શક્તિ ભંડાર સાથે પોતાને જોડો, જન્મશતાબ્દી પુસ્તકમાળા – ૨૧

શક્તિ ભંડાર સાથે પોતાને જોડો,    (પ્રવચન)     પં. શ્રીરામ શર્મા આચાર્ય

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

મનુષ્યની સામાન્ય શક્તિ મર્યાદિત હોય છે. પ્રત્યેક પ્રાણીને ભગવાને એટલું આપ્યું છે કે જેના દ્વારા તે પોતાનું જીવન ગુજારી શકે. કીડી મંકોડા અને પશુપક્ષીઓને ફક્ત એટલું જ્ઞાન, સાધનો, શક્તિ અને ઇન્દ્રિયો મળી છે કે જેનાથી તેઓ પોતાનું પેટ ભરી શકે અને પ્રકૃતિની ઈચ્છા પૂરી કરવા બચ્ચાં પેદા કરી શકે. તેમની પાસે એનાથી વધારે કશું જ નથી, પરંતુ તમારી પાસે ઘણું બધું છે. એના કરતાં વધારે મેળવવું હોય, જાણવું હોય, તો તમારે એ જગ્યાએ જવું પડશે, જ્યાં શક્તિના ભંડાર ભરેલા છે. એક જગ્યા એવી છે, જ્યાં બહુ શક્તિ ભરેલી છે, સંપત્તિનો તોટો નથી, સમૃદ્ધિનો પાર નથી. આખા વિશ્વનો માલિક કોણ? ભગવાન. આ માલ સામાન તેમનો છે. એનાથી એમણે આ દુનિયા બનાવી છે. અહીં તમે જે જુઓ છો એ ભગવાનના ભંડારનો એક નાનો ચમત્કાર છે. પૃથ્વી સિવાય બીજા લોક પણ છે. એ બધા લોકમાં પણ ભગવાનના ભંડાર ભરેલા છે. ભગવાન બહુ માલદાર છે. તમને જો સંપત્તિની, સફળતાની, વિભૂતિની જરૂર હોય તો તમારો પુરુષાર્થ ભગવાનના કામમાં વાપરો. એ પુરુષાર્થરૂપી ખર્ચ દ્વારા ભગવાન સાથે તમારો સંબંધ જોડી લો. એમની સાથે જોડાવામાં જો તમે સમર્થ બન્યા તો એ તમારા જીવનનો સૌથી મોટો પુરુષાર્થ કહેવાશે. જો તમે ભગવાન સાથે સંબંધ જોડશો તો તમારું જીવન ધન્ય બની જશે.

માલદાર માણસ સાથે સંબંધ જોડવાથી કેટલો લાભ છે! લાલબહાદુર શાસ્ત્રી કદમાં ઠીંગણા માણસ હતા, પરંતુ પંડિત નહેરુ સાથે એમણે ગાઢ સંબંધ બાંધ્યો હતો. એના લીધે તેઓ એમ.પી. બન્યા. એમની મદદથી તેઓ યુ.પી.ના મિનિસ્ટર પણ બન્યા અને જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી તેઓ વડાપ્રધાન પણ બન્યા. લાલબહાદુર શાસ્ત્રી શાનદાર હતા. એમના પુરુષાર્થનું એટલું ફળ ન હતું કે જેટલું નહેરુની મદદનું હતું. નહેરુની નજરમાં લાલબહાદુરની ઇજ્જત વસી ગઈ હતી. એમણે જોયું કે આ માણસ ખૂબ ઉપયોગી છે. એને મદદ કરવી જોઈએ. આ જ વાત બધે લાગુ પડે છે. ભગવાન એક સર્વશક્તિમાન સત્તા છે. એમની સાથે જો તમે સંબંધ જોડી લો તો તમારી સમૃદ્ધિ અપરંપાર થઈ જશે. તમે જલારામબાપાની જેમ સંપન્ન બની જશો. તમે સુદામાની જેમ માલદાર બની શકો છો, વિભીષણ અને સુગ્રીવની જેમ મુસીબતોથી બચીને ખોયેલું સામ્રાજ્ય પાછું મેળવી શકો છો. નરસિંહ મહેતાની જેમ તમારી પર હુંડી વરસી શકે છે. અહીં કોઈ પણ પ્રકારની કમી નથી. તમને એટલા માટે અહીં બોલાવ્યા છે કે તમે ભગવાન સાથે સંબંધ બાંધી લો. તમે જે પૂજા, ઉપાસના અને ભજન કરો છો એનો મતલબ એ થયો કે તમે આ માધ્યમો દ્વારા ભગવાન સાથે તમારો સંબંધ જોડી લો. એક ગરીબ છોકરીનું લગ્ન માલદાર પતિ સાથે થઈ જાય તો એ બીજા દિવસથી જ એ સંપત્તિની માલિક બની જાય છે, કારણ કે એણે પતિ સાથે સંબંધ જોડી દીધો છે.

સંબંધ જોડવા માટે શું કરવું પડે? એના વિશે જ હું તમને કહેવા માગું છું. સંબંધ જોડવામાં લાંચ આપવી પડશે, ખુશામત કરવી પડશે એ ખ્યાલ તમારા મનમાંથી કાઢી નાખો. એવો વિચાર પણ ના કરશો કે મીઠી વાતો કરીને, ખુશામત કરીને ચાલીસા કે પાઠ કરીને ભગવાનને આપણા બનાવી દઈશું. ભગવાન સાથે ભાગીદારી કરવામાં વિશ્વાસ રાખજો. ભગવાન તમારી જુબાનને નહિ, તમારી દાનતને જુએ છે, દષ્ટિકોણને જુએ છે, ચરિત્રને જુએ છે. તમારા ચિંતનને અને તમારી ભાવનાને જુએ છે. જો તમે આમાં કંગાળ હશો, તો તમારા કર્મકાંડની બહુ અસર થશે નહિ. તમે જાણો છો ને કે એવા કેટલાય પંડિતો છે, જે બધા પ્રકારનાં વિધિવિધાન અને કર્મકાંડ જાણે છે, છતાં પણ તેઓ દરિદ્ર હોય છે. તમે જોયું છે કે સાધુ, મહાત્મા જપ કરે છે, પૂજાપાઠ કરે છે, સ્નાન કરે છે, ધ્યાન ધરે છે, તીર્થયાત્રા કરે છે, પરંતુ એમની દાનત, ભાવના અને દૃષ્ટિકોણ શ્રેષ્ઠ ન હોય, વ્યક્તિત્વ ઊંચું ન હોય, અંતઃકરણ સાફ ન હોય, તો લાલ પીળાં કપડાં પહેરે એને એક પ્રકારનો આડંબર કહેવાય. જે નિત્યકર્મ તેઓ કરે છે એ પણ બેકાર જાય છે અને સામાન્ય માણસ કરતાં પણ ગઈ ગુજરી જિંદગી જીવે છે.

ભગવાનની કૃપા એમને ક્યાં મળે છે? ભગવાનને મેળવવાનો સાચો રસ્તો તમારે જાણવો જ જોઈએ. એના માટે તમારે શું કરવું પડશે? ભગવાન સાથે જોડવું પડશે. ભગવાન સાથે જોડાઈ જવું એને જ ઉપાસના કહે છે. ઉપાસનાનો અર્થ છે પાસે બેસવું. ભગવાન સાથે કેવી રીતે જોડાઈ જવું એનાં થોડાં ઉદાહરણ આપું છું. તમે અગ્નિમાં લાકડાને સમર્પિત થતાં જોયું છે ને? લાકડાની કિંમત કોડીની છે, પણ તે અગ્નિને સમર્પિત થઈ જાય છે તો જોતજોતામાં અગ્નિ બની જાય છે, ત્યારે આપણે એને અડકી શકતા નથી. જે ગુણ અગ્નિમાં છે તે ગુણ લાકડામાં આવી જાય છે. એ જ રીતે વ્યક્તિ અર્થાત જીવાત્મા પરમાત્મા સાથે મળી જાય તો પરમાત્માના ગુણ વ્યક્તિમાં ઊતરી આવે છે. એના માટે શું કરવું પડે? તમે ભગવાનની નજીક આવો. નજીક આવવાનો એક જ રસ્તો છે – આપણી જાતને ભગવાનને સોંપી દેવી. ભગવાનની મરજી પ્રમાણે જીવન જીવવાનું.

વ્યક્તિ જ્યારે પરમાત્મામાં ભળી જાય છે તો એ પરમાત્મામય બની જાય છે. તમારી અને મારી ઇચ્છા હોય કે આપણે ભગવાન સાથે ભળી જઈએ, તો આપણે આપણી ઇચ્છાઓ એમને સોંપી દેવી પડશે. આપણી ઇચ્છા પ્રમાણે ભગવાનને નહિ નચાવીએ, પણ આપણે ભગવાનની મરજી મુજબ ચાલીશું. એનું નામ સમર્પણ છે, વિલય અને વિસર્જન છે, એનું નામ જ શરણાગતિ છે. ઉપાસનાનું તત્ત્વજ્ઞાન એના પર ટકેલું છે કે તમે ભગવાનના અનુયાયી છો કે નહિ, એમનું અનુશાસન માનો છો કે નહિ, ભગવાનની ઇચ્છા મુજબ ચાલો છો કે નહિ.

તમારી એ માન્યતા બરાબર નથી કે તમે તમારી મરજી પ્રમાણે ભગવાનને ચલાવો. ભગવાન તમારી મરજી પ્રમાણે શા માટે ચાલે? ભગવાનના પોતાના પણ કેટલાક નીતિનિયમો છે, મર્યાદાઓ છે, કાયદાઓ છે. તમારી પ્રશંસાને કારણે તમારી મનોકામના પૂરી કરવા કરવા માટે ભગવાન એમના નીતિનિયમો છોડી દેશે? મર્યાદા અને કાયદા કાનૂન છોડી દેશે ? ના, ભગવાન એવું નહિ કરી શકે. તમે તમારી જાતને એમને સોંપી દો. પછી જુઓ તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો? નાનું સરખું વરસાદનું ટીપું સમુદ્રમાં પડે છે અને પોતાના અસ્તિત્વનું સમુદ્રમાં વિસર્જન કરી દે છે, તો તે સમુદ્ર બની જાય છે. ગંગામાં ભળી જતી ગંદી ગટરો ગંગાજળ બની જાય છે. આ કેવી રીતે બની ગયું? ગટરે પોતાની જાતને સમર્પિત કરી દીધી.

પારસ લોખંડને અડકે તો સોનું બની જાય છે એ તમે સાંભળ્યું હશે. જો લોખંડ પારસને એમ કહે કે તમે લોખંડ બની જાઓ, તો પારસ લોખંડ બની શકતો નથી. લોખંડે જ બદલાવું પડે છે. ચંદનનાં વૃક્ષો પાસે ઉગેલા છોડ ચંદન પાસેથી સુગંધ લઈ ચંદન જેવા બની જાય છે, પણ તમે તો એવું વિચારો છો કે ચંદને જ આપણા જેવા બની જવું જોઈએ, પરંતુ ચંદન તમારા જેવું બની શકતું નથી. નાના છોડે જ ચંદન જેવા સુગંધીદાર બનવું પડે છે. તમે ભગવાનની સાથે વેલની જેમ લપેટાઈ જાઓ. વેલને તમે જોઈ છે ને? તે વૃક્ષ સાથે લપેટાઈ જાય છે અને વૃક્ષ જેટલું ઊંચું હોય છે એટલી વેલ પણ ઊંચી થઈ જાય છે. જો વેલ પોતાની મરજી પ્રમાણે ફેલાતી રહે તો ફક્ત જમીન ઉપર જ પથરાઈ શકે. સહારા વિના ઊંચે ચઢવું એના માટે શક્ય જ નથી. તમે પણ ભગવાન સાથે ભળી જાઓ, પછી જુઓ કે તમારી ઊંચાઈ પણ ઝાડ સાથે લપેટાયેલી વેલ જેટલી થઈ જશે. એમના અનુશાસનનું પાલન કરો. એમની ઇચ્છા પ્રમાણે ચાલો, પછી જુઓ ભગવાનની કમાલ. પતંગ પોતાની જાતને બાળકના હાથમાં સોંપી દે છે. બાળકના હાથમાં પતંગનો દોરો હોય છે, જેને ઝટકા મારી મારીને પતંગને આકાશમાં પહોંચાડી દે છે. પતંગ જો પોતાનો દોરો બાળકના હવાલે ન કરે તો એણે જમીન ઉપર જ પડી રહેવું પડે.

તમે તમારા જીવનની દોરી ભગવાનના હાથમાં ન સોંપો, તો પતંગની જેમ આકાશમાં ઊડવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? દર્પણ સામે જેવી વસ્તુ હોય એવું એનું પ્રતિબિંબ દેખાય છે. તમારા જીવનમાં પણ દોષ, દુર્ગણ અને મનોવિકારો ભરેલા છે, એટલે તમારું દર્પણ પણ, માનસિક સ્તર પણ એવો જ બની ગયો છે, પરંતુ જો તમે ભગવાનને તમારી સમક્ષ રાખશો, તેમની નજીક જશો તો પછી જુઓ કે તમારા જીવનમાં પણ ભગવાનનો દિવ્યપ્રકાશ, ભગવાનની શક્તિ તમને પ્રાપ્ત થશે. બંસરી પોતાને પોલી અને ખાલી કરી દે છે. પોલી અને ખાલી થઈ ગયા પછી એ વગાડનાર પાસે જાય છે અને કહે છે કે તમે મને વગાડો, તમે જે કહેશો એ હું ગાઈશ. વગાડનાર ફૂંક માર્યા કરે છે અને વાંસળી વાગે છે. ભગવાનને ફૂંક મારવા દો અને તમે વગડાવવા તૈયાર થઈ જાઓ.

કઠપૂતળીના દોરા એના ચાલકના હાથમાં હોય છે. ચાલકની આંગળીઓના ઈશારે કઠપૂતળી વગર કહે નાચવાનું શરૂ કરી દે છે. દુનિયા જુએ છે કે કઠપૂતળીનો ડાન્સ કેટલો સરસ છે. આ કઠપૂતળીની જેમ જો તમે ભગવાનના હાથમાં તમારી જિંદગીરૂપી દોરી સોંપી દેશો તો જીવનમાં મજા આવી જશે. તમે જનરેટર સાથે જોડાઈ જાઓ તો જ બલ્બ સળગશે, પંખા ચાલશે. તમે ભગવાનની વાત સાંભળો નહિ, તેમની સાથે જોડાશો નહિ, તો જ્યાં છો ત્યાં જ પડી રહેશો. તમારી કિંમત કશું નહિ રહે. તમે પ્રકાશ આપી શકશો નહિં. અનંત શક્તિ સાથે જોડાશો તો તમે ખૂબ કમાલ કરી. શકશો. એટલે માણસની મોટામાં મોટી સમજદારી એ છે કે પોતાની જાતને ભગવાન સાથે જોડી દે. એમની શક્તિ જોડે પોતાની સત્તાને જોડી દે. આ કામ જરા પણ અઘરું નથી. નળ પાણીની ટાંકી સાથે જોડાઈ જાય છે, તો પાણી મળ્યા કરે છે. નળ એકલો કશા કામનો હોતો નથી, પરંતુ જ્યારે તે ટાંકી સાથે સંબંધ બાંધી લે છે તો એની કિંમત વધી જાય છે.

થોડાક સમય માટે હોય તો પણ શું? જો તમે સાચા મનથી, એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈ રહો, તો ભગવાનની જે સંપત્તિ છે, જે વિભૂતિ છે તે ભક્તની બની જાય છે, પરંતુ તમારે તમારું સમર્પણ કરવું પડે છે. બીજ બનવું પડશે. એ બીજ ભગવાનના ખેતરમાં વાવવું પડશે, પછી કેવો પાક તૈયાર થાય છે? મકાઈનો એક દાણો ખેતરમાં વાવો છો અને છોડ ઊગે છે. એ છોડ પર અનેક ડોડા લાગે છે. એ ડોડામાં કેટલા બધા દાણા હોય છે. એક દાણાના સેંકડો દાણા થઈ જાય છે. એવી જ રીતે તમે તમારી જાતને ભગવાનના ખેતરમાં વાવો અને અંકુરિત થવા દો. પછી જુઓ તમારી સ્થિતિ કેવી થઈ જાય છે અને તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો. તમે હિંમત નહિ કરો, બીજને આખી જિંદગી પોટલીમાં બાંધી રાખશો અને આશા રાખો કે જમીન અમારાં ખેતરોને લહેરાવી દે અને અમારે ઓગળવું ન પડે તો એવું શક્ય છે ખરું?

તમને ખબર છે ને કે ભગવાન પહેલાં ભક્ત પાસે માગે છે. પહેલાં હાથ ધરે છે પછી આપવાની વાત કરે છે. એમના હાથમાં તમે કશું નહિ મૂકો તો તમે શું મેળવી શકશો? કંકુ, ચોખા ચઢાવી અને અગરબત્તી કરીને તમે ભગવાનને ખરીદી શકતા નથી. પૂજાપાઠ કરીને ભગવાનની કક્ષાના અધિકારી નહિ બની શકો. તો પછી શું કરવું પડે ? તમારે તમારો દૃષ્ટિકોણ, ચિંતન અને ચરિત્ર, ભાવના અને લક્ષ્ય બધું જ ભગવાનની સાથે જોડવું પડશે. જ્યારે તમે આવું કરવા તૈયાર થશો તે દિવસે ભગવાનની કૃપા તમને આપમેળે મળી જશે. ભગવાનની ઇચ્છા તમે પૂરી કરો, પછી તમને બધું મળે છે કે નહિ એ જુઓ. ભગવાન તમારી દાનત જુએ છે. સુદામાએ પહેલાં પૌઆની પોટલી આપી, પછી ભગવાને સુદામાને ન્યાલ કરી દીધા. શબરી પાસે ભગવાન ગયા હતા, તો સોનું, ચાંદી કે હીરામોતી લઈને ગયા ન હતા. તેઓ માગવા ગયા હતા. કહ્યું કે હું ભૂખ્યો છું, કશુંક ખાવાનું આપો. શબરી પાસે એઠાં બોર હતાં. જે કંઈ હતું એ બધું ભગવાનને આપી દીધું. ભગવાન ગોપીઓ પાસે ગયા હતા. ગોપીઓને ભગવાન પ્રેમ કરતા હતા. એમને પૂછતા કે મારા માટે શું લાવ્યાં છો? કશું ન હોય તો છાશ પણ આપો. ભગવાન કર્ણ પાસે પણ ગયા હતા. બલિ પાસે પણ માગવા ગયા હતા. ભગવાન જ્યાં પણ જાય છે ત્યાં મનુષ્યની પાત્રતા પરખવા માટે, એની મહાનતાને વિકસાવવા માટે પહેલાં માગે છે. જો તમે બધું જ ભગવાનને હવાલે નહિ કરો, તો ભગવાનને તમે તમારા નહિ બનાવી શકો.

ભગવાનની ભક્તિ તમે કોને કહો છો ? સમર્પણને, પરંતુ તમે તો એમને કઠપૂતળીની જેમ નચાવવામાં અને ભક્તિના બદલામાં ઉચિત કે અનુચિત ફાયદો મેળવવામાં માનો છો. તમે તમારી ભક્તિની આ વ્યાખ્યા બદલો. ભક્તિ એટલે સમર્પણ. સમર્પણ કરો તો જ ભગવાનની કૃપા અને પ્રેમ મેળવી શકો. એના માટે શું કરવું પડે? તમે ભગવાનની ઇચ્છા પ્રમાણે ચાલવા તૈયાર થઈ જાઓ. ભગવાને તમને મનુષ્યનું શરીર આપ્યું છે એના આધારે તમે ઘણું બધું કરી શકો છો. તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારી પાસે કોઈ કમી નથી. તમારા હાથ કેટલા શક્તિશાળી છે. તમારામાં કેટલી બધી બુદ્ધિ છે ! તમારી આંખો અને જીભ કેટલી તેજ છે ! તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવાની ભગવાન પાસે અપેક્ષા ન રાખશો. તમે જે પુરુષાર્થથી કમાઓ છો એનાથી સંતોષ માનો. તમે તમારી ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા ભગવાનને મજબૂર કરશો? તેઓ એમના કર્તવ્યને છોડી દે અને તમારા માટે પક્ષપાત કરવા તૈયાર થાય એવું બની શકે નહિ. ભગવાનને ન્યાયના માર્ગ પર ચાલવા દો. જો કે તમે આવું ઇચ્છશો તો પણ ભગવાન એવું નહિ કરે.

એનો એક જ રસ્તો છે કે તમે એ શક્તિભંડાર સાથે જોડાઈ જાઓ. તમે એમની ઈચ્છા પ્રમાણે ચાલો. તમે તમારી ઈચ્છાઓને ખતમ કરી દો. તમે એમના બની જાઓ. તમે ભગવાનના બની જશો, તો ભગવાન પણ તમારા બની જશે. રાજા હરિશ્ચંદ્ર સત્ય માટે એકવાર વેચાયા હતા, ભગવાન પણ વેચાવા માટે ચૌટે ઊભા છે. કહે છે કે જે મને ખરીદશે એની સેવા કરીશ, એમની સાથે રહીશ. તમે ઇચ્છો તો ખરીદી શકો છો. શું કિંમત છે એમની? તમે પહેલાં ભગવાનના હાથોમાં વેચાઈ જાઓ, પછી ભગવાનને તમે ખરીદી લો. સ્ત્રી પોતાના પતિને સમર્પિત થઈ જાય છે અને એના બદલામાં એ પતિને ખરીદી લે છે. બસ, આ જ દોસ્તી અને ભક્તિનો રસ્તો છે. તમે તમારા ખરાબ ચિંતનને બદલો, દૃષ્ટિકોણ વિશાળ બનાવો. લોભ અને લાલચને છોડી દો. ભગવાનની સુંદર દુનિયાને સજાવવા માટે, શાનદાર બનાવવા માટે એમના રાજકુમારની જેમ એમની સંપત્તિની રક્ષા કરો. દુનિયાને શ્રેષ્ઠ બનાવવા તનતોડ મહેનત કરો. તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ. એમનું શરણું ગ્રહણ કરો, એમનામાં વિલીન થઈ જાઓ. બીજની જેમ ઓગળી જાઓ. વૃક્ષની જેમ ઊગવા તૈયાર થઈ જાઓ. જો તમે ત્યાગ નહિ કરો, તો પ્રાપ્ત કેવી રીતે કરી શકશો? જપ કરવા જરૂરી છે, પણ એકલા જપથી કામ નહિ ચાલે. એના માટે તમારા વિચારોને તથા દૃષ્ટિકોણને બદલો. ૐ શાંતિઃ

સાધનાની શ્રેષ્ઠતમ પ્રાપ્તિઃ સમર્પણ

સાધનાની શ્રેષ્ઠતમ પ્રાપ્તિ સમર્પણ, શક્તિભંડાર સાથે – પોતાને જોડો જન્મશતાબ્દી પુસ્તકમાળા – ૨૧

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો : ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

ત્રિપદા ગાયત્રીનાં ત્રણ ચરણ વાસ્તવમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગરૂપી ત્રણ પગથિયાં છે. તેમના દ્વારા ઉપાસનાના ઊંડાણ સુધી પહોંચીને રિદ્ધિ સિદ્ધિઓ મેળવી શકાય છે. પ્રથમ બે પગથિયાં સાધકની પ્રારંભિક અવસ્થા છે. વાસ્તવમાં ભક્તિયોગ સુધી પહોંચવું અને પરમ સત્તામાં પોતાનું સમર્પણ અને વિસર્જન કરી દેવું એ જ સાધકનું લક્ષ્ય હોય છે. અગ્નિમાં સમર્પિત થનારું ઈંધણ અગ્નિરૂપ બની જાય છે એવી આ અવસ્થા છે. ભક્તની સમગ્ર ભાવસંવેદના ઈશ્વર જેવી ઉદાર અને મહાન બનતી જાય છે. આદર્શોના સમૂહ એવા પરબ્રહ્મની સાથે જોડાઈને આત્મા પરમાત્મામાં સમર્પિત થઈ જાય છે. આ જ સમર્પણ સાધના છે. એને જ અદ્વૈત ચિંતન કહે છે. તાદાસ્ય સધાતાં ઈશ્વર દર્શનનો એવો રસાસ્વાદ થવા માંડે છે કે તેની તરસમાં જીવ કસ્તુરી મૃગની જેમ દરેક દિશામાં દોડતો ફરે છે. તેથી ભક્તિયોગને સૌથી ઊંચો માનવામાં આવ્યો છે. મીરા કહેતાં હતાં કે “સબસે ઊંચી પ્રેમસગાઈ’.

અધ્યાત્મની ત્રણ અવસ્થાઓ છે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પ્રારંભિક સ્થિતિમાં જાણકારી મેળવવી તે જ્ઞાનયોગ છે. પોતાના વિચારો તથા વિશ્વાસને મજબૂત કરીને પછી કર્મ કરવું, આચરણને તે બીબામાં ઢાળવું તે કર્મયોગ તરુણાવસ્થા છે. જ્ઞાન અને કર્મના આધારે મનોભૂમિ પરિપક્વ બને છે અને દૃષ્ટિકોણ ઉચ્ચ બને છે. તેના લીધે ત્યાગ, સેવા, ઉદારતા અને પ્રેમનો નિરંતર પ્રવાહ અંતઃકરણમાંથી ફૂટી નીકળે છે. તે પ્રેમના પ્રવાહને ઈશ્વરની, નરનારાયણની ઉપાસનામાં પ્રવાહિત કરવો તે ભક્તિયોગ વૃદ્ધાવસ્થા છે. બીજા શબ્દોમાં વિદ્યાર્થી અવસ્થા જ્ઞાનયોગનો સમય છે. યુવાની કર્મયોગની સ્થિતિ છે. તેમાં કર્તવ્યપરાયણતાનું પાલન કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા પ્રેમ, પરોપકાર અને આત્મીયતાનો ફેલાવો કરવાની ભક્તિયોગની અવસ્થા છે.

ભક્તિયોગ આધ્યાત્મિક વૃદ્ધાવસ્થાની સાધના છે. જ્ઞાન અને કર્મ દ્વારા પુષ્ટ થયેલા વૃક્ષ ઉપર ભક્તિનું ફળ લાગે છે. ભક્તિમાં તન્મયતા હોય છે, આવેશ હોય છે, લગન હોય છે, ઉન્માદ હોય છે, રસ હોય છે, વ્યાકુળતા હોય છે અને પોતાના પ્રેમીમાં ભળી જવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. ભક્ત પોતાને ભૂલી જાય છે.

ગાયત્રી સાધનામાં સ્થૂળ શરીર કર્મયોગથી અને સૂક્ષ્મ શરીર જ્ઞાનયોગથી શુદ્ધ તથા પવિત્ર બને છે. કારણ શરીરને સુસંસ્કારી બનાવવા માટે ભક્તિયોગનું વિધાન છે. તેની અંતર્ગત ઉપાસના પણ આવે છે. જપ, ધ્યાન વગેરે બધી ક્રિયાઓનો સમાવેશ ઉપાસનામાં થાય છે. ગાયત્રી મહામંત્રના જપની સાથે જો તલ્લીન થવાનો, ભાવવિહળ થવાનો, માનો પાલવ પકડવાનો અને પોતાને વિસર્જિત કરી દેવાનો ભાવ જાગે તો માનવું જોઈએ કે આપણે ભક્તિયોગની સાધના કરી રહ્યા છીએ. ત્રિપદા ગાયત્રીની સાધના એવી રીતે કરવી જોઈએ કે જેની સાથે જ્ઞાન, કર્મ તથા ભક્તિયોગનો સમન્વય હોય. પ્રથમ બેનું કાર્ય પૃષ્ઠભૂમિ બનાવવાનું છે, જયારે ભક્તિયોગનું પરાકાષ્ઠાવાળું રૂપ સાધનાનું સર્વોચ્ચ સોપાન છે. આપણે ત્યાં સુધી પહોંચવા માટે સતત પ્રયાસ કરવો જોઈએ. ગાયત્રી સાધના અને એમાં પણ સંધિકાળની સાધના આના માટે સર્વશ્રેષ્ઠ અવસર છે તથા માનવ માત્ર માટે એક સૌભાગ્ય છે.

સમર્પણ માટે ભગવાન એટલું જ કહે છે કે તમારી વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને અને તમારા અને ઈશ્વરને સમર્પિત કરી દો. ત્યાર પછી સમર્પણનો જે સાચો લાભ મળવો જોઈએ તે અનેક પ્રકારની કૃપાના રૂપે ભક્તને મળે છે. વ્યક્તિનું સમષ્ટિમાં, સંકીર્ણતાનું ઉદારતામાં અને નિકૃષ્ટતાનું ઉત્કૃષ્ટતામાં વિસર્જન કરવું પડે છે. આધ્યાત્મિક સિદ્ધાંતોમાં સમર્પણનું મહત્ત્વ અનેક સ્થળે જુદી જુદી રીતે બતાવવામાં આવ્યું છે.

ગોપીઓ સાથે કૃષ્ણ રાસ રમતા એની પાછળ એ જ પ્રેરણા છે કે ભક્તની બધી પ્રવૃત્તિઓ આત્માના પોકારનું, વેણુનાદનું અનુસરણ કરે. અર્જુનને પણ ભગવાન કૃષ્ણ આવું જ કરવાનું કહ્યું હતું. ભક્તિયોગનાં અનેક કૃત્યો પૂજા, સ્તવન, અર્ચના વગેરેમાં સમર્પણની ભાવનાને પ્રબળ બનાવવાનો જ અભ્યાસ કરવામાં આવે છે. ભક્તિયોગમાં સમર્પણની જ પ્રધાનતા છે. વેદાંતમાં અદ્વૈતના પ્રતિપાદનમાં ભક્તિયોગનું, સમર્પણયોગનું જ સમર્થન કરવામાં આવ્યું છે.

સમર્પણનાં ચમત્કારી પરિણામો બધે જ જોવા મળે છે. બીજની શક્તિ સાવ થોડી તથા નગણ્ય હોય છે, પણ જ્યારે તે તુચ્છતામાંથી બહાર નીકળીને ધરતી માતાની ગોદમાં સમર્પણ કરે છે ત્યારે તેમાંથી નાનકડો અંકુર ફૂટે છે. સૂર્યનાં કિરણો તેને શક્તિ આપે છે. પવન તેને પંખો નાખે છે. મેઘ તેનું અભિસિંચન કરે છે. સમગ્ર પ્રકૃતિ તેની સેવા કરે છે અને તેના વિકાસ માટે મંડી પડે છે. બીજ ઉપર વધે છે અને પોતાનાં મૂળ ધરતીની અંદર મજબૂત કરી દે છે. તે ઊંચે વધે છે અને એક વિશાળ વૃક્ષ બની જાય છે. તેની છત્રછાયામાં સેંકડો જીવજંતુઓને પોષણ અને વિશ્રામ મળે છે. તે એક નાનકડું બીજ પોતાના સમગ્ર જીવન દરમિયાન બીજાં કરોડો બીજ પેદા કરવાનું ગૌરવ પ્રાપ્ત કરે છે. નાનકડા બાળકમાં કોઈ શક્તિ હોતી નથી, પરંતુ સમર્પણના આધારે તેને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

સમર્પણનું ચમત્કારી પરિણામ દાંપત્યજીવનમાં પણ જોવા મળે છે. પતિ આગળ પોતાના તન, મન અને આત્મા સર્વસ્વનું સમર્પણ કરનારી પત્ની કશું ગુમાવતી નથી, પરંતુ બધું જ પ્રાપ્ત કરે છે. તે ઘરની માલિક બની જાય છે. પતિને જે અધિકારો અને સગવડો મળે છે તે તેને પણ વગર પ્રયત્ન મળી જાય છે.

સમર્પણનો અર્થ છે – વિસર્જન, વિલય. આગમાં પડીને લાકડું પણ અગ્નિ સ્વરૂપ બની જાય છે. દૂધ અને પાણી ભેગાં મળતાં એક બની જાય છે. ગંદી ગટર ગંગામાં ભળી જતાં ગંગાની વિશેષતાઓ પ્રાપ્ત કરે છે. ભક્ત પણ સમર્પણ કરીને ભગવાન જેવો જ બની જાય છે. એમના ગુણોને તેણે પોતાના જીવનમાં ઉતારવા પડે છે. ભક્તિનો અર્થ આજીજી કે ખુશામત નથી, પરંતુ પ્રખર પરાક્રમ માટે પોતાને તૈયાર કરવાનો છે. પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને પરમાત્માના આદર્શોને અનુરૂપ બનાવવાં પડે છે. ભક્ત અને ભક્તિની એક જ કસોટી છે કે શ્રેષ્ઠ ઉદેશ્યો માટે તે શરીર, મન અને અંતઃકરણથી કેટલું સમર્પણ કરે છે. શરીરની ક્રિયાશીલતા, મગજની વિચારણા અને અંતઃકરણની ઉદારતાનો પરમાર્થનાં કાર્યો માટે કેટલો વધારે ઉપયોગ કરે છે.

સમર્પણ ભક્તિની તથા નિષ્ઠાની પરખ છે. એક સંતે કહ્યું છે કે સમર્પણનો અર્થ છે – “મન પોતાનું, પણ વિચાર ઈષ્ટના, હૃદય પોતાનું, પણ ભાવનાઓ ઈષ્ટની અને શરીર પોતાનું, પરંતુ કર્તવ્ય ઇષ્ટનું” આ વ્યાખ્યા પ્રમાણે જીવે પોતાના અહંકારમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થવું પડે છે. શરીર, મન અને અંતઃકરણ પર પોતાનું આધિપત્ય હોવા છતાં પણ એમની વિશેષતાઓ અને ક્ષમતાઓ સંપૂર્ણ રીતે ઈષ્ટદેવ માટે અર્થાતુ ઉચ્ચ કાર્યો માટે વપરાવી જોઈએ. સમર્પણ માટે એ ભાવનાને સદાય પરિપુષ્ટ કરવી પડે છે કે “હું પતંગિયા જેવો છું અને ઈષ્ટદેવ દીવો છે. અનન્ય પ્રેમના કારણે વૈતમાંથી અદ્વૈત તરફ આગળ વધી રહ્યો છું. પોતાના ઈષ્ટની સાથે, પ્રિયતમની સાથે એક થઈ રહ્યો છું. જે રીતે પતંગિયું દીપક ઉપર આત્મસમર્પણ કરે છે, તેના પ્રકાશપુંજમાં લીન થઈ જાય છે એ જ રીતે હું મારા અસ્તિત્વને, આ અહંકારને છોડીને બ્રહ્મમાં, સમષ્ટિ ચેતનામાં વિલીન થઈ રહ્યો છું.” એ સમર્પણમાં આશાઓ તથા આકાંક્ષાઓ માટે કોઈ સ્થાન નથી. પરમાર્થની સાધના કે મોક્ષ માટે સમર્પિત થઈને બધી કામનાઓનો ત્યાગ કરવો પડે છે.

અંતઃકરણમાં કોઈ છળ કે કપટ નથી હોતું. પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ, સક્રિયતા, પ્રગતિ એ બધું જ ધ્યેય માટે સમર્પિત કરવામાં આવે એ જ સાચી સાધના છે. એમ કરવાથી આપણું પ્રયોજન સાંસારિક હોય કે આધ્યાત્મિક, છતાં અડધી મંજિલ તો તરત જ પૂરી થઈ જાય છે. સાથે સાથે એ સમર્પિત આત્માને ઈશ્વરના સાંનિધ્યનો એક એવો દિવ્ય લાભ મળે છે કે જેના માટે જન્મજન્માંતરો સુધી યોગાભ્યાસ અને બીજી લાંબી સાધનાઓ કરવી પડે છે. સત્પ્રવૃત્તિઓ તથા ઉચ્ચ આદર્શો માટે સમર્પિત જીવનનો અર્થ છે – પરમાત્માને સમર્પિત જીવન. આવા સાધક માટે જ ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે, “તું તારું મન અને બુદ્ધિ મારાં ઈશ્વરીય કાર્યોમાં વાપર. આ રીતે તું મારામાં જ નિવાસ કરીશ અને મને જ પ્રાપ્ત કરીશ એમાં કોઈ શંકા નથી.” સાચા સમર્પણની આ જ ફળશ્રુતિ છે.

બૌદ્ધ ધર્મની વૃદ્ધિ અને હાસ

બૌદ્ધ ધર્મની વૃદ્ધિ અને હાસ

બૌદ્ધ ધર્મનો પ્રચાર સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ એટલી ઝડપથી વધ્યો કે તેને જોઈને મોટા ભાગના લોકોને આશ્ચર્ય થવા લાગ્યું. પણ એનું કારણ એ હતું કે તે વખતે પંડિતો અને પુરોહિતોએ પોતાના સ્વાર્થ માટે પ્રાચીન ધર્મને બહુ ગૂંચવાડાવાળો અને આડંબરવાળો બનાવી દીધો હતો. શાસ્ત્રોમાં તો એમ કહેવાયું છે કે ધર્મ હૃદયની ચીજ છે અને માણસે સ્વાભાવિક રીતે જ તેનું અનુસરણ કરવું જોઈએ. પરંતુ તે વખતના ધર્મ-વ્યાવસાયિકોએ તેને એવું રૂપ આપી દીધું હતું કે કોઈ વ્યક્તિ પોતાના મનથી સ્વતંત્રતાપૂર્વક કોઈ ધાર્મિક કાર્ય કરી જ શક્તી ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ પંડિત-પુરોહિતોએ પોતાને “ભગવાનના એજન્ટ’ બનાવી લીધા હતા અને તેઓ કહેતા હતા કે “અમે ધર્મ કૃત્ય કરાવીએ તે સિવાય કોઈ ભગવાનને મેળવી જનથી શકતું.” આ રીતે તેઓ ભગવાન અને સામાન્ય વ્યક્તિ વચ્ચે બાધારૂપ બની બેઠા હતા. તેમણે યજ્ઞ અને હવનને જ નહિ, પરંતુ પૂજા-પાઠ, ભજન, ઉપાસના, દાન, વ્રત, તીર્થ બધામાં કોઈને કોઈ એવી શરત મૂકી દીધી હતી કે માણસ કોઈ ધર્મ કાર્ય પોતે કરી શકવામાં મુશ્કેલી અનુભવતો હતો અને તેમાં પંડિત – પુરોહિતોની સહાયતા લેવાનું આવશ્યક હતું. તે લોકો વધુમાં વધુ લાભ ઉઠાવવા માટે લોકોને જાત જાતની વ્યર્થ ક્રિયાઓમાં ફસાવીને હેરાન કરતા હતા, આનાથી લોકોમાં ધર્મ પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થવા લાગી ગયો.

એ સત્ય છે કે વેદો અને ઉપનિષદોના ધર્મ સિદ્ધાંત બહુ ઊંચા હતા અને બૌદ્ધ ધર્મમાં તેનાથી ચડિયાતી જ્ઞાન – સંબંધી કોઈ વાત ન હતી, પણ તે વખતે વેદ અને ઉપનિષદોનો પ્રચાર ઘણું ખરું સમાપ્ત થઈ ગયો હતો. સામાન્ય મનુષ્ય તો શું સ્વયં પંડિત-પુરોહિત પણ તેનાથી અજાણ હતા. તેમણે એમાંની કેટલીક વાતોને પોતાને અનુકૂળ રૂપમાં બદલીને તેને જ “ધર્મનું નામ આપી દીધું હતું અને તેનાથી જ ધન કમાઈને આરામનું જીવન વિતાવવા લાગ્યા હતા. આ જ કારણસર જ્યારે બુદ્ધ પ્રાચીન જ્ઞાન-માર્ગની વાતોને સીધી અને સરળ રીતે કહેવાનું શરૂ કર્યું અને ધર્મના માર્ગને પ્રત્યેક વ્યક્તિ માટે સુલભ બનાવી દીધો તો લોકો એકાએક તેના તરફ આકર્ષાઈ ગયા. સાચું પૂછો તો તે સમયે સ્વાર્થીઓએ બહારથી “ધર્મ “ધર્મ પોકારતાં પોકારતાં અંદરને અંદર તેને એવો ખોખલો અને વિકારગ્રસ્ત બનાવી દીધો હતો કે સમાજનો આત્મા તમસથી ઢંકાયેલો અને પતિત થઈ ગયો હતો અને કોઈ આશ્રય માટે વ્યાકુળ થઈ ગયો હતો. બુદ્ધના શિક્ષણમાં તેમને પ્રકાશની રેખા દેખાઈ અને તે કોઈ પણ પ્રકારના ખાસ પ્રયત્ન વિના ચારે બાજુ ફેલાઈ ગઈ. એક નવો ધર્મ આપોઆપ શરૂ થયો.

બુદ્ધના ઉપદેશ એટલા ઊંચા અને સાથોસાથ સરળ પણ હતા કે વિદ્વાન અને અશિક્ષિત બંનેને તેમાં પોતાને યોગ્ય તત્ત્વની વાતો મળી જતી હતી. એટલા માટે જ્યાં શૂદ્ર, કારીગર, સ્ત્રીઓ તેમાં સામેલ થયાં, ત્યાં અનેક વિદ્વાન, પ્રતિભાશાળી તથા મોટી પદવીવાળા પણ તેમના અનુયાયી બની ગયા. આ બધાના સહયોગથી બૌદ્ધ ધર્મને શીઘ્રતાથી દૂર દૂર સુધી ફેલાવામાં બહુ મદદ મળી. આ રહસ્યનું સ્પષ્ટીકરણ કરતાં વિન્સેન્ટ સ્મિથ નામના પ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકારે એવો મત પ્રકટ કર્યો છે –

તે વખતે બ્રાહ્મણોની મોટાઈથી લોકો ઊબકી ગયા હતા. તેઓ કોઈને કોઈ રીતે તેનાથી છુટકારો ઇચ્છતા હતા. ક્ષત્રિય પણ હૃદયમાં તેમનાથી બહુ અસંતુષ્ટ હતા. એટલા માટે જ્યારે તેમણે પોતાના જ વર્ણના એક મહાપુરુષને ધર્મનો ઉપદેશ આપતા જોયા તો તેઓ જાણીબૂજીને તેની ચડતીની ચેષ્ટ કરવા લાગ્યા, એટલે બિંબિસાર, પ્રસેનજિત જેવા ક્ષત્રિય નરેશ તરત જ બુદ્ધના સમર્થક બની ગયા.” ક્ષત્રિયોનું કર્મકાંડી બ્રાહ્મણોથી અસંતુષ્ટ થવાનું એક કારણ એ પણ હતું કે તેઓ રાજાઓમાં યજ્ઞની પ્રતિયોગિતા ઉત્પન્ન કરીને તેમની સંપત્તિને પોતે હડપ કરી જતા હતા. તેનાથી રાજાઓને આર્થિક મુશ્કેલી વેઠવી પડતી હતી. જ્યારે તેઓ આ તથ્ય સમજી ગયા તો બ્રાહ્મણોના વિરોધી બની ગયા.

સુભદ્રની કથા

સુભદ્રની કથા

આ રીતે ભગવાન જીવનભર અજ્ઞાની અને પંથભૂલેલાને સદ્દમાર્ગ બતાવીને જ્યારે વૃદ્ધાવસ્થા અને નિર્બળતાને કારણે મૃત્યુશય્યા પર પડી ગયા તો સુભદ્ર નામના પરિવ્રાજકે આ સમાચાર સાંભળ્યા. તેણે વિચાર્યું કે બુદ્ધ જેવા મહાપુરુષો રોજેરોજ જન્મ લેતા નથી. મારી ધર્મસંબંધી શંકાઓ નિર્મૂળ થવાની તક ફરી ક્યારેય મળી શકશે નહિ. એટલે તે જ્યાં ભગવાન બુદ્ધ તે વખતે વિશ્રામ કરી રહ્યા હતા તે સાલવનમાં જઈ પહોંચ્યો અને આનંદને કહ્યું, “મારા હૃદયમાં ધર્મસંબંધી કેટલીક શંકાઓ છે. જો તેને અત્યારે નિર્મૂળ ન કરી શક્યો તો તે પછી ક્યારેય નિર્મૂળ થઈ શકશે નહિ. કૃપા કરીને મને ભગવાનનાં દર્શન કરાવો.” તે વખતે આનંદે કહ્યું –

“સુભદ્ર ! આ ભગવાન પાસે શંકાનું સમાધાન કરવાનો સમય નથી. ભગવાન નિર્વાણ શય્યા પર છે. અત્યારે તેમને કષ્ટ ન આપો.”

“આનંદ! મને ભગવાનનાં દર્શન કરી લેવા દો.”સુભદ્રએ કહ્યું.

સુભદ્ર!  અત્યારે એમને કષ્ટ ન આપો.” આનંદે કહ્યું.

આનંદ અને સુભદ્રની વાતચીતનો અસ્પષ્ટ ધ્વનિ બુદ્ધના કાનમાં પહોંચ્યો. જેણે આજીવન બધા પ્રકારના લોકો પર સદ્દવિચારોની વર્ષા કરી હોય, તે અંતિમ સમયે તેનાથી વિપરીત કેવી રીતે ચાલી શકે? તેમણે કહ્યું, “આનંદ સુભદ્રને રોકો નહિ. આવવા દો. તે જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છાથી આવ્યો છે, મને કષ્ટ આપવાના વિચારથી નહિ.”

સુભદ્રએ પાસે જઈને કરુણાની એ શાંત મૂર્તિને જોયા. તથાગતનો ઉપદેશ તેના હૃદયમાં તરત જ પ્રવેશી ગયો. તેણે કહ્યું, “ભંતે! હું બુદ્ધ ધર્મ અને સંઘના શરણે જાઉં છું. મને આપ ભિક્ષુ બનાવી લો.”

બુદ્ધે કહ્યું, “સુભદ્ર ! સંઘનો નિયમ છે કે કોઈ બીજા સંપ્રદાયની પ્રવ્રજિત વ્યક્તિ જો બૌદ્ધ સંઘમાં સામેલ થવા ઇચ્છે તો તેણે ચાર મહિના સુધી પ્રતીક્ષા કરવી પડે છે.”

“ભંતે! ચાર મહિના તો શું, હું ચાર વર્ષ સુધી પ્રતીક્ષા કરવા તૈયાર છું.”

બુદ્ધ – “તો આનંદ! સુભદ્રને હમણાં જ પ્રવ્રજિત કરો.”સુભદ્ર જ બુદ્ધ ભગવાનનો અંતિમ શિષ્ય થયો.

મૃત્યુની નજીક ઊભા રહીને પણ પરોપકારથી મોં ન ફેરવે તે જ સાચો મહાપુરુષ અને આત્મજ્ઞાની છે. નહિતર મોટા ભાગના લોકો જીવ જોખમમાં હોય ત્યારે બધું જ ભૂલીને જીવ બચાવવા માટે બેબાકળા બની જાય છે. સામાન્ય વ્યક્તિ સદાય “આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા ની ઉક્તિને ચરિતાર્થ કરનારા હોય છે, પણ આત્મતત્ત્વના વાસ્તવિક જ્ઞાતા મૃત્યુની લેશમાત્ર ચિંતા કરતા નથી અને તે વખતે પણ જેટલી ક્ષણ કોઈને સેવા-સહાયતામાં લાગી શકે, તેને જ મરતાં મરતાં જીવનનો સાર સમજે છે. બુદ્ધ ભગવાનનું સુભદ્રની શંકાનું સમાધાન કરવાનું કાર્ય એવું જ હતું. તેમના આ ઉદાહરણથી આપણને એ શિક્ષણ મળે છે કે મૃત્યુનો ભય નિરર્થક છે અને તેની સંભાવના જોઈને ગભરાઈ જવું, કર્તવ્ય – કર્મથી વિમુખ થઈ જવું તે તો બહુ નિંદનીય છે. જ્યારે એ એક અનિવાર્ય વાત છે અને તેને ભય કે ગભરામણ દ્વારા દૂર કરી શકાતી પણ નથી, તો આપણે તેના તરફ નિર્ભય શા માટે ન રહીએ? તે ક્યારે આવશે તેની ચિંતા ન કરીને અંતિમ ક્ષણ સુધી કર્તવ્યપાલનની ભાવનાને જીવિત અને જાગૃત રાખવી એ જ શ્રેષ્ઠ વ્યક્તિઓનું લક્ષણ છે અને તેઓ જીવનનો લાભ ડરનારા અને ભાગનારા લોકો કરતાં ક્યાંય વધારે પ્રાપ્ત કરી લે છે.

સમતાના સિદ્ધાંત પર આચરણ

સમતાના સિદ્ધાંત પર આચરણ   

અનેક સ્થાનો પર ભ્રમણ કરતાં કરતાં જે સમયે બુદ્ધ વૈશાલી પહોંચ્યા તો ત્યાં નગરની બહાર એક સુરમ્ય ‘આમ્રવન’માં રોકાઈ ગયા. તે આમ્રવન એ નગરની મુખ્ય વેશ્યા “આંબપાલી’નું હતું. જ્યારે આંબપાલીએ આ સમાચાર સાંભળ્યા તો તે પોતાના રથ પર સવાર થઈને ભગવાનનાં દર્શન માટે ગઈ. તે વખતે તેના ચિત્તમાં જાતજાતના વિચારો ઉદ્ભવી રહ્યા હતા. ક્યારેક તે પોતાના નીચ વ્યવસાય તરફ જોતી તો ક્યારેક શીલના અવતાર ભગવાન બુદ્ધ તરફ. જ્યારે આમ્રવન થોડુંક જ દૂર રહ્યું તો તે મર્યાદાના ખ્યાલથી રથમાંથી ઊતરી ગઈ અને ચાલતી જ આમ્રવનની ભીતર પ્રવેશી ગઈ. તેણે જોયું કે બુદ્ધ ભગવાન ભિક્ષુ-સમૂહને ઉપદેશ આપી રહ્યા છે. તે પણ એક બાજુ ખસીને સાંભળવા લાગી. સભા વિસર્જિત થતાં તે બુદ્ધની નજીક ગઈ અને બીજા દિવસે સંઘ સહિત ભોજનનું નિમંત્રણ આપ્યું. ભગવાને મૌન રહીને તેનો સ્વીકાર કર્યો.

આંબપાલી નગરમાં પાછી ફરી રહી હતી, ત્યારે તેને વૈશાલીના લિચ્છવી વંશના સરદાર બુદ્ધના પડાવ તરફ જતા રસ્તે મળ્યા. તેમણે પૂછ્યું, “આંબપાલી !  આજે શું વાત છે કે રથમાંથી ઊતરીને જઈ રહી છો?”

આર્યપુત્રો ! ભગવાને કાલ માટે મારું ભોજન સ્વીકાર્યું છે.”

– લિચ્છવી આ સાંભળીને આશ્ચર્યચકિત રહી ગયા અને કહેવા લાગ્યા – “આંબપાલી ! આ દાન મને દઈ દે. હું તેના માટે એક લાખ સોના મહોરો આપીશ.”

“આર્યપુત્રો ! એક લાખ તો શું, જો બદલામાં મને આખી વૈશાલી આપી દો તો પણ હું નિમંત્રણ આપી શકું નહિ.”

લિચ્છવી પરસ્પર કહેવા લાગ્યા, “ઓહ ! આપણે વાર કરી દીધી, આપણી હારી ગયા. આ ગણિકાએ આપણને જીતી લીધા.” તેમ છતાં તે બધા ભેગા થઈને બુદ્ધની સેવામાં પહોંચ્યા અને કહ્યું –

“ભંતે! સંઘ સહિત આપ કાલ માટે અમારા નિમંત્રણનો સ્વીકાર કરો.”

“લિચ્છવીઓ ! કાલ માટે તો મેં આંબપાલીનું નિમંત્રણ સ્વીકાર્યું છે.” લિચ્છવી ચૂપ રહી ગયા અને માથું નમાવીને પાછા ચાલ્યા ગયા.

બીજા દિવસે ભોજનનો સમય થઈ જતાં આંબપાલીએ બુદ્ધ પાસે સમાચાર મોકલ્યા. તેઓ પોતાના સમસ્ત ભિક્ષુઓને સાથે લઈને તેના ઘરે પહોંચ્યા અને બિછાવેલાં આસનો પર બેસી ગયા. આંબપાલીએ ખૂબ પ્રેમથી આગ્રહપૂર્વક ભગવાનને ભોજન કરાવ્યું. ભોજન સમાપ્ત થતાં તે તેમની સામે બેસી ગઈ અને બોલી

“ભંતે ! હું બુદ્ધ સંઘના શરણે જાઉં છું અને મારું આમ્રવન બુદ્ધ તથા ભિક્ષુ સંઘને ભેટ આપું છું.” બુદ્ધે મૌન રહીને તેની પ્રાર્થના સ્વીકારી લીધી.

જો કે ભારતીય શાસ્ત્રોમાં પ્રાચીન કાળથીજ “આત્મવત્ સર્વભૂતેષુ” નો ઉપદેશ આપવામાં આવ્યો હતો, પણ વ્યવહારમાં તેનો ઉપયોગ કરનારની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ હતી. ખાસ કરીને શૂદ્રો અને સ્ત્રીઓ સાથે તો ધર્મ નેતાઓનો વ્યવહાર કોઈ પણ રીતે ઉચિત કહી શકાય તેવો ન હતો. બુદ્ધે આ અન્યાયનો અનુભવ કર્યો અને પોતાના સંઘમાં સદાય આ બંને અન્યાય પીડિત વર્ગોને સમાન સ્થાન આપ્યું. આંબપાલીની ઘટના આ સામ્યભાવનું બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે સ્ત્રીતો હતી જ, સાથોસાથ તેનો વ્યવસાય પણ એવો હતો, જે સમાજમાં નીચ અને ઉપેક્ષિત ગણાય છે; પણ બુદ્ધે તેના મનોભાવની શુદ્ધતા સમજી લીધી અને તેની સાથે પૂર્ણ શિષ્ટતાનો વ્યવહાર કર્યો. તેના પરિણામે આંબપાલીનું હૃદય પૂર્ણ શુદ્ધ થઈ ગયું અને તેણે પોતાની ધન સંપત્તિ જ નહિ, સમસ્ત જીવન ધર્મ અને સમાજ સેવા માટે અર્પણ કરી દીધું. આ ઉદાહરણે અન્ય હજારો સ્ત્રીઓને પણ પ્રેરણા આપી અને તેઓ પણ બુદ્ધસંઘની અનુયાયી અને સહાયિકા બની ગઈ. તેના પરિણામે સમાજના સંસ્કાર અને પ્રગતિમાં એટલી બધી સહાયતા મળી, જેની કલ્પના પણ કરી શકાતી નથી.

રાજકીય બંધનોનો ત્યાગ

રાજકીય બંધનોનો ત્યાગ

ગૌતમની આ વિચાર ધારા ધીમેધીમે પરિપક્વ થતી ગઈ. જોકે તેમના પિતા રાજા શુદ્ધોધને એ વાતનો ભરપૂર પ્રયત્ન ક્યું કે રાજકુમાર સામે સંસારની દુર્દશાનું કોઈ ચિત્ર આવવા ન પામે, તેમને જ્ઞાન વૈરાગ્યની વાતો સાંભળવાનો મોકો આપવામાં આવે તો પણ ગૌતમે બેચાર વખત સંયોગ વશ જે દીન-દુઃખી, રોગી અને મૃત વ્યક્તિઓને જોઈ લીધી તેનાથી તેમની ભીતર વિચારમંથન શરૂ થઈ ગયું અને પોતાની તર્ક બુદ્ધિ તથા ન્યાય-પથ પર ચાલનારી મનોભાવના દ્વારા તેમણે તરત જ એ સમજી લીધું કે જો સંસારમાં આ અન્યાય અને દુરાવસ્થાને મિટાવવી હોય તો તેના માટે સૌથી પહેલી જરૂર એ છે કે આ રાજપાટની ઝંઝટ અને બંધનને દૂર કરવા, કારણ કે જ્યાં સુધી આની અંદર રહેવામાં આવશે ત્યાં સુધી પીડિત માનવતાની સેવા સહાયતા કરવાનું તો દૂર, તેમની નજીક જઈ શકવાનું પણ સંભવ બની શકશે નહિ. એટલા માટે તેમણે મહેલમાં રહીને પણ પોતાનું જીવન સાદું બનાવવાનું શરૂ કરી દીધું અને રાજ્યનાં બંધનોને તોડીને સ્વતંત્ર થવાનો નિશ્ચય કરી લીધો.

થોડા સમય પછી જ્યારે યશોધરાએ એક પુત્રને જન્મ આપ્યો, ત્યારે તે અંગે ગૌતમની પ્રતિક્રિયા જુદી રીતે થઈ. એક બાજુ સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ અને માંગલિક ઉત્સવોની ધૂમ મચી ગઈ હતી અને બીજી બાજુ ગૌતમ આને એક નવા બંધન રૂપે અનુભવી રહ્યા હતા. તેઓ વિચારતા હતા કે અત્યાર સુધી તો હું પત્ની અને પિતાના કારણે ઘર ન છોડી શક્યો, હવે તો આ પુત્રનો પ્રેમ પણ વધી ગયો તો ગૃહત્યાગ કરીને ખુદને વિશ્વ કલ્યાણના કાર્ય માટે સમર્પિત કરી દેવાનું વધુ મુશ્કેલ થઈ જશે. એટલે તેમણે જેમ બને એમ જલદી રાજસી જીવનનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધો અને જે દિવસે તેમનો પુત્ર સાત દિવસનો જ હતો, તે દિવસે અડધી રાત્રે ચૂપચાપ ઘર છોડીને ચાલી નીકળ્યા. આ માર્ગ તેમણે એટલા માટે અપનાવવો પડ્યો, કારણ કે તેમના પિતા રાજ્યની મર્યાદાના ખ્યાલથી આ બાબતની અનુમતિ આપવા ક્યારેય તૈયાર ન હતા અને બધી બાજુથી એવો પ્રયત્ન કરી રહ્યા હતા કે ગૌતમ રાજભવનમાંથી બહાર ન જઈ શકે. આ બાજુ ગૌતમના મનમાં પ્રતિદિન એ ધારણા બળવત્તર થતી જતી હતી કે –જો હું બીજા લોકોની જેમ વિષય-ભોગમાં જ લાગી રહ્યો અને મારી ઈશ્વપ્રદત્ત શક્તિઓને લોકકલ્યાણ માટે ઉપયોગમાં ન લાવી શક્યો તો આ એક બહુ મોટો પ્રમાદ કે અપરાધ હશે.

ગૌતમનું વિચાર-મંથન

ગૌતમનું વિચાર-મંથન

એટલે જ જ્યારે અકસ્માત એક દિવસ તેમણે એક જાગ્રસ્ત,દીન-દુખી ભિખારીને જોયો તો તેની બહુ ઊંડી પ્રતિક્રિયા થઈ. અત્યાર સુધી તો તેઓ સંસારના બધા લોકોને પોતાની જેમ જ સુખી અને આનંદ પ્રમોદમાં જીવન વિતાવનાર સમજતા હતા, પણ જ્યારે તેમને અનુભવ થયો કે સંસારનું વાસ્તવિક સ્વરૂપ એવું નથી અને એમાં અગણિત વ્યક્તિ અભાવગ્રસ્ત, કષ્ટપૂર્ણ અને જાત-જાતની વ્યાધિઓથી વ્યાકુળ જીવન વિતાવે છે તો તેમના કોમળ હૃદયને બહુ મોટો ધક્કો લાગ્યો અને તેઓ આ સમસ્યાનું મનન કરવા લાગ્યા તથા તેના પ્રતિકારનો ઉપાય શોધવા લાગ્યા.

ગૌતમનું હૃદય શરૂઆતની અવસ્થાથી જ બધાં પ્રાણીઓ માટે સંવેદનશીલ હતું તથા તેઓ કોઈનું દુઃખ જોઈ શકતા ન હતા. આ સંદર્ભમાં એક કથા ખૂબ પ્રસિદ્ધ છે કે એક દિવસ તેમના એક નજીકના સંબંધી દેવદત્ત બાણ મારીને ઊડતા હંસને ઘાયલ કરી દીધો અને એ હંસ પાંખો ફફડાવતો ગૌતમની પાસે જ આવીને પડ્યો. તેને જોઈને તેમના મનમાં કરુણા ભાવ ઉત્પન્ન થયો અને તેઓ તરત જ તેને ઉપાડીને તેના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. એટલામાં દેવદત્ત આવી પહોંચ્યો અને તેણે મારેલો હંસ માગ્યો, પણ ગૌતમે તેને આપવાનો ઇનકાર કરી દીધો. અંતે આ વિવાદ રાજા શુદ્ધોધન સુધી પહોંચ્યો. ત્યાં ગૌતમે એવી દલીલ કરી કે મારનાર કરતાં બચાવનાર સદાય મોટો હોય છે, એટલા માટે આ હંસ પર દેવદત્તનો નહિ, મારો અધિકાર છે અને હું તેના પ્રાણનું રક્ષણ કરીશ. તેમનું આ કથન બધાએ વાજબી ગણાવ્યું અને એ પણ અનુભવ કર્યો કે આ જ્યારે એક પક્ષી માટે આટલો આત્મીય ભાવ રાખે છે તો સંસારમાં પીડિત માનવતા પ્રત્યે કલ્યાણ-ભાવના શું કામ નહિ રાખે ? તેમના પિતાએ તેમની ગંભીર મનોવૃત્તિ જોઈને તરત જ તેમનું લગ્ન યશોધરા નામની રાજકુમારી સાથે કરી દીધું હતું, જે ખૂબ સુંદર અને પતિપરાયણ હતી. તે પણ સદાય તેમને રાજમહેલોના વૈભવશાળી અને આમોદયુક્ત જીવનમાં લોભાવી રાખવાની ચેષ્ટા કર્યા કરતી હતી, તો પણ જેમ જેમ બુદ્ધને નિરીક્ષણ અને મનન દ્વારા સંસારની વાસ્તવિક અવસ્થાનું જ્ઞાન થતું ગયું, તેમ તેમ તેમને એ રાજસી જીવન પ્રત્યે વિરક્તિ થતી ગઈ. તેઓ પોતાના મનમાં એમ જ વિચાર્યા કરતા હતા કે -જ્યારે સંસારમાં આપણી આસપાસનાં સ્થાનોમાં આટલા બધા માણસો ભોજન, વસ્ત્ર, મકાન, દવાદારૂ, પરિચર્યા વિના કષ્ટ સહન કરી રહ્યા છે તો મને આ સુરમ્ય મહેલોમાં રંગરેલી મનાવવાનો શો અધિકાર છે ? આ ક્યાંની માનવતા છે કે એક તરફ તો અનેક નર-નારી ભૂખ્યાં-નાનાં, રોગી, પીડિત પડીને ક્સસી રહ્યાં હોય અને દસ-બાર રાજવંશીય વ્યક્તિ સુરા-સુંદરીનું આસ્વાદન કરતા કરતા ધન અને માનવ શ્રમની બરબાદી કરી રહ્યા હોય ? ના, આ સ્પષ્ટ અન્યાય છે. જ્યાં સુધી બધાને સાધારણ જીવનનિર્વાહની સુવિધા ન મળી જાય, ત્યાં સુધી કોઈને એ અધિકાર નથી કે તે સાર્વજનિક ધન અને જીવનોપયોગી સામગ્રીનો આવો દુરુપયોગ કરે.

જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન

એક આદર્શ ગ્રંથ :  યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. એ એવો ઉ૫યોગી ગ્રંથ છે કે જેનું ફક્ત એક પાનું દરરોજ વાંચીને તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે.

%d bloggers like this: