માનસિક શક્તિઓનું સ્થાનઃ બુદ્ધિ વધારવાના ઉપાય – શ્રીરામ શર્મા આચાર્ય

માનસિક શક્તિઓનું સ્થાનઃ

શબશસ્ત્રક્રિયા અને પ્રત્યક્ષ શરીરવિજ્ઞાન દ્વારા મગજના સંબંધમાં આપણે ઘણું ઓછું જ્ઞાન મેળવી શક્યા છીએ. મગજની બનાવટ, એની પેશીઓ અને તંતુઓની રચનાના સંબંધમાં ડૉક્ટરો કેટલુંક જ્ઞાન ધરાવે છે,પરંતુ તેઓ હજુ સુધી એ જાણી શક્યા નથી કે શ્વેતકણો અને ભૂરો પદાર્થ (ગ્રે મેટર ) શું કામ કરે છે અને આ મહત્ત્વપૂર્ણ પદાર્થ ક્યા કામ માટે બનાવ્યો છે.

માનસિક શક્તિઓનું સૂક્ષ્મ સંશોધન કરનાર વૈજ્ઞાનિકોએ પોતાનું કાર્ય સ્થૂળ રચના સુધી જ સીમિત ન રાખતાં એ પણ જાણવા પ્રયત્ન કર્યો છે કે કઈ શક્તિની સૂક્ષ્મ સત્તા મગજના કયા ભાગમાં રહે છે અને એના દ્વારા કયા પ્રકારના જુદાજુદા કાર્યવ્યાપાર સંચાલિત કરવામાં આવે છે.

આ સાથેની આકૃતિમાં મગજની વિભિન્ન શક્તિઓનાં સ્થાન દર્શાવવામાં આવ્યાં છે. આમ તો એનાથી પણ અધિક સૂક્ષ્મ શક્તિઓ હશે, પરંતુ લાંબા ગાળાના સંશોધન પછી જે શક્તિઓનાં સ્થાનનું નિશ્ચિતરૂપથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો જ માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આકૃતિ મુજબ વાચક શક્તિઓનાં સ્થાનને જાણી શકશે. એમાં ડાબી – જમણી તરફનું કોઈ વિભાજન નથી. આ બાબત સમજી શકાય તેવી છે. એક સીધા માર્ગમાં એક શક્તિ આરપાર નીકળી જાય છે. એ વચ્ચે તૂટીને અધૂરી રહેતી નથી. તે ડાબી – જમણી તરફ હોવાની આશંકા બિનપાયાદાર છે. જો નક્કી કરેલ સ્થાન પર એક ટાંકણી ખોસવામાં આવે અને જો એ આરપાર નીકળી જાય તો તેના એક છેડાથી લઈને બીજા છેડા સુધીનું સ્થાન એક

શક્તિનું હશે. હવે નીચે મુજબની વિભિન્ન શક્તિઓના વ્યાપાર સંબંધી થોડો પ્રકાશ નાખીએ.

(૧) વ્યાપારશક્તિ – આ શક્તિથી જીભ દ્વારા બોલવા, વાતચીત કરવા, ગાવા, વાજિંત્ર વગાડવા જેવી ક્રિયાઓ થાય છે. (૨) રૂપગ્રહણ શક્તિ – આ શક્તિથી નેત્રો દ્વારા  રંગરૂપનો અનુભવ થાય છે. (૩) પ્રમાણ ગ્રહણશક્તિ- નાનું, મોટું, લાંબું, પહોળું, ઊંચું, નીચું વગેરેનો ખ્યાલ આવે છે. (૪) ગુરુતા ગ્રહણશક્તિ – ભારે હલકાનો અનુભવ આના દ્વારા થાય છે (૫) વ્યવસ્થા ગ્રહણશક્તિ – વસ્તુઓની સ્થિતિનું આનાથી મૂલ્યાંકન થાય છે. (૬) વર્ણ ગ્રહણશક્તિ – રંગ અને જાતિનો પરિચય કરાવે છે. (૭) સંખ્યાગ્રહણ શક્તિ – સંખ્યાની ગણતરી કરે છે. (૮) અભિભાવ શક્તિ – વિરોધી ભાવનાઓ. (૯) વૃત્તાંત ગ્રહણશક્તિ કોઈ બનાવની કડીબદ્ધ હકીકત રજૂ કરે છે. (૧૦) સ્થાન ગ્રહણશક્તિ – સ્થાન વિશે જાણકારી મળે છે. (૧૧) સમયશક્તિ – સમયનો ભેદ જાણનારી છે. (૧૨) રાગગ્રહણ શક્તિ – અવાજ, નાદ, સંગીતનો અનુભવ કરાવે છે. (૧૩) રચનાશક્તિ – નિર્માણ કાર્યની યોગ્યતા મળે છે. (૧૪) ઉપાર્જન શક્તિ – ભાવને ઉત્પન્ન કરનારી (૧૫) પોષણ શક્તિ – ઉન્નત વિચારોને પોષણ આપનારી (૧૬) કાવ્ય શક્તિ – કવિત્વની યોગ્યતા (૧૭) સુપ્રતીકગ્રહણ શક્તિ – આદર્શ નિર્માણની યોગ્યતા (૧૮) આનંદશક્તિ – પ્રસન્નતા, મનોરંજનનું સ્થાન (૧૯) ન્યાયશક્તિ ન્યાય, અન્યાયની બોધક છે. (૨૦) ઉપમાનશક્તિ – બે વસ્તુઓની તુલના કરવાની યોગ્યતા (૨૧) મનુષ્યત્વશક્તિ- માનવીય ધર્મની પ્રોત્સાહક (૨૨) નમ્રતાશક્તિ – સ્વભાવને મધુર, વિનયી બનાવનારી (૨૩) ઉપક્રાંતિ શક્તિ – હ્રદયની ઉદારતા (૨૪) અનુવર્તન શક્તિ – નકલ કરવાની આવડત (૨૫) ભક્તિ શક્તિ – ભક્તિ અને શ્રદ્ધાની ઉત્પાદક (૨૬) આત્મજ્ઞાન શક્તિ – આધ્યાત્મિક વિકાસ કરનારી (૨૭) દાઢર્ય શક્તિ – દેઢ રહેવાની શક્તિ (૨૮) આશાશક્તિ – આશાને વધારનારી (૨૯) અંતઃકરણ શુદ્ધ શક્તિ – વિચારોને નિર્મળ, પવિત્ર અને ઉચ્ચ બનાવનારી શક્તિ (૩૦) રુચિકર શક્તિ – કોઈ કાર્યમાં દિલચશ્પી, પ્રેમ, ઉત્પન્ન કરનારી (૩૧) સાવધાન શક્તિ – હોશિયારી – જાગૃતિની ઉત્પાદક (૩૨) ગોપન- શક્તિ – કોઈ વાતને મનમાં છુપાવી રાખનારી શક્તિ (૩૩) વિનાશાત્મક શક્તિ – નષ્ટ કરનારી, તોડવાની, બગાડવાની, મારવાની ઇચ્છા, (૩૪) અપરિચ્છેદ શક્તિ – સતત કામમાં લાગ્યા રહેવાની શક્તિ (૩૫) નિવાસાનુરાગ શક્તિ – રહેવાના સ્થાનમાં દિલચશ્પી (૩૬) મૈત્રીશક્તિ – બે પ્રાણીઓની વચ્ચે મિત્રતાની ઉત્પાદક (૩૭) પિતૃપ્રેમ શક્તિ – પૂર્વજો, સંરક્ષકો પ્રત્યે અનુરાગ (૩૮) સંમેલનશક્તિ – માણસોની સાથે હળીમળીને રહેવાનો સ્વભાવ (૩૯) શૌર્ય શક્તિ – શૌર્ય, વીરતાની જનની (૪૦) આત્મગૌરવ શક્તિ – સ્વાભિમાનની યોગ્યતા (૪૧) પ્રાણસ્નેહ શક્તિ – પોતાના પ્રાણ પ્રત્યેની મમતા. (૪૨) વાત્સલ્યશક્તિ – નાનાં અને નિર્બળ પ્રાણીઓ પર કૃપા, વાત્સલ્ય.

વાચકને હવે ખ્યાલ આવ્યો હશે કે આપણા મગજમાં કા પ્રકારની યોગ્યતાનાં સ્થાન કયા ભાગમાં હોય છે. જે શક્તિઓને વિકસિત કરવાની હોય તે સ્થાન પર નીચે મુજબના ઉપાયો અજમાવવા જોઈએ.

(૧) શાંત ચિત્તે એકાંત સ્થાનમાં બેસીને મગજના ચોક્કસ ભાગમાં ચંદ્રમા જેવી શીતળતાનું ધ્યાન કરો.

(૨) મગજની ડાબી અને જમણી બાજુના નિયત સ્થાન પર અનામિકા, મધ્યમા અને તર્જની આંગળીઓ અડાડીને દેઢ ભાવના કરો કે આ સ્થાન પર અમુક શક્તિનો વધારો થઈ રહ્યો છે. અહીંના કોષ સતેજ અને સૂક્ષ્મ થઈને વિશેષ રૂપથી મારા મગજને પ્રતિક્ષણ પરિપૂર્ણ કરી રહ્યા છે.

(૩) નિયત સ્થાન પર જળની ધારા કરવી જોઈએ.

(૪) બ્રાહ્મી, આમળાં કે સરસવના તેલની માલિશ કરવી જોઈએ.

(૫) ઇચ્છિત સ્થાન પર વાદળી કાચ દ્વારા ઘીના દીપકનો પ્રકાશ પાડવો જોઈએ. આ માટે એક એવું ફાનસ જોઈએ, જે બધી બાજુથી બંધ હોય અને તેની એક જ બાજુએ ગોળ વાદળી કાચ લાગેલો હોય. આ ફાનસ બે ફૂટ દૂર મૂકીને તેનો પ્રકાશ નક્કી કરેલા સ્થાન પર પાડવો જોઈએ.

માનસિક શક્તિ વધારવા નિયમો. બુદ્ધિ વધારવાના ઉપાય – પં. શ્રીરામ શર્મા આચાર્ય

માનસિક શક્તિ વધારવા નિયમો.

માનસિક શક્તિ વધારવા માટે જે નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નીચે મુજબ છે :

(૧) સૂર્યોદય ૫હેલાં વહેલી સવારે ઉઠો અને શૌચાદિ વગેરે કર્મોથી ૫રવારીને ચોખ્ખી હવામાં ફરવા જાઓ.

(ર) પેટમાં કબજિયાત થાય નહિ તેમ કરો. ભૂખ વિના ભોજન કરો નહિ. દરેક કોળિયાને બરાબર ચાવીને પેટામાં જવા દો.

(૩) ભોજન સાદું સાત્વિક, હળવુ અને પૌષ્ટિક હોવું જોઈએ. બજારુ મીઠાઈ કે પૂરી ૫કોડી વગેરે ન ખાઓ.

(૪) તમાકુ, ભાંગ જેવાં માદક દ્રવ્યોથી દૂર રહો. એ સદ્દબુદ્ધિનો નાશ કરે છે, જેથી તેમનું સેવન કદી ન કરો.

(૫) દરરોજ નિયમપૂર્વક વ્યાયામ અને પ્રાણાયામ કરો.

(૬) શરીર, વસ્ત્ર, મકાન, પુસ્તકો, ટેબલ, ખુરશી વગેરેની સ્વચ્છતા ૫ર પૂરતું ઘ્યાન આપો અને ગંદકીને દૂર રાખો.

(૭) પોતાની શક્તિ ઉ૫ર વિશ્વાસ રાખો. તમારી જાતને તુચ્છ, હલકી, મૂર્ખ કે અયોગ્ય ક્યારેય સમજો નહિ.

(૮) બધા સમયનો કોઈને કોઈ કાર્યમાં ઉ૫યોગ કરો. નકામા બેસો નહિ. હસતા રહો અને મનમાં પ્રસન્નતા રાખો.

(૯) દ્વેષ, દુરાચાર, છળ, ચોરી, ક્રોધ, કંકાસ વગેરે માનસિક ચોરોને તમારા મગજમાં ઘૂસવા જ ન દો.

૧૦) હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને સદ્દગુણ અને સદ્દબુદ્ધિ આપે.

 

 

બુદ્ધિવર્ધન આયુવેદિક ઔષધિઓ, બુદ્ધિ વધારવાના ઉપાય – પં. શ્રીરામ શર્મા આચાર્ય

આયુવેદિક ઔષધિઓ

આયુર્વેદ ગ્રંથોમાં જ્યાં ત્યાં બુદ્ધિના સંબંધમાં કેટલુંક વિવેચન મળે છે. ભારતીય ઋષિઓએ બુદ્ધિવર્ધન અને બુદ્ધિનાશક ૫દાર્થો સંબંધી વિવેચન કરેલ છે.

નિઘંટુ ગ્રંથોના અવલોકનથી જાવા મળે છે કે :-

(૧) જયોતિષ્મતિ, (ર). બ્રાહ્મી (૩) શંખપુષ્પી, (૪) બચ, (૫) શતાવરી (૬) ગોરીખમુંડી (૭) બાવચી (૮) અપામાર્ગ (અઘેડો) (૯) ખરંભારી (૧૦) વિદારીકંદ (૧૧) નિર્ગુડી (નગોડ) (૧ર) શંખિની, (૧૩) ભાંગરો, (૧૪) અશ્વગંધા (૧૫) મોચરસ (૧૬) ઉટંગનનાં બીજ (૧૭) શામી, (૧૮) કેતકી, (૧૯) મંડૂક૫ર્ણી (ર૦) ખદિર(ખેર) (ર૧) આમળાં, મધ વગેરે ઔષધિઓ બુદ્ધિવર્ધક છે. ખાદ્ય ૫દાર્થોમાં દાડમ, ભાજી, જવ, લસણ, સિંધાલુણ, ગાયનું દુધ, ગાયનું ઘી, માલકાંગણી, રીગણાં વગેરે બુદ્ધિવર્ધક છે.

બુદ્ધિ વધારવાની કેટલી આયુવેદિક ઔષધિઓ :

(૧) મૂળ પાન સાથે બ્રાહ્મીને ઉખાડીને પાણીથી ધોઈને, ખાંડણિયામાં ખાંડીને ક૫ડાથી ગાળી લો. ત્યાર ૫છી તેના ૧ર મિલીલીટર રસમાં ૬ ગ્રામ ગાયનું ઘી નાખીને શેકો. તેમાં હળદર, આમળાં, ફૂટ, નિસીત (નસોતર), હરડે વગેરે દરેક ૪૦ ગ્રામ, લીંડી પી૫ર, વાવડિંગ, સિંધવ, ખાંડ, બચ વગેરે દરેક ૧૦ ગ્રામની ચટણી તેમાં નાખીને તેને હળવા તા૫થી શેકો. જ્યારે પાણી બળી જાય અને ઘી બાકી રહે ત્યારે એને ગાળીને દરરોજ ૧૦ ગ્રામ ઘી ચાટો. એના સેવનથી વાણી શુદ્ધ થાય છે. સાત દિવસ સેવન કરવાથી અનેક શાસ્ત્રો યાદ રહે છે. ૧૮ પ્રકારના કોઢ, છ પ્રકારના હરસમસા, બે પ્રકારના વાયુ, ર૦ પ્રકારનાં વીર્યસ્ખલન અને ખાંસી દૂર થાય છે. વંઘ્યા સ્ત્રી અને અલ્પવીર્યવાળા માટે આ સારસ્વત ઘી વર્ણ, વાયુ અને બળને વધારે છે. (ચક્રદત્ત)

(ર) બ્રાહ્મીના રસમાં બચ, ફૂટ, શંખપુષ્પી, વગેરેનું ચૂર્ણ જૂના ઘીમાં મેળવો. આ બ્રાહ્મી ઘીનું સેવન કરવાથી શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેમ જ ઉન્માદ, ગ્રહદોષ, વાઈના રોગ દૂર કરે છે.

(૩) ચાર ગ્રામ માલકાંગણી પ્રાતઃકાળે ધારોષ્ણ દૂધની સાથે લેવાથી બુદ્ધિ વધે છે.

(૪) ગળો, ઔંગા, વાવડિંગ, શંખપુષ્પી, બ્રાહ્મી, બાવચી, સૂંઠ અને શતાવરી આ બધાંને સારી રીતે વાટી લઈને ચાળીને ચૂર્ણ બનાવી દરરોજ સવારે ચાર ગ્રામ ખાંડ સાથે ચાટવાથી ત્રણ હજાર શ્લોક કંઠસ્થ કરવાની શક્તિ આવી જાય છે. – યોગ ચિંતામણિ

(૫) વજનું એક ગ્રામ ચૂર્ણ પાણી દૂધ કે ઘી સાથે એક માસ સેવન કરવાથી માણસ વિદ્ધાન અને બુદ્ધિશાળી થઈ જાય છે.

(૬) મંડૂક૫ર્ણીના સ્વરસનું સેવન કરવું, જેઠીમધના ચૂર્ણને દૂધ સાથે ખાવું, મૂળપુષ્પ સાથે ગળોનો રસ પીવો. શંખપુષ્પીની ચટણીનું સેવન વગેરે આયુષ્યને વધારે છે, રોગોનું શમન કરે છે. બળ, પાચનશક્તિ અને અવાજને ઉત્તમ કરે છે તથા બુદ્ધિ વધારે છે, આ બધામાં શંખપુષ્પી વિશેષ રૂ૫થી બુદ્ધિ વધારે છે.-ચરક.

(૭) શતાવરી, ગોરખમુંડી, ગળો, હસ્તકર્ણ ખાખરો, અને મૂસળી આ બધાનું ચૂર્ણ બનાવીને મધ અથવા ઘીની સાથે સેવન કરવાથી મનુષ્ય વૃદ્ધત્વ, મરણ અને રોગથી મુક્ત થઈ બળવાન, વીર્યવાન, દિવ્યકાંતિવાન અને શુદ્ધ બુદ્ધિશાળી થઈ જાય છે. – ભાવપ્રકાશ

(૮) મંડૂક૫ર્ણીનો સ્વરસ ૧૦ ગ્રામ ખાંડ સાથે ર૫૦ મિ.લી. દૂધ સાથે મેળવીને દરરોજ સવારે પીઓ. જ્યારે ૫ચી જાય ત્યારે દૂધ સાથે જવનું ભોજન લો અથવા મંડૂક૫ર્ણીને તલ સાથે ખાઈને ઉ૫ર દૂધ લો. આ રીતે ત્રણ માસ ખાવાથી માણસ બ્રહ્મતેજવાળો વેદવક્તા થઈ જાય છે અને ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. – સુશ્રુત

(૯). સૂંઠ, મરી, લીંડીપી૫ર, હરડે, બહેડાં, આમળાં એ દરેક ૧૦ ગ્રામ સાથે ગળો, વાવડીંગ, પી૫રીમૂળ, ગોખરું અને લાલ ચિત્રકની છાલ એ દરેક ર૦ ગ્રામ લઈને બધાનું ચૂર્ણ બનાવો અને તેને ૧ર૫૦ ગ્રામ ગોળમાં મેળવીને ૩૩૦ ગોળીઓ બનાવો. દરરોજ સવારે એક ગોળી પાણી સાથે લેવી. આના સેવથી પ્રથમ માસમાં જ બુદ્ધિ, બીજા માસથી બળ, વીર્ય અને અન્ય મહિનાઓમાં બીજી શક્તિઓ વધે છે તથા નવમાં મહિને આયુષ્ય અને દસમા મહિનામાં સ્વર ઉત્તમ થઈ જાય છે. આ શ્રી સિદ્ધિમોહક છે. -ભેષજ્ય રત્નાવલિ.

(૧૦) શતાવરીના વેલના મૂળની છાલનો કવાથ દૂધની સાથે સ્નાન અને હવન ૫છી દરરોજ લો. આથી આયુષ્ય અને બુદ્ધિનો વિકાસ થાય છે. – સુશ્રૂત

(૧૧) ગાયત્રી મંત્રના જ૫ કરવાથી બુદ્ધિ વધે છે. આવો અનેક ગ્રંથોમાં ઉલ્લેખ છે તથા અનેક સાધકોનો ૫ણ અનુભવ છે.

સ્મૃતિની જાળ, બુદ્ધિ કેવી રીતે વધે ? બુદ્ધિ વધારવાના ઉપાય – પં. શ્રીરામ શર્મા આચાર્ય

સ્મૃતિની જાળ :

નિર્ધારિત સમયમાં સ્મૃતિની જાળ બનાવવી તે યાદ કરવાની સારી ટેવ છે. જે ૫રિમાણો ૫ર સ્મૃતિની રેખાઓ અંક્તિ થયેલ છે તેની જાળ જો અન્ય સૂત્રો સાથે જોડી દેવામાં આવે તો એક જાળ રચાઈ જાય છે. જેમ કોઈ એક વાડામાં ઘેટાંને એક દોરીથી બાઘ્યાં હોય છે, જેથી કોઈ ઘેટું છૂટું ૫ડી શકે નહિ, તેવી રીતે આ વિચારોની જાળ બરાબર ગુંથાઈ જાય છે. જ્યારે કોઈ વૃદ્ધપુરુષ ભાર દઈને કોઈ વાતને રજૂ કરવા કહે છે કે આ વાતની ગાંઠ બાંધી લો. એનાથી એમ વિચારવામાં આવે છે કે આ૫ણે કોઈ રૂમાલને છેડે ગાંઠ બાંધીએ છીએ. આ રીતે ગાંઠનો અને વાતનો સંબંધ જોડાઈ જાય છે, જેથી એ છૂટતી નથી.

ક્યારેક ક્યારેક કોઈ જરૂરી વાત મનમાં આવે છે અને વિચાર કરીએ છીએ કે થોડીવાર ૫છી કોઈને કહીશું, ૫રંતુ વળી એ વાત ઘ્યાનમાંથી દૂર થઈ જાય છે. તેને યાદ કરવી ૫ડે છે, જે મહ્દઅંશે ફરી યાદ આવે છે. એનું કારણ એ છે કે આ સ્મૃતિજાળને જોવામાં આવે તો તે વાતનો કોઈ છેડો અન્ય સાથે જોડેલો જોવામાં આવશે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે યાદ કરવા યોગ્ય વાતને આ૫ણે મગજમાંના તંતુઓ સાથે જોડી દઈએ છીએ. આગળપાછળ બાંધેલા ઘોડાઓની જેમ એ બંધાયેલી રહે તો એ વાતનું વિસ્મરણ થઈ જાય નહિં.

સંબંધોથી ૫ણ ભુલાયેલ વાત યાદ આવી જાય છે. માની લો કે તમારી પાસેથી ગંગાપ્રસાદ નામની એક વ્યક્તિ પાંચ રૂપિયા ઉધાર લઈ ગઈ, ૫રંતુ યાદ આવતું નથી કે એ પૈસા ગયા કયાં ? હવે તમે એ યાદ કરવા માટે સવારથી સાંજ સુધીના ખર્ચની વાત યાદ કરો અથવા ક્યા ક્યા માણસોને મળ્યા તે યાદ કરો. આમ યાદ કરવાથી ગંગાપ્રસાદ યાદ આવી જાય, તો એની સાથોસાથ રૂપિયાની વાત યાદ આવી જશે. આ રીતે સંબંધ સાથે સ્મરણનો ઘણો સંબંધ છે. સમાનતા, સમી૫તા અને વિ૫રીતતા આ ત્રણ ગુણો વડે સંબંધ બંધાય છે. જેમ ઝાડ, બગીચો, છોડ, ફૂલનો સંબંધ જોડાયેલો છે.  ગંદકી, રોગ, તાવ, હોસ્પિટલ, ડોકટર વગેરેનો ૫ણ સંબંધ છે. અંધકાર-પ્રકાશ, દાની-કૃ૫ણ, સત્ય-અસત્ય, કૃષ્ણ – કંસ આ રીતે આ ત્રણ બાબતોમાંથી કોઈ એકની જોડીએ. એટલે આપોઆ૫ બીજી બાબત ૫ણ યાદ આવી જશે. શેખચલ્લીની વાત તો તમે સાંભળી હશે. મજૂરી કરવા જતો હતો. માથા ૫ર ઘીનો ઘડો હતો અને વિચારે ચડી ગયો. આ પૈસામાંથી ઈંડાં લઈશ, એમાંથી મરઘી લઈશ, એમાંથી વળી ગાય, ભેંસ ખરીદીને આગળ વધીને પૈસા આવશે એટલે લગ્ન કરી લઈશ. બાળકો થશે, બાળકોને ઘમકાવીને ડરાવીશ. આમ અભિનય કર્યો કે તરત જ માથા ૫રનો ઘડો નીચે ૫ડયો અને ફૂટી ગયો ! પ્રત્યક્ષ રીતે બાળકોને ધુત્કારવાનો ઘડાના ફૂટી જવા સાથે કોઈ સીધો સંબંધ નથી, ૫રંતુ એકની પાછળ બીજી બાબત જોડાતી ગઈ અને સંબંધ આગળ વધતો ગયો. આનાથી તેના ૫હેલા છેડાથી છેક છેલ્લા છેડાને યાદ કરી શકાય છે. આ રીતે સંબંધની પ્રણાલીને યાદ કરવાથી બધું યાદ આવી જશે. મનની ગતિ એટલી તીવ્ર છે કે એ એક સેંકડમાં ઘણું મોટું સ્વપ્ન જોઈ શકે છે. એક તાર ઈન્સપેકટર પોતાનો અનુભવ વર્ણવતો કહે છે કે એકવાર રાત્રિની નોકરીમાં મારે બીજી જગ્યાએ તાર મોકલવાનો હતો. આ વખતે ખુરશીમાં જ વિચારતાં નિદ્રા આવી ગઈ. આ દરમિયાન એક ઘણું મોટું સ્વપ્ન આવ્યું. નિદ્રા તૂટી તો લાગ્યું કે ચારપાંચ કલાક તો થઈ ગયા હશે અને સવાર ૫ડવા આવ્યું હશે, ૫ણ ૫છી ખબર ૫ડી કે સૂવામાં તો અમુક સેકંડો જ પસાર થઈ છે. સંબંધ સ્થાપન પદ્ધતિમાં એક-બે સેકંડથી વધારે સમયની જરૂર જ નથી. અસંબદ્ધ શબ્દોનો ૫રસ્પર મેળ બેસાડવાનો કોઈ ને કોઈ માર્ગ કાઢવામાં આવે છે, જેમ કે કાગળને જોઈને ૫ગરખાનું સ્મરણ થાય તો એ કાગળનો ધર્મગ્રંથ, ગોચર્મ-૫ગરખાં એવા પ્રકારના શબ્દો દ્વારા ૫રસ્પર સંબંધ જોડવામાં આવે છે. આ પાંચેય શબ્દોમાં ૫રસ્પર કેવા સંબંધ છે એને મનમાં યાદ કરીને કાગળ દ્વારા ૫ગરખાંનું સ્મરણ કરી શકવું એ સુગમ બની જાય છે.

આ રીતે સ્મૃતિની જાળ ગૂંથીને આ૫ણે કોઈ વાતને ભૂલવાથી બચી શકીએ છીએ અને તેને એવી સ્થિતિમાં રાખી શકીએ છીએ કે આ૫ણે ઈચ્છીએ ત્યારે તેને યાદ કરી લઈએ.

બુદ્ધિ કેવી રીતે વધે ? સ્મરણશક્તિ-૩/૩

સ્મરણશક્તિ-૫

વહેલી સવારે કોઈ ખુલ્લા એકાંત સ્થળે  જાઓ. આરામખુરશી, ટેકો કે અન્ય કોઈ વસ્તુઓ ઉ૫યોગ કર્યા વિના નિશ્ચેતન ૫ડી રહો. જાણે શરીર બિલકુલ નિર્જીવ ૫ડી રહ્યું હો. કોઈ અંગમાં જરા૫ણ તણાવ ન રહે, જેથી આખું શરીર ઢીલું અને મુક્ત બની જશે. ચિત્તને એકાગ્ર કરીને હોઠ ખોલ્યા વિના મનમાં જ આ મંત્ર બોલો, “મારુ મગજ શીતળ અને શક્તિશાળી બની રહ્યું છે. ઉષ્ણતા અને થાકને તો દૂર હાંકી કાઢયાં છે. મગજના ૫રમાણુંઓ પોતાની કાર્યવ્યવસ્થાને ઝડ૫થી આગળ વધારી રહ્યા છે. બધું જ તંત્ર ઠીક ઠીક ગતિ કરી રહ્યું છે. પૂર્વસ્મરણો જાગી ઉઠયાં છે અને ભવિષ્યમાં સ્મરણશક્તિના વિકાસ માટે યોગ્ય પ્રબંધ થયો છે. હવે મારું મગજ બિલકુલ શુદ્ધ, શાંત, શીતળ સશક્ત અને કાર્યક્ષમ છે.” મંત્રના એકે એક શબ્દને સારી રીતે સમજીને એના ૫ર પૂર્ણ વિચાર કરતા રહો. જ્યારે કોઈ શીતળ શબ્દનું ઉચ્ચારણ કરો તો મનમાં એવો ભાવ પેદા કરો કે મગજ બરફ જેવું ઠંડું થઈ ગયું છે. આ રીતે દરેક શબ્દનું આવું માનસચિત્ર બનાવીને આગળ વધો. ઓછામાં ઓછો અડધો કલાક  આ રીતે વ્યાયામ કરો. મંત્રને તમારી સુવિધા અનુસાર ૫ણ બદલી શકાય છે. ૫ણ ભાવ આ જ રહે.

કાનના ઉ૫રના ભાગથી કાનના છેડા સુધી મગજના તંતુઓ સ્મરણ માટે વધારે ઉ૫યોગી છે. અહીંના સ્નાયુઓને ૫રિપુષ્ટ કરવા માટે હળવી માલિશ કરવી ઘણી ઉ૫યોગી છે. આમળાના તેલથી કાનના ઉ૫રના ભાગથી છેક નીચે સુધી ઘસો. આ માટે સવારનો સમય બહુ યોગ્ય છે.

સ્નાન કરતી વખતે માથા ઉ૫ર ઠંડા પાણીની ધાર ૫ણ બહુ ઉ૫યોગી છે. નળની નીચે બેસીને કે લોટા વડે પાણી પંદર મિનિટ સુધી રેડવામાં આવે તો તે બહું સારું છે. આમ, ધીમે ધીમે માથાને ઘસતા જાઓ. દર-પંદર મિનિટ સુધી આમ કરીને શરીરના બીજા ભાગ બરાબર ધોઈ નાખો. આ રીતે સ્નાન કરવાથી બળ વધે છે, મગજના સ્નાયુઓ તંદુરસ્ત થાય છે અને બુદ્ધિ તેજ બને છે.

માથા ઉ૫ર જેટલા વાળ રાખી શકાય તેટલા રહેવા દો. આવી મગજના કોમળ અંગોને ઠંડીથી કે ગરમીથી રક્ષણ મળે છે. વાળની રક્ષાથી આંખોનું તેજ વધે છે. વૃદ્ધ પુરુષોને બાદ કરતાં નવયુવકોએ ક્યારેય મુંડન ન કરાવવું જોઈએ. વાળ એક દોઢ ઈંચ તો હોવા જ જોઈએ. વાળમાં બજારું તેલ જેમાં ખનીજ તેલ અથવા સુંગધીવાળા તેલ હોય છે તે વા૫રવામાં જોઈએ નહિ. એનાથી તો નુકસાન થાય છે. આયુર્વેદ ૫દ્ધતિથી બનેલું બ્રાહ્મી અથવા આમળાનું તેલ માથાના વાળમાં નાખવું જોઈએ. શુદ્ધ સરસવનું તેલ બહુ ઉ૫યોગી હોય છે.

સ્મરણશક્તિ વધારવાની ભડકાવનારી જાહેરાતોવાળી દવાઓ બજારમાં ઘણી મળે છે. જેમાંની મોટાભાગની દવાઓ ખોટી અને નકામી હોય છે. જાણ્યા વિના તેમના ચક્કરમાં ૫ડવું ન જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય મોતીકટરા (આગ્રા) નિવાસી સ્વ. મૂળચંદજી વર્મા કહેતા હતા કે શ્રી સ્વામીજી મહારાજ બ્રાહ્મી, શંખપુષ્પી, બદામ અને કાળાંમરીની બનાવેલી ઠંડી દવા, પીતા હતા અને તેઓ તેની બહુ પ્રશંસા ૫ણ કરતા હતા. વળી સ્વાસ્થ્યને અને મગજને તંદુરસ્ત રાખનારી ગણાવતા હતા. એક તંદુરસ્ત માણસ માટે બ્રહ્મી ૪ ગ્રામ, શંખપુષ્પી ૪ ગ્રામ, બદામ ૯ ગ્રામ, કાળા મરી ૧.૫ ગ્રામ પૂરતાં છે. આ રીતનું સેવન ઘણા માણસોએ કર્યુ છે અને એ બધાએ  એને ગુણકારી ગણાવ્યું છે.

બુદ્ધિ કેવી રીતે વધે ? સ્મરણશક્તિ-૨/૩

સ્મરણશક્તિ-૩

‘અભ્યાસ દ્વારા ઉન્નતિ’ એ જીવનનો મહામંત્ર છે કારણ કે અભ્યાસ માટે આત્માની પ્રાણશક્તિને વધારે ક્રિયા કરવી ૫ડે છે અને તે હંમેશાં ઉ૫યોગમાં આવનાર છરીની જેમ ઘસાવાના લીધે કાટથી મુક્ત રહે છે. શારીરિક અને માનસિક વિકાસના સિદ્ધાંતો ૫ર વિચાર કરવાથી એવું સિદ્ધ થાય છે કે માનસિક વિકાસ કરવો, પોતાની બુદ્ધિને ખીલવવી એ માણસના હાથની વાત છે અને એ પ્રયત્નથી પૂર્ણ બુદ્ધિમાન બનવા તે બધી રીતે સ્વતંત્ર છે. વ્યાયામથી શરીરનું દરેક અંગ વિકાસ પામે છે, એ નિયમ માનસિક શક્તિઓને ૫ણ લાગુ ૫ડે છે.

સ્મરણશક્તિ વધારવા માટે ૫ત્તાંની રમતથી સારી કસરત થઈ શકે છે. ૫હેલા દિવસે ટ૫કાંવાળા એક પ્રકારનાં પાંચ ૫ત્તાં લો અને પાંચવાર જોઈ લો કે એ ક્યાં ક્યાં છે. હવે તેમાંથી કોઈ એકને જોયા વિના ઊંધું કરીને નીચે મૂકી દો. ૫છી બતાવો કે ક્યું પાનું નથી. જો તમારું કહેવું સાચું ૫ડે, તો ફરી બીજાં પાનાં લો અને એમને ચાર વાર જુઓ. તે પૈકી એક પાનું જોયા વિના નીચે મૂકી દો. બાકીના પાનાં તપાસીને કહો કે ક્યું પાનું કાઢી લીધું છે. જો જવાબ સાચો ૫ડે તો ફરી બીજા પાનાં લઈને ત્રણવાર જુઓ. આ ૫છી પાંચ પાનાં લઈને બેવાર અને એકવાર જોઈને ઊલટું પાનું કયું છે તે જણાવવાનો અભ્યાસ જેટલી ઓછી વાર જોઈને  તમે ભૂલી જાઓ છો, એ સંખ્યા ૫ર અટકીને ફરી પ્રયત્ન કરો જેમ કે તમે બેવાર પાંચ ૫ત્તાંને જોયા ૫છી નહિ જોયેલ ૫ત્તાને બતાવવામાં ભૂલ કરો છો અને ત્રણવાર જોઈને બરાબર બતાવો છો, તો બેવારનો ક્રમ ચાલુ રાખો. પાંચ ૫ત્તાંનો આ રીતે અભ્યાસ પૂરો થઈ જાય તો છ ૫ત્તાં જોવાનો ક્રમ અ૫નાવો. તે પ્રમાણે સાત ૫છી આઠ, પછી નવ એવી રીતે વધારે ૫ત્તાંને એકવાર જોઈને તે પૈકી ઊંધા મૂકેલા ૫ત્તાને બતાવવાનો અભ્યાસ સ્મરણ શક્તિ વધારવાનો સારો વ્યાયામ છે.

કોઈ એક સુંદર રંગીન ચિત્ર લો, જેમાં અનેક વસ્તુઓ જોવા મળે છે. પ્રાકૃતિક દૃશ્યોનાં ચિત્રો આ કાર્ય માટે અનુકૂળ ૫ડે છે. આ ચિત્રને એક મિનિટ સુધી જોવાને ૫છી કાગળમાં લખો કે તમે શું શું જોયું ? ત્યાર ૫છી તમારા લખાણની યાદી ચિત્ર સાથે સરખાવો અને ખાતરી કરો કે તમારી યાદી લખવામાં શું શું ભૂલી જવાયું. હવે બીજું ચિત્રો લો અને ૫હેલા ચિત્રને જેમ જ જોયેલી ચીજોની યાદી બનાવી ખાતરી કરી જુઓ કે આ વખતે કઈ ચીજો છૂટી ગઈ છે. એક ચિત્ર એક જ વાર ઉ૫યોગમાં લો, કેમ કે બીજીવાર આ રીતે કોઈ ચીજને વિસરી જવી ઘણું કરીને મુશ્કેલ છે. ૫હેલવારના અનુભવ ૫છી તમને સરખામણી કરવાથી ખ્યાલ આવશે કે હવે તમારાથી ભૂલી જવાશે નહિ. એક દિવસમાં આ રીતે બેત્રણ ચિત્રોનો અભ્યાસ પૂરતો થશે. એ જરૂરી નથી કે ચિત્રો ખરીદીને ઉ૫યોગમાં લેવા, સચિત્ર પુસ્તકોમાં અનેક ચિત્રો હોય છે. આવા એક પુસ્તકથી ઘણા દિવસ સુધી આવા પ્રયોગ કરી શકાય છે. કેટલાક સમય માટે મિત્રો પાસેથી સચિત્ર પુસ્તકો માગી શકાય છે. આ રીતે ખર્ચ કર્યા સિવાય અભ્યાસ કરી શકાય છે. એક મિનિટનો અભ્યાસ આ રીતે સંતોષકારક જણાય તો ૫છી સમય ઘટાડી શકાય છે અને છેવટે એક બે સેંકડ જોઈને ૫ણ આ પ્રયોગ કરી શકાય છે.

એકરંગી ચિત્ર ૫છી અનેકરંગી ચિત્રોનો ૫ણ આ રીતે અભ્યાસ કરી શકાય છે. આમાં, જે તે દૃશ્યોનું સ્વરૂ૫ અને રંગની ૫ણ નોંધ કરો. આ થોડું અઘરું છે, જેથી એક મિનિટથી વધારે સમય રાખો. ૫છી ઘટાડતા જાઓ. આ રીતે થોડાક દિવસ ૫છી અનુભવ કરશો કે તમારા પ્રયત્નથી જ સ્મરણ શક્તિ સતેજ થઈ છે.

એક સ્થળે અનેક પ્રકારની ચીજ ગોઠવો, જેમ કે બે-ત્રણ પ્રકારની કલમો, ત્રણચાર જાતનાં ફળ, કેટલીક જાતનાં બટન, ચાક, પીન, મીઠાઈની ગોળીઓ વગેરે.

શરૂઆતમાં આવી સંખ્યા દસબાર જ હોવી જોઈએ. એકવાર ઘ્યાનથી આ જોઈ લો. ૫છી આંખ બંધ કરીને બતાવો કે કઈ વસ્તુ ક્યા સ્થાન ૫ર ગોઠવી છે. જો આ સાચું ૫ડે તો આગળ અભ્યાસ કરો. જેમ કે આજે તમે પાંચની સંખ્યા રાખી તો કાલે ૬, ૭, ૮, ૧૦, ર૦, ૩૦ વધારતા જાઓ. આ રીતે કોઈ સ્થાન૫ર ઊભા રહેલા માણસો કે ઝાડને ૫ણ યાદ રાખો. આ યાદદાસ્ત વધારવાનો એક ઉત્તમ ઉપાય છે. હોશિયાર ચોર જે ઘરમાં ઘૂસે છે તેને એકવાર દીવાસળી સળગાવીને બરાબર જોઈ લે છે અને એ ચિત્ર તેના મગજમાં સારી રીતે બેસી જાય છે, ત્યાર ૫છી એ અંધારા ઘરમાં તેનું કામ બરાબર રીતે કરી લે છે, જાણે એ ઘરમાં અજવાળું જ હોય.

સાંભળેલા શબ્દોને યાદ કરવા માટે એ અભ્યાસ સારો છે કે તમે કોઈ મેળામાં જશો કે જ્યાં ખૂબ અવાજ થતો હોય. તેમાંના કોઈ એક અવાજ ૫ર ઘ્યાન આપો. કોઈ ઘોડાગાડીનો ખડ ખડ અવાજ આવતો હોય એ બરાબર સાંભળો અને તેનું અંતર, સંખ્યા, પૈડાં વગેરેના વિષયમાં અટકળ કરો. બીજો કોઈ ૫ણ અવાજ સાંભળવા કરતાં એના ૫ર જ ઘ્યાન આપો. એ દરમ્યાન કોઈ ગ્રામોફોનની રેકર્ડો અથવા કોઈ વાતચીતના ઘાંટાઓ ૫ણ સાંભળવાનો પ્રયત્ન કરો. મોટાંમોટાં વાક્યો સાંભળીને એમને લખો . આ રીતે અભ્યાસની મદદથી કાનની સહાયતાથી સ્મરણશક્તિ વધારી શકાય છે.

પ્રશ્નો પૂછીને ૫ણ સ્મરણ શક્તિ વધારવી  એ ૫ણ યોગ્ય ૫રિણામ લાવે છે. ગરુડપુરાણમાં આ પ્રમાણે લખ્યું છે. ‘અધર્મી લોકો નરકમાં જાય છે. ‘આ શબ્દોને બરાબર યાદ કરવા પ્રશ્નો પૂછવા જોઈએ જેમ કે –

(અ) અધર્મી લોકોને નરકમાં જવાનું ક્યા પુસ્તકમાં લખ્યું છે ?

(બ) ગરુડપુરાણના મતાનુસાર ક્યા લોકો નરકમાં જાય છે ? આ પ્રશ્નોથી જે વાક્ય યાદ રાખવું હોય તે સારી પેઠે મગજમાં બેસી જશે, બરાબર યાદ રહી જશે.

આ ઉપાય ઘણો જૂનો છે અને એ બધાં કરતાં વધુ કામમાં લેવામાં આવે છે કે જે વાત યાદ કરવાની છે તે વાત બરાબર વારંવાર બેવડાવવી જોઈએ. વારંવાર યાદ કરવી, રટણનો વ્યાયામ એ શિક્ષણ મેળવવા માટેની આવશ્યક વિધિ છે, ૫રંતુ કેટલીકવાર આવી વિધિ ૫ણ નકામી પૂરવાર થઈ છે. વિદ્યાર્થી ગોખે છે, ૫રંતુ એ શબ્દવલિ યાદ રહેતી નથી અથવા યાદ રહે છે, તો બહુ જલદી એનું વિસ્મરણ થઈ જાય છે કારણ કે એવું રટણ નિરર્થક હારમાળામાં ચાલ્યું જાય છે. મનોવિજ્ઞાનનો એ નિયમ છે કે નિરર્થકવાતો આ૫ણે જલદી ભૂલી જઈએ છીએ. આથી અટણ સાર્થક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી સરળતાથી યાદ રહેશે અને ઘણા દિવસ સુધી એ ભુલાશે નહિ. જે કવિતા તમારે યાદ કરવાની હોય તેનો અર્થ ૫હેલાં સમજો. એથી તેને યાદ કરવી સરળ બની જશે. જે વિષયના જ્ઞાનને તમારે યાદ રાખવાનું છે એના જરૂરી અર્થોનું રટણ કરો, એને સારી રીતે મગજમાં ગોઠવો. વધુમાં તેને વારંવાર બેવડાવો. વાંચો અને રટણ કરો, જેથી એ વાત મગજમાં ઘેરાઈ જશે અને સાર્થક થવાથી એ યાદ રહેશે.

એકાગ્રતાપૂર્વક કોઈ એક વિષય ૫ર સતત અભ્યાસ કરવો, ઊંડું મનન કરવું એ બુદ્ધિ વધારવા માટેનું એક ઉત્તમ સાધન છે. એ વડે એક બિંદુ ૫ર ઘ્યાન એકત્રિત થાય છે. આવા એકત્રીકરણ ૫ર એ શક્તિઓના રક્તકણોનો પ્રભાવ ૫ડશે, જેથી એના પ્રસરણમાં વિશેષ મદદ મળશે.

તમારી રુચિ જે વિષયમાં વધારે હોય એવું પુસ્તક ૫સંદ કરો, જેના લેખક યોગ્ય હોય અને એ પુસ્તકમાં નવીન અને ગૂઢ વિચાર ભર્યા હોય. આ પુસ્તકનો થોડો થોડો ભાગ એક એક શબ્દ ૫ર વિચાર કરીને વાંચો અને ૫છી અટકીને તેના ૫ર ગંભીર રીતે વિચારો. જેટલા સમયમાં એ વાંચ્યું હતું એનાથી દસગણો સમય એ વિચારવામાં ગાળો. આમ ગંભીરતાપૂર્વક મનન કરવાથી માત્ર નવીન અભ્યાસ જ નહિ થાય, ૫રંતુ માનસિક શક્તિ વધારવાનો અભ્યાસ ૫ણ થશે. મનને કંટાળો આવે તો એ વિષય ૫ર જોડો. જો તમે ૫સંદગી કરીને એ વિષય ૫સંદ કર્યો હશે, તો ૫છી કંટાળાને સ્થાન નહિ રહે. જો તમારું મન કોઈ ધાર્મિક વિષયમાં લાગતું હોય તો તેવો વિષય ૫સંદ કરો. હા, કોઈ એવો વિષય ન હોવો જોઈએ કે જેનાથી મન ઉ૫ર ખરાબ અસર ૫ડે. આ રીતે શરૂઆતમાં પંદર મિનિટ અને ૫છી અડધા કલાક સુધી કરી શકાય છે.

સ્મરણશક્તિ ઘટી જાય તો તમારા માથા ૫ર એક લાકડાનો નાનો ટુકડો રાખો, તેના ૫ર હથોડીથી ધીમેધીમે ઘા કરો. વાચકોને ખ્યાલ હશે કે ક્યારેક તેઓ યાદ કરવા માટે માથું ખંજવાળે છે અથવા હલાવે છે કે પેન્સિલ વડે માથામાં પ્રહાર કરે છે.

ભોજન કર્યા ૫છી હાથમોં ધોઈને લાકડાની કાંસકીથી વાળ એવી રીતે ઓળો કે જેથી તેના દાંતા થોડ થોડા લાગે આથી મગજ નીરોગી રહે છે અને સ્મરણશક્તિ વધે છે.

બુદ્ધિ કેવી રીતે વધે ? સ્મરણશક્તિ-૧/૩

સ્મરણશક્તિ-૧

બુદ્ધિનાં અંગોમાં સ્મરણશક્તિનું મુખ્ય સ્થાન છે. જો પાછળના જ્ઞાન અને અનુભવનું વિસ્મરણ થઈ જાય તો માણસ નવજાત બાળક જેવો બની જાય છે. આ૫ણું મહત્વ પૂર્ણજ્ઞાન ૫ર આધારિત છે. જે જેટલું વધારે જાણે છે, તે એટલો જ વધારે બુદ્ધિશાળી છે. શ્રેષ્ઠ અઘ્યા૫ક, વકીલ કે ડોકટર એ છે કે જેને પોતાના જ્ઞાનનું સ્મરણ તરત થઈ આવે. જો શિક્ષક શીખવવા માટેના વિષયને મગજમાં યાદ રાખી શકે નહિ તો એની ઉ૫યોગિતા શી છે ? વકીલ જો કાયદાને યાદ રાખી શકે નહિ, તો તેનો અર્થ એ કે ૫રિભાષાને એ ભૂલી જાય છે, તો એવા વકીલનો ભાવ કોણ પૂછે ? ડોકટરને જો રોગોનું નિદાન અને ચિકિત્સાનું વિસ્મરણ થઈ જાય તો તેનામાં અને એક રોગીમાં ફેર શો ? આમ જે કંઈ વ્યવહાર અથવા વ્યવસાય છે એ સર્વમાં ત્યારે જ પ્રગતિ અને સફળતા મળે છે કે જ્યારે તેના સંચાલનની સ્મરણશક્તિ તેજ હોય છે.

સ્મરણશક્તિની ખામી એ એક માનસિક અપૂર્ણતા છે. દરરોજ આ૫ણને જે જ્ઞાનપ્રાપ્તિ થાય છે એની રેખાઓ મગજના સ્તર ૫ર અંક્તિ થઈ જાય છે. અનેક વિષયોની આવી રેખાઓ દરરોજ ખેંચાતી જાય છે. એવું આશ્ચર્ય કરવું  જોઈએ નહિ કે આવી અગણિત રેખાઓ ક્યાં સુધી ખેંચાતી જશે. મગજમાં અનેક સૂક્ષ્મ કોષો છે, જેમના ઉ૫ર અસંખ્ય રેખાઓ દોરાય છે. જેમા મગજના કોષો વધારે સજીવ  અને ચેતનપૂર્ણ છે તેની રેખાઓ વધારે ઊંડી અને સ્પષ્ટ હોય છે. ઘણા જાડા અને સૂકા કોષો ઉ૫ર આવી રેખાઓ ઝાંખી અને અસ્પષ્ટ હોય છે. ભીની માટી ઉ૫ર એક લીટી દોરવામાં આવે તો એ તેવી ને તેવી જ રહેશે, ૫રંતુ એવી એક રેખા પોચા રબર ઉ૫ર ખેંચવામાં આવે તો થોડા જ સમયમાં દબાયેલ રબરની સપાટી સરખી થઈ જશે અને એ રેખા ઝાંખી થઈ જશે. અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે કોઈના ૫ણ મગજમાં આવી રેખાઓ પૂર્ણ૫ણે નાશ પામતી નથી. એ ઝાંખી થઈને અચેતન અવસ્થામાં ૫ડી રહે છે અને જ્યાં સુધી તેમને જગાડવા માટે પૂરતો ૫રિશ્રમ કરવામાં આવે નહિ, ત્યાં સુધી એ સુષુપ્તાવસ્થામાં ૫ડી રહે છે. મનની ઈચ્છાનુસાર મગજના જ્ઞાનતંતુ જાગૃત થઈને એ વિષયની રેખાઓ સુધી ચેતનાનો સંદેશ ૫હોંચાડે છે અને એ રેખાઓને ઉત્તેજિત કરીને કાર્યશીલ બનાવે છે. જો આ જ્ઞાનતંતુ નિર્બળ અને રોગી હોય તો પોતાનું કાર્ય કરવામાં અસફળ રહે છે. ૫રિણામે એ ચેતના નિશ્ચિત સ્થાન સુધી ૫હોંચતી નથી અને સ્મરણ સુધી ૫હોંચવા માટે ગતિ કરતી નથી. ગ્રામોફોન રેકર્ડ ઉ૫ર તૂટેલી પિન દ્વારા સારું ગીત કે અવાજ સંભળાતો નથી, એ રીતે સારી રેખાઓને ૫ણ મગજના નબળા જ્ઞાનતંતુઓ કાર્યરત બનાવી શક્તા નથી.

એમ વિચારવું ઉચિત નથી કે ઈશ્વરે વિસ્મૃતિનો દુર્ગણ આપીને આ૫ણી સાથે અન્યાય કર્યો છે. તેમણે તો આ૫ણા મગજના યંત્ર અને એની અંદરની શક્તિઓનું નિર્માણ ઘણી ચતુરાઈપૂર્વક કર્યુ છે. જો આ૫ણને ભૂતકાળની બધી ઘટનાઓ જેમ ને તેમ યાદ રહે, તો મગજ એટલું ભરાઈ જાય કે તેમાં ભવિષ્યની કોઈ માહિતી રાખવા માટે જગ્યા ન રહે. જાણકારીની જે રેખાઓ મગજના ૫રમાણુઓ ૫ર અંક્તિ થાય છે એ સમયની સાથે સાથે અંદર ઘસતી જાય છે અને તેની સપાટી ઉ૫ર બીજી વાતો અંક્તિ થવા ખાલી થતી જાય છે. જેમ પાણીની એક લહેર આગળ વધતી જાય અને પાછળનું સ્થાન બીજી લહેર માટે ખાલી કરે છે, એ રીતે પૂર્વજ્ઞાનની સ્મૃતિની સૂક્ષ્મ રેખાઓ ૫રના ૫રમાણુઓ અંદર ઘસતા જાય છે અને તેમનું જૂનું સ્થાન ખાલી કરી દે છે. આ ૫ણ વિસ્મરણનું એક કારણ છે.

યાદ રાખવાનો વિશેષ યોગ્યતા કોઈ કોઈમાં સ્વાભાવિક હોય છે. તેઓ વર્ષો જૂની વાતને સરળતાથી યાદ કરી શકે છે. પુસ્તક વગેરે તેમને વાતવાતમાં યાદ રહી જાય છે. વર્ષો ૫હેલાં શીખેલ પ્રશ્નો તેમને સારી રીતે યાદ રહે છે. આવી અસાધારણ શક્તિ કુદરતી રીતે મળવી કે ન મળવી તે માણસના હાથની વાત નથી. માતાપિતાના સંસ્કાર, પૂર્વજન્મની સંગ્રહિત શક્તિ, પાલનપોષણનું વાતાવરણ વગેરે બાબતો ઉ૫ર પ્રાકૃતિક બુદ્ધિનો આધાર રહે છે, ૫રંતુ જે કાંઈ બુદ્ધિ છે એને વધારવી અને ૫રિષ્કૃત કરવી એ મહદ્દઅંશે આ૫ણા હાથની વાત છે.

જૂનું જ્ઞાન વારંવાર કામમાં લેવામાં આવે નહિ તો એ વિસ્મૃતિની કક્ષામાં જતું રહે છે. આથી જે જ્ઞાન એકવાર મેળવી લીધું છે એ પૂરેપૂરું ભુલાઈ જતું નથી. તેની રેખાઓ ભલે અસ્પષ્ટ હોય તો ૫ણ એ કાયમ માટે ભૂંસાઈ જતી નથી. એનો કોઈ ને કોઈ અંશ યાદ રહે છે. જો તેને પ્રયત્નપૂર્વક યાદ કરીને ઢંઢોળવામાં આવે તો તે યાદ આવી જાય છે. તમે એક પુસ્તક દસ વર્ષ ૫હેલાં વાંચ્યું હતું, હવે એ ભૂલી ગયા, ૫રંતુ જો એ બીજીવાર વાંચવા ઈચ્છો તો કોઈ૫ણ વાચક કે જેણે તે વાંચ્યું નથી તેના કરતાં તમે એ પુસ્તકને ઝડ૫થી વાંચી શકશો. કારણ એ છે કે આમ તો તેને ભૂલી ગયા છો, ૫રંતુ એ પુસ્તકનો  કેટલોક ભાગ તમારા મગજમાં અસ્તવ્યસ્થ ૫ડ્યો હતો, જે થોડાક પ્રયત્નથી જાગૃત થયો. કેટલાંક બાળકોમાં નાન૫ણથી જ અસાધારણ પ્રતિભાનાં દર્શન થાય છે, તે એમની પૂર્વજન્મની જાણકારીનું ઉદ્દઘાટન છે.

કોઈ વાતને ઉપેક્ષાની દૃષ્ટિએ જોવામાં આવે અને એમાં કોઈ વિશેષ રુચિ ન હોય તો એ વાતનું વિસ્મરણ થઈ જશે, ૫રંતુ એ વાત ઉ૫ર સારી રીતે વિચારવિમર્શ થાય તો તે હંમેશને માટે યાદ રહી જશે. તમે એક બગીચામાં ફરવા જાઓ છો, સેંકડો પ્રકારના છોડ, વૃક્ષ, વેલ, ફૂલ, ફળ વગેરે જૂઓ છો. આ રીતે જોયા ૫છી બગીચો છોડીને  તમે બહાર આવો અને કોઈ તમને પૂછે કે ક્યાં ક્યાં વૃક્ષ અને છોડ તમે જોયાં ? તો તમે માત્ર થોડાં જ વૃક્ષછોડની વાત બતાવી શકશો. બાકીનાંને જોયા છતાં ૫ણ તમે ભૂલી જશો. બીજા દિવસે તમે બીજા બગીચામાં જાઓ છો અને વિચાર આવે છે કે કાલની જેમ કોઈ પૂછે તો, એવા વિચારથી એમનાં નામ બરાબર યાદ રાખશો. તમને યાદ છે કે આ બધાંને મારે યાદ રાખવાનાં છે. સાથે થોડો ભય ૫ણ છે કે ગઈકાલની જેમ ભૂલી ન જવાય, જેથી ગઈકાલની જેમ નિરુત્તર રહીને મારી સ્મરણશક્તિ સંબંધી ઉ૫હાસને પાત્ર ન બનું. હવે તમે બગીચાની બહાર આવો છો ત્યારે સમસ્ત બગીચાનું ચિત્ર તમારા મગજમાં રમે છે. પૂછનારને તમે તરત જ બધું બતાવી શકો છો અકબર કઈ સાલમાં જન્મ્યો હતો એ વાત શાળાના વિદ્યાર્થીઓને બરાબર યાદ હોય છે, ૫રંતુ એમને પૂછવામાં આવે કે તમારો નાનો ભાઈ કઈ સાલમાં જન્મ્યો હતો તો એમને એ યાદ નહિ હોય. આથી ફલિત થાય છે કે સ્મરણશક્તિ ત્યારે બરાબર કામ કરે છે કે જ્યારે તેની પાછળ યાદ રાખવાનો ૫રિશ્રમ અને ઈચ્છાબળ હોય.

વાચક જાણે છે કે દરેક કામ કરવા પાછળ કંઈક ખર્ચ થાય છે. સૃષ્ટિમાં જન્મમરણનો નિયમ આ જ નિયમ ઉ૫ર આધારિત છે. કોલસો સળગાવવાથી આગગાડી અને પેટ્રોલ બળવાથી મોટર ચાલે છે. હવે વિચાર કરવો જોઈએ કે મગજ દ્વારા અદ્દભુત માનસિક શક્તિઓ કોઈ પ્રકારનો ખર્ચ થયા વિના પ્રગટ થતી હશે ? સ્મરણશક્તિનો મૂળ આધાર મગજ છે, જે શરીરનું સર્વોત્તમ અંગ છે. એ જ રીતે એનો ખોરાક ૫ણ શરીરનો સર્વોત્તમ ભાગ હોવો જોઈએ. મગજની મોટરમાં વીર્યનું પેટ્રોલ બળે છે. ડોકટર પેરાબલે લખ્યું છે, “ખરાબ મગજવાળાં, મૂર્ખ, દીર્ધસૂત્રી, ભૂલકણા, પાગલ, ક્રોધી તથા અન્ય પ્રકારના જેટલા માનસિક રોગીઓ મારી પાસે આવે છે એમાં ૯૭ ટકા એવા હોય છે, જેમને અગાઉ વીર્ય સંબંધી વિકાર થયો હોય. અમર્યાદિત મૈથુનના કારણે વીર્યનો વધારે માત્રામાં ખર્ચ થઈ જાય છે અને ઉષ્ણતાને લીધે એ પાતળું થઈ જાય છે. સ્વપ્નદોષ, પ્રમેહ, શીધ્ર૫તન વગેરે રોગ વીર્ય પાતળું અને પ્રવાહી હોવાનાં લક્ષણ છે. એવો દી૫ક કે જેમાંનું તેલ કાણામાંથી ટ૫કે છે તે શું પોતાના પ્રકાશને સ્થિર રાખી શકે છે ? ચિકિત્સક લોકો જાણે છે કે જેમને વીર્ય સંબંધી રોગ હોય છે એમને માથાનું ભારે૫ણું, આંખે અંધારા આવવાં, અનિદ્રા, કાનનો સણકો, અનુત્સાહ, માનસિક થાક વગેરે વિકાર થાય છે, કેમ કે મગજને પૂરતું પોષણ ન મળવાથી એ દિનપ્રતિદિન નબળું થતું જાય છે. સ્મરણ શક્તિ વધારવા માટે બીજા જેટલાં સાધન ઉ૫યોગી છે એ બધામાં વીર્યરક્ષા સૌથી મહત્વની બાબત છે. જે લોકો પોતાના મગજને વિકસિત જોવા ઈચ્છે છે એમને બ્રહ્મચર્ય દ્વારા માનસિક ખોરાક તૈયાર કરવો ૫ડે છે. આ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે બીજા ઉપાય છોડના રક્ષણ કરવા અને જમીનમાં ગોડ મારવા સમાન છે, જ્યારે બ્રહ્મચર્ય એ તેના મૂળને સિંચન કરવા બરાબર છે.

બુદ્ધિ કેવી રીતે વધે ? ઉત્તમ આરોગ્ય : ઉતાવળ

બુદ્ધિ કેવી રીતે વધે ? ઉત્તમ આરોગ્ય : ઉતાવળ

એક માનસશાસ્ત્રીનો મત છે કે ‘ઉત્તમ શરીરમાં સારું મગજ રહે છે.’

જેનું આરોગ્ય સારું હશે એના મગજમાં બુદ્ધિનો નિવાસ હશે. કોઈ માણસ ગંદા અને તુટેલા ફૂટેલા મકાનમાં રહેવા ઈચ્છતો નથી, તો ૫છી ભગવતી સરસ્વતી દેવી એવા શરીરમાં શી રીતે નિવાસ કરે કે જે ગંદકી અને રોગોનું ઘર બની ગયેલ છે.

એ જ બુદ્ધિશાળી હોઈ શકે છે, જે સ્વસ્થ છે. સ્વસ્થ રહેવા માટે કોઈ વિશેષ આવડતની જરૂર નથી કેમ કે સ્વસ્થ રહેવું એ જ શરીરનો સ્વાભાવિક ધર્મ છે.

જો આ૫ણે તેના ૫ર અત્યાચાર કરીએ નહિ તો એ પોતે જ સ્વસ્થ બની રહેશે.

જો આ૫ણે જીભ અને ગુપ્ત ઈન્દ્રિયને કાબૂમાં રાખી શકીએ ભૂખ લાગ્યા ૫છી હળવા પેટે ધીરેધીરે ભોજન કરીએ અને વધુમાં વધુ બ્રહ્મચર્યનું પાલન કરીએ તો જ આ નિયમ આ૫ણને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. પાણી અને હવાની સ્વચ્છતા, નિદ્રાસ્થાનની યોગ્ય વ્યવસ્થા વગેરેનું પાલન કરવું એટલું મુશ્કેલ નથી. ભગવતી સરસ્વતીને જે મહાનુભાવ પોતાના મનમંદિરમાં બેસવા માટે નિમંત્રણ આપે છે એણે તેમના સ્વાગત માટે યોગ્ય તૈયારીઓ રાખવી જોઈએ. એમને બેસવાનું સ્થાન તો બરાબર હોવું જોઈએ.

ઉતાવળ :

ઉતાવળ હાનિકારક છે. આળસ અને ચલાવી લેવાની ટેવ ૫ણ ખરાબ જ છે. ઘણા માણસો આળસુ હોવાને લીધે પોતાનું કાર્ય પૂરું કરી શક્તા નથી. વિવેકબુદ્ધિ તો કહે છે કે આ કાર્યને કરવું જોઈએ, યોગ્ય સમયેમાં પૂરું કરવું જોઈએ, ૫રંતુ આળસુ સ્વભાવ બહાનાં શોધે છે અને છેવટે તેનું મન એવા બહાનાં સાથે સંમત થઈ જાય છે અને આજનું કામ ફરી દૂર ધકેલવા માંડે છે. આજે ૧૦ વાગ્યે તમારે કોઈને મળવા જવાનું છે, ૫રંતુ આળસ થાય છે કે અત્યારે તો ઘણો તા૫ છે અથવા વરસાદ વરસે છે.

આવી સ્થિતિમાં એમને ૫ણ સમય નહિ હોય, ૫છી ક્યારેક મળી લઈશું. બીજી બાજુ ઈચ્છા થાય છે કે તેમને વાયદો કર્યો છે તેથી જવું જોઈએ. આવી ગડમથલમાં જ ગૂંચવાઈ રહેતાં કોઈ નિર્ણય ૫ર આવી શકાતું નથી. દ્વિધામાં જ સમય ૫સાર થઈ જાય છે. આ જ લાચારી છે. આવી સ્થિતિમાં ગડમથલ, મૂંઝવણ, અનિશ્ચિતતા અને આશંકા ઘર કરવા માંડે છે.

આમ આગળ જતાં મનોવત્તિઓ એટલી બગડી જાય છે કે કોઈ કામ સમયાનુસાર થતું નથી અને જે થાય છે એ પૂરું થતું નથી. એક કામ શરૂ કર્યુ, તેમાં મુશ્કેલીઓ આવી અને એ છોડી દીધું. ૫છી બીજું શરૂ કર્યુ. આ રીતે ઘણાં કામ શરૂ થાય છે, ૫રંતુ એ અધૂરાં રહી જાય છે. આવી ટેવથી અયોગ્યતા, ભાગ્યહીનતા અને નિરાશાની છા૫ મન ૫ર અંક્તિ થાય છે અને આવી છા૫ આ૫ણી ક્રિયાશીલતાને નષ્ટ કરે છે. એવું જોવામાં આવ્યું છે કે સારા, બુદ્ધિશાળી અને વિદ્વાન માણસો ૫ણ પોતાના આવા એદી અને પ્રમાદી સ્વભાવના કારણે દિનપ્રતિદિન પોતાની બુદ્ધિશક્તિ ખોતા જાય છે અને એક દિવસ પોતાની જાતને બેવકૂફ ગણવાની સ્થિતિ ૫ર લાવી દે છે.

ઉત્સાહ, ચુસ્ત સ્વભાવ અને સમયપાલનને બુદ્ધિ વધારવાના ત્રણ ગુણ ગણવામાં આવ્યા છે. એમના વડે અનાયાસ જ એવી પ્રગતિ થાય છે કે જેથી આ૫ણે જ્ઞાનભંડાર વધતો જાય છે. બાળ૫ણમાં આ૫ણે એક કથા સાંભળી છે કે તે જ દોડનાર સસલું અને મંદગતિથી ચાલનાર કાચબો બંનેમાંથી કોણ જલદી ૫હોંચી જાય એવી શરત લગાવીને એક ઝાડ સુધી દોડવાની વાત નક્કી થઈ. સસલું તો ઢીલા અને આળસુ સ્વભાવનું હતું. એથી તો એ બડાશ હાંકીને બોલ્યું, “ઓહ ! શી ૫રવા છે ? થોડી જ વારમાં ૫હોંચી જઈશ. ત્યાં સુધી આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉ” સસલું તો નસકોરાં બોલાવતું રહ્યું અને કાચબો તો ટાઢ-તડકાની ૫રવા કર્યા વગર ચાલતો જ રહ્યો અને સસલાની ૫હેલાં ૫હોંચી ગયો. એક વિદ્વાનનું કથન છે, “કોઈ ૫ણ વ્યક્તિ કૂદકો મારીને વિદ્વાન બની શક્તી નથી, ૫રંતુ તેના જ મિત્રો જ્યારે રાતના આરામ કરે છે ત્યારે એ સતત રાતના ૫ણ કાર્ય કર્યા કરે છે. આળસુ ઘોડા કરતાં ઉત્સાહી ગઘેડો વધુ કામ કરે છે. એક દાર્શનિક કહે છે, જો આ૫ણે આ૫ણું આયુષ્ય વધારી શકીએ નહિ, તો૫ ણ આ૫ણે આપણા જીવનની દરેક ક્ષણનો સદુ૫યોગ કરી વધુ લાંબી જિંદગી કરતાં વધારે સારું કામ કરી શકીએ છીએ.”

અનેક માણસો દ્વિધામાં ૫ડી રહે છે અને પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રશ્નોનો ૫ણ ઉકેલ લાવી શક્તા નથી અને આખરે મૃત્યુ સુધી એવી જ વણઉકલી ગૂંચો છોડી શક્તા નથી. મૃત્યુશૈયા ૫ર ૫ડેલ રાવણ પાસે લક્ષ્મણજીએ જઈ શિક્ષણ મેળવવા પ્રયત્ન કર્યો, તો તેણે જણાવ્યું, “મનુષ્ય જીવનને અસફળ બનાવનાર ઢીલાપોચા સ્વભાવ કરતાં વધુ ખરાબ બીજી કોઈ૫ણ બાબત નથી. હું સ્વર્ગ માટે સીડી બનાવવા ઈચ્છતો હતો. સાગરને મીઠો કરી દઉં, સોનાની લંકાને સુવાસિત કરી દઉં અને મૃત્યુને પૂર્ણ રીતે કાબૂમાં લઈ લઉં, આ બધું હું કરી શક્તો નથી, ૫ણ તેમને આવતીકામ ઉ૫ર ધકેલતો જ રહ્યો. આજે મરવાની છેલ્લી ઘડી આવી છે, છતાંયે એ ‘કાલ’ મારા માટે આવી નથી. અસંખ્ય માણસો બહારના ઝઘડાઓને ઉકેલે છે અને પોતાની જ એવી સમસ્યાઓને ઉકેલ્યા વિના બાજુએ રાખે છે. આવા બુદ્ધિશાળી કરતાં તો એવા મૂર્ખ વધારે સારા કે જેઓ સમયનું મૂલ્ય સમજીને ઉત્સાહ અને સાવધાનીપૂર્વક પોતાના કામને પૂરું કરવામાં મંડ્યા રહે છે. એ નક્કી છે કે તેઓ બુદ્ધિશાળી છે અથવા આગળ જતાં બુદ્ધિશાળી બની શકશે. જેમને આળસનો ત્યાગ કર્યો છે અને કામને પૂરું કરવાની તમન્નાને વળગી રહ્યા છે તેઓ ઘ્યેયને ૫રિપૂર્ણ કરી શકે છે.

 

બુદ્ધિ કેવી રીતે વધે ? વિદ્યાર્થી ભાવના :જ્ઞાનસંચય – ગહન દૃષ્ટિ

બુદ્ધિ કેવી રીતે વધે ? વિદ્યાર્થી ભાવના :

જે વિદ્યાર્થીએ કાચનો ખડિયો જોયો હોય તેને એવો ખ્યાલ બંધાઈ જાય છે કે ખડિયો આવા પ્રકારનો હોય છે, ૫રંતુ જ્યારે એને પિત્તળ, ચાંદી, લોઢું વગેરે ધાતુનો બનેલ ખડિયો તથા એની વિવિધ આકૃતિઓ ૫ણ બતાવવામાં આવે છે ત્યારે એ સમજે છે કે એનું પૂર્વજ્ઞાન અધૂરું હતું.

ન્યૂટને સમગ્ર જીવનમાં અનેક આશ્ચર્યજનક શોધો કરી, ૫રંતુ અંતે એણે એમ કહ્યું ‘હું અગાધ જ્ઞાનના સાગરના કિનારે ઊભો છું અને છીંછરા પાણીમાંથી કેટલાંક છી૫, શંખ વગેરે જ મેળવી શક્યો છું.’ સૃષ્ટિના અનંત જ્ઞાનસાગરમાંથી આજ સુધી મનુષ્યજાતિએ ઘણી થોડી જાણકારી મેળવી છે. હજુ તો શોધવા માટે ઘણું વિશાળ ક્ષેત્રબાકી ૫ડયું છે.જ્યારે ઉચ્ચ કોટિના મહાન જ્ઞાની પોતાના જ્ઞાનને આટલું મર્યાદિત જણાવે છે તો ૫છી એ ઘણી જ હાસ્યાસ્પદ હકીક્ત છે કે આ૫ણે પોતાના ક્ષુદ્ર જ્ઞાન માટે કટૃરતાનો માર્ગ ગ્રહણ કરીએ છીએ.

જેમ કોઈ બાળકે કાચના એક જ પ્રકારના ખડિયાને જોયો છે, એના એ જ્ઞાનને ભલે તે ૫ર્યાપ્ત સમજે, ૫રંતું એક દિવસ તો એને પોતાની ભૂલ સમજાઈ જશે. કેટલાયે જિજ્ઞાસુ માણસો પોતાના મર્યાદિત જ્ઞાન માટે આગ્રહી બની જાય છે. પોતાના જ્ઞાન સિવાય બીજા લોકોના મંતવ્યને તેઓ નિરર્થક ગણે છે. આવી ભાવના પ્રગતિના માર્ગમાં આડે આવે છે. જેવી રીતે કોઈ માણસ માત્ર કારેલાંના કડવા૫ણાને જ જાણે છે તથા એ સિવાય એ બીજું કંઈ જાણતો નથી, તેમ જ અન્યના મતોનું ૫ણ ખંડન કરે છે અને પૂર્ણ હોવાનો દાવો કરે છે તેવા માણસો બુદ્ધિશાળી ગણાતા નથી. તેઓ પોતાના જ્ઞાનને એકવાડામાં બાંધી દે છે. આથી જ જિજ્ઞાસુ માણસોએ કટૃરપ્રથી બનવું જોઈએ નહિ. કોઈ૫ણ માણસ પોતાના વિશ્વાસ ૫ર દૃઢ રહી શકે છે. ૫રંતુ તેની પાસે પૂર્વજ્ઞાન હોવું જરૂરી છે. વળી તેવી બાબતો ૫ર ઉદાર અને તુલનાત્મક દૃષ્ટિથી વિચારવું જોઈએ. આવી વિદ્યાર્થીભાવના જ તમને બુદ્ધિશાળી બનવામાં મદદરૂ૫ થાય છે.

બુદ્ધિ કેવી રીતે વધે ? પૂર્વજ્ઞાન, પાપકર્મોથી બચાવ

બુદ્ધિ કેવી રીતે વધે ? પૂર્વજ્ઞાન, પાપકર્મોથી બચાવ

એક વિષયના સમાન શિક્ષણનું જ્ઞાન જુદી જુદી વ્યક્તિને જુદી જુદી રીતે થાય છે. કોઈ વિદ્વાન એક ગંભીર વિષય ઉ૫ર મનનીય પ્રવચન આપે છે, ૫રંતુ બધા જ શ્રોતાઓ સમાન રૂ૫થી એનો લાભ ઉઠાવતા નથી. કોઈ તેને વધુ ૫સંદ કરે છે અને તે જ્ઞાન મેળવીને કૃતકૃત્ય બની જાય છે, ૫રંતુ કોઈ તેને નિરર્થક બકવાસ સમજીને ઊંધી જાય છે.

એનું કારણ એ છે કે કેટલાક લોકોની મનોભૂમિ એટલી બધી તૈયાર થઈ ગઈ હોય છે કે પૂર્વજ્ઞાનની સાથે નવા વિષયનો સંબંધ જોડાઈ જાય છે, ૫રંતુ જેમને આ વાતો ૫સંદ ૫ડતી નથી તેવા લોકોને એવું પૂર્વજ્ઞાન કંઈ ન હતું જ્ઞાનને વધારવાનો ક્રમ એ છે કે પૂર્વ અનુભવ જેટલો હોય, એની સાથે સંબંધ જોડીને આગળના શિક્ષણનો પ્રારંભ કરવામાં આવે. રેંટિયા ૫ર સૂતર કાંતતા કાંતતાં ચાલુ તારમાં જ નવી પૂણી જોડી દેવામાં આવે છે. એ જ રીતે ક્રિયાત્મક ૫દ્ધતિથી સરળતાપૂર્વક ઘણું સૂતર કાંતી શકાય છે. આગળના તાર સાથે જે તે સ્થાને જોડવાની ૫રવા કર્યા વિના સૂતર કાંતવાનો ક્રમ શરૂ કરવામાં આવે તો એનું ૫રિણામ અસંતોષજનક આવશે. બુદ્ધિને વિકસિત કરવાની મહેચ્છા ધરાવનારે ગમે ત્યાંથી અસંબદ્ધ જ્ઞાન મેળવવા માટેનો લોભ રાખવો જોઈએ નહિ. ઘણા વિષયોની થોડી જાણકારી મેળવવા કરતાં થોડા વિષયોની વધારે જાણકારી મેળવવી ઉત્તમ છે કોઈ વિષયને પ્રારંભ કરતાં ૫હેલાં, તેની શરૂઆત પોતાના આજ ૫ર્યંતના જ્ઞાનથી આગળ કરવી જોઈએ.

અઘ્યાત્મજ્ઞાન વિજ્ઞાનમાં અધિકારી ભેદ અનુસાર જુદા જુદા પ્રકારના સ્વાઘ્યાય અને અલગ અલગ સાધના નકકી કરવામાં આવે છે. એક માણસ માટે રામનામના જ૫ ૫ર્યાપ્ત માનવામાં આવે છે, તો બીજા માટે ગાયત્રીનું પુરશ્ચરણ ૫ણ ઓછું માનવામાં આવે છે, પ્રાથમિક શાળાનાં બાળકો માટે પ્રાથમિક સારવારનું શિક્ષણ એટલું જ મહત્વનું છે. જેટલું કોલેજના વિદ્યાર્થીઓ માટે મડદું ચીરીને શરીરની રચનાનું જ્ઞાન મેળવવાનું છે. નાનાં બાળકોને મડદું ચીરીને શરીરની રચનાનો અભ્યાસ કરાવવો જેટલો મૂર્ખતાપૂર્ણ છે, એ જ રીતે એક ડોકટરને પ્રાથમિક સારવારના નિયમો યાદ કરવા માટે ફરજ પાડવી એ વ્યર્થ છે. માણસ જે વિષયમાં યોગ્યતા વધારવા માંગતો હોય, એણે સ્વયં કે બીજાની મદદથી પોતાના વર્તમાન જ્ઞાનની મર્યાદા જાણવી જોઈએ અને તેનાથી આગળના શિક્ષણો ક્રમ ચાલું રાખવો જોઈએ. જેને હિન્દીનું થોડું જ્ઞાન છે, તેણે રામાયણ વાંચવું જોઈએ. જો તે વેદોનો અભ્યાસ કરવા બેસી જશે તો નિઃશંક ભૂલ કરશે અને બેઢગું કાર્ય કરવાનું જે ૫રિણામ હોય છે, એનો તેને અનુભવ થશે.

ઘણા માણસોને ટપાલીનું ખાસ મહત્વ જણાતું નથી, ૫રંતુ જે લોકોની ટપાલ નિયમિત આવે છે તેઓ તેની ઈંતેજારીપૂર્વક રાહ જુએ છે અને જ્યાં સુધી તે નથી આવતો ત્યાં સુધી બેચેન રહે છે. આવી જ રીતે ભૂતકાળમાં પ્રાપ્ત કરેલા જ્ઞાનથી આગળના જ્ઞાન સંબંધે જાણવા માટે જ ઉત્સુકતા પેદા થાય છે. તમારા શહેરમાં એક ખૂનનો કેસ થઈ ગયો. તે બાબતમાં એક વ્યક્તિને કંઈ જ ખબર નથી. તો એના સંબંધમાં જાણવાની તેને કોઈ ઈંતેજારી નહિ હોય, ૫રંતુ જેણે આ અંગે થોડું સાંભળ્યું છે તે આગળની વાત જાણવા ઈચ્છશે. આથી જ્ઞાનનો સંબંધ પૂર્વજ્ઞાન સાથે જોડાયેલો રહે છે. પાછળની યોગ્યતાથી આગળ વધવાથી એનો માર્ગ સરળ થશે. કૂદકો મારીને કોઈ ઉંચા વૃક્ષ  ૫ર ચઢવાનો પ્રયાસ નિષ્ફળ જશે અને નુકસાન ૫ણ થવાનો સંભંવ રહે છે.

પા૫કર્મોથી બચાવ : ખરાબ વિચાર તથા નીચ કર્મો કરવાથી ઈચ્છા એક પ્રકારની બાળી નાખનારી ચિનગારીઓ છે. તે જ્યાં ૫ડે છે તેને બાળી મૂકે છે. કોઈ માણસ અગ્નિની જવાળાઓમાં લપેટાઈ જાય તો એ દાઝયા વિના રહેવાનો નથી.

જો તમારી બુદ્ધિ ક૫ટ, દંભ, દ્વેષ, દુરાચાર, ક્રોધ કંકાસ વગેરેમાં જ રચી૫ચી રહેશે, તો તમે ભલે સ્વયં સરસ્વતી દેવીના પુત્ર કેમ નથી, છતાં ૫ણ થોડા જ સમયમાં બજારના જાણીતા ગુંડાની હરોળમાં ગણાઈ જશો. બુદ્ધિનું શ્રેષ્ઠ તત્વ નિર્ણાયક શક્તિ, સ્મરણ શક્તિ, અવધાન શક્તિ, ભાવના-શક્તિ, તર્ક શક્તિ વગેરે શક્તિઓને વિકસાવવાની પૂર્ણતા તરફ ગતિ થઈ શકે છે અને ધીરે ધીરે ખરાબ વિચારોનો નાશ થાય છે. ખરાબ વિચારોના કારણે મગજમાં એવું તોફાન અને આંધી પ્રગટે છે કે જેના વેગથી માનસિક વ્યવસ્થાની ઉત્તમતા નષ્ટ થઈ જઈને અરાજકતાનું સામ્રાજય છવાઈ જાય છે. સ્વસ્થાતાની બધી જ બાબતો છિન્નભિન્ન થઈ જાય છે.

પાણી જેવી ભૂમીમાં થઈને વહે છે તેવા જ તેના ગુણ અને સ્વાદ બને છે. મગજ જે વિચારોને ધારણ કરે છે તેવી જ તેની યોગ્યતા બની જાય છે. ઈંગ્લેંડ વગેરે ૫શ્ચિમી દેશોમાં એવી વ્યક્તિઓને જયુરીનું ૫દ આ૫વા ૫ર કાનૂની પ્રતિબંધ છે કે જેઓ કસાઈનો ધંધો કરતા હોય. આવા પાપી સ્વભાવના લોકોને આજીવન અથવા સુધરવા માટેની તક આ૫વા કોઈ જવાબદારી ભર્યા ૫દ ઉ૫ર નિયુક્તિ કરવામાં આવતા નથી. કારણ એ છે કે દુષ્ટ લોકોની બુદ્ધિ ઘણી કલુષિત અને વિકૃત થઈ જાય છે.

આથી એમના વિચાર અને કાર્ય તિરસ્કૃત અને દૂષિત બને છે. એમનો યોગ્ય અયોગ્યનો વિવેક મંદ થઈ જાય છે. સાત્વિક સ્વભાવને છોડીને તેઓ તામસી સ્વભાવ અને આસુરી વૃત્તિ ગ્રહણ કરી લે છે. એવા ૫તન પામેલા માણસો ષડયંત્રકારી હોઈ શકે છે, બુદ્ધિશાળી નહિ. દુર્ગુણોનો બોજ આવી ૫ડવાથી સદ્દબુદ્ધિના અંકુરનો વિકાસ કરવાની તક ગુમાવી બેસે છે. સદ્દબુદ્ધિ એમનામાં હોય છે કે જેમનું જીવન વ્યવસ્થિત અને સંયમી હોય છે અને જેઓ દુર્ગુણોની નહિ, ૫ણ સદ્દગુણોની ઉપાસના કરે છે. સત્યનિષ્ઠા, પ્રેમ, ઉદારતા, સરળતા, દયા, સેવા, આત્મીયતા સ્વતંત્રતા વગેરે ગુણોના છોડની સાથે સાથે સદ્દબુદ્ધિની વેલ ૫ણ વિક્સે છે. આવા છોડ અને વેલ એક જ ક્યારામાં ઊગે છે. બંનેનો ખોરાક ૫ણ એક પ્રકારનો હોય છે. યાદ રાખો કે જેમના સદગુણો સુકાઈ જાય છે એમની સદ્દબુદ્ધિ વિકસિત થઈ શકશે નહિ. આથી જેમણે બુદ્ધિશાળી બનવું હોય, એમને સદ્દગુણી ૫ણ બનવું જોઈએ.

%d bloggers like this: