નવાયુગમાં નારીને ન્યાય મળશે, બોઘવચન – ર૭
September 17, 2021 Leave a comment
નવાયુગમાં નારીને ન્યાય મળશે, બોઘવચન – ર૭
બોધ : ઘરનાં કૌટુમ્બિક કાર્યોમાં પુરૂષ સ્ત્રીને મદદ કરે. એમને એટલો અવકાશ આપે કે પરિવારની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટ સારી રીતે કરી શકે. વાતચીત, કલાકારીગરી તથા સમસ્યાઓના નિરાકરણમાં પોતાની ભૂમિકા નિભાવી શકે.
આગામી સમય ખરેખર ભાવપ્રધાન હશે અને એનું સંચાલન નારીશકિત કરશે. પુરૂષ સ્ત્રીને વિકાસ કરવા માટે આગળ વધવાની તક ન આપે તે સૃષ્ટાની ઈચ્છા વિરૂધ્ધ છે. એટલું જ નહીં પણ તેમાં મનુષ્યની તુચ્છતા રહેલી છે. નવો સમાજ લાવવા માટે, નવનિર્માણ કરવા માનવમાં દેવત્વ જગાડવા તથા ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન કરવા માટે નારીશકિતને ખીલવવી, તેને પ્રખર બનાવવી તે આજના યુગની એક મહત્વની જરૂરિયાત છે. આગામી દિવસોમાં નારી દ્વારા વિશ્વનું નેતૃત્વ કરવામાં આવશે એવી સંભાવના વિશેષ છે. એનું કારણ એ છે કે કચડાયેલા વર્ગને ભવિષ્યમાં અતિ વિષમ બંધનોમાંથી મૂકત થવાનો અવસર મળવાનો જ છે. એ ઈશ્વરીય ન્યાયનું વિધાન છે.
ભાવિ પ્રગતિમાં નારીની ભૂમિકા :
રશિયાના સ્ટાલીન કહેતા હતા કે સ્ત્રીઓને ઘણા લાંબા સમય પછી માનવીય અધિકારો મળ્યા છે. એમનામાં પુરૂષ સમોવડી બનવાનો કે શ્રેષ્ઠતા બતાવવાનો ઉમંગ – ઉત્સવ ઉભરાય તો એને ઉચિત માનવો જોઈએ. એને પોતાની પ્રસુપ્ત શક્તિને જાગૃત કરવાનો આધાર અને પુરૂષો સાથેની સ્પર્ધામાં વિજયી બનવાનો અવસર મળવો જોઈએ. પરંતુ આટલું પુરતું નથી. એમણે બે કદમ આગળ વધીને આ કાર્ય પોતાના માથે લેવું જોઈએ કે જેથી તેઓ નવી પેઢીને પ્રતિભાવાન બનાવે. નવી પેઢી જ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. એની પ્રગતિ ઉપર જ સૌની પ્રગતિનો આધાર છે. આ કાર્યમાં સ્ત્રીઓ હંમેશા પુરૂષો કરતાં આગળ રહી છે. આ રીતે સ્ત્રીઓ જ નવાયુગની જન્મદાત્રી બનશે.
વિદ્વતામાં ભારતી વધારે આગળ :
મિથિલાના મહાપંડિત મંડનમિશ્ર અને જગદગુરૂ શંકરાચાર્ય વચ્ચે શાસ્ત્રાર્થ થયો. મંડનમિશ્ર હારવા લાગ્યા તો એમની પત્ની ભારતી જે એમના જેવી જ વિદ્વાન હતી, તેણે કહ્યું કે મિશ્રજીના અડધા અંગરૂપે હું હાજર છું. શાસ્ત્રાર્થનો ઉત્તરાર્ધ હું પુરો કરીશ. લાંબા સમય સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. ભારતીની વિદ્ધતા જોઈને બધા વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ ગયા. છેવટે પતિપત્ની બંને હારી ગયાં. એમણે શંકરાચાર્ય પાસેથી દીક્ષા લીધી અને વેદધર્મનો પ્રચાર કરવા લાગ્યાં.
નારી જાગરણની સંચાલિકા રામાદેવી
દુર્ભાગ્યે જન્મથી માંડીને ઘડપણ સુધી રામાબાઈનો પીછો ન છોડ્યો. માતાપિતા મરી ગયાં તથા ભાઈબહેન પણ મોતને ભેટયાં. ૩૦ વર્ષે વિધવા થઈ ગયાં. એમને એક પુત્રી હતી. મદદ કરે એવું પોતાનું કોઈ નહોતું. આવી પરિસ્થિતિમાં કોઈની મદદ મેળવવાની આશા રાખવાને બદલે રામાબાઈ પોતાના પગ ઉપર ઉભાં થયાં. પિતાજી કથાપુરાણ વાંચતા હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. બસ પિતા તરફથી એમને એ જ અનુદાન વારસારૂપે મળ્યું હતું. તેથી તેઓ પણ કર્થાવાર્તા કરીને આજીવિકા મેળવવા લાગ્યાં. સાથે સાથે ઠેર ઠેર ભ્રમણ કરતાં કરતાં પોતાનું શિક્ષણ પણ વધાર્યું. અંગ્રેજીનું સારૂ એવું જ્ઞાન મેળવ્યા પછી એમને ઈગ્લેન્ડ જવાની પણ તક મળી.
ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ નારી ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયાં. એમણે મહિલાઓ માટે કેટલાંય વિદ્યાલયો અને છાત્રાલયો ખોલાવ્યાં. જે કુરિવાજોના કારણે ભારતીય નારીને દબાઈ ચંપાઈને રહેવું પડતું હતું, એ દૂર કરવા માટે એમણે કાંઈ બાકી ન રાખ્યું. નારી જાગરણ માટે અનેક સંગઠનો બનાવ્યાં તથા વિરોધીઓની ચિન્તા કર્યા વગર પોતાના કામમાં બહાદુરીપૂર્વક આગળ વધ્યાં. ધર્મ, સંપ્રદાય, નાત – જાતના ભેદભાવ વગર જાગૃત નારીઓએ નારી જાગરણ સંગઠનો બનાવવાં જોઈએ. જે દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રો, મહિલા ઉદ્યોગ કેન્દ્રો ચલાવવા અને કુરિવાજો તથા નશાખોરી જેવાં દૂષણો દૂર કરવાનાં કાર્યો કરવાં જોઈએ. નારી સામે ધાર્મિક કે સામાજિક પ્રતિબંધો હોય કે તેઓનું શોષણ થતુ હોય ત્યાં મહિલા સંગઠનો એ દોડી જેવું જોઈએ. ઈશ્વર નારીને આગળ લાવવા માગે છે, પણ જે પોતાની સહાયતા કરે છે તેને ઈશ્વર પણ સહાયતા કરે છે, તે સૂત્ર આચરણમાં મૂકવું જોઈએ.
દેવસંસ્કૃતિને સમર્પિત વિદેશી નારી
એની બેસન્ટ આયર્લેન્ડમાં જન્મ્યાં હતાં, ઈગ્લેન્ડમાં ઉછર્યા અને સેવામય જીવન ગાળવા માટે ભારત આવ્યાં. તેઓ ખ્રિસ્તી હતાં, પરંતુ અધ્યયન અને ચિંતન મનને એમને સાચાં હિન્દુ બનાવી દીધાં. આ દેશની સેવા કરવા માટે એમણે યથા સમયે કેટલીય પ્રવૃત્તિઓ શરૂ કરી અને આગળ વધારી. એમણે મદ્રાસમાં આવેલ આદિયારમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. કાશીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજ શરૂ કરી, જે આગળ જતાં હિન્દુ વિશ્વ વિદ્યાલય બની ગયું. તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યાં હતાં. અંગ્રેજીનું એક સાપ્તાહિક લાંબા સમય સુધી ચલાવ્યું. તેઓ ૧૦૬ વર્ષ જીવ્યાં અને ભારતને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો. શિક્ષિત નારી કેટલું બધું કરી લે છે. તેનો દાખલો છે. આપણે જેટલી વધુ મહિલા જાગૃતિ લાવીશું તેટલો ફાયદો છે.
પ્રતિભાવો