ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫
September 23, 2021 Leave a comment
ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫
બોધ : ખરાબ સોબતથી બાળકોને બચાવવામાં આવે. નોકર, મિત્રો, શિક્ષકો, ઓળખીતાઓમાંથી કોણ કેવા લાયક છે, તેનું ધ્યાન રાખવાનું કામ વડિલોનું છે. આ બાબતમાં બહુ સાવચેતીની જરૂર છે. ખરાબ સોબત અથવા ખરાબ પ્રભાવથી કેટલાંય બાળકોનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બગડે છે. જે પાછળથી ઘણું દુઃખકારક બને છે. બાળકોને ઘર – પરિવારના કામોમાં રસ લેવાની, ધ્યાન આપવાની અને કામમાં મદદ કરવાની ટેવ નાનપણથી પાડવી જોઈએ. લાડમાં ગમે તે કરવાની છૂટ ન આપવી જોઈએ.
બાહ્યના જેવું જ આંતરિક સૌંદર્ય :
વ્યવહારિક શિક્ષણ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ કે ખરાબ કે સારા વ્યવહારની અસર કેવી થાય છે. એક રાજાને ત્રણ છોકરીઓ હતી. બે સુંદર અને એક કુરૂપ હતી. કુરૂપ છોકરીને બધા ચાહતા હતા અને બીજી બે સુંદર હોવા છતાં ઘરના માણસો તેમની ઉપેક્ષા કરતા હતા. બંને છોકરીઓ પિતા પાસે આ પક્ષપાતની ફરિયાદ કરવા અને કારણ જાણવા ગઈ. રાજાએ એક અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું. ત્રણેય છોકરીઓને બીજે દિવસે બગીચામાં મોકલી. બગીચાના દરવાજામાં પ્રવેશ કરતાં જ એક ભૂખી ડોસી મળી. બંને મોટી રાજકુમારીઓ ડોસીને અયોગ્ય જગ્યાએ બેસવા બદલ ગમે તેમ બોલીને આગળ જતી રહી. નાની કુરૂપ રાજકુમારીએ પોતાનું ભોજન તેને આપી દીધુ. સહાનુભૂતિ પ્રગટ કરી તેનું વજનદાર પોટલું માથા ઉપર મૂકીને યોગ્ય જગ્યાએ તેને બેસાડી દીધી. ડોસીએ જે કહ્યું તે રાજાએ છોકરીઓને સંભળાવ્યું અને કહ્યું કે ચહેરાની સુંદરતા કરતાં હાથ અને વાણીની સુંદરતા વધુ મહત્વની છે, એનાથી પ્રેમ મળે છે. બંને છોકરીઓએ તનની જેમ પોતાના મનને પણ સુંદર બનાવવાની સાધનાનો આરંભ કરી દીધો.
સ્વાભિમાની તિલક :
લોકમાન્ય તિલક જે કોલેજમાં ભણતા હતા, તે કોલેજના છોકરાઓ ફેશનમાં રહેતા હતા. તિલક એકલા જ કુરતો અને પાઘડી પહેરતા હતા. ફેશનેબલ છોકરાઓની તેમણે મજાક ઉડાવી ઉડાવીને દેશી પોષાક પહેરવા માટે સહમત કરી દીધા.
ઘણા છોકરાઓ હંમેશાં બિમાર રહેતા હતા અને એમનાં કબાટ દવાઓથી ભરેલાં રહેતાં હતાં. તિલકે તે દવાઓ ગટરમાં ફેંકી દીધી અને કહ્યું, “ તમે મારી સાથે અખાડામાં નિયમિત આવ્યા કરો, જો કોઈ બિમારી રહે તો એની જવાબદારી મારી. ”
જડ બુધ્ધિમાંથી મેઘાવી બુદ્ધિઃ
જર્મનીના જોસેફ બર્નાડની કિશોરાવસ્થા એવી રીતે પસાર થઈ કે જાણે જડબુધ્ધિના હોય. શાળામાં ન ભણી શક્યા. તેથી તેમનાં માતાપિતાએ ટ્યુશનની વ્યવસ્થા કરી. એનું પણ કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે તેમના પિતાએ કહ્યું કે, “ તારા જેવા બુધ્ધુને બદલે કૂતરો પાળ્યો હોત તો સારૂ થાત. ” આ વાક્ય હ્રદયમાં તીરની જેમ ભોંકાઈ ગયું અને બર્નાડે એ જ દિવસથી પુરી દીલચસ્પી અને મહેનતથી ભણવાનું શરૂ કર્યું. જડ મગજે ધીરે ધીરે સુધરવાનું અને બદલવાનું શરૂ કર્યું. એણે એક પછી એક ધોરણ સારા નંબરે પાસ કરવા માંડયાં. એનામાં એવું પરિવર્તન થયું કે જેને ચમત્કારની ઉપમા આપી શકાય. એણે બાઈબલ મોંઢે કરી દીધું એટલું જ નહીં, થોડા જ વર્ષોમાં નવ ભાષાના મૂર્ધન્ય વિદ્વાન બની ગયા. એમને જર્મનીના ઈતિહાસમાં બુદ્ધિના ધનવાન કહેવામાં આવે છે, પરંતુ કિશોરાવસ્થા પુરી થતાં સુધી તેઓ જડબુદ્ધિના હતા.
બુધ્ધુની અનુપમ બુધ્ધિમતા :
જગતના જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન નાનપણમાં બુધ્ધુ હતા. તેમના મિત્રો હંમેશાં તેમની મજાક ઉડાવતા હતા. એક દિવસ અત્યંત ગંભીરતાપૂર્વક એમણે શિક્ષકને પૂછયું કે શું હું કોઈપણ રીતે સુયોગ્ય ન બની શકું ? શિક્ષકે તેમને ટૂંકમાં એક જ વાક્યમાં જવાબ આપ્યો કે, “ દિલચસ્પી અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ એ જ વિદ્વાન બનવાનો એક માત્ર ગુરૂમંત્ર છે. ” આઈન્સ્ટાઈને આ વાત ગાંઠે બાંધી લીધી અને પોતાના અભ્યાસમાં તન્મય બની ગયા. પરિણામે સ્પષ્ટ છે કે તેમને સંસારમાં અણુવિજ્ઞાનના પારંગત અને સાપેક્ષવાદના પિતા માનવામાં આવે છે. એમની નાનપણની બુધ્ધિ જે તેમને બુધ્ધુ કહેવડાવતી હતી, તે હજારગણી વિકસિત થઈ.
સાચી વાત કહેવાનું સાહસ :
અમીચંદ નામનો એક પ્રસિધ્ધ માણસ મહર્ષિ દયાનંદ પાસે ગીત ગાવા જતો હતો. દયાનંદને એ વ્યક્તિ સાથે અત્યંત આત્મીયતા થઈ ગઈ હતી. એક દિવસ સમાજના સભ્ય લોકોએ એમના ખરાબ આચરણ વિષે ફરિયાદ કરી. મહર્ષિએ તપાસ કરી તો વાત સાચી નીકળી. બીજા દિવસે જ્યારે અમીચંદ ગીત ગાઈને ઉઠતો હતો ત્યારે મહર્ષિએ કહ્યું, “ પ્યારા દોસ્ત તમારો કંઠ કોયલ જેવો છે, પરંતુ આચરણ તો કાગડા જેવું છે.” આ વાત અમીચંદને હ્રદ યમાં ખૂંચવા લાગી. એણે સંકલ્પ કર્યો કે મહર્ષિને હું ત્યારે જ મળીશ કે જ્યારે હું સારો બનીશ. બીજા જ દિવસથી તેણે લાંચ લેવાની બંધ કરી દીધી. ઘણા સમયથી ત્યજેલી પત્નીને પાછી બોલાવી લીધી. દારૂ પીવાનું છોડી દીધું. આ રીતે શ્રેષ્ઠ આચરણ કર્યું ત્યાર પછી ઋષિનાં ચરણોમાં શીશ નમાવ્યું.
સ્વાવલંબી બાળક :
ફ્રાન્સની ગાયિકા મેલિથોર્ન પાસે એક વખત એક ગરીબ છોકરો આવ્યો. મેલિથોર્ન એને દેખીને દુઃખી થઈ ગઈ. એણે કહ્યું, “ બેટા, તારું શું નામ છે અને શું કામ કરે છે ? ” છોકરાએ કહ્યું કે, “ મારું નામ પિયરે અને હું અભ્યાસ કરૂ છું. હું તમને એક વિનંતી કરવા આવ્યો છું. મારી મા માંદી છે. મારી પાસે દવા માટે કે એના ઈલાજ માટે પૈસા નથી. ” મેલિથૈને કહ્યું, “ તારે આર્થિક મદદ જોઈએ છે ને ? બોલ કેટલા પૈસા આપુ ? ” પિયરે કહ્યું “ ના, હું મફતના પૈસા નથી લેતો. હું તો તમને એક નિવેદન કરવા આવ્યો હતો. મેં એક કવિતા લખી છે. તમે એ સંગીત સભામાં ગાવાની કૃપા કરો, ત્યાર પછી જે ઉચિત લાગે તે આપજો.
મેલિથોર્ન ઘણી પ્રભાવિત થઈ. બીજા દિવસે એણે એ કવિતા એક જલસામાં ગાઈ. કરૂણ સ્વરમાં ગવાયેલ એ કવિતા સાંભળી શ્રોતાઓની આંખમાં પાણી આવી ગયું. એ કવિતા ઉપર લોકોએ સારો એવો પુરસ્કાર આપ્યો. મેકિર્થોન બધી રકમ લઈને પિયરની માંદી મા પાસે ગઈ અને એનો હકદાર પિયરે છે એમ કહી બધી રકમ પિયરને આપી દીધી.
અંતે બાળકો સમાજવાદીનાં પુષ્પો છે, આવતીકાલના નાગરિકો છે. રાષ્ટ્રને સમર્થ નાગરિકો આપી આપનો ગૃહસ્થાશ્રમ ધન્ય બનાવો .
પ્રતિભાવો