને ઉદાર દૃષ્ટિકોણના પાંચ વ્યક્તિગત લાભ મળી શકે છે.
બધા પ્રશ્નો, અભાવો અને મુશ્કેલીઓનું કારણ મનુષ્યનું ભાવનાત્મક પતન છે. ભૌતિક સમૃદ્ધિ વધારવાની સાથે સાથે દૃષ્ટિકોણને શુદ્ધ કરવો ખૂબ જ જરૂરી છે. જનમાનસના શુદ્ધિકરણ માટે સંપૂર્ણ મનોયોગથી જોડાવું એ માનવતાની સૌથી મોટી સેવા છે. આપણી તીર્થયાત્રાઓ આ હેતુ સિદ્ધ કરશે. એ યાદ રાખવું જોઈએ કે તીર્થયાત્રા દરમ્યાન જેની સાથે પણ સંપર્ક થાય તેની સદ્ભાવનાઓને જગાડીને સત્પ્રવૃત્તિઓમાં જોતરવાની છે. આપણી આ સત્પ્રવૃત્તિ વધારવાના કાર્યક્રમમાંહાલ ૨૦ સૂત્રો છેઃ
ક્રિયાપરકઃ
(૧) સાક્ષરતાના વિકાસ માટે પ્રૌઢશાળાઓ, રાત્રિ પાઠશાળાઓ (૨) મહિલા જાગૃતિ માટે ત્રીજા પહોરની પાઠશાળાઓ (૩) સ્વાસ્થ્ય સંવર્ધન માટે વ્યાયામશાળાઓ (૪) વૃક્ષારોપણ (૫) શાકવાટિકાઓ (૬) સ્વચ્છતા અભિયાન (૭)
ગૃહઉદ્યોગોનું પ્રચલન (૮) સામૂહિક શ્રમદાન (૯) પરિવાર નિયોજન (૧૦) સહકારિતાના વિકાસના પ્રયત્નો
વિચારપરકઃ
દીવાલો પર સાક્ય લેખન (૨) સાહિત્યનાં પુસ્તકાલયોની સ્થાપના (૩) બાળલગ્ન, કજોડાં, લગ્નોમાં થતો અતિ ખર્ચ અને દહેજનો વિરોધ (૪) બારમું મૃત્યુભોજન, મોટી પાર્ટીઓ, લાજપ્રથા, શિક્ષણનો વ્યવસાય, અસ્પૃશ્યતા જેવી કુપ્રથાઓનો ત્યાગ (૫) ભૂતપલીત, નસીબ, મુહૂર્ત, શુકન, ટોણાટુચકા જેવા અંધવિશ્વાસનું નિવારણ (૯) નશાખોરી, માંસાહાર જેવી કુટેવોનો ત્યાગ (૭) જુગાર, લાંચરુશવત, ઠગાઈ, નફાખોરી, કામચોરી, ગુંડીગીરી જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓનો ત્યાગ, અસહયોગ અને વિરોધ (૮) રાત્રે પ્રેરણાદાયી પ્રવચન અને સભાઓનું આયોજન (૧૦) પર્વતહેવારોના સામૂહિક રૂપની પરંપરા સ્થાપિત કરીને વ્યક્તિ, પરિવાર અને સમાજના નવનિર્માણની પ્રેરણા ફેલાવવાની વ્યવસ્થા.
આપણા નૈષ્ઠિક પરિજનોએ એ વાત ખૂબ સ્પષ્ટ રીતે હૃદયંગમ કરી લેવી જોઈએ કે યુગઋષિની ગાયત્રી શક્તિપીઠ યોજના આ યુગની મહાક્રાંતિનું એક મહત્ત્વપૂર્ણ એકમ છે. જ્યાં પણ લોકોએ તેમના પ્રત્યેની શ્રદ્ધાને લીધે શક્તિપીઠો, પ્રજ્ઞાપીઠોની સ્થાપના કરી છે તેમણે તેમને શક્ય એટલી જલદી પૂજ્ય ગુરુદેવના નિર્દેશ અનુસાર પ્રામાણિક સ્તર સુધી પહોંચાડવી જોઈએ.
પ્રતિભાવો