રાજનૈતિક પરિસ્થિતિઓ બદલાશે.

રાજનૈતિક પરિસ્થિતિઓ બદલાશે.  :  રાજનીતિજ્ઞો સામે પડકાર છે કે તેઓ ક્ષેત્રવાદથી દૂર રહે. સમગ્ર વિશ્વને એક રાષ્ટ્ર બનાવવાની વાત વિચારે. આપણો પોતાનો પ્રદેશ તેમાં ક્યાં હશે તેનો વિચાર ના કરે. એ જોવું જરૂરી છે કે શાસન કેવા લોકોના હાથમાં છે. એના માટે કસોટી નક્કી કરવી જોઈએ. જે લોકો શાસન કરવા યોગ્ય હોય તેમને જ જવાબદારી સોંપવી જોઈએ.

આજની ખર્ચાળ અને પ્રોપેગેન્ડા પર આધારિત ચૂંટણી પદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે કે જેથી સમજદાર અને જવાબદાર લોકો રાજ તંત્રમાં જઈ શકે. બીજા બધા લોકોને સ્થાનિક પંચાયત કક્ષાની સમિતિઓ બનાવવાનો હક ભલે મળે, પરંતુ મોટી જવાબદારી લેનારા લોકોને વોટ આપવાની યોગ્યતા નક્કી કરવી જોઈએ. બહુમતી જરૂરી નથી. ભલે ઓછા મત મળ્યા હોય, છતાં જે વિચારશીલ હોય એવા લોકોએ શાસન તંત્રમાં જવું જોઈએ. એના માટે ચૂંટણીનો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. સરકારે જ એવી વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો જનતા તેનો ખર્ચ ભોગવે.

પાર્ટીઓ ચૂંટણી લડે એના બદલે સારું તો એ છે કે દેશમાં એક જ પ્રજા પાર્ટી રહે અને તેણે ચૂંટેલા વિદ્વાન લોકો જ શાસન તંત્ર ચલાવે. મહત્વના પદો પર ભરતી કરવા માટે પરીક્ષા પાસ કરવી જ પૂરતી નથી, પરંતુ ઉમેદવારને તેની પ્રતિભા, યોગ્યતા તથા ઈમાનદારીની કસોટીથી ચકાસવો જોઈએ. પછી જ તેને કોઈ પદ પર નિયુક્ત કરવો જોઈએ.

આજની સ્થિતિમાં રાજનૈતિક ક્ષેત્રમાં ઉપરના ત્રણેય પ્રકારના પરિર્વતનો જરૂરી છે. દૈવીશકિતઓ તેના માટે અનુકૂળતા ઊભી કરશે. લોકો પોતે જ તે તરફ વળતા જોવા મળશે. એમાં રાજનૈતિક ક્ષેત્રને પ્રભાવિત કરનારા વિદ્વાનો તથા અર્થશાસ્ત્રીઓ નવા તથા પ્રૌઢ વિચાર આપશે.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૮૪, પૃ.૧૪

રાજશકિત જ નહિ, દર્શન પણ જરૂરી

રાજશકિત જ નહિ, દર્શન પણ જરૂરી  :  આજે આપણા દેશ અને લોકોમાં જે નિર્બળતાઓ છે તેમને દૂર કરવા માટે રાજ તંત્ર પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે દાર્શનિક પ્રયત્નો પણ થવા જોઈએ. એકલી રાજનીતિથી ક્ષણિક તથા આંશિક સફળતા મળી શકે છે. પ્રજાને જેવી બનાવવી હોય તેને અનુરૂપ તેના અંતઃકરણનું નિર્માણ કરવું પડશે, તો જ રાજ તંત્રના પ્રયત્નો સફળ થશે. પોલીસ અને લશ્કર તથા ઈશ્વરની સર્વવ્યાપકતાનો વિશ્વાસ જ તે દૂષણોને દૂર કરી શકે છે. કરવેરા નાખીને અથવા ફરજ પાડીને લોકોના ધન અને સમયને લોકહિત માટે પ્રાપ્ત કરી શકાતા નથી. તે તો દાન, ત્યાગ, સેવા, પરમાર્થ, પરોપકાર, સ્વર્ગ તથા મુકિતની શ્રદ્ધાના આધારે જ થઈ શકે છે. માત્ર વહીવટના જોરે નહિ, પરંતુ દેશ ભકિત અને કર્તવ્યની ભાવનાના આધારે પ્રજા રાજ્યની ઇચ્છા પ્રમાણે ચાલે છે. આ તત્વોને વિકસિત, ઉન્નત તથા મજબૂત કરવા માટે તત્વજ્ઞાન જરૂરી છે.

આપણા દેશના કર્મઠ કાર્યકર્તાઓ, સુયોગ્ય વિચારકો, દેશ ભક્તો, લોક સેવકો તથા ધર્મ પ્રેમી લોકો ફકત રાજનીતિની મહત્તાનો જ અનુભવ કરે છે અને રાજનૈતિક અધિકારો પ્રાપ્ત કરવા માટે, પોતાની માગણીઓ પૂરી કરાવવા માટે તથા પોતાની ઇચ્છા પ્રમાણેના કાયદા બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. તેઓ એ ભૂલી જાય છે કે રાજ શકિત એકમાત્ર શકિત નથી. લોક કલ્યાણ માટે એક બીજી પણ શકિત છે, જે રાજ તંત્ર કરતા પણ વધારે મહત્વની છે અને તે છે દર્શન. તેના દ્વારા એવું કાર્ય કરી શકાય છે, જેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે અને તેની ઉપર ઉત્થાન તથા પતનનો આધાર રહેલો છે. દશરથ રાજાને વશિષ્ઠ માર્ગદર્શન આપતા હતા. દસેય દિશાઓ જેનો રથ છે તેવી માનવ સભ્યતાનું માર્ગદર્શન શિષ્ટ એવા વસિષ્ઠના તત્વ જ્ઞાનનો આધાર લીધા વગર થઈ શકે નહિ. એ માટે જે લોકો રાજનીતિને યોગ્ય હોય તેમણે રાજનીતિમાં જવું જોઈએ અને બાકીના બધાએ તત્વજ્ઞાનના પ્રચાર પ્રસારમાં લાગી જવું જોઈએ. ભગવાનનું અસ્ત્ર સુદર્શન છે. દેવ શકિત ઓ તથા સંસારના સુખ શાંતિનો રક્ષક પણ સુદર્શન જ છે.

આવો, પ્રાચીન દર્શનનો તથા સંસ્કૃતિનો ફરીથી ફેલાવો કરીએ, જેથી સમગ્ર સંસારમાં સુખ શાંતિની સ્થાપના થાય અને ધરતી પર ફરીથી સ્વર્ગ જેવાં દૃશ્યો જોવા મળે.

-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૪૭, પૃ.૧૧,૧ર.

%d bloggers like this: