નારી પરિવારનો પ્રાણ છે, બોધવચન -૧૮
September 17, 2021 Leave a comment
નારી પરિવારનો પ્રાણ છે, બોધવચન -૧૮
બોધ :નારી પરિવારની ધરી છે. એની ઉત્કૃષ્ટતા અને નિકૃષ્ટતા ઉપર જ ઘરના ઉત્થાન તથા પતનનો આધાર છે, એમાં સહેજેય સંદેહ નથી. પુરૂષ તો એનો સહાયક માત્ર છે. તે સાધનો ભેગાં કરે છે અને સહયોગ આપે છે. પ્રાત : કાળે પથારીમાંથી ઉઠવાથી માંડીને રાત્રે ઘરના સભ્યો સૂઈ જાય ત્યાં સુધીનાં બધાં જ કાર્યોમાં તે પ્રતિક્ષણ વ્યસ્ત રહે છે. નારી ગૃહલક્ષ્મી છે. તેને ઘરરૂપી દેવાલયમાં રહેલી પ્રત્યક્ષ દેવી માનવી જોઇએ. દરેક સગૃહસ્થનું પહેલું કર્તવ્ય છે કે માતા, ભગિની, પત્ની અને કન્યા ગમે તે રૂપે નારી રહે એને સ્વસ્થ, પ્રસન, શિક્ષિત, સ્વાવલંબી અને સુસંસ્કૃત તથા પ્રતિભાવાન બનાવવામાં સહેજ પણ કસર ના રાખે.
શાસ્ત્રોમાં નારીનું ગાન :
શાસ્ત્રોમાં નારીની મહત્તા અને એની ગરિમાનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે નારી બ્રહ્મવિદ્યા છે, શ્રધ્ધા છે, શક્તિ છે, પવિત્રતા છે, કલા છે અને સંસારમાં જે કાંઈ સર્વશ્રેષ્ઠ સ્વરૂપે દષ્ટિગોચર થાય છે, તે બધું જ તે છે. નારીને પરિવારનો પ્રાણ અને હૃદય કહેવામાં આવે છે.
મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે ગૃહસ્વામિની સ્ત્રી પૂજાને યોગ્ય છે. એનામાં અને લક્ષ્મીમાં કોઈ તફાવત નથી. ’ દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે – બધી સ્ત્રીઓ અને બધી વિદ્યાઓ દેવીરૂપ જ છે. નારીના અંતઃકરણમાં કોમળતા, કરૂણા, મમતા, સહૃદયતા તથા ઉદારતાની પાંચ દેવપ્રવૃત્તિઓ સહજરૂપે વધારે છે. આથી તેને દેવી શબ્દથી સન્માનિત કરવામાં આવે છે.
બ્રહ્મપુરાણમાં વ્યાસ – જાબાલિ રૂપે એક આખ્યાયિકા આવે છે. તેમાં વ્યાસજી જાબાલિને બતાવે છે કે – “ હે જાબાલિ ! પુત્ર માટે માતાનું સ્થાન પિતા કરતાં વધારે છે. કારણ કે તે જ એને પોતાના ગર્ભમાં ધારણ કરે છે. પોતાના રસ, રક્ત અને શરીરથી જ નહિ, પરંતુ ભાવનાઓ અને સંસ્કારોથી તેનું પાલનપોષણ કરે છે. આથી તે સર્વશ્રેષ્ઠ માર્ગદર્શક અને કલ્યાણકારક ગુરૂના સ્વરૂપે સ્થાપવા યોગ્ય છે. ”
‘ નાસ્તિ ભાર્યા સમ મિત્રમ્ ‘ માતા પછી બીજું સ્થાન પત્નીનું છે, આ સ્વરૂપમાં તેને સૌથી મહાન મિત્રની ઉપમા આપવામાં આવી છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ્યારે બધા મિત્રો સાથ છોડી જાય છે. ધન – સંપત્તિનો વિનાશ થઈ જાય છે, શરીર રોગી અને નિર્બળ થઈ જાય છે, એવી સ્થિતિમાં પણ પત્ની જ પુરૂષને સાથ આપે છે. તેની દરેક મુશ્કેલીમાં કદાચ બીજું કંઈ ન બની શકે તો પણ પુરૂષનું મનોબળ, એની આશા અને સંવેદનશીલતાને બળ આપતી રહે છે.
‘ નાસ્તિ સ્વસા સમા માન્યા ” એટલે કે બહેન સમાન સન્માનીય કોઈ નથી. આ સ્વરૂપમાં નારીએ પુરૂષને જે સ્નેહ આપ્યો છે, એનાથી આપણા સામાજિક સબંધો અને જાતીય બંધનો સુર્દઢ બન્યા છે. ભારતીય વીરોને બુરાઇઓ સામે લડવાની પ્રેરણા આપનાર, એમના ગૌરવપૂર્ણ મસ્તક ઉપર તિલક કરનાર બહેનના સબંધ આજે પણ કેટલા મધુર છે, એનો અનુભવ દરેક ભારતીયને રક્ષાબંધનના દિવસે થાય છે.
‘ ગૃહપુ તનયા ભૂષા ‘ અર્થાત્ કન્યાના સ્વરૂપમાં નારી ઘરની શોભા છે. તે પોતાના આનંદપ્રમોદથી ગૃહસ્થજીવનમાં જે સરસતા લાવે છે, તેટલી પુત્ર પણ લાવી શકતો નથી. કન્યા પુત્ર કરતાં વધુ ભાવનાશીલ હોય છે. તેથી તેની પાસેથી મળતા સ્નેહનું મૂલ્ય અને મહત્વ ખૂબ છે.
પોતાનાં ઉપરોક્ત ચારેય સ્વરૂપો દ્વારા માતા, પત્ની, બહેન અને દીકરી ) નારીએ પુરૂષને જે સ્નેહ આપ્યો છે તેની તુલના કોઈપણ દૈવી સત્તાની સાથે સહર્ષ કરી શકાય છે. તેમાં નારીનું પલ્લું ભારે જ રહેશે. આથી તેને દેવી કહેવી તે પ્રત્યેક દૃષ્ટિએ ઉચિત અને ન્યાયપૂર્ણ છે. એના આ ગૌરવને પૂરતી પ્રતિષ્ઠા મળવી જોઇએ.
નારી તારાં પ્યારાં રૂપ ••
નારી તારાં ખારાં રૂપ, પ્યારના પ્યાલા પીવડાવ્યા ખૂબ, વિવિધ તારાં રૂપો વર્ણવતાં, આંખમાં અશ્રુ આવે ખૂબ.
માતા સમાન મૂર્તિ શોધવા, ઠેર ઠેર હું ભટક્યો ખૂબ, અને કરુણાની મૂર્તિ, દુઃખ વેઠી દિવ્ય પ્રેમ દીધો ખૂબ,
ભણાવી ગણાવીને મોટો કીધો, આશીર્વાદ પણ આપ્યા , ખૂબ, સંસારમાંથી તેણે વિદાય લીધી, ત્યારે પોકે પોકે રડ્યો ખૂબ.
બહેની થઈને મારી સાથે, બાળપણમાં રમવા આવી તું, વાળ ખેંચતો, મૂક્કા મારતો, તોપણ ભાઈ ભાઈ કહેતી તું,
રડતી રડતી વિદાય થઈ પણ, રાખડીથી રક્ષા કરતી તું, જ્યારે જ્યારે તું યાદ આવે છે, છાનો છાનો રડતો હૂં.
પત્ની થઇને સમર્પણ કીધું, ત્યાગને બલિદાન કીધાં ખૂબ, લક્ષ્મી બનીને મારે ઘેર પધારી, કામકાજ સંભાળ્યાં ખૂબ,
પરિવારની ઘણી સેવા કીધી, પ્રેમના અશ્રુ વહાવ્યાં ખૂબ, પ્રેમના જે પ્યાલા પીવડાવ્યા, અમૃત તેની આગળ તુચ્છ.
દીકરી થઇને મારે ત્યાં પધારી આનંદ કિલ્લોલ કર્યા ખૂબ, વાળ ખેંચતી, બચકાં ભરતી, લાડ પણ કરતી ખૂબ,
ડગલે પગલે જરૂર પડતાં સેવા મારી કરતી ખૂબ, સાસરે તેને વળાવીને, યાદ આવે ત્યારે રડતો ખૂબ.
માતા, બહેની, પત્નીને પુત્રીથી પ્રભુ ! જીદંગી તે ભરી દીધી, વિવિધરૂપે સ્નેહની સરિતા વહે, તેવી વ્યવસ્થા કરી દીધી,
પ્રભુ ! જગત આજે શુષ્ક બન્યું છે, લાવો જલ્દી નારી સદી, પ્રેમનાં પીયુષ પી – પીને દુનિયા, થશે ફરીથી હરીભરી.
( ‘ યુગો ગાશે ગાથા ’ – માંથી )
પ્રતિભાવો