૧૮૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૬૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૬૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉપસ્થાસ્તે અનમીવા અયક્ષ્મા, અસ્મભ્યં સન્તુ પૃથિવી પ્રસૂતાઃ । દીર્ઘ ન આયુ: પ્રતિબુધ્યમાના, વયં તુભ્યં બલિહૃતઃ સ્પામ ॥ (અથર્વવેદ ૧૨/૧/૬૨)

ભાવાર્થ : હે માતૃભૂમિ ! અમે તારા ખોળામાં જ મોટા થઈએ છીએ અને આરોગ્યવર્ધક પદાર્થો પ્રાપ્ત કરીએ છીએ. એટલા માટે સમય આવે ત્યારે તારા માટે બલિદાન આપવામાં પાછી પાની નહિ કરીએ.

સંદેશ : માતા તો આપણને ફક્ત જન્મ આપે છે, પરંતુ માતૃભૂમિ તો આપણું લાલનપાલન, પોષણ અને રક્ષણ કરે છે. એ જ આપણને રહેવા માટે આશરો આપે છે. અન્ન, જળ, વાયુ, ફળ, ઔષધિ, વનસ્પતિ, પશુ, ધન બધું જ આપણને આ સ્નેહમયી મા પાસેથી જ મળે છે. એના સ્વાસ્થ્યપ્રદ સંરક્ષણમાં રહીને આપણે શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ કરીએ છીએ. એના અપાર ઉપકારોની કોઈ મર્યાદા જ નથી. એનું માતૃઋણ ચૂકવવાનો પ્રયાસ કરવો તે આપણું કર્તવ્ય છે.

હે પરમેશ્વર ! અમે બુદ્ધ બનીએ, ઉત્તરોત્તર વધુ જ્ઞાનવાન બનીએ, આત્મિક રીતે જાગૃત બનીએ અને માતૃભૂમિ પ્રત્યે અમારી જવાબદારીઓને તન, મન, ધનથી નિભાવતા રહીએ.

આ ધરતીમાતા પ્રત્યેનું આપણું કર્તવ્ય પર્યાવરણનું સમતોલન જાળવી રાખવાનું છે. આપણે ધરતીમાંથી દરેક પ્રકારની ખનીજ, વનસ્પતિ અને ઔષધિનું દોહન કરતા રહીએ છીએ, પરંતુ તેના પોષણ પ્રત્યે ધ્યાન આપતા નથી. એટલું જ નહિ, ચારે તરફ જાતજાતની ગંદકી ફેલાવીને રાતદિવસ વધુ ને વધુ પ્રદૂષણ ફેલાવતા રહીએ છીએ. આપણા આ અજ્ઞાન ૫૨ અને સ્વાર્થપૂર્ણ આચરણ પર ધિક્કાર છે. ધરતીમાતા પ્રત્યે આ ઘોર પાપ છે. આપણે તાત્કાલિક એનો પશ્ચાત્તાપ કરવો જોઈએ. આ સમયનો પોકાર છે. તેને ન સાંભળીને આપણે પોતે પોતાના પગ પર કુાડો મારી રહ્યા છીએ. વૃક્ષારોપણ અને વૃક્ષોનું સંરક્ષણ કરવું તે ધરતીનું જીવનરક્ષણ કરવા માટે સૌથી જરૂરી તત્ત્વ છે. આ હકીક્તની અવગણના કરીને આપણે જાતે જ આપણા સર્વનાશને આમંત્રિત કરી રહ્યા છીએ.

માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણોનું હસતાં હસતાં બલિદાન આપી દેવું તે ભારતના રાષ્ટ્રભક્તોની ગૌરવશાળી પરંપરા રહી છે, પરંતુ આજના રાજનેતાઓ, ધર્માચાર્યો, બુદ્ધિજીવીઓ બધા જ સ્વાર્થમાં આંધળા બનીને દેશને લૂંટવામાં અને વેચી દેવામાં પાછી પાની કરતા નથી. આપણી કર્તવ્યભાવના ક્યારે જાગૃત થશે ? આપણને ક્યારે સત્બુદ્ધિ આવશે અને આપણે આપણું સર્વસ્વ માતૃભૂમિનાં ચરણોમાં સમર્પિત કરવા ક્યારે તત્પર થઈશું ? ભાવનાત્મક નવનિર્માણની જરૂરિયાતનું મહત્ત્વ સમજનારા અને તેના માટે કંઈક ત્યાગ કરવાની હિંમત રાખનારા લોકો જ માતૃભૂમિનું આઋણ ચૂક્વી શકે છે. જેમના અંતઃકરણમાં દેશભક્તિ, સમાજસેવા, પરમાર્થ અને લોકમંગળ માટે કંઈક કરી છૂટવાની ભાવનાઓ લહેરાઈ રહી હોય એવાં નરરત્નો જ પોતાનું જીવન ધન્ય બનાવે છે અને આજના સમયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અધ કરે છે.

રાષ્ટ્રને આજે એવા સપૂતોની જરૂર છે કે જેઓ ધાર્મિકતાના સહારે ભાવનાત્મક નવનિર્માણના કાર્યમાં જોડાઈ શકે, ઘરસંસારમાં રહેવા છતાંય સાધુ બ્રાહ્મણની પરંપરાને નિભાવી શકે, એનાથી જનસમાનસનું શુદ્ધિકરણ થશે અને સદ્ગુણો તેમ જ સત્પ્રવૃત્તિઓની સુગંધથી દેશનો ખૂણેખૂણો મહેંકી ઊઠશે. પ્રાચીનકાળનુંભારત દેવોપમ મનુષ્યો અને સ્વર્ગીય પરિસ્થિતિઓથી ભરપૂર હતું, કારણ કે દેશવાસીઓનું રાષ્ટ્રીય ચારિત્ર્ય ઉચ્ચ કક્ષાનું હતું અને માતૃભૂમિ પ્રત્યેનાં કર્તવ્યોનુંપૂરી પવિત્રતા અને ઈમાનદારીપૂર્વક પાલન કરવામાં આવતું હતું. વ્યક્તિગત સ્વાર્થનું રાષ્ટ્રહિત આગળ કોઈ જ મહત્ત્વ નહોતું.

જે માતૃભૂમિ આપણને બળ, બુદ્ધિ, દીર્ઘાયુષ્ય, સુખ, સંપત્તિ સર્વ કંઈ આપે છે તેના પ્રત્યે આપણે આપણું ક્તવ્ય નિભાવવું જોઈએ.

૧૮૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

મમાગ્ને વર્ચો વિહવેષ્વસ્તુ વયં ત્વેંધાનાસ્તન્વં પુષુમ્ । મહ્યાં નમન્તાં પ્રદિશશ્ચ  તસ્ત્રસ્ત્વયાધ્યક્ષેણ પૃતના જયેમ્ II (અથર્વવેદ ૫/૩/૧)

ભાવાર્થ : વિશ્વસંગ્રામમાં વિજય માટે શરીર તંદુરસ્ત અને મજબૂત હોવું જરૂરી છે. દુર્બળ શરીરમાં એટલી શક્તિ અને તેજ હોતાં નથી, જેનાથી શાસન અને નેતૃત્વ કરી શકાય.

સંદેશ : મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે પારસ્પરિક સહકાર અને ઉદારતાના ભાવનાત્મક સદ્ગુણોથી અલંકૃત છે. એકબીજાને પોતાનો બૌદ્ધિક અને ક્રિયાત્મક સહકાર આપીને તે જ્ઞાન, અનુભવ, સાધન, તે ઉત્પાદન, ચિંતન અને વિકાસનાં અનેકવિધ દ્વાર ખોલી દે છે અને પ્રગતિના માર્ગ પર આગળ વધી શકે છે, પરંતુ દરેક માણસ એવું કરી શકતો નથી. સમાજમાં દુષ્ટ, દુર્ગુણી અને દુરાચારી પ્રકૃત્તિના લોકો પણ રહે છે. તેઓ એકબીજાને સહકાર આપવાના બદલે નુકસાન પહોંચાડવાનું કાર્ય કરતા રહે છે. કુવિચારો, કુસંસ્કારો અને કુરિવાજોને વધારતા રહે છે અને સર્વત્ર અરાજકતા ફેલાવે છે. સરકાર અમુક ગુનેગારોને શિક્ષા કરી શકે છે, આર્થિક પ્રગતિનાં કેટલાંક સાધનો પૂરાં પાડી શકે છે, પરંતુ વ્યક્તિગત મૂર્ખતા અને દુષ્ટતાને, સામાજિક ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાને દૂર કરવી તે તેના કાબૂની વાત નથી.

પ્રજાતંત્રમાં માનવી અને સમાજસુધારણાની જવાબદારી લોકસેવકોની હોય છે. તેમણે આ મોરચે સમાજનું નેતૃત્વ કરવાનું હોય છે. સમાજ અને રાષ્ટ્રનો સ્તર ઊંચો લઈ જવામાં લોકસેવકો જ સમર્થ બની શકે છે. એના માટે પહેલાં પોતાનું જીવન ઉચ્ચ કક્ષાનું બનાવવું પડે છે કે જેનાથી બીજા પર યોગ્ય પ્રભાવ પાડી શકાય. પોતે પોતાના આચરણ દ્વારા સમાજની સામે આદર્શ રજૂ કરવાનો હોય છે. બીજાઓનાં દુ:ખ અને તકલીફોને જોઈને પોતે પોતાની સગવડોમાં કાપ મૂકવો પડે છે. બધાની સાથે શિષ્ટતા અને સભ્યતાપૂર્ણ મધુર વ્યવહાર કરવો પડે છે, મીઠાં વચનો બોલવાં અને પાળવાં પડે છે, પ્રામાણિક જીવનપદ્ધતિ સ્વીકારવી પડે છે અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો આદર્શ રજૂ કરવો પડે છે. સમાજમાં ફેલાયેલા કુરિવાજોને બદલવા ઘણા મુશ્કેલ છે. પોતે પોતાના વર્તનથી સમાજમાં સ્વસ્થ પરંપરાઓ સ્થાપવી પડેછે. સમાજને સુધારવા, તેનું સંચાલન કરવા અને સ્વસ્થ પરાપંરાઓને પ્રચલિત કરવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે.

નેતૃત્વની આવી ક્ષમતા વિકસિત કરવા માટે શારીરિક અને આત્મિક બળની જરૂર પડે છે. શરીર હૃષ્ટપુષ્ટ અને નીરોગી હોવું તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. ગાંધીજી કેટલા બધા દૂબળાપાતળા હતા, પરંતુ તેમનામાં શરીરબળ અને આત્મબળનું તેજ હતું કે જેથી સમગ્ર સંસાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પ્રબળ આત્મશક્તિથી પેદા થયેલું સાહસ સમાજમાં ફેલાયેલા કુરિવાજોની સામે ટક્કર લેવામાં સમર્થ બને છે. ચારેય બાજુથી વિરોધ પેદા થાય છે, લોકો મજાક અને અસહયોગ કરે છે, છતાં સામા પ્રવાહે તરવાનો પુરુષાર્થ કરવો પડે છે. ઉત્તમ સ્વાસ્થ્યથી જ વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે સભ્ય તથા સુવ્યવસ્થિત લોકોની જેમ ભૌતિક અને આત્મિક પ્રગતિનો સુખસંતોષ પ્રાપ્ત થઈ શકે છે.

વિશ્વસંગ્રામમાં વિજયનો આ જ રાજમાર્ગ છે.

૧૮૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૬૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૬૦/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વાડ્ંમ આસન્નસોઃ પ્રાણશ્ચક્ષુરક્ષણો: શ્રોત્રંકર્ણયોઃ । અપલિતાઃ કેશાચ અશોણા દન્તા બહુ બાહ્યોર્બલમ્ ॥ (અથર્વવેદ ૧૯/૬૦/૧)

ભાવાર્થ : મારા મોઢામાંથી વાયુશક્તિ, નાકમાંથી પ્રાણશક્તિ, આંખોમાંથી દૃષ્ટિ, કાનમાંથી શ્રવણશક્તિ કદી નાશ ન પામે. વાળ સફેદ ન થાય, દાંત પડે નહિ અને હાથમાં બળ રહે.

સંદેશ : ભારતીય પરંપરા મુજબ માનવજીવન ચાર ભાગમાં વહેંચાયેલું છે. એને આશ્રમવ્યવસ્થા કહેવાય છે. ૫૨માત્માએ મનુષ્યને સો વર્ષનું આયુષ્ય આપ્યું છે અને ૨૫-૨૫ વર્ષના ચાર વિભાગ પાડીને એને આપણા ઋષિઓએ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં વિભાજિત કર્યું છે. ૨૫ વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરીને વિદ્યાભ્યાસ અને શરીરનો વિકાસ કરવા માટેનાં છે. ૨૫ વર્ષ કૌટુંબિક જવાબદારીઓને નિભાવવા માટે, ૨૫ વર્ષ કુટુંબને સ્વાવલંબી અને સુસંસ્કારી બનાવતા રહીને આત્મવિકાસ અને લોકમંગળની સંયુક્ત સાધનાનાં છે અને અંતિમ ૨૫ વર્ષ ઘર તથા કુટુંબની મોહમાયાથી છુટકારો મેળવીને પરિભ્રમણ કરતા રહીને રાષ્ટ્ર માટે, પરમાત્મા માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરવા માટેનાં છે. જીવનકાળનું આવું વૈજ્ઞાનિક અને વ્યાવહારિક વિભાજન પ્રાચીનકાળની જેમ આજે પણ પ્રાસંગિક અને ઉપયોગી છે.

પરમાત્માની કૃપાથી આપણને સો વર્ષનું પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થઈ જાય તો શું એટલું પૂરતું છે ? આ દીર્ઘાયુષ્યનું સુખ ભોગવવા માટે શરીરનાં અંગઉપાંગોમાં સંપૂર્ણ શક્તિ અને નીરોગીપણું જરૂરી છે, તો જ જીવનનું સુખ મળે છે. નહિતર,રોગી શરીરને જીવતી લાશની માફક સો વર્ષ સુધી ઢસડતાં રહેવું તે પોતાની જાતે જ કઠોર દંડ ભોગવવા બરાબર છે. આથી મનુષ્યની એ જવાબદારી છે કે તે પોતાનું ખાવુંપીવું, વર્તન, વ્યવહાર વગેરે એવાં રાખે કે દીર્ઘાયુષી બનવાની સાથે શારીરિક રૂપથી તે પૂર્ણ રીતે સ્વસ્થ રહે. આંખ, કાન, નાક, દાંત, વાળ વગેરે બધું જ સો વર્ષ સુધી પૂરી ક્ષમતાથી કાર્યરત રહે અને જીવનશક્તિમાં કોઈ પણ પ્રકારની ઊણપ ન આવે.

માનો કે ભગવાનની કૃપાથી સો વર્ષના આયુષ્યની સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે, તો શું એટલાથી જીવનલક્ષ્ય પ્રાપ્ત થઈ જશે ? ના, એકલા શારીરિક સ્વાસ્થ્યથી શું થાય ? એનાથી પણ વધુ મહત્ત્વ તો માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું છે. એમના અભાવમાં શારીરિક શક્તિનો રાવણ અને દુર્યોધનની જેમ દુરુપયોગ થતો રહેશે. સ્વાર્થ, મોહ, લોભની આગળ સંસારમાં બીજું કશુંય નહિ દેખાય. સંસારમાં જે કંઈ સંપત્તિ છે તે મને મળી જાય, બધાં સુખસગવડો મારા તાબામાં આવી જાય એવું વિચારવામાં જ બધી શક્તિ વપરાશે. પુત્રૈષણા, વિતૈષણા અને લોકૈષણામાં ડૂબી જઈને સંસારમાં બીજાઓનું શોષણ કરવાની પ્રવૃત્તિ વધશે. સર્વત્ર લૂંટફાટ તથા મારામારીનું વાતાવરણ સર્જાશે. ‘મારે તેની તલવાર’નું વાતાવરણ પેદા કરવામાં શારીરિક શક્તિનો ઉપયોગ થશે. તૃષ્ણામાં ફસાયેલો માણસ ન તો પોતે સુખી રહી શકશે કે ન બીજાને સુખેથી જીવવા દેશે.

વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ મેળવવા માટે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક, આત્મિક અને આધ્યાત્મિક સ્તર પણ શ્રેષ્ઠ હોવો જોઈએ. આવા સત્પ્રયાસોની મદદથી આપણે જીવનલક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું.

૧૮૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૧૩/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૧૩/૧૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઇયુષ્ટે યે પૂર્વતરામ પશ્યન્વ્યુચ્છન્તીમુષસં મર્ત્યાસઃ અસ્માભિરુ નુ પ્રતિચક્ષ્યાભૂદો । તે યન્તિ યે અપરીષુ પશ્યાન્ । (ઋગ્વેદ ૧/૧૧૩/૧૧)

ભાવાર્થ : જે મનુષ્યો ઉષાકાળે ઊંઘમાંથી ઊઠીને પરમાત્માનું ધ્યાન કરે છે તેમને ઈશ્વર બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે. જે સ્ત્રીપુરુષો પરમાત્માની સાક્ષીમાં મધુર સંબંધ જાળવી રાખે છે તેમને ભગવાન હંમેશાં સુખી રાખે છે.

સંદેશ : બધાં પ્રાકૃતિક તત્ત્વોમાં વાયુ સૂક્ષ્મ છે. પૃથ્વી, જળ તથા અગ્નિ કરતાં વાયુની સૂક્ષ્મતા ઘણી વધારે છે. એના કારણે એના ગુણ અને પ્રભાવ પણ વધુ છે. ખોરાક અને પાણી વિના તો થોડો સમય મનુષ્ય જીવતો રહી શકે છે, પરંતુ વાયુ વિના એક ક્ષણ પણ જીવતો રહી શકતો નથી. શરીરમાં બીજાં તત્ત્વોનો વિકાર એટલો નુકસાનકારક હોતો નથી, જેટલો વાયુનો હોય છે. ગંદા, અશુદ્ધ, સડેલા, દુર્ગંધયુક્ત અને ઝેરી વાયુમાં શ્વાસ લેવો મુશ્કેલ હોય છે અને દમ ઘુંટાવા લાગે છે. દિવસપર્યંત તો કામકાજના કારણે આપણે ગમે ત્યાં જવું પડે છે, તેથી શુદ્ધ વાયુનું સેવન થઈ શકતું નથી. આધી પ્રાતઃકાળના સર્વસુલભ પ્રાણવાયુની અવગણના કરીને મોં ઢાંકીને સૂઈ રહેવું તે પહેલા દરજ્જાની મૂર્ખતા જ છે.

પ્રાતઃકાળે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્યકર્મથી નિવૃત્ત થઈને પ્રાણવાયુનું સેવન કરવાની સાથે વ્યાયામ અને ઈશ્વરચિંતન પણ કરવું જોઈએ. આ સમગ્ર સંસાર, આ અદ્ભુત પ્રકૃતિ, ફળ, ફૂલ, અનાજ, પાણી બધું જ તે પરમપિતા પરમેશ્વરે આપણા ઉપયોગ માટે ઉત્પન્ન કર્યું છે. તે પ્રભુનું ધ્યાન ધરીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ અને તેમના દિવ્ય નિર્દેશોનું પાલન કરવાનો સંકલ્પ લેવો એ જ ઈશ્વરનું ચિંતન છે. કોઈ મંદિરમાં જઈને ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવાં તથા અગરબત્તી કે દીવો પ્રગટાવી દેવાં અને ઘંટ વગાડીને માથું નમાવવું કે કાકલૂદી કરવી તે ઈશ્વરભક્તિ નથી. આ તો માત્ર એક આડંબર છે. જીવનનો સદુપયોગ ઈશ્વરીય આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થઈ શકે છે. આસુરી પ્રવૃત્તિઓ આપણાં દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણાં વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક એમ બધાં કાર્યો દૈવી ગુણોથી પ્રેરિત હોવાં જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણને ન સતાવે, આ જ વાસ્તવિક ઈશ્વરચિંતન છે.

જીવનનો સદુપયોગ કરવો તે આપણી સૌથી મોટી સમસ્યા છે. દીર્ઘદૃષ્ટિ અને બુદ્ધિમત્તાપૂર્વક તેને ઉકેલવી જોઈએ. એના માટે પ્રાતઃકાળનો સમય સર્વશ્રેષ્ઠ છે. થોડો સમય પ્રભુચિંતન કરવાથી જીવનલક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્યસંદેશ પ્રાપ્ત થાય છે. જે કોઈ દોષ દુર્ગુણો હોય છે તે દૂર થાય છે તથા સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. મનમાંથી દુષ્ટ વિચારો અને પાપભાવના દૂર થાય છે. પ્રાતઃકાળે પ્રકૃતિના સંસર્ગથી ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે સીધો સંબંધ સ્થપાય છે અને મનમાં પવિત્ર, મધુર અને સુંદર વિચારોના તરંગો લહેરાય છે.

આ પ્રકારના ધાર્મિક આચરણથી પ્રભુકૃપાનું વરદાન મળે છે અને મનુષ્ય સમગ્ર દિવસ સ્ફૂર્તિ અને ઉલ્લાસની સાથે પોતાનાં દૈનિક કાર્યો કરતો રહીને સુખ, શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે.

૧૮૧. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૮૪૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૮૪૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

ઉત વાત પિતાતિ ન ઉત ભ્રાતોત નઃ સખા | સ નો જીવાતને કૃધિ (સામવેદ ૧૮૪૧)

ભાવાર્થ: વાયુ જીવન છે, આરોગ્યદાતા છે. આથી પ્રાતઃકાળે ઊઠીને પ્રાણદાયક વાયુનું નિયમિત સેવન કરવું એ પિતા, ભાઈ અને મિત્રના જેટલું સુખ આપે છે.

સંદેશ : સંસારમાં વાસ્તવિક સૌંદર્ય પ્રકૃતિમાં જ છે. આપણે કૃત્રિમ પ્રસાધનોથી આપણું સૌંદર્ય વધારવાનો ભલે ગમે તેટલો પ્રયત્ન કરીએ, પરંતુ પ્રકૃતિના સંપર્કથી આપણા શરીરને જે સ્વાસ્થ્ય, શક્તિ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે તે અનેક રીતે ચઢિયાતું હોય છે. પ્રકૃતિના નિયમોનું પાલન કરવાથી, વ્યાયામ અને પ્રાકૃતિક ભોજનથી શરીરના સ્નાયુઓનો સમતોલ વિકાસ થાય છે અને અંગેઅંગમાંથી સૌંદર્યનું તેજ ફૂટે છે. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઊઠીને સુખદાયક પ્રાણવાયુનુંનિયમિત સેવન અને વ્યાયામ કરવાથી મનુષ્ય નીરોગી અને દીર્ઘજીવી બને છે. જો આપણે બળવાન, શક્તિશાળી અને વીર બનવા ઇચ્છતા હોઈએ તો આપણે આ નિયમિત દિનચર્યા સ્વીકારવી જોઈએ.

નિયમિતતાનું ઘણું જ મહત્ત્વ છે. બેચાર દિવસ સવારે ઊઠી ગયા, થોડીઘણી કસરત પણ કરી લીધી અને પછી બધું બંધ. આ રીતે તો લાભના બદલે ઊલટું નુકસાન જ થશે. દ૨૨ોજ ચોક્કસ સમયે ઊઠવાની અને વ્યાયામ કરવાની ટેવ પાડવી જોઈએ. નિયમિત વ્યાયામ એક ઘણી જ સારી ટેવ છે. તેની શરીર પર જ નહિ, પરંતુ માનસિક બળની વૃદ્ધિ પર પણ આશ્ચર્યકારક અસર પડે છે. પરિશ્રમશીલ બનીને દિવસપર્યંત થાક લાગે એટલી સખત મહેનત કરવી તે સારી ઊંઘ લાવવા અને કકડીને ભૂખ લગાડવાની સૌથી સારી અને સસ્તી દવા છે, પરંતુ વ્યાયામનો ચમત્કાર તો વિશિષ્ટ છે. એની અસર ફક્ત શરીર સુધી સીમિત નથી રહેતી, પરંતુ તે સ્વભાવ અને મનોબળની શુદ્ધિમાં પણ મદદરૂપ થાય છે. આખો દિવસ લોખંડ ટીપનાર લુહાર કરતા અખાડામાં બે કલાક કસરત ક૨ના૨ પહેલવાન વધુ બળવાન હોય છે. એનું કારણ છે વ્યાયામની સાથે સંકળાયેલી ઉત્સાહવર્ધક ભાવના. તે સમયે મનમાં એવી ભાવના રહે છે કે આપણે સ્વાસ્થ્યની સાધના કરીએ છીએ અને આ શ્રદ્ધાનો મનોવૈજ્ઞાનિક અને ચમત્કારિક પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

વ્યાયામ અને રમતગમતમાં નિયમિતરૂપે ભાગ લેવાથી શરીર મજબૂત, સુંદર અને સુડોળ બની જાય છે. ભૂખતરસ તથા ગરમીઠંડી સહન કરવાની શક્તિ વધે છે. વ્યાયામથી સ્નાયુઓને શક્તિ મળે છે, ફેફસાં મજબૂત થાય છે, લોહી શુદ્ધ થાય છે, બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને આયુષ્ય લાંબું બને છે. રોગ અને ઘડપણ તેની પાસે આવતું નથી, મૃત્યુ પણ દૂર ભાગે છે. દેશ, કાળ અને સમયને અનુરૂપ હળવો વ્યાયામ કરવો જોઈએ, દેશી રમતો રમવી જોઈએ અને યોગાસનો કરવાં જોઈએ. ક્રિકેટ, ટેનિસ વગેરે મોંઘી વિદેશી રમતો તરફ દોડવું તે રાષ્ટ્ર પ્રત્યે ગુનો છે. એનો એ પણ અર્થ નથી કે બધો તે જ સમય વ્યાયામ કે રમતમાં ગાળવો. પોતાની જરૂરિયાત મુજબ સમયગાળો નિશ્ચિત કરીને સવારમાં પ્રાણવાયુનું સેવન તથા વ્યાયામ સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે. સાંજના સમયે કોઈ રમત રમવાનો કે ફરવાનો શ્રમ કરી શકાય, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભલે સમય થોડો જ હોય, પરંતુ નિયમિતતા રાખવી જોઈએ. નિયમિત દિનચર્યા જીવનમાં સુખદાયક નીવડે છે.

૧૮૦. વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૫૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – સામવેદ ૧૩૫૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યદઘ સૂર ઉદિતેઽનાગા મિત્રો અર્યમા । સુવાતિ સવિતા ભગઃ ॥ (સામવેદ ૧૩૫૧)

ભાવાર્થઃ પ્રાતઃકાળનો પ્રાણવાયુ સૂર્યોદયની પહેલાં નિર્દોષ રહે છે. આથી પ્રાતઃકાળે વહેલા ઊઠીને આ પ્રાણવાયુનું સેવન કરવું જોઈએ. એનાથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સ્થિર રહે છે તથા ધનની પ્રાપ્તિ થાય છે.

સંદેશઃ પ્રકૃતિમાં દરેક પ્રકારની વિચિત્રતા અને વિપુલતા છે. આનંદ, સ્વાસ્થ્ય અને આરોગ્યની તો આપણા માટે કોઈ મર્યાદા જ નથી. સ્વાસ્થ્યની આ વિપુલતાનું રસપાન કરીને સંસારનાં બધાં પશુપક્ષીઓ અને જીવજંતુઓ પોતાના જીવનનો આનંદ માણે છે. પાણી, પવન, પ્રકાશ તથા ભોજનમાંથી પોષકતત્ત્વો મેળવીને તેઓ દીર્ઘાયુષ્યનું સુખ મેળવે છે.

પરમાત્માએ આ પ્રકૃતિના કણેકણમાં, પાંદડાંમાં, ફૂલો અને ફળોમાં તથા પાણીના દરેક ટીપામાં આરોગ્ય ભર્યું છે. વાયુનો પ્રત્યેક અંશ, પાણીનો પ્રત્યેક ઘૂંટડો, ફળ, અનાજ અને શાકભાજીનો ક્લેક્સ જે આપણે શ્વાસમાં, પીવામાં અને ખોરાકમાં લઈએ છીએ તે આપણા માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બળવર્ધક છે. પ્રકૃતિની પાસે જીવનના સર્વાંગી વિકાસ અને શક્તિ માટે દરેક પ્રકારનાં સાધનો મોજૂદ છે.

જીવનની શરૂઆત દરરોજ બ્રહ્મમુહૂર્તમાં ઊઠવાથી જ થાય છે. બધાં પશુપક્ષીઓ બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને, આળસ છોડીને દૈનિક કાર્યોમાં જોડાઈ જાય છે. વહેલા ઊઠવાના અનેક લાભ છે. પ્રાતઃકાળની હવા સ્વાસ્થ્યપ્રદ અને દોષમુક્ત હોય છે. એને ‘પ્રાણવાયુ’ અને ‘વીરવાયુ’ પણ કહેવાય છે. એનું સેવન કરવાથી બળમાં વધારો થાય છે, મોંનું તેજ વધે છે, મન હંમેશાં પ્રસન્ન રહે છે અને બુદ્ધિ તીવ્ર બને છે. શરીરનાં બધાં અંગો

નીરોગી રહે છે. સવારમાં વહેલા ઊઠવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે. આનાથી ઊલટું, જે લોકો સૂર્યોદય થયા પછી પણ ઊંઘતા રહે છે તેમનાં આળસ અને પ્રમાદ વધી જાય છે અને તેઓ વિવિધ પ્રકારના રોગોનો ભોગ બને છે. આખો દિવસ સુસ્તી રહે છે અને કોઈ કામ કરવામાં મન લાગતું નથી.

પ્રાતઃકાળની ઉષાદેવી પોતાના બંને હાથથી સ્વાસ્થ્ય, આરોગ્ય, બુદ્ધિ, બળ અને દીર્ઘાયુષ્યનાં વરદાન વરસાવતી રહે છે. તે મધુર વેળામાં જેઓ જાગે છે તેઓ તેમને મેળવી શકે છે. ‘જો જાગત હૈ સો પાવત જો સોવત હૈ વો ખોવત હૈ’ માનવીના દૈનિક જીવનની શરૂઆત આ પુનિત પ્રભાતની વેળાથી જ થાય છે. પ્રાતઃકાળના મંદ પવિત્ર પવનની લહેરો શરીરના રોમેરોમમાં સ્ફૂર્તિ ભરી દે છે અને જીવનના નિર્માણ, પ્રગતિ અને વિકાસમાં ઉત્સાહનો સંચાર કરે છે. મનમાં આગળ વધવાની અને કંઈ કરી બતાવવાની ભાવના જાગૃત થાય છે. પ્રાતઃકાળનું સુંદર, મધુર અને નયનરમ્ય વાતાવરણ, પક્ષીઓનો લ૨વ, પશુઓની મસ્તી આપણા અંતઃકરણમાં નવચેતના અને નવજીવનની જ્યોતિ પ્રગટાવવામાં મોટી સહાય કરે છે.

પ્રકૃતિના આ વરદાનનો આપણે અવશ્ય લાભ લેવો જોઈએ. બધાં પશુપક્ષીઓ બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને આ પ્રાણવાયુનું સેવન કરે છે અને કદી પણ બીમાર પડતાં નથી. મનુષ્ય માટે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું સ્વાસ્થ્ય, મન, બુદ્ધિ અને આત્મા બધાના માટે ખૂબ જ ઉપયોગી છે. એ શરીરમાં સંજીવની શક્તિનો સંચાર કરે છે.

જે મનુષ્યો શારીરિક, માનસિક અને આત્મિક પ્રગતિ ઇચ્છતા હોય તેમણે બ્રહ્મમુહૂર્તમાં પ્રાતઃકાળે ચાર વાગે પથારીમાંથી ઊઠીને ખુલ્લી હવામાં અવશ્ય આવી જવું જોઈએ.

૧૭૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

યો વઃ શિવતમો રસસ્તસ્ય ભાજયતેહ નઃ | ઉશતીરિવ માતરઃ ॥  (ઋગ્વેદ ૧૦/૯/૨)

ભાવાર્થ : પાણી મનુષ્ય માટે કલ્યાણકારી હોય છે. એના સેવનથી બાહ્ય અને આંતરિક મળ અને ચરો દૂર થાય છે.

સંદેશ : માતૃત્વનું ગૌરવ સંતાનના કલ્યાણમાં સમાયેલું છે. માતા પોતાના સંતાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને સંસ્કારો માટે સજાગ રહે છે અને ન જાણે કેટલાંય દુઃખ વેઠે છે. સદ્ગુણી અને સુસંસ્કારી સંતાનથી જ સ્ત્રીનું સૌભાગ્ય ચમકે છે. ગર્ભધારણથી લઈને તેના જન્મ સુધી તે કષ્ટ વેઠે છે અને પછી બાકીનું સમગ્ર જીવન તે પોતાનાં બાળકોના કલ્યાણમાં ખર્ચી નાંખે છે. આ જ રીતે પરમપિતા પરમેશ્વર પણ હંમેશાં પોતાના પુત્રોના કલ્યાણની કામનાથી જ સંસારચક્રને ચાલુ રાખે છે. તે સૃષ્ટિનાં બધાં જીવજંતુઓ, પશુપક્ષીઓ તથા મનુષ્યોને માટે માતાની જેમ જ સુખ આપનાર છે. તે બધાના ભરણપોષણની વ્યવસ્થા કરે છે. પરમાત્માની અનેક પ્રકારની મદદમાં જળનું મહત્ત્વ સૌથી વધુ છે અને એ બધાને માટે કલ્યાણકારી છે.

વેદમાં પાણીને જીવન અને અમૃત કહેવામાં આવ્યું છે. પાણીમાં આરોગ્યપ્રદ અદ્ભુત ઔષધીય ગુણ છે તથા એ દરેક પ્રકારના રોગોનો નાશ કરી શકે છે. આયુર્વેદ ચિકિત્સામાં પાણીનું ઘણું મોટું મહત્ત્વ છે. મનુષ્યના શરીરમાં ૭૦ ટકા પાણી છે. મગજમાં તો ૯૦ ટકા પાણી હોય છે અને નક્કર હાડકાંમાં ૨૫ ટકા પાણી છે. મનુષ્યનું શરીર, જળ, જમીન, વાયુ, આકાશ, અગ્નિ એમ પાંચ તત્ત્વોનું બનેલું છે.

આ પૃથ્વીની સમગ્ર શોભા પાણીના લીધે છે. આ મનોહર હરિયાળી, મનમોહક સુગંધિત ફૂલોના છોડ, સ્વાદિષ્ટ ફળોથી લદાયેલાં વૃક્ષો, ઘી, દૂધ, દહીં, માખણ વગેરે બધું જ પાણીની કૃપાથી જ ઉત્પન્ન થાય છે.

પર્વતોની દુર્લભ ખનીજોનું ટૉનિક પીધેલું બળવર્ધક પાણી જ્યારે ખેતરોમાં પહોંચે છે ત્યારે જમીન સોનું પકવવા લાગે છે. સંસારનાં બધાં જ કાર્યો જળદેવતાની કૃપા પર જ આધારિત છે. કણેકણમાં જળદેવતાની સત્તા સમાયેલી છે. પાણીમાં ઘણા મોટા ગુણ છે અને એ આપણા જીવનનું અમૃત છે.

શુદ્ધ અને ઠંડું પાણી પીવાથી શરીરનો સર્વ પ્રકારનો મળ-કચરો દૂર થઈ જાય છે. પ્રાતઃકાળે ઊઠતાંવેંત જ ઉષાપાનનું વિધાન આયુર્વેદમાં બતાવાયું છે. જે માણસ સૂર્યોદય પહેલાં ઊઠીને આઠ ખોબા ભરીને પાણી પીએ છે તે હંમેશાં નીરોગી રહે છે. મળ સારી રીતે સાફ થઈ જાય છે, મન પ્રસન્ન રહે છે, ભૂખ કકડીને લાગે છે અને પાચનતંત્ર શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. ઉષાપાનથી અનેક શારીરિક રોગો અને નબળાઈ દૂર થઈ જાય છે. મોઢેથી પાણી પીવાને બદલે જો નાકથી પાણી પીવાનો મહાવરો કરવામાં આવે તો એ સ્વાસ્થ્યને માટે અતિ ઉત્તમ છે. તે આંખોનું તેજ અને બુદ્ધિને વધારીને વૃદ્ધત્વને દૂર ભગાડે છે.

શરીરશુદ્ધિ માટે સ્નાન ખૂબ જ જરૂરી છે. દરરોજનું સ્નાન બળ, શક્તિ, આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. એનાથી શરીરની સ્વચ્છતા અને સ્ફૂર્તિ જળવાય છે. શુદ્ધ અને ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરનો મેલ, પરસેવો અને થાક દૂર થઈ જાય છે. એ શારીરિક બળની વૃદ્ધિ કરીને ઓજસ્વિતા અને દીર્ઘાયુષ્ય અર્પે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. ઠંડા પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે. પાણી જ જીવન છે.

૧૭૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૯/૧૦/૨૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૯/૧૦/૨૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

સૂયવશાદ્ ભગવતી હિ ભૂયા અધા વયં ભગવન્તઃ સ્યામ્ । અદ્ધિ તૃણમધ્યે વિશ્વદાનીં પિબ શુદ્ધમુદકમાચરન્તી ॥ (અથર્વવેદ ૯/૧૦/૨૦)

ભાવાર્થ: હે મનુષ્યો ! જે રીતે ગાયો ઘાસ ખાઈને અને સ્વચ્છ પાણી પીને સંસારને દૂધ, ઘી વગે૨ે ઉત્તમ પદાર્થો આપે છે, તે જ રીતે તમે પણ સાત્ત્વિક આહાર ગ્રહણ કરીને હંમેશાં સંસાર પર ઉપકાર કરો.

સંદેશ : ભારતીય ધર્મગ્રંથોમાં ગાયને સૌથી વધુ પવિત્ર અને પૂજય માનવામાં આવે છે અને ગૌમાતાને શ્રેષ્ઠ આસન પર પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ગૌરક્ષા, ગૌપાલન અને ગૌપૂજાને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે. માનવજાતિને માતા જેવો પ્રેમ, સ્નેહ અને વાત્સ્યભરી સહાય ગૌમાતા પાસેથી જ મળે છે. માનવીના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગાયનું દૂધ એક સર્વશ્રેષ્ઠ પૌષ્ટિક આહાર છે. ગાયના દૂધમાં જેટલા ઉપયોગી ખનિજ ક્ષારો, રોગનિરોધક તથા બળવર્ધક જીવનતત્ત્વો છે, તેટલાં બીજી કોઈ વસ્તુમાં નથી. આયુર્વેદશાસ્ત્ર મુજબ ગાયનું દૂધ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી સર્વોત્તમ છે. એ સાત્ત્વિક પીણું છે અને એના ઉપયોગથી મનુષ્યમાં આધ્યાત્મિક સદ્ગુણોની વૃદ્ધિ થાય છે.

ગાય આપણને ઘીદૂધ જ નહિ, પરંતુ છાણમૂત્ર પણ આપે છે, રોગનાં જંતુઓનો નાશ કરવામાં અને ખેતીના કાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. ગાય મરી જાય ત્યાર પછી તેનું ચામડું મનુષ્યના કામમાં આવે છે. આ રીતે ગાયનું સંપૂર્ણ જીવન માનવજીવનની પ્રગતિનાં પારમાર્થિક કાર્યોમાં વીતે છે. ‘સાદું જીવન ઉચ્ચ વિચાર’નું સર્વશ્રેષ્ઠ આચરણ ગાયના જીવનમાં જોઈ શકાય છે. પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખે છે અને સંસારની ભલાઈ વધુમાં વધુ કરે છે.

મનુષ્ય પણ આ આદર્શને પોતાના આચરણમાં ઉતારી લે તો આ ધરતી સ્વર્ગ બની જાય. એમાં ભોજનની સાદાઈ અને સાત્ત્વિકતા સૌથી વધુ મહત્ત્વનાં છે. શું ખાવું ? કેટલું ખાવું ? ક્યારે ખાવું ? કેમ ખાવું ? અને કેવી રીતે ખાવું ? આ બધા મૂળ પ્રશ્નો છે. તેમના પર આપણે હંમેશાં ધ્યાન આપવું જોઈએ. ભોજન લેવું તે મનુષ્યની પરમ પુનિત જવાબદારી છે. ઈશ્વરે આપેલ આ શરીરને શક્તિવાન બનાવવાની આ યજ્ઞીય પ્રક્રિયા છે. ભોજન લેવું તે એક પવિત્ર યજ્ઞકર્મ છે. યજ્ઞકુંડમાં આહુતિ આપતી વખતે જે શ્રેષ્ઠતા, પવિત્રતા અને પ્રસન્નતાનો ભાવ આપણા મનમાં રહે છે તે જ ભાવથી ભોજનનો કોળિયો મોંમાં મૂકવો જોઈએ. આવી માનસિક ભાવનાથી ખાધેલા અને પીધેલા પદાર્થો શરીરમાં આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ કરે છે. લૂખુંસૂકું ભોજન પણ જ્યારે પ્રેમ અને સંતોષની સાથે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે અમૃત સમાન બની જાય છે. શુદ્ધ, સાત્ત્વિક, સાદું અને તાજું ભોજન આપણાં શરીર, મન, બુદ્ધિ અને આત્મા માટે હિતકારી હોય છે. ‘જીવવા માટે ખાઓ, ખાવા માટે ન જીવો, સ્વાદ માટે ન ખાઓ, આ જ બુદ્ધિશાળીની નીતિ છે.’

આ રીતે સાત્ત્વિક આહારથી બ્રહ્મચર્યપાલનનો સંકલ્પ સરળતાથી પૂરો કરી શકાય છે. મનુષ્યના રોમેરોમમાં ઉત્સાહ અને ઉલ્લાસની લહેરો પ્રગટે છે તથા પરોપકારના કાર્યમાં તન, મન અને ધન અર્પણ કરવાનું સાહસ જાગે છે.

સાત્ત્વિક આહાર જ શ્રેષ્ઠ જીવનનો આધાર છે.

૧૭૭. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૧/૫/૧૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૧/૫/૧૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

બ્રહ્મચર્યેણ તપસા દેવા મૃત્યુમપાઘ્નત । ઇન્દ્રો હ બ્રહ્મચર્યેણ દેવેભ્યઃ સ્વ રાભરમ્ II  (અથર્વવેદ ૧૧/૫/૧૯)

ભાવાર્થ : જે રીતે સૂર્ય ભગવાન પોતાના પ્રકાશથી અંધકાર દૂર કરીને ઉત્તમ પદાર્થો પ્રગટ કરે છે, તે રીતે મનુષ્ય બ્રહ્મચર્ય દ્વારા રોગ, આળસ, ગરીબાઈ વગેરેનો નાશ કરીને મોક્ષનું સુખ મેળવે.

સંદેશ : ‘તમસો મા જ્યોતિર્ગમય’, સંસારમાં ચારે તરફ ફેલાયેલ અજ્ઞાનના અંધકારને દૂર કરીને દિવ્ય પ્રકાશ ફેલાવવો તેમાં જ માનવજીવનની સાર્થકતા છે. એનો મુખ્ય આધાર બ્રહ્મચર્ય છે. એનાથી સતોગુણી ઋતંભરા બુદ્ધિનો વિકાસ થાય છે, જે તત્ત્વ અને અતત્ત્વનો, સત્ય અને અસત્યનો, શ્રેય અને અશ્રેયનો નિર્ણય કરવાની ક્ષમતા અર્પે છે. એના દિવ્ય પ્રકાશમાં એ વિચાર કરવો સરળ બની જાય છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સંયમ, સાદાઈ અને શ્રમશીલતાની પ્રાકૃતિક દિનચર્યાથી બળ અને વીર્ય વધે છે, શરીર સક્રિય રહે છે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના મનમાં અપરિગ્રહ, પરમાર્થ, સેવા, ત્યાગ, સહિષ્ણુતા, દયા, સહાનુભૂતિ, મૈત્રી, કરુણા, નમ્રતા, ધર્મ, શ્રદ્ધા, ઈશ્વરપરાયણતા વગેરેની ભાવના જાગૃત થાય છે. બ્રહ્મચર્ય શારીરિક શક્તિ, માનસિક તેજ અને આત્મિક બળની વૃદ્ધિ કરે છે અને મૃત્યુને પણ પરાજિત કરી દે છે.

ભોગવિલાસના કાદવકીચડમાં ફસાયેલો મનુષ્ય કોઈ સંયમી બ્રહ્મચારીના દિવ્ય સુખની કલ્પના પણ કરી શકતો નથી. માયામોહની જંજાળમાં ફસાયેલો મનુષ્ય શું જાણે કે જે મજા ફકીરીમાં છે તે અમીરીમાં નથી. ઇન્દ્રિયસંયમને બ્રહ્મચર્ય કહેવાય છે. એની સર્વોત્તમ સાધના તો ગૃહસ્થાશ્રમમાં જ થાય છે. રામ, કૃષ્ણ, શંકર, પાર્વતી, સીતા બધાં ગૃહસ્થ હતાં અને બ્રહ્મચર્યના શ્રેષ્ઠ આદર્શનાં પ્રતીક હતાં. તેમના જીવનમાં આપણને કૌટુંબિક જવાબદારીઓનું પાલન કરતા રહીને સંયમ અને સાદગીની અનુપમ દિનચર્યાનું ઉદાહરણ જોવા મળે છે. એ બ્રહ્મચર્યની શક્તિની કમાલ હતી કે રાજ્યાભિષેક અને વનવાસ બંનેનો રામે સમભાવથી સ્વીકાર કર્યો. રાજ્ય મેળવવાનો કોઈ ઉલ્લાસ ન હતો, કે વનવાસ જવાનું કોઈ દુઃખ ન હતું. સીતાએ પણ તેવી જ મર્યાદાનું પાલન કર્યું. કૃષ્ણનું તો સમગ્ર જીવન જ બ્રહ્મચર્યનો એક પ્રયોગ હતો. ભલે ગોવાળિયાઓનો સાથ હોય કે ગોપીઓ સાથેની રાસલીલા, રાજનીતિના દાવપેચ હોય કે યુદ્ધનું મેદાન, દરેક જગ્યાએ તેમનો સંયમ જોવા મળે છે. મનનું, વાણીનું અને કર્મનું આવું સુંદર નિયંત્રણ શું બ્રહ્મચર્ય સિવાય શક્ય છે ? બ્રહ્મચર્ય વિશ્વની સૌથી મહાન શક્તિ છે.

વિશ્વનું રહસ્ય જાણવા માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. ભોગથી રોગો જન્મે છે અને પરમાત્મામાં ધ્યાન લાગતું નથી. બ્રહ્મચર્યથી જ્ઞાનપ્રાપ્તિની અભિલાષા પેદા થાય છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે.

બ્રહ્મચર્યથી મનુષ્યનું આત્મિક બળ તો વધે જ છે, વધુમાં સાહસ, સહનશીલતા, નિર્ભયતા અને નીરોગતામાં વૃદ્ધિ થાય છે. બ્રહ્મચર્યથી મનુષ્ય શાંત, એકાગ્ર અને કર્તવ્યનિષ્ઠ બને છે. આળસ, પ્રમાદ અને ગરીબાઈ તેની પાસે ફરકતાં નથી. તે હંમેશાં પુરુષાર્થમાં જોડાયેલો રહે છે અને પોતાનું તથા સમાજનું હિત સાધે છે. આનાથી જ માનવજીવન સાર્થક બને છે.

૧૭૬. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૧૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૧૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

અયં લોક: પ્રિયતમો દેવાનામ પરાજિતઃ । યસ્મૈ ત્વમહિ મૃત્યવે દિષ્ટ: પુરુષ જજ્ઞિષે ॥ સ ચ ત્વાનુ હૃયામસિ મા પુરા જરસો મૃથાઃ ॥ (અથર્વવેદ ૫/૩૦/૧૭)

ભાવાર્થ : માનવશરીર બીજાં પ્રાણીઓ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. બંધનમુક્તિની સંપૂર્ણ શક્તિઓ અને સાધનો એમાં રહેલાં છે. એટલા માટે મનુષ્ય એવો આહાર, વિહાર, વિચાર અને વ્યવહાર રાખવો જોઈએ કે જેથી તે સંપૂર્ણ આયુષ્ય ભોગવી શકે.

સંદેશ : ચોર્યાસી લાખ યોનિઓમાં ભટક્યા પછી આત્મા જ્યારે માનવશરીરને પ્રાપ્ત કરે છે ત્યારે તેના માટે ઉન્નતિના બધા માર્ગો આપોઆપ મોકળા બની જાય છે. આ શરીરમાં જે શક્તિઓ અને સાધનો છે તેમનો યોગ્ય ઉપયોગ કરીને ભવસાગરથી મુક્ત થવામાં વાર લાગતી નથી. પરમાત્માએ મનુષ્યને જે સો વર્ષનું આયુષ્ય આપ્યું છે તેનો પૂર્ણ ઉપભોગ કરતા રહીને લોકહિતનાં કાર્યોને પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય તેને બ્રહ્મચર્યથી જ પ્રાપ્ત થઈ શકે છે.

મોટેભાગે બ્રહ્મચર્યનો સંકુચિત અર્થ વીર્યનું રક્ષણ અને કામવાસના પર નિયંત્રણ જ માનવામાં આવે છે, પરંતુ આ તો તેનું ફક્ત એક જ પાસું છે. બ્રહ્મચર્યનો અર્થ છે ઈશ્વરચિંતન, વેદાભ્યાસ, જ્ઞાનોપાર્જન અને વીર્યરક્ષા. બ્રહ્મ કહેવાય છે બ્રહ્માને, મહાનતાને અને ચર્યનો અર્થ છે વિચરવું. મહાનતામાં વિચરવું, મહાન થવું, મહાનતાનું આચરણ કરવું તે બ્રહ્મચર્યનો વ્યાપક અર્થ છે. આપણે મહાનતા માટે ઈશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન કરવું જોઈએ અને તેમને વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

વેદો તથા બીજા સગ્રંથોનો અભ્યાસ કરીને સત્યજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આપણી બુદ્ધિને વિકસાવીને યોગ્ય અયોગ્ય, નીતિ-અનીતિનો નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ જાગૃત કરવી જોઈએ, પરંતુ જ્યારે વીર્યના રક્ષણ દ્વારા સ્વાસ્થ્યને ઉત્તમ રાખવામાં આવે છે ત્યારે જ આ શક્ય બને છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેનામાં દૈવી તેજ ભરપૂર હોય છે, આંખોમાં ચમક હોય છે, ગાલ ગુલાબી થઈ જાય છે અને ચહેરો ઓજસ તેમ જ આભાથી પ્રકાશવાન રહે છે. બ્રહ્મચર્ય દ્વારા શરીર હૃષ્ટપુષ્ટ બને છે અને પ્રસન્નતા, દૃઢતા, સાહસ અને ધૈર્ય જેવા ગુણો વિકસે છે. વધુમાં બ્રહ્મચર્ય પાળવાથી આપણે આપણી શક્તિઓનો નાશ થતો અટકાવીને જીવનને મહાનતાના માર્ગ પર ચાલવામાં તેનો સદુપયોગ કરી શકીએ છીએ.

મનુષ્ય પોતાની ઉન્નતિ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેનો વ્યાપક અર્થ જોઈએ તો સમાજને પણ બ્રહ્મચર્યની જરૂરિયાત છે. આજે સમગ્ર સમાજ અશક્ત, વેરવિખેર અને સંકુચિત થઈ રહ્યો છે. ચારે તરફ સ્વાર્થપરાયણતા, અસમર્થતા, અશ્લીલતા, વ્યાકુળતા, ભય તથા બરબાદીનાં જ લક્ષણો જોવા મળે છે. એનું કારણ એ છે કે મનુષ્યની માફક સમાજમાં પણ જે બ્રહ્મચર્ય હોવું જોઈએ. તેના અભાવમાં તેની શક્તિઓ ખલાસ થઈને આમતેમ વિખેરાઈ રહી છે. દેવાસુરસંગ્રામમાં જ્યારે દેવત્વનો પરાજય થવા લાગ્યો હતો ત્યારે પરમાત્માએ બધી વેરવિખેર થયેલી શક્તિઓને એકત્રિત કરીને એક પ્રચંડ શક્તિ પ્રગટ કરી હતી, જેનું નામ દુર્ગા હતું. આજે પણ જેમ મનુષ્ય માટે બ્રહ્મચર્ય દ્વારા પોતાની વિખરાયેલી શક્તિઓને એકત્રિત કરવી જરૂરી છે એ જ રીતે સમાજે પણ બ્રહ્મચર્યનું પાલન કરીને એકતા, સહકાર, સદ્ભાવના અને સદ્ગુણોની શક્તિને એકત્રિત કરવાની જરૂર છે. શરીર, મન, આત્મા, સમાજ અને રાષ્ટ્ર એ બધાંએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

%d bloggers like this: