૧૬. શાંતિકુંજમાં ગાયત્રી તીર્થની સ્થાપના, અમારું વીલ અને વારસો
March 4, 2021 Leave a comment
શાંતિકુંજમાં ગાયત્રી તીર્થની સ્થાપના
મથુરાથી પ્રયાણ કર્યા પછી હિમાલયથી છ મહિના પછી હું હરિદ્વારમાં એ સ્થાને પહોંચ્યો. જે સ્થળે શાંતિકુંજના એક નાનકડા મકાનમાં માતાજી અને તેમની સાથે દેવકન્યાઓને રહેવા લાયક નિર્માણ હું પહેલાં કરાવી ચૂક્યો હતો. હવે વધારે જમીન લઈ ફરી નિર્માણ-કાર્ય શરૂ કર્યું. ઈચ્છા ઋષિ આશ્રમ બનાવવાની હતી. સૌ પ્રથમ અમારા માટે, સહકર્મીઓ માટે, અતિથિઓ માટે નિવાસસ્થાન અને ભોજનાલય બનાવવામાં આવ્યાં.
આ આશ્રમ ઋષિઓનું, દેવાત્મા હિમાલયનું પ્રતિનિધિત્વ કરે છે. આથી ઉત્તરાખંડનું, ગંગાનું પ્રતીક દેવાલય અહીં બનાવવામાં આવ્યું. આ ઉપરાંત સાત મુખ્ય અને અન્ય શ્રેષ્ઠ ઋષિઓની પ્રતિમાઓની સ્થાપનાની વ્યવસ્થા કરવામાં આવી. આદ્યશક્તિ ગાયત્રીનું મંદિર તથા પાણી માટે કૂવાઓનું નિર્માણ કરાવ્યું. આ સાથે પ્રવચન ખંડનું પણ નિર્માણ કર્યું. આ બધું ઊભું કરવામાં લગભગ બે વર્ષ લાગી ગયાં. હવે જ્યારે રહેવા માટે યોગ્ય વ્યવસ્થા થઈ ગઈ ત્યારે મેં અને માતાજીએ નવનિર્મિત શાંતિકુંજને અમારું તપસ્થાન બનાવ્યું. આ સાથે અખંડ દીપક પણ હતો. તેના માટે એક ઓરડી તથા ગાયત્રી મૂર્તિની સ્થાપના કરવાની વ્યવસ્થા પહેલેથી જ થઈ ગઈ હતી.
આ નિર્જન પડેલી જમીનમાં પ્રસુપ્ત પડેલા સંસ્કારોને જગાડવા માટે ૨૪ લાખનાં ૨૪ અખંડ પુરશ્ચરણ કરાવવાનાં હતાં. આના માટે ૯ કુમારિકાઓની વ્યવસ્થા કરી. શરૂઆતમાં ચાર કલાક સવારમાં અને ચાર કલાક રાત્રે તેઓ પોતાની સોપેલી ફરજ બજાવતી. પાછળથી એમની સંખ્યા ૨૭ ની થઈ. ત્યારે સમય ઓછો કરી દેવામાં આવ્યો. એમને દિવસ દરમિયાન માતાજી ભણાવતાં. છ વર્ષ પછી આ બધી કુમારિકાઓએ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ કક્ષા સુધીનો અભ્યાસ શરૂ કર્યો. વીસ-પચ્ચીસ વર્ષની ઉંમર થતાં તેમના માટે યોગ્ય ઘર અને વરની વ્યવસ્થા કરી તમામનાં લગ્ન કરી દેવામાં આવ્યાં.
આ પહેલાં સંગીત અને પ્રવચનનું વધારાનું શિક્ષણ પણ આપવામાં આવ્યું. દેશવ્યાપી સ્ત્રી જાગરણ માટે જીપમાં પાંચ-પાંચની ટુકડી બનાવીને મોકલવામાં આવી. ત્યાં સુધીમાં તો અભ્યાસ કરનાર કન્યાઓની સંખ્યા ૧૦૦ કરતાં પણ વધી ગઈ હતી. એમના પરિભ્રમણથી દેશના નારીસમાજ ઉપર વધારે પ્રભાવ પડ્યો. – હરિદ્વારમાં જ તેજસ્વી કાર્યકર્તાઓને તૈયાર કરવાનો કાર્યક્રમ હાથમાં લેવામાં આવ્યો. આ માટે પ્રાણ પ્રત્યાવર્તન સત્ર, એક એક મહિનાનાં યુગશિલ્પી સત્રો તથા વાનપ્રસ્થ સત્રો પણ ચાલુ કરવામાં આવ્યાં. સામાન્ય ઉપાસકો માટે નાનાં-મોટાં ગાયત્રી પુરશ્ચરણોની શૃંખલા પણ ચાલુ કરી દેવામાં આવી. ગંગાનો કિનારો, હિમાલયોની છાયા, દિવ્ય વાતાવરણ, પ્રાણવાન માર્ગદર્શન વગેરે સગવડો જોઈને પુરશ્ચરણ કરનારાઓ પણ સેંકડોની સંખ્યામાં નિરંતર આવવા લાગ્યા. પૂર્ણ સમય આપનાર વાનપ્રસ્થોનું પ્રશિક્ષણ પણ અલગ રીતે ચાલતું રહ્યું. બંને પ્રકારના સાધકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.
આ નવી સંખ્યા સતત વધવા માંડી. ઋષિપરંપરાને પુનર્જીવિત કરવા માટે આની જરૂર પણ હતી, કે સુયોગ્ય આત્મદાની પૂર્ણ સમય આપીને હાથમાં લીધેલા મહાન કાર્યને પૂર્ણ કરવા માટે જરૂરી આત્મબળ પ્રાપ્ત કરે અને તે પછી વિશાળ કાર્યક્રમમાં લાગી જાય.
વધતા જતા કાર્યને જોઈને ગાયત્રીનગરમાં ર૪૦ ક્વાર્ટર્સ બનાવવાં પડ્યાં. એક હજાર માણસો એકસાથે પ્રવચનમાં બેસી શકે તેટલો મોટો પ્રવચન ખંડ બનાવવો પડ્યો. આ ભૂમિને વધારે સંસ્કારવાન બનવાની હતી. આથી નવકુંડી યજ્ઞશાળામાં સવારમાં બે કલાક નિત્ય યજ્ઞ કરવાની વ્યવસ્થા કરી અને આશ્રમમાં સ્થાયી રહેનારાઓ તથા પુરશ્ચરણકર્તાઓ માટે જપની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી કે જેથી દરરોજ ૨૪ લાખ ગાયત્રી મહાપુરશ્ચરણ સંપન્ન થતું રહે. જરૂરી કામકાજ માટે એક નાનું છાપખાનું પણ શરૂ કરવું પડ્યું. આ બધાં કામોનું નિર્માણ અને નિભાવનું કામ આજ સુધી બરાબર ચાલતું રહ્યું છે. આ દરમિયાન બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન માટે એક વિશાળ ભવનનું નિર્માણ કામ શરૂ કરી દીધું. આ બધાં જ કાર્યોના નિર્માણમાં લગભગ ચાર વર્ષ લાગી ગયાં. આ સાથે એ કામો પણ શરૂ કરી દીધાં કે જે પૂરાં કરવાથી ઋષિપરંપરા પુનર્જીવિત થઈ શકે. જેમ જેમ સગવડો વધતી ગઈ તેમ તેમ નવાં કાર્યો હાથમાં લેવામાં આવ્યાં અને કંઈક કહી શકાય તેટલી પ્રગતિ કરી.
ભગવાન બુદ્ધ નાલંદા અને તક્ષશિલા જેવાં વિદ્યાલયોના સ્તરના વિહારો બનાવ્યા હતા અને તેમાં પ્રશિક્ષિત કરીને કાર્યકર્તાઓને દેશના ખૂણેખૂણે અને વિદેશોમાં મોકલ્યા હતા. ધર્મચક્ર પ્રવર્તનની યોજના ત્યારે જ પૂરી થઈ શકી હતી.
ભગવાન શંકરાચાર્યએ દેશના ચારે ખૂણામાં ચારધામ બનાવ્યાં હતાં અને તેમના માધ્યમથી દેશમાં ફેલાયેલ અનેક મતમતાંતરોને એક સૂત્રમાં પરોવ્યા હતા. બંનેએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં કુંભ સ્તરનાં વિશાળ સંમેલનો અને સમારંભોની વ્યવસ્થા કરી હતી. જેથી ઋષિઓનો મુખ્ય સંદેશો ત્યાં આવનારાઓ દ્વારા ઘેરઘેર પહોંચાડી શકાય.
આ બંનેના ક્રિયાલાપોને હાથમાં લેવામાં આવ્યા. નિશ્ચય કરવામાં આવ્યો કે ગાયત્રી શક્તિપીઠો અને પ્રજ્ઞા સંસ્થાનોના નામથી દેશના ખૂણેખૂણે ભવ્ય દેવાલયો અને કાર્યાલયો બનાવવામાં આવે, જ્યાં કેન્દ્ર બનાવીને નજીકના વિસ્તારમાં કામ કરી શકાય, જેને પ્રજ્ઞા મિશનનો પ્રાણસંકલ્પ કહી શકાય. વાત અશક્ય લાગતી હતી, પણ પ્રાણવાન પરિજનોને શક્તિપીઠ નિર્માણનો સંકલ્પ આપવામાં આવ્યો અને બે વર્ષમાં જ ભારતમાં ૨૪૦૦ ભવનો તૈયાર થઈ ગયાં. એ વિસ્તારના કાર્યકર્તાઓ અને કેન્દ્ર માની યુગચેતનાના આલોકનું વિતરણ કરવાના અને ઘેરે ઘેર અલખ જગાવવાના કાર્યમાં લાગી ગયા. આ એટલું વિશાળ અને એટલું અદ્ભુત કાર્ય છે કે જેની સરખામણીમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કરવામાં આવેલાં નિર્માણ-કાર્યો પણ ઝાંખાં પડી જાય છે. અમારાં નિર્માણ કાર્યોમાં જન જનનું અંશદાન જોડાય છે. આથી તે દરેકને પોતાનું જ લાગે છે, જ્યારે ચર્ચ અને અન્ય મોટાં મંદિરો મોટી રકમ મેળવીને બનાવવામાં આવે છે.
આ ઉપરાંત હરતીફરતી પ્રજ્ઞાપીઠોની યોજના બનાવી. એક કાર્યકર્તા એક સંસ્થા ચલાવી શકે છે. આ સંસ્થાઓ તો ચાલતી ગાડીઓ છે. આને કાર્યકર્તાઓ પોતાના નગર તથા નજીકનાં ક્ષેત્રોમાં હાથથી ધકેલીને લઈ જાય છે. પુસ્તકો ઉપરાંત વધારાનો સામાન પણ એ કોઠીમાં ભરેલો રહે છે. આ ચાલતાં પુસ્તકાલયો- જ્ઞાનરથો અપેક્ષા કરતાં વધુ સગવડવાળાં હોઈ બે વર્ષમાં ૧૨ હજાર જેટલાં બની ગયાં. સ્થિર પ્રજ્ઞાપીઠો અને ચાલતાં પ્રજ્ઞા સંસ્થાનોના માધ્યમથી પ્રતિદિન એક લાખ વ્યક્તિઓ આનાથી પ્રેરણાઓ મેળવે છે.
આ ઉપરાંત ઉપર્યુક્ત દરેક સંસ્થાનોનો વાર્ષિકોત્સવ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેમાં એ વિસ્તારના ઓછામાં ઓછા એક હજાર કાર્યકર્તાઓ એકઠા થાય. ચાર દિવસ સંમેલન ચાલે. નવા વર્ષનો સંદેશ સંભળાવવા માટે કન્યાઓની ટુકડીઓની જેમ જ હરિદ્વારથી પ્રચાર મંડળીઓ મોકલવાનો પ્રબંધ કરવામાં આવ્યો. જેમાં ચાર ગાયક અને એક વક્તાને મોકલવામાં આવ્યા. પાંચ પ્રચારકોની ટુકડી માટે જીપગાડીઓની વ્યવસ્થા કરવી પડી, જેથી કાર્યકર્તાઓનો સામાન, કપડાં, સંગીતના સાધનો, લાઉડ સ્પીકર વગેરે સામાનને સરળતાથી લઈ જઈ શકાય. ડ્રાઈવર પણ આપણો કાર્યકર્તા જ હોય છે, જેથી તે પણ છઠ્ઠા કાર્યકર્તાનું કામ કરી શકે. હવે દરેક પ્રચારકને જીપ અથવા કાર ચલાવતાં શીખવવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેથી આ હેતુ માટે બહારના માણસોની શોધ કરવી ન પડે.
મથુરામાં રહીને મહત્ત્વપૂર્ણ સાહિત્ય લખાઈ ચૂક્યું હતું. હરિદ્વાર આવીને પ્રજ્ઞાપુરાણનો મૂળ ઉપનિષદ પક્ષ સંસ્કૃતમાં અને વિવેચન સહિત કથા હિન્દીમાં ૧૮ ખંડોમાં લખવાનો નિશ્ચય કરવામાં આવ્યો. પાંચ ભાગ પ્રકાશિત પણ થઈ ગયા. આ ઉપરાંત દરરોજ આઠ પેઈજનું એક ફોલ્ડર લખવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેના માધ્યમથી બધા ઋષિઓની કાર્યપદ્ધતિથી તમામ પ્રજ્ઞાપુત્રોને માહિતગાર કરી શકાય અને તે પ્રમાણે કરવાની પ્રેરણા પણ મળતી રહે. અત્યાર સુધીમાં આવા પ્રકારનાં ૪૮૦ ફોલ્ડર્સ લખવામાં આવ્યાં છે. આ ફોલ્ડર્સનો ભારતની અન્ય ભાષાઓમાં અનુવાદ કરાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે અને દેશના ખૂણેખૂણે આ સાહિત્ય પહોંચ્યું છે.
દેશની બધી જ ભાષાઓ અને બધા જ મતમતાંતરોને વાંચવા માટે અને તેના માધ્યમથી દરેક ક્ષેત્રમાં કાર્યકર્તા તૈયાર કરવા માટે એક અલગ ભાષા અને ધર્મ વિદ્યાલય શાંતિકુંજમાં જ તૈયાર થઈ ગયું છે અને સારી રીતે ચાલવા માંડ્યું છે.
ઉપર્યુક્ત કાર્યક્રમો લઈને જે કોઈ કાર્યકર્તાઓ સમગ્ર દેશમાં પ્રવાસ કરે છે, તેઓ મિશનના ૧૦ લાખ કાર્યકર્તાઓમાં જ્યાં તેઓ જાય છે એ વિસ્તારમાં પણ પ્રેરણા ભરવાનું કાર્ય કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓરિસ્સાનાં ક્ષેત્રોમાં સંગઠન સુવ્યવસ્થિત થઈ ગયું છે. હવે દેશના જે ભાગને ભાષાની મુક્લીના કારણે પ્રચારક્ષેત્રમાં સમાવી શકાયા નથી, તેને પણ એકાદ વર્ષમાં જોડી દેવાની યોજના છે.
ભારતના લોકો લગભગ ૭૪ દેશોમાં ફેલાયેલા છે. એમની સંખ્યા પણ ત્રણ કરોડની આસપાસ છે. એમના સુધી અને અન્ય દેશવાસીઓ સુધી મિશનના વિચારો ફેલાવવાની યોજના બહુ જ સફળતાપૂર્વક શરૂ થઈ છે. આગળ જતાં સુયોગ્ય કાર્યકર્તાઓના માધ્યમથી ઘણાખરા દેશોમાં પ્રજ્ઞા આલોકને પહોંચાડવાનું શક્ય બનશે. હવે ભાગ્યે જ કોઈ દેશ એવો રહ્યો હશે કે જ્યાં ભારતીયો અને મિશનનું સંગઠન થયું ન હોય.
ઉપર જણાવ્યા પ્રમાણે ઋષિઓની કાર્યપદ્ધતિને જ્યાં જે રીતે વ્યાપક બનાવવાનું શક્ય બન્યું ત્યાં તેના માટે લગભગ એક હજાર આત્મદાની કાર્યકર્તા નિરંતર કાર્યરત રહીને કામ કરી રહ્યા છે. આના માટે ઋષિ જમદગ્નિનું ગુરુકુળ આરણ્યક અહીં નિયમિત રીતે ચાલી રહ્યું છે.
ચરક પરંપરાનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. શાંતિકુંજમાં દુર્લભ જડીબુટ્ટીઓનું ઉદ્યાન બનાવવામાં આવ્યું છે અને એમાં હજારો વર્ષ પછી શું ફેરફાર થયા છે તેની તપાસ બહુ જ કીમતી યંત્રો દ્વારા કરવામાં આવી રહી છે. એકસાથે એક જ ઔષધિનો પ્રયોગ કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ અહીં ચાલુ કરવામાં આવી રહી છે અને તેમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે.
યુગશિલ્પી વિદ્યાલયના માધ્યમથી સુગમ સંગીતનું શિક્ષણ હજારો વ્યક્તિઓ મેળવી ચૂકી છે અને પોતપોતાના વિસ્તારમાં ડફલી જેવાં નાનાં સાધનથી સંગીત વિદ્યાલય ચલાવીને યુગ ગાયકો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
પૃથ્વી અંતર્ગતી વાતાવરણથી પ્રભાવિત થાય છે. તેની જાણકારી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. દર પાંચ હજાર વર્ષ પછી જ્યોતિષ ગણિતને સુધારવાની જરૂર ઊભી થતી હોય છે. આર્યભટ્ટની આ વિદ્યાને નવજીવન આપવા માટે પ્રાચીનકાળમાં જ્યોતિષ વિદ્યાનાં ઉપકરણોવાળી વેધશાળા બનાવવામાં આવી છે અને નેપથ્યન, લુટો, યુરેનસ વગેરે ગ્રહોના વેધ સહિત દર વર્ષે દશ્ય ગણિત પંચાગ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ એક અનોખો પ્રયોગ છે.
હવે પ્રકાશચિત્ર વિજ્ઞાનનો નવો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ તમામ સંસ્થાઓમાં પ્રોજેક્ટર પહોંચાડી દેવામાં આવ્યાં છે. એના દ્વારા કામ ચાલી રહ્યું હતું. હવે વીડિયો ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. તેના માધ્યમથી કવિતાઓના આધારે પ્રેરક ફિલ્મો બનાવવામાં આવી રહી છે. દેશના વિદ્વાનો, મનીષીઓ, મૂર્ધન્યો, જાગૃત નેતાઓનાં દૃશ્ય પ્રવચનો ટેપ કરાવીને તેમની છબી સાથે ઘેર ઘેર પહોંચાડવામાં આવી રહ્યાં છે. ભવિષ્યમાં મિશનના કાર્યક્રમોનો ઉદ્દેશ્ય, સ્વરૂપ અને પ્રયોગ સમજાવે તેવી ફિલ્મો બનાવવાની મોટી યોજના પણ છે, જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
શાંતિકુંજ મિશનનું સૌથી મહત્ત્વપૂર્ણ સર્જન છે – “બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન. આ પ્રયોગશાળા દ્વારા અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવા માટે કીમતી સાધનોવાળી પ્રયોગશાળા બનાવવામાં આવી છે. આ પ્રયોગશાળાના કાર્યકર્તાઓ આધુનિક આયુર્વિજ્ઞાન અને પુરાતન આયુર્વેદ વિદ્યાના સ્નાતકો અને અનુસ્નાતકો છે. જેમને અધ્યાત્મમાં રસ છે એવા, વિજ્ઞાનની અન્ય શાખાઓના નિષ્ણાત, ઉત્સાહી કાર્યકર્તાઓ પણ છે. આમાં ખાસ કરીને યજ્ઞવિજ્ઞાનમાં શોધ કરવામાં આવી રહી છે. આના આધારે શારીરિક અને માનસિક રોગો દૂર કરવામાં, પશુઓ અને વનસ્પતિ માટે લાભદાયક સિદ્ધ કરવામાં તથા વાયુમંડળ અને વાતાવરણને શુદ્ધ બનાવવામાં આ યજ્ઞવિજ્ઞાનની કેટલી ઉપયોગિતા છે તેની શોધ કરવામાં આવી રહી છે. જે અત્યાર સુધીમાં ખૂબ જ ઉત્સાહવર્ધક સિદ્ધ થઈ છે.
અહી બધા સત્રોમાં આવનાર પરિજનોની શારીરિક અને માનસિક સ્વાથ્યની તપાસ કરવામાં આવે છે અને તેને અનુરૂપ સાધના કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વય પર આ રીતે શોધ કરનાર વિશ્વની આ પ્રથમ અને અનુપમ પ્રયોગશાળા છે.
આ ઉપરાંત પણ સામયિક પ્રગતિ માટે જનસાધારણને જે પ્રોત્સાહન આપવાનું છે તેનું ઘણુંબધું શિક્ષણ અહીં આપવામાં આવે છે. આગામી દિવસોમાં આનાથી પણ ઘણાં મોટાં કામો હાથ ધરવાનાં છે.
ગાયત્રી પરિવારના લાખો લોકો ઉત્તરાખંડની યાત્રાએ જતી વખતે શાંતિકુંજનાં દર્શન કરી અહીંની રજને મસ્તક પર લગાડી તીર્થયાત્રાનો આરંભ કરે છે. બાળકોના અન્નપાશન, નામકરણ, મુંડન, યજ્ઞોપવીત વગેરે સંસ્કારો અહીં આવીને કરાવે છે, કારણ કે પરિજનો અને સિદ્ધપીઠ માને છે. પૂર્વજોનું શ્રાદ્ધતર્પણ કરવાની વ્યવસ્થા પણ અહીં છે. જન્મદિવસ, લગ્નદિવસ વગેરે ઊજવવા દર વર્ષે પરિજનો ખાસ અહીં આવે છે. દહેજ વગરનાં લગ્નો દર વર્ષે અહીં અને તપોભૂમિ મથુરામાં થાય છે. આનાથી પરિજનોને સુવિધા પણ રહે છે અને ખર્ચાળ કુરિવાજોથી પણ છુટકારો મળે છે.
જયારે ગયા વખતે હું હિમાલય ગયો હતો અને હરિદ્વાર જઈ, શાંતિકુંજમાં રહીને ઋષિઓની કાર્યપદ્ધતિને પુનર્જીવિત કરવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું ત્યારે એ દ્વિધા હતી કે આટલું મોટું કામ શરૂ કરવામાં માત્ર વિપુલ ધનની જરૂરિયાત પડે એટલું જ નહિ, પણ આમાં ઉચ્ચ શ્રેણીના કાર્યકર્તાઓ પણ જોઈએ, તે ક્યાંથી મળશે? બધી સંસ્થાઓ પાસે પગારદાર કાર્યકર્તાઓ છે. તેઓ પણ ચિહન પૂજા કરતા હોય છે. મને આવા જીવનદાની ક્યાંથી મળશે? પણ આશ્ચર્યની વાત છે કે અત્યારે શાંતિકુંજ અને બ્રહ્મવર્ચસમાં રહેનારા કાર્યકર્તાઓ એવા છે, જેઓ પોતાનાં મોટાંમોટાં પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપીને અહીં આવ્યા છે. બધા સ્નાતક-અનુસ્નાતક કક્ષાના છે અથવા પ્રખર પ્રતિભા ધરાવે છે. આમાંથી કેટલાક મિશનના રસોડે જમે છે. કેટલાક પોતાની જમા રકમના વ્યાજમાંથી જમે છે. કેટલાકની પાસે પેન્શન વગેરેની વ્યવસ્થા પણ છે. ભાવાવેશમાં આવવા-જવાનો ક્રમ પણ ચાલતો રહે છે, પણ જેઓ મિશનના સૂત્ર સંચાલકના મૂળભૂત ઉદ્દેશ્યને સમજે છે તેઓ તો સ્થાયી બનીને ટકે છે. ખુશીની વાત છે કે એવા ભાવનાશીલ નૈષ્ઠિક પરિજનો સતત આવતા રહ્યા છે અને મિશન સાથે જોડાતા રહ્યા છે.
પોતાના પૈસાથી ગુજરાન ચલાવવાનું અને રાતદિવસ પોતાના કામની જેમ મિશનનું કામ કરવાનું. આવું ઉદાહરણ અન્ય સંસ્થાઓમાં દીવો લઈને શોધવું પડે. આ સૌભાગ્ય ફક્ત શાંતિકુંજને જ પ્રાપ્ત થયું છે. એમ. એ., એમ.એસસી., એમડી., એમ.એસ., પીએચ.ડી., આયુર્વેદાચાર્ય, સંતાચાર્ય સ્તરના કાર્યકર્તાઓ મળ્યા છે. એમની નમ્રતા, સેવાભાવના, શ્રમશીલતા અને નિષ્ઠા એમને જોતાં જ રહી જવાય છે. વરિષ્ઠતા યોગ્યતા અને પ્રતિભાને મળતી હોય છે, ડિગ્રીને નહિ. આવા પરિજનો મળવા તે મિશનનું મહાન સૌભાગ્ય છે.
જે કાર્યો અત્યાર સુધી થયાં છે તે માટે પૈસાની માગણી કરવી પડી નથી. માલવિયાજીનો મંત્ર, “એક મુઠ્ઠી અનાજ અને નિત્ય દશ પૈસા આપવાનો સંદેશ મળી જવાથી આટલું મોટું કાર્ય થઈ ગયું. ભવિષ્યમાં આની એથીય વધારે પ્રગતિ થવાની સંભાવના છે. અમે જન્મભૂમિ છોડીને આવ્યા પછી ત્યાં હાઈસ્કૂલ, પછી ઈન્ટર કોલેજ અને હોસ્પિટલ ચાલુ થઈ ગયાં. મથુરાનું કાર્યક્ષેત્ર અમારી હાજરીમાં જેટલું હતું તેના કરતાં ઉત્તરાધિકારીઓ દ્વારા બમણું થઈ ગયું છે. મારું કાર્ય હવે ધીરે ધીરે બીજી સમર્થ વ્યક્તિઓના ખભે જઈ રહ્યું છે, પણ મને વિશ્વાસ છે કે તે ઘટશે નહિ. ઋષિઓનાં જે કાર્યોને શરૂ કરવાની અને આગળ વધારવાની જવાબદારી મારા ઉપર છે તે ભવિષ્યમાં ઘટશે નહિ. પ્રજ્ઞા અવતારની અવતરણ વેળાએ તે મલ્યાવતારની જેમ વધતું – ફેલાતું જશે. ભલે મારું શરીર રહે કે ન રહે, પરંતુ મારું પરોક્ષ શરીર સતત ઋષિઓએ મને સોપેલું કાર્ય કરતું રહેશે.
“વાવો અને લણો” નો મંત્ર,
જેને મેં જીવનભર અપનાવ્યો હિમાલય યાત્રાથી હરિદ્વાર પાછા આવ્યા બાદ જ્યારે આશ્રમનું પ્રારંભિક સ્વરૂપ બનીને તૈયાર થયું ત્યારે તેના વિસ્તાર માટે સાધનોની જરૂરિયાત પડવા લાગી. સમયની વિષમતા એવી હતી કે તેની સામે લડવા માટે કેટલાંય સાધનો, વ્યક્તિઓ અને પરાક્રમોની જરૂર હતી. બે કામ કરવાનાં હતાં. એક સંઘર્ષ અને બીજું સર્જન. સંઘર્ષ એવી અવાંછનીયતાઓ સાથે, જે અત્યાર સુધીની સંચિત સભ્યતા, પ્રગતિ અને સંસ્કૃતિને ગળી જવા માટે મોં ફાડીને ઊભી છે. સર્જન એનું કરવાનું છે, જે ભવિષ્યને ઉજ્વળ અને સુખશાંતિથી ભરપૂર બનાવે. બંને કાર્યોનો પ્રયોગ સમગ્ર પૃથ્વી પર નિવાસ કરી રહેલ ૬૦૦ કરોડ મનુષ્યો માટે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી વિસ્તારનો ક્રમ અનાયાસ જ વધી જાય છે.
મારા પોતાના માટે મારે કશું જ કરવાનું ન હતું. પેટ ભરવા માટે જે સૃષ્ટાએ જીવજંતુઓ માટે પણ વ્યવસ્થા કરી છે, તે મને શા માટે ભૂખ્યો રાખશે? ભૂખ્યા ઊઠે છે બધા, પણ ખાલી પેટે કોઈ સૂતું નથી. આ વિશ્વાસે મારી વ્યક્તિગત ઈચ્છાઓને શરૂઆતમાં જ ખલાસ કરી નાંખી. નથી લોભે ક્યારેય સતાવ્યો, નથી મોહે. વાસના, તૃષ્ણા અને અહંકાર આમાંથી એક પણ ભવબંધનની જેમ બંધાઈને મારી પાછળ લાગી ન શક્યા. જે કરવાનું હતું તે ભગવાન માટે કરવાનું હતું. ગુરુદેવના આદેશ પ્રમાણે કરવાનું હતું. એમણે સંઘર્ષ અને સર્જનનાં બે જ કામ સોંપ્યાં હતાં. એ કાર્યો કરવાનો સદાય ઉત્સાહ રહ્યો. વેઠ ઉતારીને એ પૂરાં કરવાની કે ટાળવાની કદી ઈચ્છા નથી થઈ. જે કંઈ કરવું તે તત્પરતા અને તન્મયતાથી કરવું. આ ટેવ જન્મજાત દિવ્ય અનુદાનરૂપે મળી હતી અને આજ સુધી યથાવત્ રહી છે.
નવસર્જન માટે જે સાધનોની જરૂરિયાત હતી તે ક્યાંથી મળે? ક્યાંથી આવે ? આ પ્રશ્નના જવાબમાં મને માર્ગદર્શકે એક જ ઉપાય બતાવ્યો હતો કે “વાવો અને લણો.’ મકાઈ અને બાજરીનું એક બીજ જ્યારે છોડ બનીને ફાલે છે ત્યારે એક દાણાના બદલામાં સેંકડો દાણા મળે છે. દ્રૌપદીએ કોઈ સંતને પોતાની સાડી ફાડીને આપી હતી, જેમાંથી તેમણે લંગોટ બનાવીને પોતાનું કામ ચલાવ્યું હતું. એ સાડીનો ટુકડો વિપરીત સમયમાં એટલો બધો લાંબો થયો કે એ સાડીઓની પોટલી પોતાના માથા ઉપર ઉપાડીને ખુદ ભગવાનને દોડતા આવવું પડ્યું. “જે તારે મેળવવું છે, તેને વાવવાનું શરૂ કરી દે.” આ જ બીજમંત્ર મને બતાવવામાં આવ્યો અને મેં અપનાવ્યો. જેવો સંકેત કર્યો હતો તેવું જ તેનું ફળ પ્રાપ્ત થયું.
શરીર, બુદ્ધિ અને ભાવનાઓ પૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરની સાથે ભગવાન બધાને આપે છે. ધન સ્વઉપાર્જિત હોય છે. કોઈ પોતાના પુરુષાર્થથી કમાય છે તો કોઈ પૂર્વસંચિત સંપત્તિ વારસામાં મેળવે છે. હું કમાયો તો નહોતો, પણ વારસામાં ઘણું મળ્યું છે. આ બધાને વાવી દેવાની અને સમય આવ્યે લણી લેવા જેટલી ક્ષમતા હતી, આથી સમય ગુમાવ્યા વગર એ હેતુ માટે પોતાની જાતને લગાવી દીધી. રાત્રે ભગવાનનું ભજન કરી લેવું અને દિવસ દરમિયાન વિરાટ બ્રહ્મને માટે, વિશ્વમાનવો માટે શ્રમ અને સમયનો ઉપયોગ કરવો એવું શરીર સાધનાના રૂપમાં નક્કી કરવામાં આવ્યું.
મન દિવસ દરમિયાન જાગતાં જ નહિ, પરંતુ રાત્રે સ્વપ્નમાં પણ લોકમંગળની યોજનાઓ ઘડ્યા કરતું. મારા પોતાના માટે સગવડો અને સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા કદી થઈ નથી. મારી ભાવના હમેશાં વિરાટના કાર્યમાં લાગેલી રહી. પ્રેમ કદી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે નહિ, પણ આદર્શો સાથે કર્યો. પડેલાને ઊભો કરવામાં અને પછાતને ઊંચો લાવવાની ભાવનાઓ હમેશાં ઊઠતી રહી.
આ વિરાટને જ મેં મારો ભગવાન માન્યો. અર્જુનનાં દિવ્યચક્ષુઓએ આ જ વિરાટનાં દર્શન કર્યા હતાં. યશોદાએ કૃષ્ણના મુખમાં સૃષ્ટાનું આ જ વિરાટ સ્વરૂપ જોયું હતું. રામે પારણામાં પડ્યાં પડ્યાં માતા કૌશલ્યાને પોતાનું આ જ સ્વરૂપ બતાવ્યું હતું અને કાકભુશુડિ આ જ સ્વરૂપની ઝાંખી કરી ધન્ય બન્યો હતો. મેં પણ અમારી પાસે જે કાંઈ હતું તે આ વિરાટ બ્રહ્મને, વિશ્વમાનવને સોંપી દીધું. વાવવા માટે આનાથી વધારે ફળદ્રુપ ખેતર બીજું કોઈ હોઈ શકે જ નહિ. તે સમયાનુસાર ફૂલ્યુ-ફાલ્યું. અમારા કોઠારો ભરી દીધા. સોંપેલાં બંને કામો માટે જેટલાં સાધનોની જરૂર હતી તે તમામ આમાંથી જ ભેગાં થઈ ગયાં.
શરીર જન્મથી જ દુર્બળ હતું. શારીરિક રચનાની દષ્ટિએ તેને દુર્બળ કહી શકાય, પણ પ્રાણશક્તિ પ્રચંડ હતી. જુવાનીમાં શાક, ઘી, દૂધ વગર ૨૪ વર્ષ સુધી જવની રોટલી અને છાશનું સેવન કરતા રહેવાથી શરીર વધારે કૃશ બની ગયું હતું. પણ જ્યારે વાવવા અને કાપવાની વિદ્યા અપનાવી તો પંચોતેર વર્ષની આ ઉંમરે પણ તે એટલું સુદઢ છે કે થોડાક સમય પહેલાં એક માતેલા આખલાને માત્ર ખભાના સહારાથી જ ચિત કરી દીધો હતો અને તેને ભાગી જવું પડ્યું હતું.
બધા જાણે છે કે અનીતિ અને આતંક સાથે સંકળાયેલ એક ભાડૂતી હત્યારાએ એક વર્ષ પહેલાં પાંચ બોરની પિસ્તોલથી મારી ઉપર સતત ગોળીઓ છોડી હતી. તેની બધી જ ગોળીઓ નળીમાં જ રહી ગઈ. આ ભયથી એની પાસેની રિવોલ્વર ત્યાં જ પડી ગઈ. આથી તે છરાબાજી કરવા લાગ્યો. તે છરો મારવા મંડ્યો. લોહી વહેવા માંડ્યું, પણ શરીરમાં મારેલા તમામ છરા શરીરમાં ઊંડે ન ઊતરતાં ચામડી પર માત્ર ઘસરકા જ થયા. દાક્તરોએ ઘા ઉપર ટાંકા લઈ લીધા અને થોડાંક જ અઠવાડિયાંઓમાં શરીર હતું તેવું ને તેવું જ બની ગયું. આને કસોટીની ઘટના જ કહી શકાય. પાંચ બોરની ભરેલી રિવોલ્વર પણ કામ ન કરી શકી તેને પરીક્ષા નહિ તો બીજું શું કહી શકાય ? જાનવર કાપવાના છરાના બાર ઘાની માત્ર નિશાનીઓ જ રહી ગઈ. આક્રમણકર્તા પોતાના જ બોમ્બથી ઘાયલ થયો અને જેલમાં જઈ બેઠો. જેના આદેશથી એણે આ કામ કર્યું હતું તેને ફાંસીની સજા જાહેર કરવામાં આવી. અસુરતાનું આ આક્રમણ નિષ્ફળ ગયું. એક ઉચ્ચ કક્ષાના દેવી પ્રયાસને નિષ્ફળ બનાવી દેવાનું શક્ય ન બન્યું. મારનાર કરતાં બચાવનાર મહાન છે તે સાબિત થયું.
અત્યારે એકમાંથી પાંચ બનવાની સૂક્ષ્મીકરણ વિદ્યા ચાલી રહી છે. આથી ક્ષીણતા તો આવી છે, તો પણ બહારથી શરીર એવું છે કે એને જેટલા દિવસ ઈચ્છીએ ત્યાં સુધી જીવંત રાખી શકાય, પણ હું જાણી જોઈને એને આ જ સ્થિતિમાં રાખું નહિ, કારણ કે સૂક્ષ્મ શરીરથી વધારે કામ કરી શકાય છે, જ્યારે સ્થૂળ શરીર તેમાં અવરોધ ઊભો કરે છે.
શરીરની જીવનશક્તિ અસાધારણ રહી છે. તેના દ્વારા દસગણું કામ લેવામાં આવ્યું છે. શંકરાચાર્ય અને વિવેકાનંદ બત્રીસ – પાંત્રીસ વર્ષ સુધી જીવ્યા, પણ ૩૫૦વર્ષ જેટલું કામ કરી શક્યા. અમે ૭૫ વરસોમાં વિવિધ પ્રકારનાં એટલાં બધાં કામો કર્યા છે કે જો તેનું સરવૈયું કાઢવામાં આવે તો ૭૫૦ વર્ષોથી ઓછું કામ નહિ નીકળે. આ સમગ્ર સમય નવસર્જનની એક એકથી ચડિયાતી સફળ ભૂમિકા તૈયાર કરવામાં વપરાયો છે. ખાલી, નિષ્ક્રિય, નિપ્રયોજન ક્યારેય રહ્યો નથી.
બુદ્ધિને ભગવાનના ખેતરમાં વાવી અને તે અસાધારણ પ્રતિભા બનીને પ્રગટી. અત્યાર સુધીમાં લખેલું સાહિત્ય એટલું બધું છે, જે મારા શરીરના વજન કરતાં પણ વધી જાય. આ સમગ્ર સાહિત્ય ઉચ્ચ કોટિનું છે. આર્ષગ્રંથોના અનુવાદથી માંડીને પ્રજ્ઞાયુગની ભાવિ પૃષ્ઠભૂમિનું નિર્માણ કરનારું જ સાહિત્ય લખાયું છે. ઈ.સ.૨૦૦૦ સુધીનું સાહિત્ય અમે અત્યારથી જ લખીને મૂકી દીધું છે.
અધ્યાત્મને વિજ્ઞાન સાથે જોડવાની યોજના – કલ્પના તો ઘણાંના મનમાં હતી, પણ તેને કોઈ કાર્યાન્વિત ન કરી શક્યું. આ અશક્ય બાબતને શક્ય બનેલી જોવી હોય તો બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનમાં આવીને પોતાની જાતે જોવું જોઈએ, જે શક્યતાઓ સામે છે એને જોતાં કહી શકાય છે કે ભવિષ્યમાં અધ્યાત્મની રૂપરેખા વિશુદ્ધ વિજ્ઞાનપરક બનીને રહેશે.
નાના નાના દેશો પોતાની પંચવર્ષીય યોજના બનાવવા માટે આકાશ પાતાળ એક કરતા હોય છે, પણ સમગ્ર વિશ્વના કાયાકલ્પની યોજનાનું ચિંતન અને એ પ્રમાણેનું કાર્ય જે રીતે શાંતિકુંજના તત્ત્વાવધાનમાં ચાલી રહ્યું છે તેને એક જ શબ્દમાં જો કહેવું હોય તો અદ્ભુત અને અનુપમ કહી શકાય.
મેં મારી ભાવનાઓ પછાતો માટે સમર્પિત કરી છે. ભગવાન શિવે પણ આ જ કર્યું હતું. તેમની સાથે ચિત્રવિચિત્ર સમુદાય(ભૂતપ્રેત)રહેતો હતો અને સાપ સુધ્ધાંને તેઓ ગળે લગાડતા હતા. આ માર્ગ ઉપર હું પણ ચાલતો રહ્યો છું. મારી ઉપર ગોળી ચલાવનારને પકડવા માટે જેઓ દોડી રહ્યા હતા, પોલીસ પણ દોડી રહી હતી. એ બધાંને મેં પાછા બોલાવી લીધા અને ગુનેગારને નાસી જવા માટે તક આપી, જીવનમાં આવા અનેક પ્રસંગો આવ્યા છે, જ્યારે પ્રતિપક્ષી પોતાના તરફથી કંઈ કમી ન રહેવા દે તો પણ હસવા અને હસાવવારૂપે પ્રતિદાન મેળવતા રહે છે.
અમે જેટલો પ્રેમ લોકોને કર્યો છે તેનાથી સોગણી સંખ્યા અને માત્રામાં લોકો અમારા ઉપર પ્રેમ વરસાવતા રહ્યા છે. અમારા નિર્દેશો પ્રમાણે ચાલી રહ્યા છે અને ખોટ તથા કષ્ટ સહન કરવામાં પણ ક્યારેય પાછીપાની કરતા નથી. થોડાક સમય પૂર્વે પ્રજ્ઞા સંસ્થાનો બનાવવાનો આદેશ સ્વજનોને આપ્યો. બે જ વર્ષની અંદર ૨૪૦૦ ગાયત્રી શક્તિપીઠો બનીને તૈયાર થઈ ગઈ અને એમાં લાખો રૂપિયાની રકમ ખર્ચાઈ. ઈમારત વગરનાં ૧૨ હજાર સંસ્થાનો બન્યાં તે તો અલગ. ખંજરના ઘા વાગ્યા તો સહાનુભૂતિમાં સ્વજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, જાણે મનુષ્યોની આંધી આવી ! એમાંના દરેક જણ બદલો લેવા માટે આતુર હતા. મેં અને માતાજીએ આ બધાંને પ્રેમથી બીજી દિશામાં વાળી દીધા. આ જ મારા પ્રત્યેના પ્રેમની સઘન આત્મીયતાની અભિવ્યક્તિ છે.
મેં જીવનભર પ્રેમ ખરીદ્યો, વેર્યો અને વહેંચ્યો છે. આનો એક નમૂનો મારી ધર્મપત્ની છે, જેમને હું માતાજી કહીને સંબોધિત કરું છું. તેમની ભાવના વાંચીને કોઈ પણ સમજી શકે છે. તેઓ કાયા અને છાયાની જેમ મારી સાથે રહ્યાં છે અને પ્રાણ એક પણ શરીર બેની જેમ મારા દરેક કાર્યમાં દરેક પળે સાથ આપતાં રહ્યાં છે.
પશુ-પક્ષીઓનો પ્રેમ પણ અમે મેળવ્યો છે કે જેઓ સ્વજન અને સહચરની જેમ અમારી આગળ પાછળ ફરતાં રહ્યાં છે. લોકોએ આશ્ચર્યથી જોયું છે કે સામાન્ય રીતે જે પ્રાણીઓ મનુષ્યથી દૂર રહે છે, તે પણ અહીં તો આવીને ખોળામાં, ખભા ઉપર બેસી જાય છે. પાછળ પાછળ ફરે છે અને છાનાંમાનાં આવીને પથારીમાં સૂઈ જાય છે. આવાં દૃશ્યો હજારોએ હજારોની સંખ્યામાં જોયાં છે અને અચંબામાં પડી ગયા છે. આ બીજું કંઈ જ નહતું, ફક્ત પ્રેમનો પડઘો હતો.
ધનની અમને અવારનવાર ખૂબ જરૂરિયાત પડતી રહે છે. ગાયત્રી તપોભૂમિ, શાંતિકુંજ અને બ્રહ્મવર્ચસની ઈમારતો કરોડો રૂપિયાની કિંમતની છે. મનુષ્યની આગળ હાથ ન ફેલાવવાના વ્રતનું પાલન કરતાં કરતાં અચાનક જ આ બધી જરૂરિયાતો પૂરી થઈ છે. સંપૂર્ણ જીવનદાન આપીને કામ કરનારાઓની સંખ્યા એક હજારથી વધારે છે. તેમની આજીવિકાની બ્રાહ્મણોચિત વ્યવસ્થા બરાબર ચાલતી રહે છે. પ્રેસ, પ્રકાશન, પ્રચારમાં સંલગ્ન જીપગાડીઓ તથા એ સિવાયના અન્ય ખર્ચાઓ એવા છે કે જે સમયાનુસાર મુશ્કેલી વગર નીકળતા રહે છે. આ સફળતા અમારી પાસેની એકેએક પાઈને ભગવાનના ખેતરમાં વાવી દીધા પછીની આ ફસલ છે. આ ફસલ માટે મને ગૌરવ છે. અમારી જમીન-જાગીરમાંથી જે રકમ પ્રાપ્ત થઈ તે ગાયત્રી તપોભૂમિના નિર્માણમાં વાપરી નાખી. પૂર્વજોની જમીન કોઈ કુટુંબીજનોને ન આપતાં તેને એક હાઈસ્કૂલ અને હોસ્પિટલ બનાવવામાં આપી દીધી. હું વ્યક્તિગત રીતે ખાલી હાથ છું, પણ બધી યોજનાઓ એવી રીતે ચલાવું છું કે લાખોપતિ અને કરોડપતિઓ માટે પણ શક્ય નથી. આ બધું અમારા માર્ગદર્શકના એ સૂત્રથી શક્ય બન્યું છે, જેમાં એમણે કહ્યું હતું, “જમા ન કરીશ, વેરી નાખ, વાવો અને લણો.” સઘ્રવૃત્તિઓનો ઉદ્યાન જે પ્રજ્ઞા પરિવારરૂપે લહેરાતો દેખાઈ રહ્યો છે, તેની પૃષ્ઠભૂમિ આ સૂત્ર સંકેતના આધારે જ બની છે.
પ્રતિભાવો