૭૪. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૫૭/૧,અથર્વવેદ ૧૩/૧/૫૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મા પ્રગામ પથો વયં મા યજ્ઞાદિન્દ્ર સોમિનઃ । માન્ત સ્થુર્નો અરાતયઃ ॥ (ઋગ્વેદ ૧૦/૫૭/૧,અથર્વવેદ ૧૩/૧/૫૯)
ભાવાર્થ : ધનથી મોટે ભાગે લોકોમાં પ્રમાદ આવી જાય છે અને તેનાથી લોકો કુમાર્ગગામી બની જાય છે. એટલે ધન તો મેળવો, પરંતુ તેનાથી અભિમાની બનવાના બદલે દાનવીર બનો.
સંદેશ : લોકો સન્માર્ગે ચાલે ત્યારે સમાજની પ્રગતિ થાય છે. અસત્ માર્ગ હંમેશાં વિનાશનું કારણ બને છે. સન્માર્ગ અપનાવવાથી સમાજમાં નૈતિકતા, પવિત્રતા અને શુદ્ધતા આવે છે. સમાજમાં જો અપવિત્રતા અને અનૈતિકતા હશે, તો તે દરેક માણસ સુધી પહોંચીને તેનામાં દોષો પેદા કરશે. તેથી ક્યારેય પણ અસત્ માર્ગને પ્રોત્સાહન આપવું જોઈએ નહિ.
સમાજના જે દુશ્મનો છે તેમની ગણતરી મોટે ભાગે શોષણખોર અને સ્વાર્થી વર્ગમાં જ થાય છે. આવાં તત્ત્વો સમાજને કમજોર બનાવી દે છે. સમાજના આવા દુશ્મનોને બને તેટલા જલદીથી બહાર કાઢી મૂકવા જોઈએ. સમાજમાં બધા મનુષ્યોએ ભગવાનના દિવ્ય ગુણોનો સ્વીકાર કરીને સન્માર્ગ પર ચાલવું જોઈએ અને યજ્ઞીય ભાવનાથી બધાની ઉપર ઉપકાર કરવા માટે પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. દરેક મનુષ્ય નુકસાન કરનાર કે દુઃખ આપનાર પાપકર્મોથી પોતાની જાતને બચાવવી જોઈએ અને ધર્મપાલન તથા સંયમના સરળ અને લાભદાયક માર્ગે જ આગળ વધતા રહેવું જોઈએ.
આવા પુરુષાર્થી અને સંયમી જીવન દ્વારા જે સહાય અને વરદાનો પ્રાપ્ત થાય તેમને ઈશ્વરની કૃપા માનીને અહંકારથી બચવું જોઈએ. બધું જ પરમાત્માનું છે. આપણે માત્ર એના ચાકર છીએ. તેણે જે કાર્ય માટે આપણી પસંદગી કરી છે તે કાર્ય પૂરા મનોયોગ સાથે કરવું જોઈએ અર્થાત્ તેણે આપણને જે કંઈ આપ્યું છે તે બધું તેનું જ છે. જ્યારે આપણે એ ધનને આપણું માનવાની ભૂલ કરીએ છીએ ત્યારે મનમાં અહંકાર આવી જાય છે. તે હકીકતમાં આપણી ક્ષુદ્રતા જ પ્રગટ કરે છે.
આપણે જે કાંઈ કમાઈએ છીએ તેનો એક અંશ ધર્મ માટે દાનમાં આપવાનું વિધાન છે. ‘ધર્માય યશસેડર્થાય આત્મને સ્વજનાય ચ’ કમાણીને આ રીતે પાંચ ભાગમાં વહેંચી દેવી જોઈએ. દાન કરતી વખતે પાત્ર કે કુપાત્રનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. આપણે દાન આપીએ છીએ તેમાં કોઈની ઉપર ઉપકાર કરતા નથી, પરંતુ તે તો આપણી ઉપર જ ઉપકાર થાય છે. દાન કરતી વખતે આપણે કોઈ આકાંક્ષા રાખવાના બદલે નિરપેક્ષ ભાવ રાખવો જોઈએ. પ્રતિફળની આશાથી દાન ન કરવું જોઈએ. દાન આપ્યા પછી તેના ફળ સ્વરૂપે માનસન્માન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે કે પછી આપણું નામ લોકોમાં પ્રખ્યાત થાય, ચારેબાજુ આપણી કીર્તિ ફેલાય, આવી બધી અભિલાષાઓ રાખવી સાવ નકામી છે.
દાન આપવા માટે ધીરજ અને આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે, જેને એવો વિશ્વાસ છે કે મારામાં પૂરતું કમાઈ લેવાની યોગ્યતા છે તેવા માણસો જ દાન આપી શકે છે. જેઓ અયોગ્ય અને સામર્થ્ય વગરના છે તેવા લોકો ધન પર કબજો જમાવીને બેસી જાય છે. દાન આપતી વખતે આપણા મનમાં સેવકનો ભાવ હોવો જોઈએ. હજાર માથાવાળા, હજારો હાથવાળા, હજારો પગવાળા સમાજપુરુષનું આપણે ‘પત્ર પુષ્પ ફલૂં તોયં’ પૂજન કરી રહ્યા છીએ એવો ભાવ અંતઃકરણમાં હોવો જોઈએ, કદાચ ઈશ્વરના અસ્તિત્વને કોઈ ન પણ માને, પરંતુ સમાજના અસ્તિત્વ અને મહત્ત્વને તો કોઈ ક્યારેય નકારી શકે નહિ. સમાજની પ્રગતિમાં જ આપણી પ્રગતિ રહેલી છે.ઈમાનદારીપૂર્ણ જીવન જીવવું પ્રચંડ ઇચ્છાશક્તિ દ્વારા જ શક્ય બને છે. આત્મબળ અને ઈમાનદારી સાત્ત્વિક જીવનરથનાં બે પૈડાં છે. પ્રત્યેક માનવીએ પ્રગતિ માટે, જીવનમાં સુખ, શાંતિ અને કીર્તિ માટે આ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતે પણ ઈમાનદારી, પુરુષાર્થ અને પરમાર્થનું પાલન કરીને અને બીજાઓત્તે પણ તે માર્ગે ચાલવા પ્રેરિત કરવા જોઈએ.
પ્રચંડ આત્મબળથી જ મનુષ્યમાં અનીતિની સામે સંધર્ષ કરવાનું સામર્થ્ય જાગે છે. અનીતિપૂર્વક ધન કમાવાના પ્રલોભનથી પોતાને મુકત રાખવામાં સફળતા મળે છે. બધા લોકો જાણે છે કે સારી બાબતો ક૨તાં ખરાબ બાબતોનું આકર્ષણ તીવ્ર હોય છે અને તે આક્રમણ ઘણી તેજ ગતિ અને દઢતાથી થાય છે. એકવાર તેની જાળમાં ફસાયા પછી તે કીચડમાંથી બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય છે. જ્યારે મનુષ્ય પોતાના આત્મબળમાં વૃદ્ધિ કરતો રહીને દૈવી ગુણોને પોતાના આચરણમાં ઉતારી લે છે ત્યારે તેનામાં દેવાસુરસંગ્રામમાં રાક્ષસી શક્તિઓને કચડી નાખવાનું સામર્થ્ય આવે છે. ધીરજ અને માનસિક એકાગ્રતા રાખીને આપણે હંમેશાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને પોતાની દુષ્પ્રવૃત્તિઓને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જીવનલક્ષ્યની પ્રાપ્તિનો આ જ રાજમાર્ગ છે.
પ્રતિભાવો