૩૬. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉદ્યાનં તે પુરુષ નાવયાન, જીવાતું તે દક્ષતાતિં કૃણોમિ । આ હિ રોહેમમમૃતં સુખં રથમથ જિર્વિવિંદથમા વદાસિ ॥ (અથર્વવેદ ૮/૧/૬)
ભાવાર્થ : જેઓ દેવેચ્છા અને ગુરુજનોના શિક્ષણને માનીને મુશ્કેલીઓમાં આગળ વધતા રહે છે તેમને સમાજમાં સન્માન મળે છે, તેમની બધે પ્રશંસા થાય છે.
સંદેશઃ દેવેચ્છાથી આપણને આ મનુષ્યશરીર મળ્યું છે. જીવનપથમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ કરતાં હંમેશાં પોતાની અને સમાજની ઉન્નતિ કરતા રહેવાને પરમાત્માએ આપણું મુખ્ય કર્તવ્ય નક્કી કર્યું છે. આપણે ક્યારેય હતાશ થવું જોઈએ નહિ, કારણ કે પરમેશ્વર પોતે આપણી ઉન્નતિમાં સહયોગ આપવા માટે દરેક પળે તૈયાર રહે છે. આપણે તો ભારે પુરુષાર્થ કરવાનો છે. ભગવાન ક્યારેય આપણું પતન ઇચ્છતા નથી. આપણે જાતે જ દુષ્પ્રવૃત્તિઓની જાળમાં ફસાઈને અવનતિનો માર્ગ બનાવી લઈએ છીએ. તેઓ આપણા જીવનને એટલું પ્રાણવાન અને શક્તિશાળી બનાવી દેવા ઇચ્છે છે કે તેના તેજની આગળ આખો સંસાર નતમસ્તક થાય. આપણે આપણા આત્મા અને શરીરની શક્તિને સાચી રીતે ઓળખવી જોઈએ.
મોટા ભાગના માણસો પોતાની આત્મશક્તિને ઓળખતા નથી અને પોતાના શરીરને જ સર્વસ્વ સમજીને તેની સેવામાં પોતાને સમર્પિત કરી દે છે. તેનાથી અનેક પ્રકારના શારીરિક અને માનસિક વિકારો પેદા થાય છે અને તે મનોવિકારો દુર્ગંધયુક્ત કીચડથી ભરાઈ જાય છે. તેઓ ભૂલી જાય છે કે આ શરીર તો માત્ર આત્માનું વાહન છે. જે શરીરને આત્મા ઉપર છવાઈ જવા દે છે તેમના આત્માનો પ્રકાશ બહાર ફેલાતો નથી અને પ્રગતિમાં મદદરૂપ થતો નથી. જેનો આત્મા શરીરરૂપી ઘોડાની લગામને પકડી રાખે છે તે ઉત્તરોત્તર આત્મવિકાસના પગથિયાં ચઢતાં ચઢતાં ઉન્નતિના શિખર ઉપર પહોંચી જાય છે.
એવા માનવીનું પ્રાણબળ દ૨૨ોજ વધે છે અને વૃદ્ધાવસ્થામાં સારી રીતે વિકસિત થાય છે. તે માનવી પોતાના જ્ઞાન અને અનુભવના વિશાળ ભંડારમાંથી સમાજને સુસંસ્કારી બનાવવામાં મદદ કરી શકે છે. તે મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરવાની ક્ષમતાનો વિકાસ કરે છે. જીવનપથમાં મુશ્કેલીઓ તો આવતી રહેવાની. બધી વસ્તુઓ આપણી મરજી પ્રમાણે મળતી રહે એ શક્ય નથી. વિપરીત પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવાનું સામર્થ્ય જ આપણા વ્યક્તિત્વને ઉચ્ચ બનાવે છે. તેનાથી સર્વત્ર સન્માન અને પ્રશંસા મળે છે. સંઘર્ષથી આત્મબળ અને પ્રાણબળની પરીક્ષા થાય છે. પરમાત્માની ઇચ્છાથી આ મુશ્કેલીઓ આપણા માર્ગમાં ઊભી થાય છે અને આપણને સુષુપ્તાવસ્થામાંથી જગાડીને આત્મોન્નતિ માટે પ્રેરિત કરે છે. પરમપિતા પરમેશ્વર બહુ દયાળુ છે અને તેની કૃપાની વર્ષા તેના પ્રિય પુત્રો ઉપર નિરંતર થતી રહે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે છે તે બીજી રીતે તેના માટે વરદાન સ્વરૂપ છે. પહેલાંનાં પાપકર્મોના દંડના રૂપમાં તે માનવીને પ્રાયશ્ચિત્ત કરવાનો એક અવસર આપે છે. તેના આત્મબળને સુવર્ણની જેમ ચમકાવવા એક ભઠ્ઠીની ભૂમિકા નિભાવે છે.
જે આ વિકટ પરિસ્થિતિમાં હતાશ થતો નથી અને બીજાને યોગ્ય પ્રોત્સાહન આપે છે તે સાચો બ્રાહ્મણ છે.
પ્રતિભાવો