૧૦૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૭૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૭૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉત સ્વઃ પશ્યન્ન દદર્શ વાતમુત ત્વઃ શૃણ્વન શ્રુણોત્યેનામ્ । (ઋગ્વેદ ૧૦/૭૧/૪)
ભાવાર્થ : જે સદુપદેશ સાંભળે, પરંતુ તેને પોતાના જીવનમાં ધારણ ન કરે તે આંધળા અને બહેરા સમાન જ છે.
સંદેશ : ઋષિપરંપરા ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર છે. સમાજમાં બુદ્ધિમાન અને બુદ્ધિહીન બધા પ્રકારના માણસો રહે છે. દરેક માણસ ન તો વાંચીલખી શકે છે અને ન ગ્રંથોને વાંચીને તેમનો વાસ્તવિક અર્થ સમજી શકે છે. ઋષિગણ પોતાનું સમગ્ર જીવન અધ્યયન અને જ્ઞાનપ્રાપ્તિમાં જ ખર્ચી નાખતા હતા. નિરંતર ચિંતનમનન કરતાં કરતાં માનવમાત્રની માનસિક જરૂરિયાતો પૂરી કરવાની ચિંતામાં ડૂબેલા રહેતા હતા. ધર્માચાર્યો અને વિદ્વાનોએ ઘણી જ ગંભીરતા અને તત્પરતાથી માનવનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે. સમયની જરૂરિયાત અનુસાર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાનો માર્ગ શોધીને મનુષ્યને અંધકારમાં ભટકતાં બચાવ્યો છે. તીર્થો તથા બીજાં સગવડતાવાળાં સ્થળો પર ધાર્મિક આયોજનો આ ઉદ્દેશ્યથી થતાં હતાં. આ ગોષ્ઠીઓમાં પ્રવચન તથા ઉપદેશોના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપવામાં આવતું હતું, જેનાથી તેઓ તકલીફોમાંથી છુટકારો મેળવી શકે. આ જ્ઞાન તેમને એટલું બધું સામર્થ્ય આપતું હતું કે તેઓ પોતાના દોષદુર્ગુણોનો ત્યાગ કરીને તેમના સ્થાને સદ્ગુણોની સ્થાપના કરી શકે અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે.
આ પરંપરા આજે પણ હયાત છે. સ્કૂલ-કૉલેજોમાં, મંદિરોમાં, બીજાં ધાર્મિક આયોજનોમાં અપાતા ઉપદેશોનું લક્ષ્ય આ જ હોય છે. આ પ્રવચનો અને ઉપદેશ કોઈ તર્કવિતર્ક અથવા વાદવિવાદનો વિષય હોતાં નથી, પરંતુ તેમને પોતાના આચરણમાં ઉતારવા પડે છે. વિદ્વાન લોકો તો પહેલાં જ ઊંડા ચિંતન, મનન અને પ્રયોગો દ્વારા એ હકીકતોની સત્યતાને પારખીને માનવને ઉપયોગી અંશ જ આપણી સામે રજૂ કરે છે. તેમના ઉપદેશો પર શંકા કરીને તો આપણે પોતાની જ સ્થિતિને હાસ્યાસ્પદ બનાવી દઈએ છીએ.
પરંતુ આજે સ્થિતિ કંઈક એવી બની ગઈ છે કે જે માણસ જેટલો વધારે અજ્ઞાની છે તે પોતાની જાતને એટલો જ વધારે બુદ્ધિમાન પ્રદર્શિત કરે છે. કોઈ સારી વાત સાંભળવી તેને ગમતી જ નથી. ઉપદેશ ભલેને માતાપિતાનો હોય કે વિદ્વાન સંતમહાત્માનો, પણ તેમને સાંભળવામાં અને તેનું આચરણ કરવામાં તે પોતાનું અપમાન સમજે છે અને ઊલટો તેમની મજાક ઊડાવે છે.
ધર્મની જે વ્યાખ્યાઓ આપણા ઋષિઓએ આપી છે તેની સામે સંસારમાં કોઈ પણ બુદ્ધિમાનને વિરોધ ન હોઈ શકે. ધર્મ શું છે ? નૈતિક નિયમોનો સંગ્રહ જ ધર્મ છે. આ નિયમોનું પાલન કર્યા વગર મનુષ્યનું નતો વ્યક્તિગત જીવન સારી રીતે ચાલી શકે છે કે ન સામાજિક જીવન. આ નિયમોનું પાલન નહિ કરવાના કારણે જ મનુષ્યજીવનમાં વિકાર આવે છે. જો આ નિયમો સારી રીતે ચાલતા રહે તો માનવસમાજમાં શાંતિ, આનંદ અને સદ્ભાવનો વાસ થાય છે. જ્યાં એ નિયમો પ્રમાણે લોકો આચરણ નથી કરતા ત્યાં દુઃખ, કલહ અને કલેશનું વાતાવરણ રહે છે.
વિદ્વાનોનો ઉપદેશ આ જ ધ્યેયની પૂર્તિ કરે છે, પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે આંધળાબહેરાની જેમ તેની ઉપર ધ્યાન નથી આપતા અને પોતાની ઉન્નતિના સોનેરી અવસરોને એમ જ ગુમાવી દઈએ છીએ.
આપણે સદુપદેશો પ્રમાણે આચરણ કરવાને આપણા સ્વભાવનું એક અંગ બનાવી લેવું જોઈએ.
પ્રતિભાવો